Archive for સપ્ટેમ્બર, 2010

મોટાભાઇનાં સંસ્મરણોઃ ૩

સપ્ટેમ્બર 30, 2010
મારી સાહિત્યપ્રવૃત્તિ મોટાભાઇએ જ ઉત્તેજેલી. લાઇબ્રેરીમાં અમે જતા ત્યારે કલાકો મિનિટોની જેમ પસાર થઇ જતા. વાચનમાંથી એ ઘણી વખત નોંધો કરતા.
 
જીવનચરિત્રોનાં પુસ્તકો એમને અત્યંત પ્રિય હતાં. પ્રતિકુળ સંજોગોમાં હિંમત ન હારતાં સતત પુરુષાર્થ કરતા રહેવાની પ્રેરણા એ દેશવિદેશના મહાપુરુષો અને સન્નારીઓનાં ચરિત્રો વાંચીને મેળવતા.
 
વર્ષોથી એ નિયમિત રોજનીશી લખતા. વર્ષો સુધી સંશોધન કરીને એમણે પરીખ કુટુંબનો ઇતિહાસ લખેલો.
 
જુવાનવયે અને ખાસ કરીને નિવૃત્ત જીવનમાં લેખન પ્રવૃત્તિ દ્વારા એ આત્મસંતોષ મેળવતા. પ્રસંગલેખનની એમને સારી ફાવટ હતી, ને ‘પ્રસંગપુષ્પો’, ‘માનવતાની મહેક’, અને ફૂલડાંની ફોરમ’ એ ત્રણ પુસ્તિકાઓ પ્રગટ કરેલી. આ પુસ્તિકાઓની એક વિશેષતા એ છે કે દરેકમાં મોટાભાઇની ગાંધીજી સાથેની (જુદી જુદી) મુલાકાતનો એક એક પ્રસંગ છે. એમની ઇચ્છા તો દસ પુસ્તિકાઓની ‘જીવનપ્રસંગમાળા’ પ્રગટ કરવાની હતી, પણ એ ઇચ્છા અધૂરી રહી.
 
‘નવચેતન’, ‘યુવક’, ‘વિશ્વવિજ્ઞાન, ”ગાંડીવ’, ‘બાળક’, ‘બાલમિત્ર’, ‘બાલવાડી’, અને ‘ધરતી’ જેવાં વિવિધ સામયિકોમાં એમણે લખેલા ઘણા પ્રસંગો, લેખો, બાલવાર્તાઓ, કાવ્યો, નાટકો, વગેરે પ્રગટ થયેલાં. એમનાં અપ્રગટ લખાણો પણ અનેક છે.
 
એમની સાથેનાં મારાં વર્ષો દરમિયાન એમના સાહિત્યસર્જનમાં મદદ કરતાં કરતાં મને ઘણું શીખવાનું મળેલું. અમે એક બીજાને સાહિત્ય વાચન અને સર્જનની પ્રેરણા આપતા અને મદદ કરતા. હું કિશોરાવસ્થામાં આવ્યો એ પછી એ મારા પિતા અને મિત્ર બન્ને હતા.
 
‘ધરતી’ માસિક એમને અત્યંત પ્રિય હતું. જૂન ૧૩, ૧૯૭૧ના રોજ ૭૭ વર્ષની ઉંમરે (જન્મ તારીખઃ જૂન ૧૧, ૧૮૯૪) એમનું અવસાન થયું ત્યારે ‘ધરતી’એ સ્મરણાંજલિ-લેખ પ્રગટ કરેલો તથા શ્રદ્ધાંજલિ અર્પતો ઠરાવ પસાર કરેલો. લેખમાં એમની ઓળખાણ આ રીતે આપેલીઃ
                                                                             (વધુ હવે પછી …)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

મોટાભાઇનાં સંસ્મરણોઃ ૨

સપ્ટેમ્બર 29, 2010
અમદાવાદથી ૨૦ માઇલ દૂર બાવળા પાસેના અમારા ગામ કેરાળાના ખેતી સાથે પૈસાનો ધીરધાર કરતા એક ગૃહસ્થને મારા મોટાભાઇએ ચોપડામાં માથું નાખી કંઇક ગણગણતા જોયા.
 
“આ ચોપડામાંથી વાલ સોનુ ખોતરી કાઢું છું!” નવાઇથી જોઇ રહેલા મોટાભાઇને એ ગૃહસ્યે કહ્યું.
 
વ્યાજ, ને વ્યાજના વ્યાજમાં સોનાની લગડીઓ જ હતી ને! મોટાભાઇ ભાવાર્થ સમજી ગયા ને વિચારમાં પડી ગયાઃ ‘મારે નથી ખેતી, વેપાર કે ધીરધાર; હું સોનુ કેવીરિતે મેળવું?’
 
ને એમને અંતરાત્માએ જવાબ આપ્યોઃ ‘મારાં બાળકો મારી સાચી મૂડી છે. હું શિક્ષક છું તો એમને સુંદર શિક્ષણ અને સંસ્કારો શા માટે ન આપું?’ અને મોટાભાઇએ તરત જ નિર્ણય કરી લીધો.
 
એમની સાધનામાં, ખાસ ભણેલાં નહીં પણ ભોળાં ને ધાર્મિક બાએ સંપૂર્ણ સહકાર આપેલો. મને મોટાભાઇની વધારે માયા હતી.
 
ટાઇફોઇડની મારી લાંબી ગંભીર માંદગી વખતે રાતદિવસ ખડે પગે એમણે મારી શુશ્રુષા કરેલી. માનસિક નિરાશાઓ મને ઘેરી વળતી ત્યારે એ મને હુંફ અને હિંમત આપતા. લેખક બનવાની મને તમન્ના હતી ને કલાકો સુધી લખ્યા કરતો. પરિણામે ઈજનેરી કૉલેજમાં હું વારંવાર નિષ્ફળ જતો, પણ મોટાભાઇને મારામાં શ્રધ્ધા હતી.
                                                                                   (વધુ હવે પછી …)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

મોટાભાઈનાં સંસ્મરણોઃ ૧

સપ્ટેમ્બર 28, 2010
ફેબ્રુઆરી ૨૩, ૧૯૬૭ની સાંજે મેં પહેલી વાર અમેરિકા આવવા મારા કુટુંબની ને સ્નેહીઓની અમદાવાદ એરપોર્ટ પરથી વિદાય લીધી, ત્યારે ખબર નહોતી કે, મોટાભાઈની (મારાથી મોટા બે સ્વ. ભાઈઓ મણીભાઈ અને નટવરભાઈ, મોટાં સ્વ.  સીતાબહેન, અને હું અમારા બાપુ (પિતા) શ્રી હરિભાઈ જ. પરીખને ‘મોટાભાઇ’  કહેતા) એ આખરી વિદાય હતી.
 
સૌ વચ્ચે ગૌરવભર્યા ચહેરે ઊભેલા મોટાભાઇ નજર સામે આવે છે. વૃધ્ધત્વની રેખાઓ એમના શ્યામ ચહેરા પર ઘેરી બની રહી છે. બેઠા ઘાટનું શરીર જાણે થાકી ગયેલું લાગે છે, પણ એમની આંખોમાં ચમક છે. પોતાના બીજા પુત્રના પરદેશગમનના પ્રસંગે એમનું હૈયું હર્ષથી છલકાય છે. જીવનની આકરી કસોટીઓમાંથી પસાર થઇને મોટાભાઇ જાણે વિજયવંત ચહેરે ઊભા છે.
 
મારા દાદા જગાભા (સ્વ. જગજીવનદાસ દાનસંગદાસ પરીખ (જગા પારેખ)) એટલે સુધી પરગજુ હતા કે, સોએક વીઘા જમીન વેચાઇ ગઇ ને માથે દેવું થયું! (એમની ઉદારતા એવી હતી કે અમદાવાદથી વીસ માઇલ દૂર આવેલું અમારું ગામ એમના નામે — ‘જગાભાનું કેરાળા’ — એમ ઓળખાતું.)  નાની ઉંમરે એ ગુજરી ગયા ને મોટાભાઇને એમનાં દાદીએ ઉછેર્યા.
 
દાદાના જીવન પરથી બાળપણમાંથી જ મોટાભાઇ કરકસરના પાઠ શીખ્યા. ઘણી વખત એ કહેતાઃ “મારે શૂન્યમાંથી નહીં, પણ ઓછામાંથી (દેવામાંથી) સર્જન કરવાનું હતું.”
 
મોટાભાઇએ એમની કારકીર્દી એક સામાન્ય પ્રાથમિક શિક્ષક તરીકે પંદર રૂપિયાના માસિક પગારથી શરૂ કરેલી. એક નાનકડા પ્રસંગે એમને ગજબની પ્રેરણા આપી. 
                                                                    (વધુ હવે પછી …)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

હરીન્દ્ર દવે, પન્ના નાયક

સપ્ટેમ્બર 27, 2010
હરીન્દ્ર દવે
તીર્થેશે ‘લયસ્તરો’ વેબ સાઈટ પર હરીન્દ્ર દવેની ગઝલ પોસ્ટ કરી છે. મારો પ્રતિભાવઃ
 
મેં ન બોલીને સ્વીકારી લીધી છે શૂળી હવે,
ફર્ક ક્યાં બોલીને ફાંસી પર ચડ્યા મન્સૂરમાં.
 
હરીન્દ્ર દવે મારા પ્રિય સર્જકોમાંના એક છે. તીર્થેશજીએ હરીન્દ્રની સુંદર ગઝલ પોસ્ટ કરી છે. ગઝલ વિશેનું તીર્થેશજીનું લખાણ પણ દાદ માગી લે છે.
 
છેલ્લા શેરમાં ગજબ આધ્યાત્મિકતા છે. શેર અને તીર્થેશજીનું લખાણ વાંચ્યા પછી મને સમજાયું કે ભારતમાં જન્મનારા કેટલા બધા નસીબદાર છે. અને અમેરિકામાં રહેનારા પણ નસીબદાર છે. આજે (જાન્યુઆરી ૨૪, ૨૦૧૦) સવારે જ અમારા ઘેર થએલા શ્રી રામકૃષ્ણ પરિવાર (SRKP) ના સતસંગમાં ચર્ચા થઈ કે આ દેશમાં ગમે તે ધર્મ કે પંથ પાળી શકાય. ધાર્મિક સ્વતંત્રતા માટે તો યુરોપથી અમેરિકામાં મેફ્લાવર નામના જહાજમાં લોકો આવેલા.
 
સ્વામી વિવેકાનંદે વેદાંતનો સંદેશ વિશ્વમાં પહોંચાડવા માટે અમેરિકાના શિકાગોને જ પ્લેટફોર્મ બનાવ્યું હતું.
 
સૂફી મસ્તરામ મન્સૂર-અલ-હિલ્લાજનું મશહૂર એલાન – ‘અનલહક’ – અર્થાત ‘હું જ સત્ય છું‘. (‘હું જ ઈશ્વર છું’) એ આપણા વેદાંતમાં પણ છેઃ Thou are That. અહમ બ્રહ્માસ્મિ, વગેરે.
 
મન્સૂર એમના વિધાનમાં અણનમ રહ્યા, ત્રાસ અને મોતથી ન ડર્યા અને અમર થઈ ગયા.
 
હરીન્દ્ર દવેની ગઝલની લીંકઃ http://layastaro.com/?p=3897&cpage=1
 
પન્ના નાયક 
 
ધવલે ‘લયસ્તરો’ વેબ સાઈટ પર પન્ના નાયકનું અછાંદસ કાવ્ય ‘શોધ’ પોસ્ટ કર્યું છે. મારો પ્રતિભાવઃ
 
અમેરિકામાં વસતાં ગુજરાતી ભાષાનાં અગ્રગણ્ય કવયિત્રી પન્નાબહેનને અશરફ ડબાવાલાએ શિકાગો લેન્ડમાં યોજેલાં કવિ સંમેલનોમાં સાંભળેલાં. આ લખનારનો જીવ સાહિત્યનો છે અને ઊંચી કોટીનાં એ સાહિત્ય સંમેલનો સદા યાદ રહેશે. ઘણાં ખરાં સંમેલનોના અહેવાલો આ લખનારે અખબારોમાં પ્રકાશિત કરાવીને ઊંડો આત્મસંતોષ અનુભવેલો.
 
આ મુક્તકાવ્ય (અછાંદસ શબ્દ મને ગમતો ન હોવાથી મેં એના માટે ‘મુક્ત્તકાવ્ય’ શબ્દ પ્રયોજ્યો છે) માં કવયિત્રી માનવ દેહની વાત કરતાં લાગે છે. આ દેહમાં એકલા આવ્યા, માયામાં અટવાયા, અને છેવટે એકલા પડીને એકલા જ જવાનું છે.
 
પન્ના નાયકના અછાંદસ કાવ્ય ‘શોધ’ની લીંકઃ http://layastaro.com/?p=3939
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post: Copyright (c) 2010 by Girish Parikh. Blog: www.girishparikh.wordpress.com. E-mail: girish116@yahoo.com
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

અમીન કુરેશીની મુલાકાત

સપ્ટેમ્બર 26, 2010
(આ લખાણ જાન્યુઆરી ૨૦૧૦માં ‘ગુજરાત ટાઈમ્સ’ના ‘વાચકોના પત્રો’ વિભાગ માટે મોકલ્યું હતું પણ એ પ્રગટ થયું નહોતું.)
  
‘ગુજરાત ટાઈમ્સ’ના જાન્યુઆરી , ૨૦૧૦ના અંકમાં પાના ૧૧ પર મારા પ્રિય લેખકોમાંના એક અમીન કુરેશીના ડિસેમ્બર ૨૫, ૨૦૦૯ ના રોજ અવસાન થયાના સમાચાર વાંચી ભારે દુખ થયું. પ્રભુ એમના આત્માને શાંતિ આપે અને એમનાં કુટંબીજનો, સગાંવહાલાં, મિત્રો અને અસંખ્ય વાંચકોને આ દુખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું.
 
આ લખું છું ત્યારે મારા ટેબલ પર અમીન કુરેશીએ હસ્તાક્ષર કરેલાં ચાર પુસ્તકો છે જે મેં રસપૂર્વક વાંચ્યાં છેઃ ધરતીકો આકાશ પુકારે, અવિચળ શ્રદ્ધા, સમંદરનાં મોતી, અને વેરવિખેર. પહેલાં ત્રણ પુસ્તકો એમની લોકપ્રિય અનેક કટારોમાંથી ચૂંટેલી કટારોના સંગ્રહો છે, ચોથું પુસ્તક નવલકથા છે.
 
અમદાવાદની મેં ૨૦૦૬માં મુલાકાત લીધી હતી ત્યારે મારી ભત્રીજી સૂચેતા મૂરડિયા મને અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતા અમીનભાઈને મળવા લઈ ગઈ હતી.
 
આ લખું છું ત્યારે અમીનભાઇ સામે જ બેઠેલા દેખાય છે. વૃધ્ધ હતા પણ એમની તંદુરસ્તી સારી હતી, અને એમનો જીવનનો ઉત્સાહ પ્રેરણાદાયક હતો. અમે ઘણી વાતો કરી. એમની બધી કટારો મને ગમે છે પણ ફિલ્મજગતની કટારો મને વિશેષ ગમે છે એ મેં એમને કહ્યું. એમની નવી કટાર આવવાની હું રાહ જોતો હોઉં છું એ પણ કહ્યું.
 
અમીનભાઈએ છતું કર્યું કે યુવકવર્ગમાં ખૂબ રસપૂર્વક વંચાતી ‘સોક્રેટિસ’ના નામે પ્રગટ થતી કોલમના લેખક એ પોતે છે. ‘સોક્રેટિસ’ એમનું ઉપનામ છે.
 
મારાં થોડાંક ફિલ્મજગતને લગતાં સંસ્મરણો મેં એમને કહ્યાં જે એમણે રસપૂર્વક સાંભળ્યાં. અમીન કુરેશીની એ મુલાકાત હું કદી નહીં ભૂલું.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

પ્રિયકાંત મણિયાર, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત

સપ્ટેમ્બર 25, 2010
પ્રિયકાંત મણિયાર
 
ઉર્મિએ ‘લયસ્તરો’ વેબ સાઈટ પર ‘યાદગાર ગીતો’ શ્રેણી’માં પ્રિયકાંત મણિયારનું ‘આ નભ ઝૂક્યું તે કાનજી ને …’ પોસ્ટ કર્યું છે. મારો પ્રતિભાવઃ
 
રાધા કૃષ્ણ મને અત્યંત પ્રિય છે. આ ગીત પણ ખૂબ જ ગમે છે.
 
વર્ષો પહેલાં અમદાવાદની એલ. ડી. એંન્જિનિયરીંગ કોલેજમાં ભણતો હતો ત્યારે એક બે મિત્રો સાથે રાયપુરમાં આવેલા કુમાર માસિકની ઓફિસમાં દર બુધવારે સાંજે યોજાતા (એ “બુધવારિયું” કહેવાતું) કવિઓના કાર્યક્રમમાં કોઈ કોઈ વાર જતો. એક વખત એક પાતળા, કંઈક ઊંચા ને ગોરા યુવાનને ઓફિસમાં આવી થોડી વાર ઊભા રહી જતા રહ્યા જોયા. કુમારના તંત્રી અમારા તરફ જોઈને તરત જ બોલ્યાઃ એ હતા પ્રિયકાન્ત મણિયાર, સંઘેડાઉતાર ગીતોના સર્જક.
 
પ્રિયકાંત મણિયારના ‘આ નભ ઝૂક્યું તે કાનજી ને …’ ગીતની લીંકઃ 
 
રાજેન્દ્ર શાહ
ધવલે ‘લયસ્તરો’ વેબ સાઈટ પર રાજેન્દ્ર શાહનું ‘નિરુદ્દેશે’ કાવ્ય પોસ્ટ કર્યું છે. મારો પ્રતિભાવઃ
 
રાજેન્દ્ર શાહની ઉત્કૃષ્ટ રચના.
ઉમાશંકર જોશીનું “ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા …” યાદ આવ્યું.
 
મારાં સાહિત્ય સંસ્મરણોઃ
પણ હું તો રાજેન્દ્ર શાહને “કેવડીઆનો કાંટો” વગાડનારા કવિ તરીકે ઓળખું છું!  કુમારના તંત્રી, કવિતા (અને અન્ય સાહિત્ય) ના હીરાપારખુ, સ્વ. બચુભાઈ રાવત કહેતા, “કેવડીઆનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે …” જેવું ગીત જવલ્લે જ મળે!
 
રાજેન્દ્ર શાહના ‘નિરુદ્દેશે’ કાવ્યની લીકઃ
નિરંજન ભગત
 
ધવલે ‘લયસ્તરો’ વેબ સાઈટ પર ‘યાદગાર ગીતો’ શ્રેણીમાં નિરંજન ભગતનું ‘આપણો ઘડીક સંગ’ પોસ્ટ કર્યું છે. મારો પ્રતિભાવઃ
 
નિરંજન ભગતની જન્મ તારીખ વાંચતાં આદિલ મન્સૂરીની જન્મ તારીખ યાદ આવી. બન્ને મે મહિનાની ૧૮મી તારીખે જન્મેલા — આદિલજી ૧૯૩૬ની સાલમાં, નિરંજન ભગત ૧૯૨૬માં.
નિરંજન ભગતે આદિલ અને ગઝલ વિશે કાવ્ય લખ્યું છેઃ
 
અરે દોસ્ત આદિલ!
કદી ગુજરાતે ગઝલને પરાઈ ગણે છે?
જીવી ગઈ એક નવાઈ ગણી છે
સદા ગુજરાતે ગઝલને સવાઈ ગણી છે
અરે, દોસ્ત આદિલ! તમે તો ગઝલને
સ્વયં જીંદગીની ખરાઈ ગણી છે.
 
નીરંજન ભગતના ‘આપણો ઘડીક સંગ’ ગીતની લીંકઃ
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post: Copyright (c) 2010 by Girish Parikh. Blog: www.girishparikh.wordpress.com. E-mail: girish116@yahoo.com
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત !

સપ્ટેમ્બર 24, 2010
‘સંદેશ’ ના તંત્રી શ્રી ફાલ્ગુનભાઈ પટેલે એક વખત ‘સંદેશ’માં છપાયેલા એમના લખણમાં “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત” પંક્તિને નર્મદના નામે ચડાવી દીધેલી! મેં આ બાબત જનાબ આદિલ મન્સૂરીને ફોન કર્યો. એમણે મને કહ્યું કે ‘સંદેશ’ને ખબરદાર કરો કે એ પંક્તિ ‘ખબરદાર’ની છે. મેં એ બાબતનો પત્ર તૈયાર કરી ‘સંદેશ’ની અમેરિકન આવૃત્તિના તંત્રીને આપ્યો પણ એમણે એ છાપ્યો જ નહીં!
 
વિવેકે ‘લયસ્તરો’ વેબ સાઈટ પર ખબરદારનું ‘સદાકાળ ગુજરાત’ ગીત પોસ્ટ કર્યું છે. એ વાંચીને ઉપરનો પ્રતિભાવ પોસ્ટ કરેલો. 
 
ગુજરાતીઓ, ગુજરાત, તથા ગુજરાતી ભાષાને વિશ્વભરમાં ગૌરવવંતું સ્થાન આપ્યું છે પારસી કવિ અરદેશર ફરામજી ખબરદારે. એમનું ઉપનામ હતું ‘અદલ’. ‘ભગવદ્ગોમંડલ’માં ‘અદલ’ શબ્દનો અર્થઃ ખરૂં; બરોબર; યથાર્થ. (ગુજરાતી ભાષા-પ્રેમી બીજા કવિ યાદ આવે છે જેમનું ઉપનામ છે ‘આદિલ’. આદિલ એટલે ન્યાયી.)
 
‘સદાકાળ ગુજરાત’ ગીતની પ્રથમ બે પંક્તિઓઃ
 
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!
 
અને છેલ્લી ચાર પંક્તિઓ ગુજરાતી તરીકે જન્મવાનો મહિમા ગાય છેઃ
 
અણકીધાં કરવાના કોડે, અધૂરાં પૂરાં થાય;
સ્નેહ, શૌર્ય ને સત્ય તણા ઉર, વૈભવ રાસ રચાય.
જય જય જન્મ સફળ ગુજરાતી, જય જય ધન્ય અદલ ગુજરાત!
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
 
વિવેક ખરું જ કહે છે કે “અરદેશરે આ એક કાવ્ય પછી કશુંય ન લખ્યું હોત તોયે ગુજરાત, ગુજરાતીઓ અને ગુજરાતી ભાષા- ત્રણેય એમનાં સદાકાળ ઋણી રહેવાનાં હતાં.”
 
કવિતાની પંક્તિ “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત” ગુજરાતી ભાષાની જાણીતી કહેવત બની  ગઈ છે. અને આમ બને ત્યારે જાણવું કે કવિ અમર થઈ ગયો. 
 
અરદેશર ફ. ખબરદારના ‘સદાકાળ ગુજરાત’ ગીતની લીંકઃ http://layastaro.com/?p=171&cpage=1.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post: Copyright (c) 2010 by Girish Parikh. Blog: www.girishparikh.wordpress.com. E-mail: girish116@yahoo.com
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 
 
‘સજન ! પાંખો આપો તો અમે આવીએ…’

સપ્ટેમ્બર 23, 2010
ઉર્મિએ ‘લયસ્તરો’ વેબ સાઈટ પર ‘યાદગાર ગીતો’ ની શ્રેણીમાં વિનોદ જોશીનું ગીત ‘તો અમે આવીએ’ પોસ્ટ કર્યું છે.
 
મારો પ્રતિભાવઃ
 
મારી સાહિત્ય સ્મરણિકા
 
વિનોદ જોશીને પણ સાભળ્યા છે એમના ગીતોનું પઠન અને કોઈ કોઈ ગીતને પ્રેમથી ગાતા. એમના ગાયેલા ગીતમાં એક હતું નીચેનું ગીત જેની આ પંક્તિઓ કેટલાય દિવસો સુધી મારા મનમાં (અને હોઠો પર પણ) ગુંજ્યા કરીઃ
 
આપી આપીને તમે પીંછું આપો
સજન ! પાંખો આપો તો અમે આવીએ…
 
આ લખું છે ત્યારે લાગે છે કે રાધા મોરપીંછ વાળા કૃષ્ણ પાસે એમની લગોલગ આવવા પાંખો માગી રહી છે!
 
અશરફ ડબાવાલા અને મધુબહેનના શિકાગોના સબર્બ શામબર્ગ (જેને હું ‘શ્યામ’બર્ગ કહું છું!) માં એમના ઘરના બેઝમેન્ટમાં એમણે યોજેલા કવિ સંમેલનમાં મેં વિનોદ જોશીને સાંભળેલા.
 
આશા રાખું છું કે વિનોદ જોશી આ વાંચતા હશે. એમને મેં અશરફ ડબવાલાના ગઝલ અને કાવ્યસંગ્રહ “ધબકારાનો વારસ” વિશે મારો લેખ ‘ “ધબકારાનો વારસ”ના ધબકારા’ આપેલો. અશરફનું પુસ્તક વિનોદભાઈની ભાવનગર યુનિવર્સીટીમાં પાઠ્યપુસ્તક બનવાનું હતું અને મારો લેખ એમને કામમાં આવશે એમ મેં માનેલું. વિનોદભાઈ મને એ બાબતમાં girish116@yahoo.com પર ઈ-મેઈલથી જણાવશે તો આનંદ થશે.
 
વિનોદ જોશીના ગીતની લીંકઃ http://layastaro.com/?p=3696&cpage=1.
કલ્પક ગાંધીના સ્વર અને સંગીતમાં આ ગીત ટહુકો.કોમ પર માણોઃ  http://tahuko.com/?p=492.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post: Copyright (c) 2010 by Girish Parikh. Blog: www.girishparikh.wordpress.com. E-mail: girish116@yahoo.com
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

સર્જકની કથા અને વ્યથા

સપ્ટેમ્બર 22, 2010
તીર્થેશે ‘લયસ્તરો’ વેબ સાઈટ પર મુકુલ ચોક્સીની ગઝલ પોસ્ટ કરી છે.
 
“સીમિત ઇન્દ્રિયો દ્વારા નિ:સીમ જ્ઞાનનો તાગ મેળવવો શક્ય છે શું ? સમાધાન કરીને જીવે તે વ્યવહારડાહ્યો અને જે સમાધાન ન કરી શકે અથવા તો જેનો માંહ્યલો સમાધાન કરતા ચિત્કારી ઉઠે તે સર્જક…..”
 
ધવલભાઈ, તમારા આસ્વાદનો સ્વાદ માણવાની મઝા આવી. (તીર્થેશના આસ્વાદમાંથી).
 
નિઃસીમ જ્ઞાન મેળવવા ઇન્દ્રિયાતીત થવું પડે. મોડેસ્ટો, કેલિફોર્નિયામાં આજે (ફેબ્રુઆરી ૭, ૨૦૧૦) સવારે જ અમારા ઘરમાં થએલા શ્રી રામકૃષ્ણ પરિવાર (SRKP) ના સત્સંગમાં આની સારી એવી ચર્ચા થઈ. The Gospel of Sri Ramakrishna નું વાંચન કરતાં આ ચર્ચા થઈ.
 
ધવલભાઈ, ‘સર્જક’ વિશે પણ તમે સરસ વાત કરી. હાલ એક સર્જક તરીકે મારા સર્જાતા જતા પુસ્તક “આદિલના શેરોનો આનંદ” માટે યોગ્ય પ્રકાશક શોધી રહ્યો છું ત્યારે તમારી સર્જકની વ્યાખ્યાએ મને ઊંડા વિચારમાં મૂકી દીધો.
 
હું માનું છું કે સર્જકનો ધર્મ સર્જન કરવાનો છે અને સાચા પ્રકાશકનો ધર્મ પોતાનાં નાણાં રોકીને યોગ્ય પુસ્તકોને પ્રકાશિત કરવાનો અને વિશ્વભરમાં એમનો પ્રસાર, પ્રચાર, અને વિતરણ કરવાનો છે. અલબત્ત, કોઈ પુસ્તકનું સારું વેચાણ થાય તો વધુ લાભ પ્રકાશકને જ થશે – – અને આ વ્યાજબી જ છે કારણકે પ્રકાશક નાણાં રોકીને જોખમ લે છે, અને વિતરણ કરવાની મહેનત પણ કરે છે.
 
ગઝલ અને તીર્થેશનો આસ્વાદ આ લિંક પર વાંચોઃ http://layastaro.com/?p=3962&cpage=1.
 
(The Gospel of Sri Ramakrishna ઓન લાઈન આ વેબ સાઈટ પર છેઃ www.ramakrishnavivekananda.info (એ વેબ સાઈટ પર થોડા ભાગ હિંદીમાં પણ છે.) રાજકોટના શ્રી રામકૃષ્ણ આશ્રમે The Gospel of Sri Ramakrishnaનો ગુજરાતી અનુવાદ પ્રગટ કર્યો છેઃ જુઓ ‘શ્રી રામકૃષ્ણ કથામૃત’ પુસ્તક વિશે આ લીંક પરઃ http://www.rkmrajkot.org/publication.php.)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post: Copyright (c) 2010 by Girish Parikh. Blog: www.girishparikh.wordpress.com. E-mail: girish116@yahoo.com
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

‘જ્યારે વિધાતાએ ઘડી દીકરી…’

સપ્ટેમ્બર 21, 2010
‘જ્યારે વિધાતાએ ઘડી દીકરી…’ એ મકરન્દ દવેના ગીતને ‘લયસ્તરો’ વેબ સાઈટ પર ધવલે પોસ્ટ કર્યું છે. એ વાંચીને નીચેનો પ્રતિભાવ પોસ્ટ કર્યોઃ
 
કાવ્યનો એકે એક શબ્દ મારા હ્રદયને સ્પર્શ્યો – – મારે બે દીકરીઓ જ છે. અને દીકરી ન હોય એમને વસવસો થાય એવું આ કાવ્ય છે.
 
‘ખજીનો’ શબ્દ મેં આપણા મહાકોશ ભગવદ્ગોમંડલ
(http://www.bhagavadgomandal.com/)
માં જોયો. જવાબ મળ્યોઃ ‘જુઓ ખજાનો’. એટલે ખજીનો એટલે ખજાનો.
‘ખૂટાડી’ શબ્દ ભગદ્વોમંડલમાં નથી, પણ એનો અર્થ અહીં ખૂટવાડી (વાપરી) છે.
ખલક = દુનિયા; જગત; વિશ્વ; સૃષ્ટિ; આલમ; માણસજાત; સંસાર.
ન્યાલ = ઇચ્છા પાર પડી હોય એવું; નિહાલ; કૃતાર્થ.
 
ઓછા પરિચિત શબ્દોના અર્થ જાણવાથી કાવ્ય સમજવાનું અને માણવાનું સરળ બને છે. ભગવદ્વોમંડલ ગુજરાતી ભાષાનો શબ્દ-’ખજીનો’ છે.
 
મકરન્દ દવેના ગીતની લીંકઃ http://layastaro.com/?p=4090&cpage=1
—————
વિવેકે ‘લયસ્તરો’ પર પોસ્ટ કરેલું જતીન બારોટનું ‘દીકરી જન્મ્યાનું ગીત’ પણ ગમ્યું. મારો પ્રતિભાવઃ
 
ગીત હ્રદયને સ્પર્શી ગયું. મારે બે દીકરીઓ જ છે. I am proud of both.
 
જતીન બારોટના ગીતની લીકઃ http://layastaro.com/?cat=648