Archive for જાન્યુઆરી, 2011

મારે થાવું છે અભિનેત્રી !: ૯

જાન્યુઆરી 31, 2011
વહાલા વાચકો, એક પ્રશ્ન પૂછું છું:  શેઠનું પાત્ર પરેશ રાવલ ભજવે તો કેમ ? આશા રાખું છું કે પરેશ રાવલ આ નાટક વાંચતા હશે ! 
 
હવે નાટક …
 
કાંતીઃ કેમ?
 
સુલેખાઃ મેં એવી જાતનો ફિલ્મ કંપનીના માલિક પર કાગળ લખ્યો છે. મારા સૌંદર્યના પ્રદર્શન માટે આ પોર્ટ્રેટ જાહેરમાં મૂકવું ઠીક રહેશે. ના સમજણ પડી?
 
કાંતીઃ પણ જાહેરમાં તમને જ મૂકવાં…
 
સુલેખાઃ એ વખતે તો લોકો પાગલ થઈ જશે!
 
કાંતીઃ થિયેટર ગાંડાની ઈસ્પિતાલ જેવું થઈ જશે!
 
સુલેખાઃ ને મારી ફિલ્મના પ્રિમિયર વખતે મારા ફોટા લેવાશે!
 
કાંતીઃ પ્રિમીર ? એ વળી શું? તમને પિયરની યાદ સતાવતી લાગે છે!
 
સુલેખાઃ તું તો ગાંડો જ રહ્યો! પ્રિમિયર એટલે કોઈ પણ ફિલ્મનો પ્રથમ શો.
 
કાંતીઃ એ વખતે તમારી સુરત જોઈને બધા સુસ્ત થઈ જશે!
 
સુલેખાઃ ચાલ તારો ફોટો લઉં છું!
 
કાંતીઃ (ચમકે છે, પછી ખુશીથી સ્મિત કરે છે) ફોટો… મારો?
 
સુલેખાઃ જો, તારી સુસ્તી ઊડી ગઈ કે નહીં? એમ બધાયની એ વખતે તો સુસ્તી ઊડી જ જવાની! ને પછી મારા પ્યારા સુરેશના હાથમાં હાથ ભરાવી હું ફોટો પડાવીશ… ને બહાર નીકળ્યા પછી શો વીન્ડોમાં મૂકેલા મારા પોર્ટ્રેટ તરફ આંગળી કરી મહેમાનોને કહીશ કે એ ભવ્ય પોર્ટ્રેટનો આ સુરેશ છે કલાકાર! શો વીન્ડો એટલે થિયેટરની પરસાળની દીવાલ પર કાચથી મઢેલી બારી જેમાં ફિલ્મને લગતું ચિત્ર મૂકવામાં આવે છે. હવે પૂછતો નહીં કે શો વીન્ડો એટલે શું?
 
કાંતીઃ એ વખતે શેઠ માંખો મારતા હશે, ને હું એ માખીઓને વીણતો હોઈશ, ને મરેલી છે કે નહીં એની ખાત્રી કરીને બહાર ફેંકી દેતો હોઈશ!
 
[ડોરબેલ વાગે છે. કાંતી દોડવા જ લાગે છે. શેઠાણી બન્ને હાથથી એને રોકવા પ્રયત્ન  કરે છે.]
                                             (વધુ હવે પછી …)

આ નાટક ભજવવું છે?  www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતા ‘મારે થાવું છે અભિનેત્રી !’ એકાંકી નાટકને ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘મારે થાવું છે અભિનેત્રી !’ ” કે ”We would like to perform ‘Mare thavu che abhinetri !’ ” લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.

ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

ગાંધીજી કરે છે સમયનું મૂલ્યાંકન !

જાન્યુઆરી 30, 2011
મારા સ્વ. પૂજ્ય પિતાજી શ્રી હરિભાઈ જ. પરીખે ગાંધીજીની ત્રણ વખત મુલાકાત લીધી હતી. પિતાજીએ જીવન પ્રસંગોની ત્રણ પુસ્તિકાઓ પ્રગટ કરી હતીઃ પ્રસંગ પુષ્પો, માનવતાની મહેક, અને ફૂલડાંની ફોરમ. દરેક પુસ્તિકામાં પહેલો પ્રસંગ હતો એમની ગાંધીજી સાથેની મુલાકાતનો. આજે જાન્યુઆરી ૩૦, ૨૦૧૧ ને રવિવારના રોજ, ગાંધીજીની પુણ્યતારીખે,જાન્યુઆરી ૧૯૬૦માં એ વખતના અમદાવાદના રવાણી પ્રકાશન ગૃહ દ્વારા પ્રકાશિત થયેલી પ્રસંગ પુષ્પો પુસ્તિકામાંથી પહેલો પ્રસંગ ‘સમયનું મૂલ્યાંકન’ રજૂ કરું છું:
 
મહાત્મા ગાંધીજી સમક્ષનો આ પ્રંસંગ છે.
 
ઈ.સ. ૧૯૧૫-૧૬ માં ગાંધીજી અમદાવાદમાં, કોચરબ પાસે સ્વ. બેરીસ્ટર શ્રી જીવણલાલ વૃજરાય દેસાઈના બંગલામાં (જ્યાં હાલ ગાંધીજીના સ્મારક રૂપે ‘કોચરબ સત્યાગ્રહાશ્રમ’ ચાલે છે) રહેતા હતા.
 
ઈ.સ. ૧૯૧૬ના જાન્યુઆરીમાં બાવળા (તાલુકો ધોળકા, જિલ્લો અમદાવાદ) સાર્વજનિક દવાખાનાનું ઉદઘટન સ્વ. શ્રી કરસનદાસ જેસિંગભાઈ દેસાઈ (સબજજ્જ)ના શુભ હસ્તે થવાનું હતું.
 
તે પ્રંસંગે મંગળ પ્રવચન કરવા બાવળા પધારવાનું ગાંધીજીને નિમંત્રણ આપવા બાવળાથી કેટલાક ભાઈઓ તેમેની પાસે આવેલા.
 
આ પુસ્તક (પ્રસંગ પુષ્પો) ના લેખક તે વખતે ત્યાં હાજર હતા.
 
ભાઈઓએ પ્રસ્તુત વિષય જણાવી નિમંત્રણ આપ્યું. ગાંધીજીએ આભાર સહ સ્વીકાર્યું.
 
એ પછી નીચે મુજબ વાતચીત થઈઃ
 
ગાંધીજીઃ ‘અહીથી બાવળા કેટલું દૂર?’
 
એક ભાઈ ‘વીસ માઈલ.’
 
ગાંધીજીઃ ‘કયા સ્ટેશનથી ગાડીમાં બેસ્વાનું?’
 
ભાઈઃ ‘એલિસબ્રિજ (હાલના ગાંધીગ્રામ) થી.’
 
ગાંધીજીઃ અહીંથી ગાડી પકડવા કેટલા વહેલા નીકળવું પડે?’
 
ભાઈઃ ‘ત્રીસથી પાંત્રીસ મિનિટ!’
 
ગાંધીજીઃ ‘અહીંથી સ્ટેશન કેટલું દૂર ગણાય?’
 
ભાઈઃ પાંચેક ફર્લાંગ.’
 
ગાંધીજીઃ ‘તેટલું અંતર ચાલતાં તો પંદર મિનિટથી વધારે ન થાય, તેથી ગાડી આવતાં પહેલાં સોળ મિનિટ વહેલા નીકળવું જોઈએ.’  

(નમ્રતાપૂર્વક ઉમેરું છું કે આ લખનારે પિતાજીને ઉપર જણાવેલી ત્રણે પુસ્તિકાઓ લખવામાં અને પ્રકાશિત કરવામાં મદદ કરેલી. ઇચ્છા તો ‘જીવન પ્રસંગમાળા’ ની દસ પુસ્તિકાઓ પ્રગટ કરવાની હતી. પિતૃઋણ તો ઓછું કરી શક્યો નથી, પણ ત્રણ પુસ્તિકાઓના લેખન અને પ્રકાશનમાં પિતાજીને મદદ કરવામાં જે આનંદ આવેલો એનું વર્ણન શબ્દોમાં કરી શકું એમ નથી.)

ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

મારે થાવું છે અભિનેત્રી !: ૮ (ચેતવણીઃ આ એકાંકી નાટક વાંચતાં હસવાની મનાઈ છે !)

જાન્યુઆરી 30, 2011
સુલેખાઃ એમ? પણ તેં મારો ડ્રોઈંગ રૂમ તો જોયો છે?
 
કાંતીઃ પણ એ જ શેઠની નજરમાં ખટકે છે ને!
 
સુલેખાઃ પણ ઓહ, આ સાડા બાર તો થયા પણ ખરા. સુરેશને મેં બોલાવ્યો છે. આજે અમે શહેરમાં ફરવા જવાનાં છીએ. આજે ટપાલમાં મારો કોઈ કાગળ હતો? દીકરા મોહનનો કાગળ ઘણા દિવસથી નથી. એને કોલેજની હોસ્ટેલમાં ગમતું તો હશે ને?
 
કાંતીઃ કોઈ કાગળ નહોતો.
 
સુલેખાઃ જો!
 
કાંતીઃ શું જોઉં? કંઈ બતાવો તો જોઉં ને!
 
સુલેખાઃ મારી વાત તો પૂરી સાંભળ. મેં મારો ફોટો એક ફિલ્મ કંપની પર મોકલ્યો છે. નવી અભિનેત્રીની શોધ કરવા એમણે એક હરીફાઈ યોજી છે. એમાં તને મારા વિશે શું લાગે છે?
 
કાંતીઃ તમારા વિશે? સતી મંથરા વિશે ફિલમ બનવાની હશેતો તો તમને પહેલો નંબર જરૂર મળી જશે!
 
સુલેખાઃ એમ! આપણે તો ગમે તેમ પહેલો નંબર જ જોઈએ ને? ને જો, (પોર્ટેટ બતાવીને) આ પોર્ટ્રેટ.
 
કાંતીઃ ટટ્ટુ?
 
સુલેખાઃ ટટ્ટુ નહીં બુધ્ધુ, પોર્ટ્રેટ.
 
કાંતીઃ પોટેટ?
 
સુલેખાઃ મારું સુરેશે ચીતરેલું મોટું ચિત્ર. એને લેવા તરત જ ફિલ્મ કંપનીના માણસો આવશે!
                                                                  (વધુ હવે પછી …)
ચેતવણીઃ www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતા આ ‘મારે થાવું છે અભિનેત્રી !’ એકાંકી નાટકને લેખકની લેખીત પરવાનગી વિના ભજવવાની મનાઈ છે. પરવાનગી લેવા  girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘મારે થાવું છે અભિનેત્રી !’ ” કે ”We would like to perform ‘Mare thavu che abhinetri !’ ” લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરવાની છૂટ છે.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

મારે થાવું છે અભિનેત્રી !: ૭ (ચેતવણીઃ આ એકાંકી નાટક વાંચતાં હસવાની મનાઈ છે !)

જાન્યુઆરી 29, 2011
સુલેખાઃ કાંતી, તું છે બહુ ચબરાક, હોં… તેં આ ચિત્રો સાફ કરી નાંખ્યાં ને? ધૂળનો તો એને પડછાયો પણ ન લાગવો જોઈએ હોં… તરત ઝાપટી કાઢવી.
 
કાંતીઃ શેઠાણીજી, ધૂળનો તો નહીં પણ શેઠનો પડછાયો એને લાગ્યો હતો!
                                               [કાતી પેલું મઢેલું ચિત્ર સાફ કરવા માંડે છે.]
હમણાંથી કામ બહુ વધી ગયું છે… તમે એવું કહ્યું એ દિવસથી રોજ સવારે બે વાર છબીઓ સાફ કરવી પડે છે… શેઠ નાહીને આવે છે, પછી પેલો જૂનો કાંસકો છે ને… જેમાંથી અર્ધા દાંતા તૂટી ગયા છે; એનાથી તમારી છબીના કાચમાં એમનું મોં જોઈ વાળ ઓળે છે. એવી રીતે વાળ ઓળે છે કે એમાંથી પાણીના ફુવારા છૂટે છે ફુવારા…! ને એ બધાય તમારી છબી પર. જાણે તમે નહાવ છો! ને પછી કહું?
 
સુલેખાઃ પછી શું?
 
કાંતીઃ શેઠાણીજી, તમે મને મારો નહીં તો કહું!
 
સુલેખાઃ કહે કહે…
 
કાંતીઃ પછી છબી પર પાણી ચોટી જાય… એટલે મોં બરાબર ન દેખાય, ને એટલે શેઠ મનમાં ખિજાય. હું આટલો કુરૂપ થઈ ગયો? ને ચીડમાં શેઠ આવું મોં કરે… આવું… (જુદી જુદી જાતનાં મોં બતાવે છે) ને પાછા છબીમાં જુએ અને બૂમ મારે…
 
સુલેખાઃ શું બૂમ મારે? મને બોલાવે?
 
કાંતીઃ ના. શેઠ બૂમ મારેઃ (બૂમ મારે છે)  “અલ્યા કાંતી, ચાટલું લાવજે…”(ધીમેથી)  પહેલી વાર શેઠે બૂમ પાડેલી ત્યારે હું સમજેલો કાટલું અને એ દોડીને લઇ આવેલો! શેઠ રહ્યા વેપારી માણસ… કાટલું જ મંગાવે ને?
 
સુલેખાઃ પછી શેઠે શું કહ્યું?
 
કાંતીઃ પછી શેઠ બરાડ્યા: “કાંતીડા! કાટલું મારા માથામાં મારવા લાવ્યો છે?” હું કહું, “પણ તમે મંગાવ્યું ને !” શેઠ કહે, “કાંતી તું ઓછું સાંભળતો લાગે છે. અને ન જાણતો હો તો જાણી લે કે ચાટલું એટલે દર્પણ.” પછી હું કહું, લાવું શેઠજી, એક કકડો લાવું કે ત્રણે ત્રણ લાવું? વાત આમ છે શેઠાણીજી.
(વધુ હવે પછી …)
ચેતવણીઃ www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતા આ ‘મારે થાવું છે અભિનેત્રી !’ એકાંકી નાટકને લેખકની લેખીત પરવાનગી વિના ભજવવાની મનાઈ છે. પરવાનગી લેવા  girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘મારે થાવું છે અભિનેત્રી !’ ” કે ”We would like to perform ‘Mare thavu che abhinetri !’ ” લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરવાની છૂટ છે.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

મારે થાવું છે અભિનેત્રી !: ૬ (ચેતવણીઃ આ એકાંકી નાટક વાંચતાં હસવાની મનાઈ છે !)

જાન્યુઆરી 28, 2011
લક્ષ્મીપ્રસાદઃ ઓહ, તું હતી કે?
 
સુલેખાઃ (થોડા ગુસ્સામાં) હા, હું હતી. કેમ આટલી બધી વાર લાગી બારણું ઉઘાડતાં?
 
લક્ષ્મીપ્રસાદઃ આ તારા નોકરને પૂછ. બહુ ફટવ્યો છે તેં એને!
 
સુલેખાઃ એ તો તમારો નોકર છે!
 
કાંતીઃ હા, શેઠનો જ તો વળી. સાચું કહું તો શેઠાણીજીને તો બે નોકરો છેઃ એક તો પેલો સુરેશ ને…
 
લક્ષ્મીપ્રસાદઃ ને બીજું કોણ?
 
કાંતીઃ મને પૂછો છો એ બતાવે છે શેઠજી…
 
લક્ષ્મીપ્રસાદઃ શું?
 
કાંતીઃ (બે આંગળીઓ ઊંચી કરી શેઠની આંખો સામે ધરે છે) આ બે આંગળીઓ છે કે ત્રણ? કહો તો, આંખો ખુલ્લી રાખીને કહેજો.
 
લક્ષ્મીપ્રસાદઃ બે છે વળી.
 
કાંતીઃ હા, જગો છો, ઊંઘી નથી ગયા!
 
સુલેખાઃ આ તમારી મશ્કરી કરે છે, હોં!
 
લક્ષ્મીપ્રસાદઃ હેં! હેં! મારી મશ્કરી? ના ના, એ તો તારી મશ્કરી કરે છે!
 
કાંતીઃ ના ના. હું તો શેઠનીય નહીં ને શેઠાણીનીય નહીં, હું તો મારી જ મશકરી કરું છું!
 
લક્ષ્મીપ્રસાદઃ કેમ અલ્યા?
 
કાંતીઃ કુંભાર કરતાં ગધેડાં ડાહ્યાં, એ કહેવત સાચી પાડું છું!
 
લક્ષ્મીપ્રસાદઃ પણ ગધેડાં ડાહ્યાં હોય તો સારું. કુંભાર અને ગધેડાં, બેય ગાંડાં હોય એના કરતાં એક ડાહ્યું શું ખોટું?
 
કાંતીઃ પણ શેઠજી, ડાહ્યું શબ્દના બે અર્થ થાય છેઃ એક તો ડાહ્યું જ અને બીજો જરાક દોઢડાહ્યું.
 
લક્ષ્મીપ્રસાદઃ તો તો હું જાઉં. જ્યાં મિથ્યા બકવાદ થતો હોય ત્યાં ઊભા ન રહેવું!
 
કાંતીઃ તો બેસો શેઠજી!
 
લક્ષ્મીપ્રસાદઃ આ બેઠો! (ખુરસીમાં બેસે છે). સુલેખા, તારાં ચિત્રોનાં બીલ હવે લાવશે તો બાળી મૂકીશ હા…
 
સુલેખાઃ ના ના, હવે તો મારા પર ચેક આવશે!
 
લક્ષ્મીપ્રસાદઃ (ખુરસીમાંથી ઉભા થઈ જાય છે) ચેક આવશે? એ કઈ રીતે?
 
સુલેખાઃ લક્ષ્મીનો વરસાદ વરસશે મારા ઉપર!
 
કાંતીઃ આ લક્ષ્મીપ્રસાદ શેઠની ખુશી તમારા પર વરસશે સુલેખા શેઠાણીજી!
 
સુલેખાઃ બીજું કંઈ વરસશે?
 
લક્ષ્મીપ્રસાદઃ પણ આ બધું થશે કઈ રીતે એ જ મારી સમજમાં નથી આવતું!
 
કાંતીઃ શેઠાણીજી અભિનેત્રી બનવાનાં છે ને!
 
લક્ષ્મીપ્રસાદઃ હા બનજે… જે બનવું હોય તે બનજે, પણ મને ના બનાવતી!
                                                           [ધીરે ધીરે શેઠ જાય છે.]
                                                                                                                    (વધુ હવે પછી …)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

મારે થાવું છે અભિનેત્રી !: ૫ (ચેતવણીઃ આ નાટક વાંચતાં હસવાની મનાઈ છે !)

જાન્યુઆરી 27, 2011
કાંતીઃ રૂપિયા તો નહીં પણ ઘણા પૈસા આપીશ એમ એ ચીતારાને કહેતાં હતાં.
 
લક્ષ્મીપ્રસાદઃ ને બીજું શું કહેતી હતી?
 
કાંતીઃ શેઠજી, એમને જ પૂછી લેજો.
 
લક્ષ્મીપ્રસાદઃ કેમ અલ્યા? આમ ગભરાય છે શું! ઝટ ભસી નાખને!  
 
કાંતીઃ એ કહે એમ કહેતાં મને શરમ આવે છે!
 
લક્ષ્મીપ્રસાદઃ તને વધારાનો પગાર શાથી મળે છે એ યાદ રાખજે કાંતી. તું તો મારો સેક્રેટરી પણ છે.
 
કાંતીઃ સેકફેક્ટરી તો ખરો જ, હોં શેઠજી… માલકીન કહેતાંતાં … કહેતાંતાં … પહેલાં તો આમ ઘૂંઘટ તાણ્યો’તો. (રૂમાલ માથે ઓઢી લે છે ને સ્ત્રીના જેવો અવાજ કાઢે છે.) ને ઘૂંઘટને જોરથી આ રીતે ફેંકીને કહ્યું, “સુરેશ… જો હું અભિનેત્રી બનીશ એટલે આ રીતે ઘૂંઘટ ખોલી નાખીશ ને પછી શું થશે કહું? મારો મુખચંદ્ર જોઈને તારાઓ શરમાઈ જશે, અને વાદળ જેવો ઘૂંઘટ આ રીતે મારા મુખ પર સરી જશે.”
                                                                 [ડોરબેલ વાગે છે.]
 
લક્ષ્મીપ્રસાદઃ કાંતી દોડ… દોડ…
 
કાંતીઃ ઘરને આગ લાગી શેઠજી?
 
લક્ષ્મીપ્રસાદઃ દોડ… જલ્દી દોડ…
 
કાંતીઃ ચોર… ચોર… ની બૂમો પાડું?
 
લક્ષ્મીપ્રસાદઃ મૂરખા… ડોરબેલ વાગે છે.
 
કાંતીઃ ઓ… એ તો રોજ વાગે છે…! પછી આ રીતે ઘૂંઘટ પાછો સેરવી એણે કહ્યું, “સુરેશ હું અભિનેત્રી…”
 
લક્ષ્મીપ્રસાદઃ દોડ દોડ ઝટ.
 
કાતીઃ પાછો ઘૂંઘટ ઉઠાવ્યો ને …
 
લક્ષ્મીપ્રસાદઃ દોડ ને ઝટ દરવાજો ખોલ. ડોરબેલ વગાડ્યા કરશે તો વીજળીનું બીલ વધારે આવશે! ઝટ જા… કોણ ડોરબેલ વગાડ્યા કરે છે?
 
કાંતીઃ એ તો કૂતરું હશે… પછી એમણે કહ્યું…
 
લક્ષ્મીપ્રસાદઃ મેં તને શું કહ્યું?
 
કાંતીઃ (પોતાની જ ધૂનમાં) કહ્યૂં કે “પ્યારા સુરેશ, હું અભિનેત્રી બનીશ ત્યારે એક પાર્ટી આપીશ…”
 
લક્ષ્મીપ્રસાદઃ કાંતી, બારણું ખોલ. મેં કહ્યું કે…
 
કાંતીઃ પછી શેઠાણીજીએ સુરેશને કહ્યું કે “જ્યાં મારા દિલના દરવાજા જ ખુલ્લા છે ત્યાં ઘૂંઘટપટનું બારણું ખોલવાની શી જરૂર?
 
[શેઠ જાતે જઈને બારણું ખોલ છે. સુલેખા શેઠાણી પ્રવેશ કરે છે. ઠીક ઠીક જાડાં છે. જુવાન અને ઠસ્સાદાર છે. કપડાં પરથી કહી શકાય કે શોખીન છે.  મોં ભરવદાર છે. બહુ રૂપાળાં ન કહી શકાય ને બહુ બેડોળ પણ ન ગણાય એવાં આ સુલેખા શેઠાણીજી છે.]
                                                  (વધુ હવે પછી …)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

મારે થાવું છે અભિનેત્રી !: ૪ (ચેતવણીઃ આ નાટક વાંચતાં હસવાની મનાઈ છે !)

જાન્યુઆરી 26, 2011
કાંતીઃ શેઠ, એમાં કહું? એમાં તમારો કોટ દેખાય છે, ને તમારું જાડું શરીર દેખાય છે. કોટનાં બટન ચમકે છે.
 
લક્ષ્મીપ્રસાદઃ મોં દેખાય છે?
 
કાંતીઃ હા, શેઠાણીના કપાળમાં કરેલો ચાંદલો ને માથે સાડીનો છેડો. શેઠ, ઘૂંઘટ તાણ્યો હોત તો સારું, નહીં?
 
લક્ષ્મીપ્રસાદઃ તું તો ગાંડો જ રહ્યો. પેલો આયનો કેમ ન વેચી આવ્યો?
 
કાંતીઃ ગયો હતો શેઠ… પણ આયનાના ચાર કકડા જોઈને ગુજરીવાળાએ કહ્યું કે જો ત્રણ કકડા અને તેય મોટા હોત તો લઈ લેત. એને સરખા કપાવી નાના આયના બનાવી એ વેચી નાખત, પણ…
 
લક્ષ્મીપ્રસાદઃ પછી શું કર્યું?
 
કાંતીઃ પછી એમાંનો એક કકડો મેં ઘરવાળીને આપી દીધો. એટલે ત્રણ કકડા થઈ ગયા ને? ખરું કહું છું, ઘરવાળી એ દિનથી મારા પર ખુશ ખુશ થઈ ગઈ છે.
 
લક્ષ્મીપ્રસાદઃ પણ આ ઘરવાળી…
 
કાંતિઃ શેઠાણીજી ને?
 
લક્ષ્મીપ્રસાદઃ ચીડ તો એવી ચડે છે કે એક નવો પૈસો વાપરવા ન આપું. રૂપિયાના ધુમાડા કરે છે ધુમાડા.
 
કાંતીઃ ખરેખર ધુમાડા… વરાળ કરે તો ઉપર ચડે ને પછી એનું પાણી પણ પડે… મને શેઠ એક વિચાર આવે છે… આ લોકો સિગારેટના ધુમાડા કાઢે છે એના કરતાં વરાળના ધુમાડા કાઢે તો?
 
લક્ષ્મીપ્રસાદઃ તારા વિચાર તારી પાસે જ રાખ.
 
કાંતીઃ જી સરકાર.
 
લક્ષ્મીપ્રસાદઃ તો આ છેલ્લી છબી, ખરું ને કાંતી? એના કેટલા રૂપિયા એણે આપ્યા?
                                                    (વધુ હવે પછી …)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

મારે થાવું છે અભિનેત્રી !: ૩ (ચેતવણીઃ આ નાટક વાંચતાં હસવાની મનાઈ છે !)

જાન્યુઆરી 25, 2011
કાંતીઃ આ છે સુલેખા શેઠાણીની તસ્વીરો… શેઠ તો જાણતાય નથી કે આના ચીતરનાર સાથે શેઠાણીજીને મીઠ્ઠી દોસ્તી બંધાઈ ચૂકી છે!
 
શેઠાણીજીને તસ્વીરો ચીતરાવવાનો ભારે શોખ.
 
રોજ ઊઠે કે તરત જ શેઠાણીજી ઑર્ડર કરેઃ આ બધાં ચિત્રો સાફ કરી નાખ્યાં કે નહીં? એ કરવા માંડું ત્યાં જ શેઠનો ઑર્ડર આવેઃ કપ દીઠ એક ચમચી દૂધ લઈને એમાં બાકીનું પાણી નાખીને ચા બનાવી લાવ. ખાંડ થોડી જ નાખજે, કફ થાય… ને હાલ તો મળે છે જ ક્યાં? ને ચાના કુચા ફેંકી ન દેતો. બરાબર નીચોવી નાખજે અને બપોરના ઉપયોગ માટે સાચવીને મૂકી રાખજે.
 
બિચારા શેઠ! (હસે છે.)
 
[લક્ષ્મીપ્રસાદ શેઠ પ્રવેશ કરે છે. બાંધી દડીના આધેડ છે. પાઘડી, ચશ્માં, લોન્ગ કોટ ને ધોતિયું પહેરેલાં છે. પ્રવેશ કરીને તરત જ પાઘડી ઉતારે છે, અને સોફાની જમણી બાજુવાળા તૈલચિત્રમાં જોઈ વાળ હાથના પંજાથી જ ઠીક કરવા માંડે છે.]
 
કાંતીઃ શેઠ આયનો અને કાંસકો લાવું?
 
લક્ષ્મીપ્રસાદઃ મૂર્ખ… કેટલા દિવસથી મેં તને કહેલું કે આયનો અને કાંસકો ગુજરીમાં વેચી આવજે.
 
કાંતીઃ પણ શેઠાણીજી રોજ આયનો અને કાંસકો …
 
લક્ષ્મીપ્રસાદઃ આ એની મઢેલી છબી આયના જેવી જ છે ને! જરા આંખો ફાડીને જો… એમાં શું દેખાય છે?
                                                     (વધુ હવે પછી …)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

મારે થાવું છે અભિનેત્રી !: ૨ (ચેતવણીઃ આ નાટક વાંચતાં હસવાની મનાઈ છે !)

જાન્યુઆરી 24, 2011
નોંધઃ નાટકના આ ડ્રાફ્ટ પર મેં નાટકના શીર્ષક નીચે લેખકનું ઉપનામ ‘પ્રસન્નમ’ લખીને, પછી એ છેકીને ગિરીશ પરીખ લખ્યું છે.
 
નાટકની ફુલ્સકેપ (૮ ૧/૪” x ૧૩”) સાડા સોળ પાનાઓ પર હાથે લખેલી હસ્તપ્રત એટલી જૂની છે કે કાગળ પીળા પડી ગયા છે. એને અડતાં જ ફાટવા માંડશે એમ લાગે છે! ૧૯૬૦ના દશકામાં (કે કદાચ એ પહેલાં) આ નાટક લખાયું લાગે છે. અક્ષ્રર મોતીના દાણા જેવા છે. હસ્તપ્રત સાચવી રાખવાનું મન થાય છે, પણ 
આ ડ્રાફ્ટ આ બ્લોગ (www.girishparikh.wordpress.com) પર પોસ્ટ થઈ જાય પછી એને  
કદાચ કચરા ટોપલીમાં પધરાવીશ.  
 
હવે નાટકઃ
 
સ્થળઃ લક્ષ્મીપ્રસાદ શેઠનું દીવાનખાનું.
સમયઃ બપોરના લગભગ સાડા બાર વાગ્યાનો.
 
[ખંડમાં એક જૂનું ટેબલ ડાબી બાજુએ પડ્યું છે. આજુબાજુ ખુરસીઓ છે. જમણી બાજુ સોફા છે, એની ઉપર સુલેખા શેઠાણીનાં એક-બે તૈલચિત્રો લટકે છે. સોફાની જમણી બાજુએ નીચે દીવાલ સાથે અડાડીને મૂકેલું એક તૈલચિત્ર મઢેલું છે. સોફાની ડાબી બાજુએ એક દરવાજો છે, જે શેઠાણીના ડ્રોઈંગરૂમમાં લઈ જાય છે. દરવાજાની ડાબી બાજુએ એક ટેબલ પર ટેલીફોન પડ્યો છે. (સેલ ફોન આવ્યા એ પહેલાંની આ નાટકની વાર્તા છે.) દરવાજા પર પડદો લટકે છે. તખ્તાની જમણી બાજુએ બીજો દરવાજો છે જે અંદરના રૂમમાં લઈ જાય છે. ડાબી બાજુએ પગથિયાં છે ને સામે ખુલ્લી બારી છે.
 
પડદો ઊઘડતાં નોકર કાંતી પ્રવેશ કરે છે. એણે ઢીચણ સુધીનું ધોતિયું ને કફની પહેર્યાં છે. વાળ લગભગ સફેદ થવા આવ્યા છે. આધેડ થવા આવ્યો છે, છતાં ખૂબ આનંદી છે. એના હાથમાં લાકડી પર બાંધેલો કપડાનો કકડો છે, જેનાથી એ ઘડીમાં ફર્નિચર તો ઘડીમાં તૈલચિત્રો ઝાપટે છે.]
                                            (વધુ હવે પછી …)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

મારે થાવું છે અભિનેત્રી !: ૧ (ચેતવણીઃ આ નાટક વાંચતાં હસવાની મનાઈ છે !)

જાન્યુઆરી 23, 2011
જય શ્રી ગણેશ કરું છું આજે, જાન્યુઆરી ૨૩, ૨૦૧૧ ને રવિવારે, આ બ્લોગ (www.girishparikh.wordpress.com) પર બે નવા વિભાગોનાઃ ‘હસુગિની હાસ્યરચનાઓ’, અને ‘નાટકો’.
 
‘હસુગિ’ હાસ્યરચનાઓના સર્જન માટે મારું ઉપનામ યાને તખલ્લુસ છે. આપને પ્રશ્ન થશે કે એનો અર્થ શું છે? શા માટે ગિરીશ પરીખ નામથી જાણીતા થઈ રહેલા આ સર્જકે આવું ઉપનામ રાખ્યું છે? ક્યારેક આ બ્લોગમાં એના વિશે લખીશ.
 
હાલના ‘હસુગિ’એ વર્ષો પહેલાં (ગિરીશ પરીખ નામથી) ‘અભિનેત્રી’ નામનું એકાંકી પ્રહસન (નાટક) લખ્યું હતું. એ નાટકથી આ બે વિભાગો શરૂ કરું છું. હાથે લખેલા એ નાટકના ત્રણ ચાર ડ્રાફ્ટ સચવાયા છે. એમાંના એક ડ્રાફ્ટથી શરૂઆત કરું છું. આ ડ્રાફ્ટના બધા ભાગ પોસ્ટ થઈ જાય પછી બીજા ડ્રાફ્ટોનો અભ્યાસ કરી પોસ્ટ થયેલાં લખાણોમાં યોગ્ય સુધારા વધારા વગેરે કરવાની ઇચ્છા છે. (આ ડ્રાફ્ટ કોમ્પ્યુટરમાં એન્ટર કરતી વખતે પણ મઠારવાનું કામ તો ચાલુ જ રહેશે.) 
 
મારા વહાલા વાંચકોઃ આપને સુધારા વધારા, વગેરે આ બ્લોગ પર કોમેન્ટ કરીને કે મને girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં ‘અભિનેત્રી’ કે ‘Abhinetri’ લખીને ગુજરાતી કે અંગ્રેજીમાં સૂચવવા આમંત્રણ આપું છું.પ્રતિભાવો આપવાની પણ છૂટ છે ! 

તો શરૂ કરીએ નાટકઃ 

મારે થાવું છે અભિનેત્રી !

પાત્રોઃ

લક્ષ્મીપ્રસાદ                સુલેખા

વસંત                        મંગલા

કાંતી

સુરેશ

પોસ્ટમેન

ભૈયાજી

બે ત્રણ નોકર (ભૈયાજીના)