Archive for ઓક્ટોબર, 2011

કદી વાંસળી આ બરાબર ન વાગી …! (‘વિવેકના શેરોનો આનંદ’: 27)

ઓક્ટોબર 31, 2011

હશે ક્યાંક છિદ્રોમાં કોઈ પુરાણ જ,
કદી વાંસળી આ બરાબર ન વાગી.

વાંસળીની વાત થાય ત્યારે શ્રી કૃષ્ણ યાદ આવે જ. આદિલને હું ‘કૃષ્ણની વાંસળી વાળા કવિ’ કહું છું. એમની કૃષ્ણ-ગઝલનો શેર યાદ આવે છેઃ

વાંસળી પડઘાય આખ્ખા ગામમાં
કૃષ્ણ એવું શું છે તારા નામમાં

(જણાવવાની રજા લઉં છું કે ગુજરાત ફાઉન્ડેશન તરફથી પ્રગટ થનાર મારા પુસ્તક આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન માં આદિલની કૃષ્ણ-ગઝલના પાંચે શેરો વિશે લખ્યું છે.)

પણ કૃષ્ણની વાંસળીનાં છિદ્ર પુરાયેલાં નહોતાં. અને એને ઓષ્ઠ પર ધારણ કરીને વગાડનાર હતા કૃષ્ણ — અને એટલે તો એના સૂર આખ્ખા વૃંદાવનમાં પડઘાય છે — અને એ પડઘા પછી પ્રસરે છે બ્રહ્માંડમાં!

પણ આ કાયાની વાંસળી કેમ બરાબર વાગતી નથી? ક્યાંક છિદ્રોમાં પુરાણ હોવાં જોઈએ.

અહંકારનાં પુરાણ એમાં છે?

તન અને મનની વાંસળીનું સ્વાસ્થ સારું હોવું જોઈએ. પ્રભુએ આપેલાં સાધનો છે એ સાધના કરવા માટે.

અને પછી વાંસળી જરૂર વાગશે, અને એ સંગીત મધુર પણ હશે.

આ શેર પણ ખૂબ જ ગમ્યોઃ

હજી એ કળાતો નથી કંઈ બરાબર,
હજી કાંચળી પૂરી ક્યાં એણે ત્યાગી ?

(સર્જાતા જતા પુસ્તક વિવેકના શેરોનો આનંદઃ ડો. વિવેક મનહર ટેલરના ૫૦ શેરો વિશે રસમય વાંચન માંથી.)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post:
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.

‘વિવેકના શેરોનો આનંદ’ પુસ્તક અડધેથી વધુ આવ્યું ? (‘વિવેકના શેરોનો આનંદ’ પુસ્તક વિશેઃ ૩)

ઓક્ટોબર 30, 2011

‘વિવેકના શેરોનો આનંદ’ પુસ્તકનું ઉપશિર્ષક છે ‘ડો. વિવેક મનહર ટેલરના ૫૦ શેરો અને એમના વિશે રસમય વાંચન’ — આજે ૨૬મા શેર અને એના વિશેનું વાંચન પોસ્ટ કર્યું છે એટલે આપને લાગતું હશે આ પુસ્તકનું સર્જન અડધેથી વધુ આવ્યું.

પણ અડધેથી વધુ રમત રમવાની હજુ બાકી છે! પ્રભુ, મા સરસ્વતી, મા ગુર્જરી, માતૃભાષા ગુજરાતી –અને હવે (હા હવે) ઉમેરું છું મા બ્લોગેશ્વરીની — કૃપાથી રમત જરૂર જીતાશે એવી શ્રધ્ધા છે.

અને (હા “અને”) પુસ્તક પ્રગટ થતાં પ્રકાશક, વિક્રેતાઓ, ગ્રાહકો, વાચકો, , અને હા, આ લખનાર, વગેરે જીતશે એમ માનું છું — અને એ જીત સતત હશે. અલબત્ત, પુસ્તકનો સતત પ્રસાર અને પ્રચાર તો કરતા જ રહેવું પડશે. (‘સતત’ શબ્દ લખતાં આદિલ મન્સૂરી યાદ આવે છે — એમના એક કાવ્યસંગ્રહનું નામ ‘સતત’ છે).

હવે બાકીનાં કેટલાંક કામઃ

–બાકીના ૨૪ શેર અને એમના વિશે લેખન અને પોસ્ટીંગ.

–ભાવકોના પ્રતિભાવોનું સંપાદન. પુસ્તકના શેરોના સંદર્ભમાં જે પ્રતિભાવો હશે એમાંથી મોટે ભાગે પસંદ કરવામાં આવશે.

–પચાસ શેરો અને એમના વિશે લખાયા પછી એમની વિષય મુજબ યોગ્ય વિભાગોમાં ગોઠવણ, આવકાર (બે), પ્રસ્તાવના (આભારદર્શન આમાં હશે), પ્રકાશકનું નિવેદન, શેરસૂચી, વિવેક વિશે, ગિરીશ વિશે, બન્નેનાં પુસ્તકો વગેરેની માહિતિ, વગેરે તૈયાર કરવાનાં રહેશે.

–અગાઉ જાણાવ્યા મુજબ પુસ્તકનો આ પ્રથમ ડ્રાફ્ટ થશે. એ પછી રીવ્યૂ, રીવીઝન, જોડણી તથા ભાષા સુધારણા, વગેરે કામો કરવાનાં છે.

–પુસ્તક આ બ્લોગ (www.girishparikh.wordpress.com) પર આકાર લઈ રહ્યું છે. Yahoomail માં પણ બધાં લખાણો છે. આ બધાં લખાણો સીધાં જ ટાઈપસેટ થઈ શકે તો મહેનત અને સમય બચે, અને જોડણી વગેરેની ભૂલો પણ ન થાય. (જો કે કોમ્પ્યુટરમાં લખાણો છે એમની જોડણી, વ્યાકરણ, વગેરે સુધારવાનાં છે.)

–પુસ્તક માટે તસ્વીરોની પસંદગી. વિવેક સારા ફોટોગ્રાફર પણ છે. એમના સંગ્રહોમાંથી પસંદ કરેલી યાદગાર તસ્વીરો પુસ્તકમાં મૂકવાની ઇચ્છા છે. કેટલીક તસ્વીરો બહુરંગી પણ હશે. વિવેક અને વૈશાલીને વિનંતી કરું છું કે એ તસ્વીરો પસંદ કરે. (જણાવવાની રજા લઉં છું કે ગુજરાત ફાઉન્ડેશન તરફથી પ્રગટ થનાર મારા પુસ્તક આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન માટે તસ્વીરો ડો. મધુમતી મહેતા (ડો. અશરફ ડબાવાલાનાં ધર્મપત્ની) એ મોકલી હતી તથા પ્રકાશક કૌશિક અમીને આદિલનાં ધર્મપત્ની બિસ્મિલબહેન મન્સૂરીના સંગ્રહમાથી પસંદ કરી હતી).

–અને (હા, “અને”) સૌથી અગત્યનું કામઃ યોગ્ય પ્રકાશકની શોધ. યોગ્ય પ્રકાશક મળી જ રહેશે એવી શ્રધ્ધા છે.
(વધુ હવે પછી …)

બસ, બે ઘડી મળી …! (‘વિવેકના શેરોનો આનંદ’: 26)

ઓક્ટોબર 30, 2011

બે-ચાર શ્વાસની આ મને નાવડી મળી,
સાગર મળ્યો અફાટ ને બસ, બે ઘડી મળી.

આ શેર જે ગઝલમાં છે એના છેલ્લા શેર, ‘તું શ્વાસ થઈને મારી ભીતર શબ્દને અડી ….’
વિશે આ પુસ્તકમાં અન્યત્ર લખ્યું છે.

ફિલ્મીસ્તાનની નંદલાલ જશવંતલાલ (હું માનું છું એ ગુજરાતી હતા) જેના ડીરેક્ટર હતા એ ફિલ્મ ‘અનારકલી’નું રાજેન્દ્ર કૃષ્ણે લખેલું, હેમંતકુમારે ગાયેલું અને સી. રામચંદ્રે સંગીતમય કરેલું ટાઈટલ સોંગ યાદ આવ્યું:

જિંદગી પ્યાર કી
દો ચાર ઘડી હોતી હૈ
ચાહે થોડી ભી હો
યે ઉમ્ર બડી હોતી હૈ …

અલબત્ત, અનંત છે પ્રેમનો સાગર! એ સાગરમાં સહેલ કરવા જિંદગીની બે-ચાર ઘડીઓ કેવી રીતે બસ થાય?

પણ સાચા પ્રેમના બિંદુમાં સાગર સમાઈ શકે! પ્યારની એ બે-ચાર ઘડીઓ ભલે થોડી રહી પણ ઉમ્રભરની એ સખાવત છે.

ફિલ્મ ‘નાસ્તિક’નું પ્રદીપજીએ લખેલા ગીતની પંક્તિઓ પણ યાદ આવીઃ

હિંમત ન હાર
પ્રભુકો પુકાર
વોહી તેરી નૈયા
લાગાયેગા પાર.

કવિના શ્વાસ છે એમના શબ્દો. શબ્દોના શ્વાસની નાવડી એમને જરૂર જિંદગીના સાગરને પાર કરાવશે — માત્ર એમને જ નહીં, હું માનું છું કે અનેક ભાવકોને પણ જિંદગીનો સાગર પાર કરવામાં એ મદદ કરશે.

અને આ પુસ્તકનો હેતુ છે આપને એ શબ્દોની નાવડી તરફ લઈ જવાનો.

હવે આપણી એક કહેવત પણ યાદ આવે છેઃ

રાત થોડી ને વેશ ઝાઝા!

પણ પ્રભુકૃપાથી થોડી રાતમાં ઝાઝા વેશ પણ ભજવી શકાય. અર્જુન માટે જેમ દિવસ લંબાયો હતો એમ પ્રભુકૃપાથી રાત પણ લંબાય!

આ શેર પણ ખૂબ જ ગમ્યોઃ

હૈયામાં તારા કેટલી ચીસો ભરી છે, શંખ ?
એક ફૂંક પાછી કેટલા પડઘા પડી મળી !

ઉપરના શેરમાં ‘પડી’ની જગાએ ‘પછી’ જોઈએ?

(સર્જાતા જતા પુસ્તક વિવેકના શેરોનો આનંદઃ ડો. વિવેક મનહર ટેલરના ૫૦ શેરો વિશે રસમય વાંચન માંથી.)

ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post:
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.

લીલા રંગની નોટો લાગે વહાલી !

ઓક્ટોબર 29, 2011

લાગી ડોલરજીની લગની !
કે લીલા રંગની નોટો
લાગે વહાલી !
લાગી ડોલરજીની લગની !

દોડે છે ડોલરની પાછળ
દુનિયાના સૌ દેશ !
“In dolar we trust”
મળે છે મોંઘેરો સંદેશ !
“ડોલરમાં અમને શ્રદ્ધા છે”
મળતો એ આદેશ !
           ને એમાં શંકા ના લવલેશ!

લાગી ડોલરજીની લગની !
કે લીલા રંગની નોટો
લાગે વહાલી !
લાગી ડોલરજીની લગની !

ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.

Blog: www.girishparikh.wordpress.com  E-mail: girish116@yahoo.com

તું શ્વાસ થઈને મારી ભીતર શબ્દને અડી …! (‘વિવેકના શેરોનો આનંદ’: 25)

ઓક્ટોબર 29, 2011

તું શ્વાસ થઈને મારી ભીતર શબ્દને અડી,
કાવ્યોને મારા જાણે પવન-પાવડી મળી.

આ ‘”તું” કોણ છે જે શ્વાસ થઈને કવિની ભીતર રહેલા શબ્દને અડે છે? અલબત્ત, એ કવિની પ્રેરણાદેવી છે.

સર્જક એટલે શબ્દશીલ્પી. શબ્દોનો કારીગર. શબ્દો દ્વારા અવનવાં સર્જનો એની કલમ દ્વારા કાગળ પર કે કોમ્પ્યુટરના સ્ક્રીન પર અવતાર લે છે.

કોમ્પ્યુટર, ઈન્ટરનેટ અને ટેકનોલોજીના વિકાસથી ગુજરાતી (અને અંગ્રેજી ઉપરાંત અન્ય ભાષાઓમાં) લખવાનું સરળ બન્યું છે. અનેક બ્લોગો અને વેબ સાઈટો શરૂ થઈ છે, અને નવી શરૂ થાય છે.

આ લખનાર એક નાનકડો સર્જક છે, અને કોમ્પ્યુટર પર મોટે ભાગે લખે છે. http://www.girishparikh.wordpress.com એનો બ્લોગ છે, અને કોણ છે એનાં પ્રેરણાદેવી? એ છે મા સરસ્વતીનું જ સ્વરૂપ જેમને આ લખનાર “બ્લોગેશ્વરી” કહે છે. આપની જો વેબ સાઈટ હોય તો આપ એમને “વેબેશ્વરી” કહી શકો છો.

“બ્લોગેશ્વરી” અને “વેબેશ્વરી” જાણે પવન પાવડીઓ છે. એમની કૃપાથી શબ્દનો વિસ્તાર વધતો જાય છે. આદિલના એક શેરની પ્રથમ પંક્તિ યાદ આવીઃ

દિનરાત વધતો જાય છે વિસ્તાર શબ્દનો …

ઉપરની પંક્તિવાળા શેર વિશે ગુજરાત ફાઉન્ડેશન તરફથી પ્રગટ થનાર પુસ્તક આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન માં મેં લખ્યું છે — અલબત્ત મા “બ્લોગેશ્વરી”ની કૃપાથી.

આપ માનો કે ન માનો, સર્જન મા સરસ્વતીની કૃપાથી જ, અને જો એ કોમ્પ્યુટર પર થતું હોય તો મા સરસ્વતીનાં સ્વરૂપ “બ્લોગેશ્વરી” કે “વેબેશ્વરી”ની કૃપાથી જ થતું હોય છે. એ ઉપરાંત કોઈ જીવંત વ્યક્તિની પ્રેરણા પણ હોઈ શકે.

અને પછી સર્જનને જાણે પવન પાવડી મળે! અલબત્ત, સર્જનની ગુણવત્તાનો આધાર સર્જકની સતત સાધના અને મા સરસ્વતીની કૃપા છે.

વ્હી. શાંતારામની ફિલ્મ ‘નવરંગ’ના કવિ યાદ આવે છે.

આ શેરો પણ ખૂબ જ ગમ્યાઃ

મારા ગયા પછીથી કદર આવડી મળી,
વાંચીને ગઝલો બોલ્યું કોઈ: “ફાંકડી મળી.”

સંબંધમાં આ દિલ કશે આગળ ના જઈ શક્યું,
જે પણ ગલી મળી એ ઘણી સાંકડી મળી.

(સર્જાતા જતા પુસ્તક વિવેકના શેરોનો આનંદઃ ડો. વિવેક મનહર ટેલરના ૫૦ શેરો વિશે રસમય વાંચન માંથી.)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post:
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.

એક તારા સ્પર્શથી …! (‘વિવેકના શેરોનો આનંદ’: 24)

ઓક્ટોબર 28, 2011

ક્યાંક તારા સ્પર્શથી જીવંત થઈ ગઈ છે શિલા,
ક્યાંક પથરાઓ ડૂબ્યા છે એક તારા સ્પર્શથી.

સ્પર્શ …!

કવિ કહે છે કે “તારા સ્પર્શથી”.

“તારા” એટલે કોના એ કવિ કહેતા નથી — કવિની જેમ વાચક પણ કલ્પના કરી શકે છે. કવિની ક્લ્પના સર્જન માટે હોય છે જ્યારે ભાવક અર્થઘટન માટે કલ્પનાઓ કરતો હોય છે. અને સર્જનનું વાચન-પઠન-ગાન-મનન-ચિંતન દરમિયાન ભાવકના મનમાં સ્ફૂરતી કલ્પ્નાઓને એણે રોકવી ન જોઈએ.

રામ સ્પર્શ-કથાઓ તો જાણીતી છે. અલબત્ત, મોટા ભાગના ભવકોના મનમાં રામના જીવનના એ પ્રસંગોનો સ્પર્શ થશે. રામના પાવન પગના સ્પર્શે થયો અહલ્યાનો ઉધ્ધાર — પણ એમના જ સ્પર્શ પછી એમણે મૂકેલા પથરા ડુબ્યા! રામનામથી પથ્થર તરે, પણ રામે ત્યજેલા પથ્થર તો ડૂબેજ ને!

“એક તારા સ્પર્શ”નો પ્રતાપ છે એ!

અને ભાગ્યે જ કોઈ એવું હશે જેણે ‘સ્પર્શ’નો રોમાંચ નહીં અનુભવ્યો હોય. અને રોમાંચ માત્ર સ્પર્શેન્દ્રિયના જ હોતા નથી, અન્ય ઈન્દ્રિયો અને મન પણ રોમાંચ અનુભવી શકે છે.

ભક્તોનાં હૃદય ગુરુના ચરણોનો સ્પર્શથી કેટલી ધન્યતા અનુભવે છે. અને ગુરુ એ સ્પર્શ થતાં આશીર્વાદ આપે છે.

આ શેરો પણ ખૂબ જ ગમ્યાઃ

હાથ આ જાગી ઊઠ્યા છે એક તારા સ્પર્શથી,
સોંસરા મઘમઘ થયા છે એક તારા સ્પર્શથી.

જ્યાં હવાની આવજા પણ શક્ય નહોતી એ બધા
બંધ ઘર ખુલી ગયાં છે એક તારા સ્પર્શથી.

(સર્જાતા જતા પુસ્તક વિવેકના શેરોનો આનંદઃ ડો. વિવેક મનહર ટેલરના ૫૦ શેરો વિશે રસમય વાંચન માંથી.)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post:
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.

જગત જ્યારે જ્યારે કનડતું રહે છે …! (‘વિવેકના શેરોનો આનંદ’: 23)

ઓક્ટોબર 27, 2011

જગત જ્યારે જ્યારે કનડતું રહે છે,
મને કંઈક મારામાં જડતું રહે છે.

નાગર નાતમાં જન્મેલા નરસી મહેતાને નાતે કેટલા કનડેલા! પણ એમને જે જડ્યું એનાથી એ ભક્ત તરીકે અમર થઈ ગયા — અને આપણા સાહિત્યમાં પણ અમર છે એ.

કનડગતો મીરાંબાઈને પણ સહન કરવી પડી હતી પણ એમની કૃષ્ણભક્તિએ એમની લાજ રાખી. આપણને મીરાંબાઈનાં અમર કૃષ્ણભજનો મળ્યાં.

આવા તો અનેક દાખલા છે કે જ્યારે જગત કનડે છે ત્યારે કનડગત સહન કરનારને એવું કાઈક જડે છે જે એને અમર બનાવી દે છે — અને એ જો સાહિત્યકાર હોય તો આપણને અમર સર્જનો મળે છે.

અપવાદ રૂપ કેટલાક સર્જકોને કનડગત સહન ન પણ કરવી પડે, પણ બધા જ સાચા સર્જકોને સર્જન-કર્મ માટે તપસ્યા કરવી પડે છે — મોટે ભાગે વર્ષોની સાધના કરવી પડે છે.

અને સર્જન પહેલાં અને સર્જન દરમિયાન સર્જક મીઠ્ઠી ‘કનડગત’ અનુભવતો હોય છે!

જાતે વહોરેલી એ કનડગતને સમાજમાંથી બહુ ઓછા સમજી શકે છે, અને સમાજનું આ વર્તન સર્જકની કનડગતમાં વધારો કરે છે.

‘જય જય ગરવી ગુજરાત’ ગીતના સર્જક સૂરતના નર્મદની ક્ષમાયાચના સાથે લખું છું:

સર્જનનો મારગ શૂરાનો નહીં કાયરનું કામ જોને !

અલબત્ત, હું ઉચ્ચ કોટિના સર્જનની વાત કરું છું.

આ શેર પણ ખૂબ જ ગમ્યોઃ

રહી દૂર કોઈ રહે ઠેઠ ભીતર
રહી પાસ કોઈ, અછડતું રહે છે.

(સર્જાતા જતા પુસ્તક વિવેકના શેરોનો આનંદઃ ડો. વિવેક મનહર ટેલરના ૫૦ શેરો વિશે રસમય વાંચન માંથી.)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post:
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.

મોરપીંછું એક વચ્ચે મૂકી ગઝલો વાંચજો ! (‘વિવેકના શેરોનો આનંદ’: 22)

ઓક્ટોબર 26, 2011

જાતરા વૃંદાવને જઈ કરવી જો મુમકિન ન હોય,
મોરપીંછું એક વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

મન ચંગા તો કથરોટમાં ગંગા.

અને હરીન્દ્ર દવેની પંક્તિઓ યાદ આવે છેઃ

જ્યાં ચરણ રૂકે ત્યાં કાશી
કાષ્ઠ તણા કથરોટે દીઠો
ગંગાનો જળરાશી

ગઝલ-યાત્રા કેવી રીતે કરશો?

આદિલની કૃષ્ણ ગઝલનો શેર યાદ આવ્યોઃ

રોમરોમે મોરપીંછું ફરફરે
કેવો જાદુ છે આ તારા નામમાં

ગઝલનો જાદુ પણ અનોખો હોય છે. એનો સ્વાદ ચાખનાર જ એ જાણે. આ પુસ્તક આપને વિવેકના શેરોનો સ્વાદ ચખાડવા માટે જ સર્જાયું છે. સ્વાદનો ચટકો લાગે તો વિવેકની ગઝલો જરૂર વાંચશો.

પણ ગઝલો કેવી રીતે વાંચશો? થોડાંક સૂચનો (સજેશન્સ):

પ્રથમ આ પુસ્તકમાંના શેરો અને એમના વિશે વાંચો — મોટેથી પઠન કરો — મનન કરો — ચિંતન કરો.

વિવેકની પૂરી ગઝલો તરફ આપ આકર્ષાશો. અને આકર્ષાયા હશો તો આ પુસ્તકના વાંચન-પઠન-મનન-ચીંતનથી આપનો ઉત્સાહ ઓર વધશે. ગઝલોને મન ભરીને માણો.

વિવેકની કેટલીક ગઝલોના શબ્દો સૂર-સંગીતમય પણ થયા છે. એમને પણ મન ભરીને માણો.

વૃંદાવનની જાતરા થઈ શકે તો જરૂર કરો, પણ ન થઈ શકે તો?

વિવેક વૃંદાવનની જાતરા કરાવે છે એની ગઝલો દ્વારા! એક મોરપીંછું ગઝલો વચ્ચે મૂકીને ગઝલો વાંચશો તો વૃંદાવનની જાતરા કરવાનું પુણ્ય મળશે. ઉમેરું છું કે મોરર્પીંછું વચ્ચે મૂકીને ગઝલો કોઈને સંભળાવશો તો વૃંદાવનની જાતરા કરાવ્યાનું પુણ્ય મળશે.

અને મોરપીંછું મળવાનું મુમકીન ન હોય તો ગઝલો વચ્ચે મનનું મોરપીંછું જરૂર મૂકજો!

ગઝલનો છેલ્લો શેર પણ ખૂબ જ ગમ્યોઃ

શબ્દની ઈંટો મૂકી બાંધ્યું છે આ ગઝલોનું ઘર,
શ્વાસની સિમેન્ટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

(સર્જાતા જતા પુસ્તક વિવેકના શેરોનો આનંદઃ ડો. વિવેક મનહર ટેલરના ૫૦ શેરો વિશે રસમય વાંચન માંથી.)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post:
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.

શબ્દોની દોસ્તીનો મહિમા ! (‘વિવેકના શેરોનો આનંદ’: 21)

ઓક્ટોબર 25, 2011

મારાથી પહેલાં મારું બધે નામ પહોંચી જાય,
શબ્દોની સાથે એવી કરી દોસ્તી અમે.

ઉપરના શેરનું ચિંતન કરતાં આ પંક્તિઓ સ્ફૂરીઃ

શબ્દોની દોસ્તીનો દોસ્તો
મહિમા અપરંપાર
રાજા દેશ મહીં પુજાતો
સર્જક કીર્તિ અપાર !

શબ્દો સાથે આ કવિને ઘરોબો છે. દરેક સાહિત્યકાર અને પત્રકારને શબ્દો સાથે તો સંબંધ હોય છે જ, પણ વિવેકની વિશિષ્ટતા એ છે કે એમનો જીવનમંત્ર છેઃ ‘શબ્દો છે શ્વાસ મારા’.

શબ્દ કે શબ્દોનું બનેલું નામ — નામનો પણ મહિમા છે.

કવિની દોસ્તી અલબત્ત કવિતાના શબ્દ સાથે હોય છે — પણ એની કવિતાની સાથે જોડાય છે એનું નામ. કેટલાક કવિઓ એમનું નામ કવિતાની છેલ્લી પંક્તિમાં મૂકતા હોય છે. પણ કવિ એની કવિતામાં એનું નામ મૂકે ન મૂકે, એના સર્જન સાથે એનું નામ સદાય જોડાયેલું રહે છે.

અને કોઈ કવિ એના સર્જન સાથે નામ જ ન આપે તો પણ એનો આત્મા એ સર્જનમાં સમાયેલો હોય છે.

અને ભાવકની દોસ્તી થાય છે કવિતા સાથે. ભાવક જ્યારે કવિતામય થઈ જાય છે ત્યારે એ, કવિતા અને કવિ એક થઈ જાય છે! એ કાવ્યાનંદને શબ્દોમાં ન વર્ણવી શકાય — હા, કવિતાનો રસાસ્વાદ કરાવવાનો પ્રયત્ન થઈ શકે.

ભાવક પછી એના દોસ્તોને કવિ અને કવિતા વિશે કહે છે, અને કવિના નામનો પ્રસાર થાય છે. કવિને ભાવકો પ્રત્યક્ષ જુએ એ પહેલાં કવિતા દ્વારા એમને કવિનાં દર્શન થઈ ગયાં હોય છે.

વિવેકને પ્રત્યક્ષ જોયા એ પહેલાં મને એમની સાથે આત્મિયતા થઈ હતી એમની કવિતા — અને ખાસ કરીને ગઝલ દ્વારા.

ખરેખર, શબ્દોની દોસ્તી કરનારનું નામ પહોંચી જાય છે એના પહેલાં!

આ શેરો પણ ખૂબ જ ગમ્યાઃ

અજવાળું કાળી રાતનું દેખાશે શબ્દમાં,
હાથે ઉજાગરાની કલમને ગ્રહી અમે.

લેવાને પ્રાણ શબ્દ ઉપર પાશ નાંખ, યમ!
ના દેહ કે ના શ્વાસ, બીજું કંઈ નથી અમે.

(સર્જાતા જતા પુસ્તક વિવેકના શેરોનો આનંદઃ ડો. વિવેક મનહર ટેલરના ૫૦ શેરો વિશે રસમય વાંચન માંથી.)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post:
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.

શબ્દોના શ્વાસમય જીવન ! (‘વિવેકના શેરોનો આનંદ’: 20)

ઓક્ટોબર 24, 2011

શબ્દોનું શ્વાસ હોવું, આભાસ છે, હું જાણું,
સાચો ગણીને તો પણ એવું જીવન હું માણું.

રાજ કપૂરની ફિલ્મ “જાગતે રહો”નું શૈલેન્દ્રે રચેલું, મુકેશે ગાયેલું અને સલીલ ચૌધરીએ સંગીતમાં મઢેલું ગીત યાદ આવે છે. દારૂના નશામાં મોતીલાલ એ ગાય છે. (આપણા બધા પણ માયાના નશામાં જ છીએ ને!)

જિંદગી ખ્વાબ હૈ
ખ્વાબમેં જૂઠા ક્યા ?
ઔર ભલા સચ હૈ ક્યા …?
અને પછીની પંક્તિમાં મોતીલાલ જ જવાબ આપે છે જે આપણને સૌને પણ લાગુ પડે છેઃ
સબ સચ હૈ !

(જિંદગી સ્વપ્ન છે
સ્વપ્નમાં જૂઠ શું ?
અને સાચું પણ શું …?
બધું સાચું છે!)

કવિ આર્ષદૃષ્ટા છે અને જાણે છે કે શબ્દોના શ્વાસ એ આભાસ છે. અલબત્ત, શબ્દોના શ્વાસ એ કવિનું જીવન છે.

શબ્દોના શ્વાસ આભાસ હોવા છતાં કવિ એને સાચું ગણીને માણે છે.

શ્રી રામકૃષ્ણ પરમહંસે અને એમના પટ્ટશિષ્ય સ્વામી વિવેકાનંદે આ વિષયમાં અદભુત શબ્દો કહ્યા છે.

‘બ્રહ્મ સત્ય જગત મિથ્યા’ એ સૂત્ર છે. પણ શ્રી રામકૃષ્ણદેવ જગતને પણ સાચું ગણે છે! જેમ સ્વપ્નમાં હોઈએ ત્યારે સ્વપ્ન સાચું લાગે એમ જગતમાં હોઈએ ત્યારે એ સાચું જ લાગે.

બ્રહ્મને પામ્યા પછી જગતમાં પણ એ જ વીલસી રહ્યો છે એની પ્રતીતી થશે. શ્રી રામકૃષ્ણદેવ દાખલો આપે છે કે ફણસનું વજન કરવું હોય તો એની પેશીઓનું જ વજન કરો એ ન ચાલે — સમગ્ર ફણસનું, એની છાલ અને ઠળિયાઓ સાથે વજન કરો એ જ એનું સાચું વજન.

સ્વામી વિવેકાનંદ સમજાવે છે કે જગત આભાસ હોવા છતાં શાથી સાચું લાગે છે? મોટા ભાગના લોકો માયાબધ્ધ (conditioned in Maya) છે, અને એ બધાને બધું સાચું જ લાગે!

અલબત્ત, માયાની પાર જનારને પણ જગત સાચું લાગે પણ એની દૃષ્ટિ બદલાઈ ગઈ હોય છે. માયા એની જાળમાં એને જકડી શકતી નથી!

માયા શક્તિ છે — ખુદ પ્રભુને પણ અવતાર લેવા માયાનો સહારો લેવો પડે છે!

આવો, આપણે કવિના શેરો અને ગઝલોને સાચાં ગણીને મન ભરીને માણીએ — અને આપણને એમાંના જ કોઈ શેર આભાસની પેલી પાર જવાની પ્રેરણા આપશે.

ગઝલનો છેલ્લો શેર પણ ખૂબ જ ગમ્યોઃ

કાયાના રાજ્યમાં મુજ શ્વાસોનો એવો રાજા,
માંગે કશું બીજું ના, શબ્દોનું સાલિયાણું.

સાલિયાણું = વાર્ષિક વેતન

નોંધઃ The Gospel of Sri Ramakrishna તથા The Complete Works of Swami Vivekananda ઓન લાઇન વાંચોઃ http://www.ramakrishnavivekananda.info . (આ વેબ સાઈટ પર ‘ગોસ્પલ’ના થોડા ભાગ હિંદીમાં પણ છે.)
રાજકોટના શ્રી રામકૃષ્ણ આશ્રમે The Gospel of Sri Ramakrishna તથા The Ceomplete Works of Swami Vivekannda ના અનુક્રમે ‘શ્રી રામકૃષ્ણ કથામૃત’ તથા ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’ (દસ ભાગમાં) નામે પ્રગટ કર્યા છે. આ લીંક પરથી બન્નેની માહિતિ મેળવોઃ http://www.rkmrajkot.org/publication.php .