ઘૂંઘટકા પટ ખોલ રે (૨૨)

માર્ચ 28, 2018

“બહેન આરતી, તારા નસીબમાં કોણ જાણે કોનીય આરતી ઉતારવાની હશે. ઘૂંઘટપટમાં મુખડું છુપાવે છે એમ તારાં દુ:ખડાંય નહીં છુપાવતી. આરતી, તારી નાની બહેન છું તોય આજની જેમ તારો ઘૂઘટ ખોલી બધુંયે જાણી લઈશ. હજુ તું આ અસ્મિતાને ઓળખતી નથી.”

“ઓળખું છું બહેની, મારી બહેની… તારી હિંમત અને મારા માટેનો પ્રેમ જાણી તારી બહેન બનવા બદલ ગૌરવ લઉં છું…” અને એની આંખમાં ફરી બે બિંદુ દેખાયાં.

ઘૂંઘટકા પટ ખોલ રે (૨૧)

માર્ચ 21, 2018
દૂર દૂરથી પેલો ભિક્ષુ ફરી એનું એ જ ભજનગાતો ગાતો જતો હતો.અસ્મિતાએ આરતીનો ઘૂંઘટ આસ્તેથી ખોલ્યો ત્યારે એની આંખોમાં શરમને બદલે નાનકડાં બે બિંદુઓ ચમકતાં હતાં.
“બહેન, મારી વાત ન ગમે તો માફ કરજે. મને લાગે છે કે આના કરતાં તો બાપુજીએ મને ન ભણાવી હોત તો સારું! કેમ જાણે કેમ… બાપુજીનો બોલ ઉથાપવોય નથી ગમતો, સ્વીકરવોય નથી ગમતો.

ઘૂંઘટકા પટ ખોલ રે (૨૦)

માર્ચ 17, 2018
“તમને જોવા એ નહીં આવે… છબીથી જ મન મન્નવશે.”
“એમ?” અને એ વધુ પૂછી ન શકી. સાડી ફરીથી સરકી આરતીના મુખપ્રદેશને ઢાંકી રહી.
“આપણા સમાજમાં કેવો અન્યાય થાય છે. બહેન, તારી છબી એ જોશે, ટીકી ટીકીને જોશે , અને તારે તો એનાં દર્શનેય નહીં કરવાનાં! એ ધારે તો અહીં આવીને તારો ઘૂમટો ખેંચી તને મન ભરીને જોઈ શકે, ત્યારે તારે ઘૂમટામાં મુખડું છુપાવી રાખવાનું, શરમાવાનું, શરમ ના આવે તોયે એવો ઢોંગ કરવાનો! બાપુ પાસે જઈ એ એની પસંદગીની ગુલબાંગો ઉડાવે ત્યારે તારે તારી પસંદગીનો એક હરફ માત્ર નહીં ઉચ્ચારવાનો! આ તે કેવો ઘોર અન્યાય કહેવાય, આરતી.”
“અસ્મિતા, તું ખરેખર અસ્મિતા છે. તારાં લગ્ન આવતાં જરૂર એમ કરજે. હું સહકાર આપીશ. પણ મારી તો હિંમત નથી ચાલતી એમ કરવાની.”

ઘૂંઘટકા પટ ખોલ રે (૧૯)

માર્ચ 10, 2018
“અસ્મિતા, આમાંથી મારી છબી ક્યાં ગઈ? નક્કી આ તારાં જ તોફાન લાગે છે!”
“શું આરતીબહેન, તમેય… પિયાને મેળવવા તો તમે જ અધીરાં છોઅ અને મારા માથે પાડો છો? “
આરતી આમાં કશું ન સમજી. શરમની જગાએ ગુસ્સાની આછી રેખાઓ આવી. “અસ્મિતા, તને કેટલી વાર કહું? મને પજવ નહીં. સાચો જવાબ આપને. ક્યાં ગઈ મારી છબી?”
“આરતીબહેન, બાપુજીએ એ છબી તો મોકલાવી દીધી.”
“ક્યાં?”

ઘૂંઘટકા પટ ખોલ રે (૧૮)

માર્ચ 8, 2018
અસ્મિતા ચંપાના ઝાડ નીચે જઈને પુસ્તક વાંચવામાં મશગૂલ થઈ ગઈ. પાણી પાઈ રહીને આરતી ઘરમાં ગઈ ને બાપુના ટેબલ પાસે ગઈ. એનું દિલ ધીમું ધીમું ધબકતું હતું. હમણાંથી અસ્મિતાના સગપણની વાતો સાંભળી એનું હૈયું નર્તન કરતું હતું. એનું મુખ શરમના શણગારથી શોભી ઊઠતું.
ટેબલ પર નજર જતાં જતાં એની છબી વાળી ફ્રેમ એણે જોઈ. એમાં એની છબી નહોતી! એ ઘડીભર ચમકી ઊઠી, અને બહાર ગઈ.

ઘૂંઘટકા પટ ખોલ રે (૧૭)

માર્ચ 7, 2018
અને એ બોલવા જતી હતી ત્યાં જ આરતી બોલી ઊઠીઃ “આ બાબતોમાં આપણાં બા બાપુ આપણા કરતાં વધુ સમજે. આપણે શું ચિંતા કરવી? અને ઝારી લઈને પાણી સીંચવાઆરતી નીચી નમી… સાડિનો છેડો એ વખતેય એના મુખ પર સરકી પડ્યો. દૂર દૂરનું ભિક્ષુનું ગાન એને એ વખતે કેવું કર્ણમદુર લાગ્યું.

ઘૂંઘટકા પટ ખોલ રે (૧૬)

માર્ચ 5, 2018
“તારો વહેમ છે એ તો, એ તો વૃદ્ધત્વની રેખાઓ.”

“પણ એ રેખાએ રેખાએ દુનિયાદારીના અનુભવ ભર્યા છે. અસ્મિતા, મને એનું ભજન ખૂબ ગમે છે.” અને પાછી અસ્મિતા માતાપિતાની વાતો સાંભળવા ચાલી ગઈ.
આમ ઘણીવાર બનતું.ંચંપાનું ઝાડ આ બહેનોની વાતોનું એક સાક્ષી હતું.
એ સાંજે છોડવાને આરતી પાણી પાતી હતી ત્યારે અસ્મિતાએ એને કહ્યું, “પણ તારું સગપણ બાપુજીએ નક્કી કરી નાખ્યું છે, તને પૂછ્યા વિના જ! તું તે કેવી કહેવાય? હું હોઉં તો…
(વધુ હવે પછી…)

ઘૂંઘટકા પટ ખોલ રે (૭)

માર્ચ 5, 2018
નોંધઃ આ વાર્તાનો સાતમો હપ્તો પોસ્ટ કરવાનો રહી ગયેલો એ પોસ્ટ કરૂ છું. ભૂલ બદલ ક્ષમાયાચના.

અસ્મિતા હવે મોટી થતી જતી હતી. ધીરે ધીરે એને બહેનના કેટલાક વિચારો ન ગમ્યા. બધાં બાળકોના વિચારો એમની બાલ્યાવસ્થામાં એક હશે કદાચ, પણ એ જ બાળકો મોટાં થયા પછી એમના વિચારો એકસરખા નથી  રહેતા. એટલે જ બાળકના હૃદયમાં ભગવાન નિર્દોષતા રૂપે વસે છે એમ મનાય છે.

આગલા ખંડમાં એક વખત બા અને બાપુજી આરતીનાં લગ્નની જ વાતો કરતાં હતાં. ચોપડી વાંચતાં વાંચતાં આરતી શરમાઈને ચંપા નીચે આવી ગઈ. અસ્મિતા પણ બહેનની પાછળ પાછળ આવી.

આ વાર્તા નથી! (૨)

માર્ચ 3, 2018
પણ મને ખાત્રી  જ છે કે મારી આવી એકે એક વાર્તા એક વખત તો અચૂક પ્રકટ થવા માંડશે, ને તેય સામાન્ય માસિકોમાં નહીં પણ સર્વશ્રેષ્ઠ માસિકોમાં. તંત્રીઓ મારી વાર્તા મેળવવા માટે મારા મારા બંગલાનાં પગથિયાં ઘસી નાખશે. મને વાર્તાનું વાતાવરણ પૂરૂં પાડવા માટે સ્ત્રીઓ મારી આજુબાજુ ઘૂમ્યા કરશે. રોજ રોજ અસંખ્ય રૂપસુંદરીઓ મારા પર ખાનગી પત્રો લખશેઃ ‘મને તમારી વાર્તાઓથી પ્યાર છે… મારી સાથે લગ્ન કરશો?’ ને હું અવશ્ય એમની મુલાકાત લઈશ, ને એક એક મુલાકાતમાંથી એક એક વાર્તા સર્જીશ. હું સર્વશ્રેષ્ઠ વાર્તાકાર બની જઈશ. મારાં પુસ્તકો સેંકડોની સંખ્યામાં બહાર પડશે ને લાખ્ખોની સંખ્યામાં વેચાશે. વંચાશે.
ઊગતા લેખકો મારી આજુબાજુ વીંટળાશે. વાર્તાકલાનો કસબ શીખવા ટોળે ટોળાં મારા બંગલામાં ઊભરાશે. હું એક આશાસ્પદ લેખકને શોધી કાઢીશ ને એને મારી કલાનો ભેદ શીખવીશ.
‘લખો, ખૂબ લખો, ને લખતાં તમને આવડી જશે,’ આ એક ભેદ.
‘વાંચો, લખેલું ખૂબ વાંચો, ને તેમાંથી ઓછામાં ઓછું રહેવા દો–જે તમને ખૂબ ગમે તે જ,’ બીજો ભેદ.
‘ને છેવટે તમને ગમે, ખૂબ જ ગમે, તેને જ પ્રગટ કરો,’ત્રીજો ભેદ.
આ તો ખૂબ અઘરૂં લાગે છે, ખરૂંને? પણ આ રસ્તો લાગે છે એટલો અઘરો નથી જ. કીમિયો બતાવું?
શરૂઆતમાં એમ જ કરો અને તમારી કલમથી અપૂર્વ કૃતિઓ સર્જાશે, જે તમારા વાચકવર્ગને વિશાળ બનાવી દેશે. તમને પ્રતિષ્ઠાના શિખર પર બેસાડી દેશે. તમે મહાન વાર્તાકાર બની જશો.
યાદ રાખો કે સામાન્ય લેખકો પણ સુંદર લખતા હોય છે, પણ જે લખે છે એ બધું જ સુંદર કે શ્રેષ્ઠ હોય છે, એવું કશું નહીં, ને એટલે જ એ લેખકો ને એમની કૃતિઓ પણ સામાન્ય જ રહે છે.
પણ જે લેખક એકાદ કૃતિ અસામાન્ય લખી નાખે છે એ લાખ્ખોનો લાડીલો બની જાય છે. ને પછી એ લાખ્ખો વાચકોને એની અન્ય કૃતિઓ વાંચ્યા વિના નથી જ ચાલતું. એ અન્ય કૃતિઓ પેલા સામાન્ય લેખકની સુંદર કૃતિઓ જેવી જ હોય છે છતાંય એ અસામાન્યમાં ખપે છે! સવાલ કૃતિઓની ગુણવત્તાનો નથી રહેતો, એના સર્જકે એક વખત હાંસલ કરેલી બેનમૂન સિદ્ધિનો રહે છે.
ને એવા લેખકોની પછી તો બધી જ કૃતિઓ પ્રગટ થયે જ જાય છે… હા, એ અતિસામાન્ય ન બની જાય એનો એણે સતત ખ્યાલ તો રાખવો જ જોઈએ. નહીં તો એની મેળવેલી પ્રતિષ્ઠા જોખમાય.
પણ એ વાત તો સહેલી લાગે છે ને?
તમે કહેશો, ‘હા.’ હું પણ ‘હા’ જ કહું છું. કારણ કે ‘હા’માં જ જવાબ આવે એ રીતે મેં પ્રશ્ન કર્યો છે, ને એનો હું ‘ના’ જવાબ આપું તો તમે હસો.
પણ તમે હસવાના જ છો એની મને ખાત્રી જ છે, કારણ કે એ વાત સહેલી જ હોત તો મેં જ ક્યારની અમલમાં મૂકી હોતને! ને મૂકવા પ્રયત્ન કર્યો છે એમ આ કૃતિ પરથી પણ તમને લાગશે, કારણ કે હું આ ‘વાર્તા’ નથી લખતો… બીજું જ કંઈ લખું છું, ને મનને ગમે યા ન ગમે છતાંય લખું છું, કારણ કે એ કંઈક નવું છે, ને નવું લઈ આવનાર ઝટ પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ  પામે છે એ તો સનાતન નિયમ છે!
ને મને આ લખાણ નથી ગમતું એ જ મોટી ખામી છે ને! આ ગમતું હોત તો મેં ગણાવેલું મહત્તાનું  એ પહેલું સોપાન ગણાત… પણ શું કરૂં? સંપાદકને એ ગમે છે, ને એટલે જ પ્રકટ થાય છે!
પ્રકટ નહીં થાય તો હું માનીશ કે મને ને સંપાદકને ન ગમી. પણ હજારો વાચકોને એ ગમત એનું શું? ને એટલે આને પ્રસિદ્ધ તો કરવું જ જોઈએ, પણ આટલા ખુલાસા સાથેઃ
“આ વાર્તા નથી.”  
(સંપૂર્ણ)

આ વાર્તા નથી!

માર્ચ 2, 2018

‘આ વાર્તા નથી’ એમ કહી વાર્તા જ કહેવાની કલા પણ હવે તો જૂની થઈ ગઈ! ને એટલે જ વાર્તા વાંચવાની ઈચ્છા હોય તો ઉપર ઉપર નજર ફેરવવાને બદલે… ના, ના, પાનું ઉલટાવી નાખો છો? એના કરતાં વાંચી જ નાખોને!

આ વાર્તા નથી. નથી જ વળી! આને વાર્તા કોણ કહેશે? ને જ્યાં લેખક જ એને વાર્તા ગણાવવા તૈયાર ન હોય ત્યાં સંપાદક તો ક્યાંથી જ હોય?

આ વાર્તા નથી એમ ફરીથી કહું છું. વાર્તાકલાના ક્ષેત્રમાં નવીનતા આણવાનો–એ ટેકનીકમાં અવનવા પ્રયોગો કરી સાહિત્યકલાનું કોઈ નવું જ સ્વરૂપ શોધવાનો ઘણાને આ પ્રયાસ લાગશે! ને ઘણાને એ પણ ચોક્કસ લાગશે કે આ વાર્તા નથી એનો સબળ પુરાવો એ જ છે કે આ કૃતિ એકાદ બે વાર્તામાસિકો તરફથી પાછી ફરશે જ એવી મને અત્યારથી ખાત્રી છે. આ લખતી વખતે ખ્યાલ ક્યાંથી   હોય કે ક્યાં પ્રકટ થશે. પણ એટલું તો ચોક્કસ છે કે એ વાર્તામાસિકમાં તો નહીં જ પ્રકટ થાય; ને કદાચ થશે તો એ વાર્તા નહીં હોવાના જ કારણે!

પાછી ફરવાનું કારણ પહેલાં આપી દઉં?

સંપાદકો ત્રણ જાતના હોય છેઃ

જાત પહેલીઃ જે પોતાની જાતને સર્વજ્ઞ માનતા હોય છે. એમને ગમે, પસંદ પડે, ખુશ કરે એવી જ ક્રુતિઓ એ સ્વીકારતા હોય છે.

[આ પદ્ધતિ સારી છે, પણ પછીથી એમને ખુશ કરે એવા જ લેખકોની કૃતિઓ એ સ્વીકારતા થઈ જાય છે!]

જાત બીજીઃ જે પોતાના વાચકવર્ગની રુચિને ધ્યાનમાં લઈને જ કૃતિ પસંદ કરે છે. પછી એ ગમે તેની હોય.

[સંપાદકો મોટે ભાગે પોતાના વાચકવર્ગનું માનસ ઘડી શકતા નથી. પણ માત્ર એમની વૃતિઓ અને રુચિઓને જ પંપાળે છે.]

જાત ત્રીજીઃ જેની પાસે કોઈ ઓક્કસ નીતિ નથી. કોઈ વાર કોઈ વાર્તા પોતાને ગમે તો લઈ લ્યે, કોઈ વાર પોતાને ગમે પણ વાચકવર્ગને નહીં ગમે એમ ધારીને પાછી ઠેલે.

[જાત પહેલી + જાત બીજી = જાત ત્રીજી!]

હવે પહેલા વર્ગના સંપાદકોને ખુશ કરવાની શક્તિ મારી વાર્તાના સ્વભાવમાં નથી! કારણ, કોઈ વાર્તા મોકલ્યા પછી એ સ્વીકારાય કે ન સ્વીકારાય પણ હું સંપાદકની મુલાકાત અવશ્ય લઉં છું, ને પ્રથમ મુલાકાતે જ એમને નારાજ કરી દઉં છું. પરિણામે સ્વીકારાયેલી મારી વાર્તા પાછી મળે છે ને જેનો નિર્ણય સંપાદક મહાશય ઝટ નથી કરી શક્યા હોતા એનો નિર્ણય એ ઝટ કરી શકે છે–વાર્તા પરત કરીને!

બીજી જાતના સંપાદકોને પણ હું સંતોષી શકતો નથી, કારણ કે વાર્તા લખતાં અને લખી રહ્યા પછી હું હંમેશાં મારી જાતનો જ વિચાર કરતો હોઉં છું. વાર્તા મને ગમે છે કે નહીં? ને મને ગમે તો હું જગતમાં કોઈની પણ પરવા કરતો નથી! પરિણામ એ આવે છે કે જગતમાં મારી જ કોઈ પરવા કરતું નથી!

ઉપલા બન્ને જાતના સંપાદકોના સ્વભાવનું સંમેલન એટલે ત્રીજી જાત! ને પેલા બેને ન સંતોષી શકું તો ત્રીજાને તો ન જ સંતોષી શકુંને!

ને પરિણામે મારી વાર્તા છપાતી જ નથી, અને આખરે હું મન મનાવું છુંઃ એ વાર્તા જ નહોતી પછી કેવી રીતે છપાય! ને હુંય જે વાર્તા ન કહેવાય એવું જ લખવા પ્રેરાઉં છું, જેમાંનું આ એક છે–જે વાર્તા નથી.

(વધુ હવે પછી …)