Archive for મે, 2016

મુજને મળી … ! (ચતુર્શબ્દ મુક્તક)

મે 16, 2016
મુજને
મળી
ગુજરાતી
ભાષા !

સોમાભાઈ પટેલ કરાવે છે અમેરિકા દર્શનઃ પ્રવાસ-પુસ્તક અમેરિકા મારી નજરેનો પરિચય

મે 15, 2016
આપ અમેરિકામાં વસતા હો કે અન્ય દેશમાં, આપને આ પુસ્તક વાંચવું જરૂર ગમશે. મુખ્યત્વે આ છે પ્રવાસનું પુસ્તક, પણ એ વિવિધ રસમય સામગ્રીથી ભરપુર છે.
સોમાભાઈએ એમના મિત્ર ડૉ. મફતલાલ પટેલ સાથે અમેરિકાના કરેલા પ્રવાસનાં વર્ણનો વાંચતાં વાચક ત્યાં હાજર હોય એવો અનુભવ કરશે એમ હું માનું છું.

સોમાભાઈ લઈ જાય છે વાચકને મહાનગર ન્યૂયૉર્કમાં, ન્યૂજર્સીમાં, અવિસ્મરણીય અનુભૂતિ કરાવતા નાયગરાના સાંનિધ્યમાં, સ્વાતંત્ર્યપ્રેમીઓના ક્રાન્તિતીર્થ ફિલાડેલ્ફિયામાં, શિકાગોમાં, આટલાન્ટામાં, ચટાનુગામાં, લૉસ ઍન્જેલસમાં, સાનફ્રાન્સિસ્કોમાં, સાન ડિયાગોના સી-વર્લ્ડમાં, વિશવિખ્યાત જુગાર નગરી લાસ વેગાસમાં, રણપ્રદેશ એરિઝોના અને પાટનગર ફિનિક્સમાં, ગ્રાન્ડ કેન્યન સમીપ, અને ફ્લોરિડાનાં ટેમ્પા અને ઓરલેન્ડોમાં.

પ્રવાસવર્ણનો ઉપરાંત સોમાભાઈએ અમેરિકામાં વસનાર અને ત્યાં જવા ઇચ્છનારાઓ માટે ઉપયોગી માહિતિની સુંદર રજૂઆત કરી છે. દાખલા તરીકેઃ અમેરિકાઃ કેટલીક ઉત્તમ, અનુકરણીય બાબતો; અમેરિકા સેટલ થવા જેવું ખરું?; અમેરિકામાં સેટલ થયા પછીની સમસ્યાઓ; પરત આવવા ઇચ્છતા ગુજરાતીઓ; અમેરિકામાં યૌવન, કુટુંબજીવન, લગ્નવિચ્છેદ અને વાર્ધક્ય; અમેરિકામાં ગુજરાતીઓનાં બાળકો અને ગુજરાતી ભાષા; અમેરિકામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ; અમેરિકા અને ભારતઃ તુલનાત્મક વિહંગદર્શન; વગેરે.
અને પરિશિષ્ટમાં છેઃ યાત્રાવિશેષ — ઇંગ્લૅન્ડમાં એક સપ્તાહ.
પુસ્તકમાંથી થોડી ઝલકઃ
-અમેરિકાની સિદ્ધિનું રહસ્ય શું છે? “આવી સિદ્ધિ મેળવવા પાછળ લોકોમાં રહેલાં સૂઝસમજ, કાર્યનિષ્ઠા, ખંત, સારા નાગરિક તરીકેનો પરસ્પરનો વ્યવહાર–આ બધાનો પરિચય આપણને વિવિધ પ્રસંગે થાય છે ત્યારે આ દેશની પ્રગતિનું રહસ્ય સમજાય છે.” (પૃષ્ઠ ૧૨).
-સોમાભાઈની ચિંતનકણિકાઓ વાચકને વિચાર કરતો કરે છેઃ દા.ત. “અમેરિકાની સમૃદ્ધિ અને પ્રગતી જોઈને અને તેનાથી અંજાઈને વિશ્વના દેશો અમેરિકાની જીવનરીતીને અનુસરવા લાગ્યા છે. આધુનિક વિશ્વનો માનવી પ્રગતિ અને સુખની શોધમાં ભટકતો છેક અહીં સુધી આવી પહોંચ્યો છે! પણ, આ માર્ગે આગળ વધતાં એને સુખ મળશે? ક્યાં જઈને અટકશે ‘આધુનિક’ માનવીની આ ‘પ્રગતિયાત્રા’? એને ક્યાં લઈ જશે? ઉન્નતિના શિખરે કે અવનતિના ગર્તામાં? (પૃષ્ઠ ૧૮૦).
-‘આઈ એમ હરેક્રિષ્ણા!’: વિમાનની એક ફ્લાઈટ વખતે શાકાહારી ભોજન મળે એમ જણાવવાનું રહી ગયેલું ત્યારે સહપ્રવાસી હરેક્રિષ્ણાની એક અમેરિકન યુવતી એના ભોજનમાંથી ફુડ આપે છે. (પૃષ્ઠ ૧૩૩-૧૩૪).
“એ મા છે !: કેલિફોર્નિયામાં વસતા મનુભાઈ પટેલ અમેરિકન યુવતી માર્થાને પરણ્યા હતા. મનુભાઈએ વતનમાથી માતા રાઈબહેનને અમેરિકા બોલાવ્યાં. એ માર્થાને ભારે આગ્રહો કરે. લેખકે એને પૂચ્છ્યું, “માર્થા, તું માજીના આ બધા ખોટા હઠાગ્રહોને કેમ ચલાવી છે?” માર્થાએ જવાબમાં માત્ર એક જ વાક્ય કહ્યું, “She is a mother!” (એ મા છે!)  (પૃષ્ઠ ૪૯-૫૦).
-પુસ્તકમાં રમુજી પ્રસંગો પણ છેઃ દા.ત.: “બુલેવર્ડનું ટૂંકું નામ BLVD (બીએલવીડી) લખેલું પાટિયું મેં ઘણા રસ્તાઓ પર અગાઉ જોયેલું. પણ મારા માટે આ તદ્દન અજાણ્યો શબ્દ હતો. તેથી હું તે ‘બીલવેડ’ વાંચતો! ‘બીલવેડ’નો અર્થ થાય ‘પ્રેયસી’ કે ‘પ્રેમિકા.’ ” (પૃષ્ઠ ૩૦). લેખકને પછીથી જાણવા મળે છે કે અમેરિકામાં ‘બુલેવર્ડ’ રસ્તા માટે વપરાતો એક શબ્દ છે.
લેખકે શિકાગોની યાત્રા વખતે એના એક અગત્યના યાત્રાધામ અને કલાધામ, ડાઉનટાઉનમાં આવેલા આર્ટ ઈન્સ્ટીટ્યૂટ ઓફ શિકાગોની મુલાકાત લીધી લાગતી નથી! એ યાત્રાધામ એટલા માટે છે કે સ્વામી વિવેકાનંદે સપ્ટેમ્બર ૧૧, ૧૮૯૩ના રોજ એના ફુલરટન હોલમાં “Sisters and borthers of America” (અમેરિકાનાં બહેનો અને ભાઈઓ) શબ્દોથી શરૂ કરીને અમર સ્ંબોધન કર્યું હતું. એ પ્રવચનસ્થળ સાઉથ હાઈડ પાર્કમાં નથી.
“નાયગરાઃ એક અવિસ્મરણીય અનુભૂતિ” પ્રકરણ વાંચતાં લાગ્યું કે એ હાઈસ્કૂલના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આવી શકે.
સોમાભાઈ અને ડૉ. મફતલાલ પટેલના અમેરિકાના અદભુત પ્રવાસોનો જશ એમને પ્રેમપૂર્વક મદદ કરનાર સ્વજનો, અને મિત્રોને પણ મળે છે. લેખક હૃદયપૂર્વક નોંધે છેઃ “આ પ્રવાસોની ચિરંજીવ સ્મૃતિઓ જેટલી એના સ્થળદર્શનમાં છે, એથીય વિશેષ આ સર્વ સ્વજનોની સ્નેહવર્ષાના અનુભવમાં છે.” (પૃષ્ઠ ૭).
જાણીતી કહેવત છેઃ જીવ્યા કરતાં જોયું ભલું. આ પુસ્તક બે વખત વાંચ્યા પછી કહેવાનું મન થાય છેઃ જીવ્યા કરતાં જાણ્યું ભલુ! પુસ્તકમાં દર્શાવેલાં સ્થળો આપે જોયાં હોય તો પણ એ વિશે આ પુસ્તક દ્વારા જાણવાથી આનંદનો અનુભવ થશે.
અમેરિકા મારી નજરે
સોફ્ટ કવર. ૨૬૨ પૃષ્ઠ.
મુખ્ય વિક્રેતાઃ
ધરતી વિકાસ મંડળ, અમદાવાદ
ફોનઃ (૦૭૯) ૨૭૪૭૯૮૦૪
(ગિરીશ પરીખ મોડેસ્ટો, કેલિફોર્નિયામાં રહેતા ગુજરાતી તથા અંગ્રેજીમાં લખતા સ્વતંત્ર લેખક અને પત્રકાર છે.)
Girish Parikh
Author & Journalist
2813 Cancun Drive
Modesto  CA  95355-7946 (USA)
E-mail: gparikh05@gmail.com
Phone: (209) 303 6938 (mobile)
Blog: www.GirishParikh.wordpress.com

લેખક બનવું છે ?

મે 12, 2016
“ગુજરાતી સાહિત્ય મંચ” પર મહેન્દ્ર ઠાકરે પ્રેરક લેખ પોસ્ટ કર્યો છે — લેખક બનવાની જેમને પૅશન છે એ બધાએ આ લેખ વાંચવો જ જોઈએ. લીંકઃ
https://shabdonusarjan.wordpress.com/2016/05/12/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%ab%80-%e0%aa%b8%e0%aa%be%e0%aa%b9%e0%aa%bf%e0%aa%a4%e0%ab%8d%e0%aa%af-%e0%aa%ae%e0%aa%82%e0%aa%9a-%e2%80%8b%e0%aa%ae%e0%aa%b9%e0%ab%87/#comments
મારો પ્રતિભાવઃ
મારે “પ્રોફેશનલ” લેખક બનવું છે. શું કરવું?

તરુલતાબહેનને શબ્દાંજલિ …

મે 1, 2016
આ લખી રહ્યો છું ત્યારે મારા ટેબલ પ છે પુસ્તકઃ જત લખવાનું કે…..
પ્રથમ પાને મોતીના દાણા જેવા અક્ષરોમાં લખ્યું છેઃ
“શ્રી ગિરીશભાઈ પરીખને
સપ્રેમ”
અને પછી છે ઓટોગ્રાફઃ “તરુલતા દવે”
અને
“તા.૨૦-૪-૯૬
ન્યૂયોર્ક”.
એપ્રિલ ૨૭, ૨૦૧૬ના રોજ મારા સ્વજન શ્રી રજનીકુમાર પંડ્યાનું “Sad news” સબ્જેક્ટવાળું ઇ-મેઇલ મળ્યું. તેમાંથીઃ
“એક સ્વજન તરીકે આપની જાણકારી સારુ ;
મારાં વાર્તાકાર પત્ની તરુલતા દવેનું 80 વર્ષની વયે તા 27-4-16 ના રોજ અમદાવાદ ખાતે દેહાવસાન થયું છે…
અમારાં પ્રેમલગ્ન 15-8-1970 ના રોજ સંપન્ન થયાં હતાં
સદગત એક સુપ્રસિધ્ધ વાર્તાલેખિકા અને લઘુ કથા લેખિકા હતાં. ‘કોઇ ને કોઇ રીતે’ તેમનો મહત્વનો વાર્તાસંગ્રહ છે.જેને વલ્લભદાસ હેમચંદ એવૉર્ડ એનાયત થયો હતો/ પૂ મોટાનું જીવનચરિત્રતેમણે ‘મહાજ્યોત મોટા:’ શિર્ષકથી પ્રગટ કરેલું હતું,આકાશવાણી અને ટેલિવિઝન પરથી તેમની અનેક કૃતિઓ પ્રસારિત થઇ હતી.”
ઇ-મેઇલ વાંચતાં મારાં પત્ની હસુ તથા મારી કેટલાંક વર્ષો પહેલાંની અમદાવાદની મુલાકાત વખતે રજનીકુમારને ઘેર તરુલતાબહેને બનાવેલાં ભજિયાંનું ભોજન કરેલું યાદ આવ્યું.
રજનીકુમારને તરત જ ઇ-મેઇલ કર્યુંઃ
પ્રિય રજનીકુમારઃ
તરુલતાબહેનના અવસાનના સમાચાર જાણી દુખ થયું. એમના આત્માને પ્રભુ શાંતિ આપો તથા તમને આ દુખ સહન કરવાની પ્રભુ શક્તિ આપો.
મોડેસ્ટો, કેલિફોર્નિયામાં દર રવિવારે સવારે અમારા ઘરમાં સત્સંગ કરીએ છીએ એમાં તરુલતાબહેનના આત્મા માટે જરૂર પ્રાર્થના કરીશું.
–ગિરીશ
આ રવિવાર, મે ૧ના રોજ લખું છું. આજે સવારે શ્રી રામકૃષ્ણ પરિવાર (એસઆરકેપી)ના અમારા ઘરમાં કરેલા સત્સંગમાં તરુલતાબહેનના આત્માની શાંતિ માટે તથા રજનીકુમારને અ દુખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે એ માટે પ્રાર્થના કરી હતી.