Archive for જુલાઇ, 2010

‘હંસપ્રકાશ’ નો પ્રકાશઃ ૧ (ગિરીશના ભાવ પ્રતિભાવ)

જુલાઇ 31, 2010
કોમ્પ્યુટરમાં આ એન્ટર કરી રહ્યો છું ત્યારે મારા ટેબલ પર વિખ્યાત લેખક શ્રી રજનીકુમાર પંડ્યાનું એમના હસ્તાક્ષર કરેલું ‘હંસપ્રકાશ’ પુસ્તક છે. પાકા પૂઠાના આ પુસ્તકનું ગેટ અપ, તથા એમાંનાં ઊડીને આંખે વળગે એવા મોટા ટાઈપ, કીમતી કાગળ, સુઘડ મુદ્રણ વગેરે એટલાં બધાં આકર્ષક છે કે હાથમાં લેતાં જ એ ગમી જાય છે, ને પુસ્તક વાંચવાનું મન થઈ જાય છે.
 
કવર પર ઊભા લંબગોળમાં કોઈ પ્રતિભાશાળી પણ નમ્ર, આછું સ્મિત વેરતા દેખાવડા વૃધ્ધ પુરુષનો રંગીન ફોટો છે. તસ્વીર નીચેનાં ફૂલો દર્શાવે છે કે આ એમની સ્મૃતિમાં સર્જાયેલો ગ્રંથ છે.
 
પાછલા કવર પર સત્યઘટનાત્મક નવલકથાઓ, ચરિત્રો વગેરેનાં ત્રીસેક પુસ્તકોના લોકપ્રિય લેખક શ્રી રજનીકુમારનો ફોટો અને પરિચય છે.
 
હવે આ રસમય અને પ્રેરણાત્મક પુસ્તક ‘હંસપ્રકાશ’નો પરિચય આપું:
 
સ્વ. હંસરાજભાઈ ભાણજીભાઈ કાલરીયાનું મૂળ વતન હાલ જામનગર જિલ્લામાં જામજોધપુર પાસે આવેલું ગીંગણી ગામ. હંસરાજભાઈના પૂર્વજ રાજાભાઈ કાલરીયા વર્ષો પહેલાં મહેસાણા પાસેના કાલરી ગામેથી દુષ્કાળની અસરથી સૌરાષ્ટ્ર ભણી ઊતરી આવેલા, અને એમના હાથે જ ગીંગણી ગામ વસાવાયેલું. (પણ મૂળ વતન કાલરી એટલે અટક પડી કાલરીયા.)
 
કડવા પાટીદાર (પટેલ) જ્ઞાતિમાં જન્મેલા સાહસિક વહેપારી હંસરાજભાઈની જીવનકથાનો આરંભ રજનીકુમાર આ રીતે કરે છેઃ
 
“… આવડા મોટા ભારત દેશના નકશામાં નાનકડા ટપકાનું પણ સ્થાન ન પામે એવા આ ગીંગણી ગામમાંથી પ્રયાણ કરીને હંસરાજભાઈ કાલરીયાએ, કાલરીયા કુટુંબને આમ તો આખા આફ્રિકામાં, ખાસ કરીને મલાવીમાં ખ્યાતનામ કરી દીધું. અને પછી તો મલાવીને જ પોતાનું વતન બનાવી દીધું. …”
                                                                                (વધુ હવે પછી …)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish in this post: Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.   

રજનીકુમાર પંડ્યા

જુલાઇ 30, 2010
(કોમ્પ્યુટરમાં આ એન્ટર કરી રહ્યો છું ત્યારે મારા ટેબલ પર ઉર્વીશ કોઠારી અને બિરેન કોઠારી સંપાદીત ‘રજનીકુમારઃ આપણા સૌના’ પુસ્તક છે. તેમાં પૃષ્ઠ ૨૪૯ પર નીચેના કાવ્યની ૧૦ પંક્તિઓ (ઇટાલીક્સમાં છે તે) પ્રગટ થઈ છે.
શ્રી રજનીકુમાર પંડ્યાનો પરિચય મને મારા મિત્ર શ્રી ઈશ્વરભાઈ પટેલ મારફત થયો હતો. આ કાવ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલને અર્પણ કરું છું.) 
 
મા શારદાનો આપ પર છે પ્યાર
                           રજનીકુમાર
 
શબ્દશક્તિના તમે સાધક
જગતનાં ઝેરમાંથી તારવી અમૃત
શબ્દગંગાની વહાવો છો કલમથી ધાર
                                   રજનીકુમાર
 
ત્રણ દાયકા ઉપરાંતની તવ સાધનાના
      ફળ રૂપે…
આપી તમે રસથી છલકતાં સર્જનોની હારમાળ
                                              રજનીકુમાર
 
સ્ત્રીહ્રદયના મર્મના જ્ઞાતા તમે —
   સ્ત્રીહૃદયનાં મર્મ ને સંવેદનોને
       સાહિત્યનાં શિલ્પો મહીં કૌશલ્યથી કંડારનાર
                                                  રજનીકુમાર
 
‘ઝબકાર’ના દ્યોતક તમે
માનવહ્રદયને સ્પર્શતી વાર્તાઓના લેખક;
નવલકથાઓના તમે સર્જકઃ
         ‘કોઈ પૂછે તો કહેજો’
         ‘અવતાર’ ને ‘પરભવના પિતરાઈ’
         ને વિશ્વના સાહિત્યમાં જે સ્થાન લે
             ગૌરવ થકી–
         એવી નવલ આપી તમે — છો ધન્ય ‘કુંતી’કાર
                                                      રજનીકુમાર.

ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.

(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.   

અજ્ઞાનને સીમા નથી ! (મુક્તક)

જુલાઇ 29, 2010
(જ્યોતીન્દ્ર દવેના ‘અજ્ઞાન’ નિબંધમાંથી નીચેનું જ્ઞાન મુક્તકમાં સ્ફૂર્યું.) 
 
લોકો કહે છે જ્ઞાનને સીમા નથી
હું કહું અજ્ઞાનને સીમા નથી !
માપી શકું હું આપના સૌ જ્ઞાનને
માપવાનું શક્ય ના અજ્ઞાનને !

ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.

(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.   

ઘૂમટો

જુલાઇ 28, 2010
કેવી રીતે જન્મ્યો હતો આ ઘૂમટો–
એ કહું?
એ બેનમૂન નાજુક કળી શા રૂપ સાથે,
પ્રીત થઈ ગઈ ચૂંદડીના રંગનીતર્યા–
છેડલાને,
ને ગયો વીંટળાઈ ઝટપટ એ
શરમથી થઈ ગયેલા લાલ,
એ ઓષ્ઠ ને એ ગાલ ને એ સહુ થકી
સૌષ્ઠવ અને સુરખીભર્યા–
મુખચંદ્રને.
  
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.

(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.   

તસ્વીર તારી

જુલાઇ 27, 2010
કલ્પનાના આ ફલક પર
અંતર તણો કાગળ પ્રસારી
ઉર્મિની પીંછી હ્રદયના —
રંગમાં ઝબકોળીને હું
દોરી રહ્યો છું જ્યારથી
            તસ્વીર તારી,
બસ ત્યારથી ભૂલી ગયો
                      છું વિશ્વને.
પૂછશે કોઇ મને જ્યારે
કલાની ધૂનમાં ઘેલા બનીને
                             શું મળ્યું?
હ્રદયનાં દ્વાર ખોલી દઇશ હું;
સોહામણી તસ્વીર તારી
માહરા અંતરપટેથી
એહની આંખો મહીં
        જાશે સમાઈ;
ને પછી તસ્વીરમાં
       તારી જ સાથે
નીરખી રહેશે નકી (એ)
અણચીતરી મારી છબી !
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.   

સંગીત

જુલાઇ 26, 2010
વીણાને મેં પૂછ્યું:
“સંગીત તું ક્યાંથી શીખી?
તારા હ્રદયના કંઈક
દર્દીલા રસીલા સૂર
કેવી રીત છેડે તું કહે
જાદુભર્યા એ તારથી?”
 
(ઝણકી ઊઠી એ તારની દુનિયા…
નીરખી રહ્યો હું
અંગૂલીઓના તાજ શી નખપંક્તિ રાતી,
એ નાચી  ને પ્રસરી ગયો એ તારનો–
નર્તનધ્વનીઃ)
 
‘જાદુ નથી આ તારમાં
સંગીતનું જાદુ કરામત ને કલા
એ સહુ ભરેલાં છે–
છલોછલ છે–
જુઓ પેલી નવોદિત પુષ્પકળીઓ શી
ધ્રૂજંતી આગળીઓમાં.’
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.   

બે આંખ – – The Two Eyes

જુલાઇ 25, 2010
આ બેઉ આંખોએ ખરેખર
વિશ્વ આખાને નિહાળ્યું છે ! —
ને તોય એણે જોયું છે એનાય કરતાં–
બહુ બતાવ્યું છે.
કારણ કે આ બે આંખ દ્વારા–
આખાય વિશ્વે
મારા હ્રદયની વાત–
એકે એક જાણી છે !
 
The Two Eyes
 
These two eyes have really
seen the whole world ! —
But they’ve shown
more than
what they’ve seen–
for through these two eyes–
the entire world
has known
every secret of my heart !
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.   
 
મુક્તકાવ્ય

જુલાઇ 24, 2010
(‘અછાંદસ’ કાવ્ય માટે ‘મુક્તકાવ્ય’ શબ્દ પ્રયોજ્યો છે.)
છંદબદ્ધ આ નથી કવિતા
શબ્દ ‘અછાંદસ’ મને ગમે ના
પદ્ય નથી આ ગદ્ય નથી આ
છતાં પદ્ય છે અને ગદ્ય છે!
હ્રદય-શિખરથી ઝરતું આ તો
મારા મનનું મુક્તકાવ્ય છે.
 
છંદોનાં બંધન એને ના
ગદ્ય તણી એને ના સીમા
પદ્ય-સરિતામાં વિલાવા
મારા ગીતનું ઝરણું દોડે
હ્રદય-શિખરથી ઝરતું આ તો
મારા મનનું મુક્તકાવ્ય છે.
 
પથિકોની એ પ્યાસ છીપાવે
અંતરમાં એ તૃપ્તિ બીછાવે
પ્રવાસીનું મંગલ મુખ દેખી
શબ્દ-ઝરણ મમ કલકલ ગાયે
હ્રદય-શિખરથી ઝરતું આ તો
મારા મનનું મુક્તકાવ્ય છે.
 
પદ્ય-સરિતામાં કરી વિલોપન
મમ ઝરણું સાગર-મય થાશે
રત્નાકરમાં રત્ન બનીને
તેજોમય ગીતો એ ગાશે
હ્રદય-શિખરથી ઝરતું આ તો
મારા મનનું મુક્તકાવ્ય છે.

ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.   

ગઝલની સુરાહી (ગઝલ)

જુલાઇ 23, 2010
(અશરફ ડબાવાલાની પ્રેરણાથી લખાયેલી આ મારી પહેલી ગઝલ એમને જ અર્પણ કરું છું. – – ગિરીશ પરીખ).
 
ગઝલની અમે તો સુરાહી કરી
ઘુંટ્યા શબ્દ ને તેની શાહી કરી 
 
નશો અર્થનો એમાં ઠાંસી દીધો
પછી સાકીએ  બાદશાહી  કરી
 
ફરી જામ સાકી લઇ હાથમાં
જો પાગલ મહેફિલને ડાહી કરી  
 
અમે સાંભળી, વાંચી, ગાઈ ગઝલ
લખી, ના લખી, પણ ગવાહી કરી
 
વટાવી દે શબ્દો ને અર્થો ગિરીશ
ધરી મૌન શાને તબાહી કરી.

(કેટલાંક વર્ષો પહેલાં અશરફ ડબાવાલાના શિકાગોના સબર્બ શામબર્ગમાં આવેલા ઘરના બેઝમેન્ટમાં યોજાયેલા મુશાયરામાં ગિરીશે આ ગઝલની પ્રથમ રજૂઆત કરેલી. આદિલ એ મુશાયરામાં હાજર હતા અને એમને ગઝલ ગમેલી. શ્રોતાઓને પણ ગમેલી.) 

અને એક મુક્તકઃ 

અશરફની પ્રેરણાથી અમે એક લખી ગઝલ

ગાઈ ન શક્યા પણ અમે વાંચી દીધી ગઝલ

ગઝલની અમે એમાં બનાવી છે સુરાહી

શબ્દોની  શાહી, અર્થ-નશામય પીધી ગઝલ !

ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.   

‘ધબકારાનો વારસ’ના ધબકારા: ૪ (ગિરીશના ભાવ પ્રતિભાવ)

જુલાઇ 22, 2010
અમર રહેવા સર્જાયેલાં અશરફનાં અછાંદસ કાવ્યોમાં ‘Schizophrenia’ વિશિષ્ટ છે. (ડૉકટર અશરફ ડબાવાલાના તબીબી શબ્દકોશનો આ અંગ્રેજી શબ્દ વાંચીને ગભરાસો નહીં! – – કાવ્ય ગુજરાતીમાં છે.) કાવ્યમાં ડૉક્ટરનો દર્દી (ડોક્ટરે શીખવ્યા મુજબ) આ અને બીજા રોગોનાં અંગ્રેજી નામ બોલે છે. બધા શબ્દોના અર્થ, અને ગુજરાતી લીપીમાં એમનાં અંગ્રેજી નામ પાદટીપ (ફૂટનોટ) માં આપ્યાં હોત તો સરસ. (કાવ્યસંગ્રહ પરથી બનાવેલી ઑડિયો ટેપમાં કવિશ્રીએ એ શબ્દો સમજાવ્યા છે, પણ પુસ્તકમાં અર્થ નથી આપ્યા.)
 
‘Schizophrenia’ કાવ્યને અંગ્રેજીમાં અવતાર મળે તો એના શબ્દોના ધબકારા વિશ્વસાહિત્યમાં સંભળાય એવા છે. (હકીકતમાં આ લખનારે કાવ્યનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે, અને www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ કર્યો છે.)
 
અશરફના સાદા શબ્દોમાં છુપાયેલાં ઊંડાણને પામવા ભાવકે શબ્દોના હ્રદય સુધી પહોંચી એ ધબકારા સાંભળવા રહ્યા – – ને પછી એ ધબકારાની પણ પેલે પાર જઈ શબ્દબ્રહ્મનો આનંદ માણવો રહ્યો.
 
અલબત્ત, ‘ધબકારાનો વારસ’ વર્તમાન વાચક, અને એની વારસ-પરંપરા જોગ પુસ્તક છે.
 
કોઈક કોઈક ઠેકાણે જોડણીની ભૂલો છે જે નવી આવૃત્તિ કરતી વખતે સુધારી શકાય.
 
અશરફનેઃ
પહેચાન આ લખનારને થઈ ગૈ છે આપની!
ને એના ‘સ્મરણ’ ઝરણમાં યાદી છે આપની.
                                                                                (આ લેખમાળા સંપૂર્ણ)
 
(અશરફની પ્રેરણાથી લખાયેલી આ લખનારની ‘ગઝલની સુરાહી’ નામની ગઝલ આવતી કાલે પોસ્ટ થશે).