Archive for ડિસેમ્બર, 2017

ઘૂંઘટકા પટ ખોલ રે (૧૫)

ડિસેમ્બર 29, 2017
એક વાર ચંપાના એ ઝાડ નીચે બે બહેનોને ઘણી વાતો થઈ. “અસ્મિતા, આ ભિક્ષુક કેટલું સરસ ભજન ગાય છે,” આરતીએ કહ્યું. “ભજન જ સરસ છે. મેં બાપુને કેટલીયે વખત એ ભજનની રેકર્ડ લાવવા કહ્યું, પણ ભૂલી જાય છે,” અસ્મિતા બોલી.
આરતીના મુખ પર મંદ મંદ સ્મિત ફરક્યું.
“એ ભિક્ષુકના ભાવભર્યા મુખમાંથી એ સુંદર ભજન સંભળાય છે એની આગળ રેકર્ડમાંથી નીકળતું ભજન ફીક્કું લાગે! સાચું કહું બહેન, મને એ ભિક્ષુકમાં કબીરજીનાં દર્શન થાય છે. એનું નામ પણ કબીર જ છે. એ ભજન ગાતાં એના ગાલ લજ્જાથી રાતા થતા મેં જોયા છે!

ઘૂંઘટકા પટ ખોલ રે (૧૪)

ડિસેમ્બર 27, 2017
અસ્મિતાને ક્યારેક આ આરતી-ભિક્ષુકની દોસ્તીથી હસવું આવી જતું, પણ મોટી બહેનને એ કેવી રીતે રોકી શકે? ભિક્ષુકની વાતમાં એને બહુ રસ તો નહોતો પડતો પણ પેલું ભજન એને ગમતું – એ ભજનનો ભાવ જ એવો હતો. આખરે અસ્મિતા પણ છોકરી તો ખરીજને! આવું સુંદર ભજન એને કાં ન આકર્ષે. અને એટલે એ ભજન સંભળાવવા જ એ ભિક્ષુક વારે વારે આવે તો કેવું સારું એમ એ ઈચ્છી રહેતી.

ઘૂંઘટકા પટ ખોલ રે (૧૩)

ડિસેમ્બર 26, 2017

થોડાએક મહીના વીત્યા. આરતીના સગપણની વાત લગભગ નક્કી થઈ ગઈ. એના પતિદેવ કોણ હતા, કેવા હતા એની આરતીને કશી ખબર ન પડી. એ પરવા પણ નોહોતી કરતી… એના માટે આટલું જ બસ હતુંઃ એની આંખો પિયાનું દર્શન કરવાની હતી અને એના મોંઘેરા પ્રિતમ એની આરતી સ્વીકારવાના હતા. પેલા એના પ્યારા ભિક્ષુકના ભજનમાં એનું સર્વસ્વ હતું.

ઘૂંઘટકા પટ ખોલ રે (૧૨)

ડિસેમ્બર 22, 2017
અને આરતીએ પર્સમાંથી એક રૂપિયાની નોટ કાઢીને ભિક્ષુકના હાથમાં મૂકી. ભિક્ષુક આશીર્વાદ આપીને ચાલતો થયો. આરતીને લાગ્યું કે આ ભિક્ષુક રોજ આવીને આવું ગાય તો કેટલું સરસ. અને સાચેજ એ રોજ આવવા લાગ્યો. આરતીને એની સાથે દોસ્તી બંધાઈ ગઈ. જે વાતો એ ઘણી વાર એની સગી બહેનને પણ નહોતી કહેતી એ વાતો એ ભિક્ષુકને કહેવા લાગી. એને પોતાનો પૂજ્ય વડીલ માનવા લાગી.

ઘૂંઘટકા પટ ખોલ રે (૧૧)

ડિસેમ્બર 18, 2017
પેલો ભિક્ષુક નજીક આવવા લાગ્યો. એના બાગ પાસેની સડક પર આવતાં એણે એને અંદર બોલાવ્યો.  એ બોલી, “બાબા, પેલું ભજન ફરીથી ગાઓને.”
“કયું?”
“કબીરજીનું પેલું ભજન, તમે ગાતા હતાને? કેવું મધુર છે એ ભજન.”
“બહેન, કબીરજીનો હું તો ભક્ત છું. એ ભજન માટે મને ખૂબ પ્રેમ છે.”
અને એ ભિક્ષુક હ્રદય અને આત્મા રેડીને ગાવા લાગ્યોઃ
“ઘૂંઘટકા પટ ખોલ રે તોહે પિયા મિલેંગે…”

“ઘૂંઘટકા પટ ખોલ રે (૧૦)

ડિસેમ્બર 15, 2017
એ વખતે દૂર દૂર કોઈ ભિક્ષુક ગાતો ગાતો જતો હતોઃ “ઘૂંઘટકા પટ ખોલ રે તોહે પિયા મિલેંગે…
આસ્તેથી આછેરો ઘૂંઘટ આરતીએ ખોલ્યો અને એની મીન જેવી ચકોર આંખો પિયાની શોધમાં આજુબાજુ ઘૂમી વળી, જવાબમાં અનિલ ફરીથી જરા સૂસવ્યો અને સાડીને સેરવવા મથ્યો. ખોલેલો ઘૂંઘટ એણે ખોલેલો જ રાખ્યો. સાથે જ મનમાં તોફાન પહેલાંનો એક તરંગ ઊઠ્યો, ‘ઘૂઘટ ખોલ્યા પછી પવનના તોફાનથી ક્યાંક તાંડવ આરંભાશે તો?’ અને એ પળભર ધ્રુજારી અનુભવી રહી.

ઘૂંઘટકા પટ ખોલ રે (૯)

ડિસેમ્બર 14, 2017
“બહેન, હું નાની છું એટલે શું કહું? કહું તો ખોટું દેખાય, બાકી આપણા રિવાજો મને જરાય પસંદ નથી. તને પસંદ છે?” અને બહેનને વિચારમાં મૂકી અસ્મિતા માબાપની વાતો સાંભળવા બાજુના ખંડમાં ચાલી ગઈ. ચંપાના વૃક્ષનાં પાંદડાં પવનની આછી લહેરીઓમાં હાલ્યાં… સમીરે પાંદડાંમાં નર્તન કરી આરતીના મુખ પર સાડી સેરવી… આછેરો ઘૂંઘટ શોભી રહ્યો.

ઘૂંઘટકા પટ ખોલ રે (૮)

ડિસેમ્બર 13, 2017
“બહેન, તારાં લગ્નની વાત થાય છે. તું કેમ કંઈ બોલતી નથી?
“હું શું બોલું?” આરતીના મોં સામે અસ્મિતાએ જોયું તો શરમથી એ રાતું થવા માંડ્યું હતું.
“હું હોઉં તો જાતે જ પતિને પસંદ કરી લઉં. તુંં કેમ આમ મૂંગી બેસી રહેે છે?”
આરતીના મોં પર શરમ એટલી બધી તરવરતી હતી કે એ કંઈ ન બોલી શકી.

ઘૂંઘટકા પટ ખોલ રે (૭)

ડિસેમ્બર 9, 2017
અસ્મિતા હવે મોટી થતી જતી હતી. ધીરે ધીરે એને બહેનના કેટલાક વિચારો ન ગમ્યા. બધાં બાળકોના વિચારો એમની બાલ્યાવસ્થામાં એક હશે કદાચ પણ એ જ બાળકો મોટાં થયા પછી એમના વિચારો એકસરખા નથી રહેતા. એટલે જ બાળકોના હૃદયમાં ભગવાન નિર્દોષતા રૂપે વસે છે એમ મનાય છે.
આગલા ખંડમાં એક વખત બા અને બાપુજી આરતીનાં લગ્નની જ વોતો કરતાં હતાં. ચોપડી વાંચતાં વાંચતાં આરતી શરમાઈને બાગમાં ચંપાના ઝાડ નીચે આવી ગઈ. અસ્મિતા પણ બહેનની પાછળ પાછળ આવી.

ઘૂંઘટકા પટ ખોલ રે (૬)

ડિસેમ્બર 8, 2017
આરતી અઢારમા વર્ષમાં આવી. અસ્મિતા સોળ જ વર્ષની હતી. બાળપણમાં બે બહેનોની ઉંમરમાં જે ફરક ન વર્તાતો તે હવે વરતાવા લાગ્યો. આરતી ઝડપથી મોટી થતી હોય એમ લાગવા માંડ્યું. આરતીને પણ યૌવનના આછા આછેરા અનુભવો થવા લાગ્યા. આરતીના સગપણની વાતો એનાં માબાપ ક્યારનાંય કરવા માંડ્યાં હતાં એ અસ્મિતાના ધ્યાનમાં ઝટ આવી ગયું. આરતીને એનો આછો ખ્યાલ આવેલો પણ એની કંઈ અસ્પષ્ટ વાત સાંભળતાંય એના ગાલે શરમના શેરડા પડતા, અને મુખ પર લજ્જાથી સાડી જરા સરકી નાનકડો ઘૂંઘટ બનાવતી!