Archive for નવેમ્બર, 2011

જવાહર બક્ષીના શેર પરથી સ્ફૂરેલી થોડીક પંક્તિઓ

નવેમ્બર 30, 2011
જવાહર બક્ષીની એક ગઝલનો શેર છેઃ
મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો
ઉપરના શેરનું પઠન-મનન-ચિંતન કરતાં મને નીચેની પંક્તિઓ સ્ફૂરીઃ
છાયાને તેજ સ્પર્શતાં કાયા બની ગઈ
શક્તિના સ્પર્શથી જ જીવ શિવ થઈ ગયો
બ્રહ્મની શક્તિ બધે માયા થઈ ગઈ
વંશનો વેલો વધી સંસાર થઈ ગયો
શલ્યા અહલ્યા રામ-ચરણ સ્પર્શથી થઈ
વાલિયો વાલ્મિકી ‘મરા’ મંત્રે થઈ ગયો 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો. (આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.) The original words of Girish Parikh in this post: Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.

ગુજરાતી સાહિત્યકારને નોબેલ પ્રાઈઝઃ ધનવાન ગુજરાતીઓ માટે નામ અમર કરવાની અમૂલ્ય તક !

નવેમ્બર 29, 2011
કેટલાક મુદ્દા રજૂ કરું છું. મુદ્દાઓ કોઈ ક્રમમાં નથી.
–કેટલાક ગુજરાતી બ્લોગો અને વેબસાઈટો પર સુંદર સાહિત્યનું સર્જન થયું છે, થઈ રહ્યું છે, અને થતું રહેશે. આ બધામાંથી શ્રેષ્ઠ મૌલિક સાહિત્યનું સંકલન થવું જોઈએ તથા પોસ્ટ અને પ્રગટ થવું જોઈએ. એમ પણ બની શકે કે એ સાહિત્યના સર્જકોમાંથી જ કોઈને (એનાં સર્જનોને અંગ્રેજીમાં અવતાર આપતાં) નોબેલ પ્રાઈઝ મળે.
–અલબત્ત, જેમના બ્લોગ કે વેબસાઈટ ન હોય એવા પણ અનેક ગુજરાતી સાહિત્યકારો છે.
–એનપીજી (NPG — Nobel Prize for a Gujarati) ને કમીટી ન કહેતાં એને “ટીમ એનપીજી” કહેવું યોગ્ય લાગે છે. (NPG is tentative name).
–વાચકોના પ્રતિભાવોને આધારે તથા એનપીજી દ્વારા થયેલી જાહેર ચર્ચાઓ પછી ૧૦ શ્રેષ્ઠ સર્જકોને પસંદ કરી એમાંથી કોઈને નોબેલ પ્રાઈઝ મળે એ માટે એનપીજીએ પ્રયત્નો કરવા જોઈએ.
–મારો આત્મા કહે છે કે મા સરસ્વતી, મા ગુર્જરી, મા ગુજરાતી, તથા મહાલક્ષ્મીમાતાજીની
કૃપાથી ૨૦૧૩નું નોબેલ પ્રાઈઝ ગુજરાતીમાં લખતા સાહિત્યકારને જરૂર મળી શકે. આ માટેના પ્રયત્નોના શ્રી ગણેશ જેમ બને તેમ જલદી કરવા જોઈએ.
–અનેક ગુજરાતીઓ ધનવાન છે. આ શુભકાર્યમાં મદદ કરીને નામ અમર કરવાની એમના માટે આ અમૂલ્ય તક છે.

નોબેલ પ્રાઈઝ મળી શકે એવા જીવંત ગુજરાતી સહિત્યકારો કોણ છે?

નવેમ્બર 28, 2011
ગુજરાતી બ્લોગ અને વેબ જગત પ્રગતિના પંથે છે. માતૃભાષા ગુજરાતી માટેનો પ્રેમ આ બ્લોગો અને વેબસાઈટોના સંચાલકોને પ્રેરણા આપે છે. એમને નામના પણ મળે છે.
તાજેતરમાં ૧૦ મોખરાના બ્લોગો/વેબસાઈટોનાં નામો જાહેર થયાં હતાં. આ કાર્યના યોજકોને મારા ધન્યવાદ.
એક બીજું કાર્ય કરવાનું સજેશન આપું છું:
વાચકોને “નોબેલ પ્રાઈઝ મળી શકે એવા જીવંત ગુજરાતી સહિત્યકારો કોણ છે?” એ પ્રશ્ન પૂછીને ૧૦ નામો આપવાનું ઈજન આપવું. દસ નામોને શ્રેષ્ઠતાના ક્રમમાં આપવાનું પણ જણાવવું.
અમુક સમયમાં વાચકોનાં નામો આવ્યાં હોય એમાંથી દસ નામો શ્રેષ્ઠતાના ક્રમમાં મૂકવાં. અને એ  પછીનું કામઃ
એનપીજી (NPG — Nobel Prize for a Gujarati) કમીટી બનાવી એના સભ્યોએ દસ નામો વાળા સર્જકોનાં સર્જનોની વિવેચના કરી એમાં યોગ્ય લાગતા ફેરફાર કરવા જોઈએ. કમીટી એ દસ નામોમાંથી કોઈ નામ કે નામો દૂર કરી નવાં નામ કે નામો ઉમેરી શકે.
ઉપરનાં કાર્યોમાં પોલિટિક્સ ન પ્રવેશે એ માટે એ બધાં કાર્ય એનપીજીની વેબસાઈટ બનાવી એના પર જાહેરમાં થવાં જોઈએ. મૂળ દસ નામોમાં ફેરફાર શાથી કરવામાં આવે છે એની જાહેરમાં ચર્ચા થવી જોઈએ જેમાં વાચકો પણ ભાગ લઈ શકે.                                                                                         (વધુ હવે પછી…)

ગુજરાતી સહિત્યકારને નોબેલ પ્રાઈઝ !

નવેમ્બર 27, 2011
માન્યામાં ન આવે એવી વાત છે, પણ મારો આત્મા કહે છે કે ગુજરાતી સાહિત્યસર્જકને નોબેલ પ્રાઈઝ જરૂર મળી શકે.
૧૯૧૩માં રવીન્દ્રનાથ ટાગોરને નોબેલ પ્રાઈઝ મળ્યું હતું. ગુજરાતીઓ જો પ્રયત્ન કરે તો મા સરસ્વતી અને મહાલક્ષ્મીમાતાજીની કૃપાથી ૨૦૧૩નું નોબેલ પ્રાઈઝ કોઈ જીવંત ગુજરાતી સાહિત્યકારને મળી શકે. (નોબેલ પ્રાઈઝ જીવંત વ્યક્તિ(ઓ)ને જ મળી શકે છે).
અગાઉ આ લખનારે “ગુજરાતી સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ કઈ રીતે મળી શકે?” એ વિશેની લેખમાળા આ બ્લોગ (www.girishparikh.wordpress.com) પર પોસ્ટ કરેલી એ વાંચવા આપને વિનંતી કરું છું.

નવ વર્ષ, સાત માસ અને પચીસ દિવસની ઉંમરના કવિનાં કાવ્ય… ! (ગિરીશના ભાવ પ્રતિભાવ)

નવેમ્બર 26, 2011
“…જિંદગીને અગત્યના વળાંક ઉપર આણવામાં મદદરૂપ થનાર કાવ્યોની શ્રેણી -અંગત અંગત- પ્રગટ કરવામાં આવી રહી છે એટલે ઇચ્છા થાય છે કે મારી કાવ્ય-યાત્રાની શરૂઆત જે કવિતાઓથી થઈ એ ત્રણ પૈકીની બે રચનાઓ આપ સહુ સાથે કેમ ન વહેંચું…!!”
ઉપરના શબ્દો કોના છે એ જાણવા આગળ વાંચો…
નવેમ્બર ૧૧, ૧૯૮૦ના રોજ એ વખતે ૯ વર્ષ, ૭ માસ અને ૨૫ દિવસની ઉંમરના કવિએ સાગરનું સૌદર્ય નીહાળતાં પ્રથમ કાવ્ય લખ્યું ‘પ્યારાં પ્યારાં’ !!” એની પ્રથમ ત્રણ પંક્તિઓઃ
પૃથ્વી જેમની માતા,
ને સૂર્ય જેમના દાદા;
એવાં બાળકો લાગે મને પ્યારાં પ્યારાં…
સૌ બળકોનાં છે ધરતીમાતા અને સૂરજદાદા — અને એમની આગળ સૌ કોઈ બાળકો જ છે. આ કવિને સૌ કોઈ માત્ર પ્યારાં જ નથી, પ્યારાં પ્યારાં છે.
અને કવિના બીજા કાવ્યની છેલ્લી પંક્તિઓઃ
ભઉ ભઉ ભઉ કૂતરો બોલે,
કોયલ બોલે કૂ કૂ કૂ;
મારા મનના વિચાર બોલે,
લાવ એકાદ હું કાવ્ય બનાવું… ચીં ચીં ચીં…
કવિએ એ પછી એકાદ નહીં પણ અનેક કાવ્યોનું સર્જન કર્યું છે, અને એમની સર્જન-યાત્રા હજુ પણ ચાલુ જ છે. પ્રભુને પ્રાર્થના કરું છું કે કવિ શતાયુ થાય, આરોગ્યમય અને સુખશાંતિમય જીવન જીવે અને અનેક સાહિત્યકૃતિઓ તથા તસ્વીરો, વગેરે આપે.
કવિ લખે છેઃ “આજે ત્રીસ વર્ષ પછી આ કાવ્યો વાંચતા મને આશ્ચર્ય થાય છે…. અને મનના વિચારો કાવ્ય રચવાનું ‘બોલે’ એ વિચાર પર નજર નાંખું છું તો મને પોતાને મારી જાત પર વિશ્વાસ નથી આવતો…”
કવિનું નામ છે વિવેક મનહર ટેલર. એમની “ગુજરાતી ભાષાની સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની વેબસાઈટ” www.vmtailor.com નું સૂત્ર છે “શબ્દો છે શ્વાસ મારા”. www.layastaro.com વેબસાઈટ પર પણ એમના શ્વાસના ધબકારા સંભળાય છે. બે કાવ્ય સંગ્રહો એમણે પ્રગટ કર્યા છેઃ “શબ્દો છે શ્વાસ મારા”, અને “ગરમાળો”.
(આ લખનારનું પુસ્તક “વિવેકના શેરોનો આનંદઃ ડો. વિવેક મનહરના ૫૦ શેરો અને એમના વિશે રસમય વાંચન” તૈયાર થઈ રહ્યું છે.)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો. (આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.) The original words of Girish Parikh in this post: Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
Blog: www.girishparikh.wordpress.com  E-mail: girish116@yahoo.com .

“સીનિયર સીટીઝન” માટે નવા શબ્દો !

નવેમ્બર 25, 2011
તાજેતરમાં એક લોકપ્રિય ગુજરાતી સામયિકના તંત્રીએ મને “સીનિયર સીટીઝન” માટે નવો શબ્દ યોજવાનું કહ્યું — ત્યારથી હું નવો શબ્દ યોજવા ચિંતન કરતો હતો..
આ લખી રહ્યો છું ત્યારે મારા ટેબલ પર છે “ધૂમકેતુની ઉત્તરયાત્રા” પુસ્તક. એના લેખક છે ધૂમકેતુના સુપુત્ર દક્ષિણકુમાર જોશી જેમણે ડીસેમ્બર ૧૨, ૧૯૮૦ના રોજ (એ વખતે હું ભારતની યાત્રાએ ગયેલો) પુસ્તકમાં એમના હસ્તાક્ષર (autograph) કર્યા છે. પુસ્તક મેં અનેક વખત વાંચ્યું છે, અને ‘૮૦ના દસકામાં અને એ પછી પણ અંગ્રેજીમાં જ લખતો હતો ત્યારે “ધૂમકેતુની ઉત્તરયાત્રા” પુસ્તકના વાંચન દ્વારા મને માતૃભાષાની હુંફ મળતી હતી.
“ઉત્તરયાત્રા” એટલે જિંદગીનાં પાછલાં વર્ષોની સફર.
“સીનિયર સીટીઝન” માટે “ઉત્તરયાત્રી” શબ્દ કેમ લાગે છે? “ઉત્તર” શબ્દના અર્થ “સારાંશ; છેવટ; સર્વોત્કૃષ્ટ; શ્રેષ્ઠ; ઉત્તમ”  પણ છે. (www.bhagavadgomandal.com).
અંગ્રેજીમાં “સીનિયર સીટીઝન” માટે “પ્રોપીલગ્રીમ” (propilgrim) શબ્દ વાપરી શકાય. “Pro” નો એક અર્થ www.dictionary.com આપે છેઃ “a prefix of priority in space or time having especially a meaning of advancing or projecting forward or outward”.
કદાચ અંગ્રેજી ભાષામાં “Uttaryatri” શબ્દ ઉમેરી શકાય! અંગ્રેજી ભાષા અન્ય ભાષાના શબ્દો કોઈ છોછ વિના સ્વીકારે છે — અને કદાચ આ રીતે જ એ વિશ્વભાષા બની છે! અલબત્ત, “Uttaryatri” શબ્દ અંગ્રેજીમાં સમજાવવો જોઈએ — અને એનો ઉચ્ચાર પણ શીખવવો જોઈએ.

“વિવેકના શેરોનો આનંદ” પુસ્તક વિશેઃ 4

નવેમ્બર 24, 2011
મોડેસ્ટો કેલિફોર્નિયા  નવેમ્બર ૨૪, ૨૦૧૧ ગુરુવાર  Thanksgiving Day.
Happy Thanksgiving.
“વિવેકના શેરોનો આનંદઃ ડો. વિવેક મનહર ટેલરના ૫૦ શેરો અને એમના વિશે રસમય વાંચન” ના બધા શેરો અને એમના વિશેનાં લખાણો હવે આ બ્લોગ (www.girishparikh.wordpress.com) પર પોસ્ટ થઈ ગયાં છે. અલબત્ત, આ પ્રથમ ડ્રાફ્ટ છે.
બાકીનાં કામો વિશે મેં આ લેખમાળાના અગાઉના ભાગમાં લખ્યું છે. (આ પોસ્ટમાં એ વિશે ફરીથી લખ્યું છે).
હવે કરવાની છે યોગ્ય પ્રકાશકની શોધ. વિવેક સુરતના છે અને સુરતના જ પ્રકાશક મળે તો એનાથી વળી રૂડું શું? આ માટે પ્રયત્નો કરવા માંડ્યા છે.
પ્રકાશકે, આ લખનાર તથા હીતેચ્છુઓના સહકારથી, પુસ્તકનો વિશ્વભરમાં (ગુજરાતીઓ સર્વત્ર વસે છે) પ્રચાર અને પ્રસાર પણ કરવો જોઈશે. આ માટે બે આવૃત્તિઓમાં પ્રગટ કરવું જોઈએઃ છપાયેલું તથા ઈ-બૂક.
અલબત્ત, પુસ્તક પ્રકાશન એ વ્યવસાય છે. મહાલક્ષ્મી માતાજીને હું પ્રાર્થના કરું છું કે “વિવેકના શેરોનો આનંદઃ ડો. વિવેક મનહર ટેલરના ૫૦ શેરો અને એમના વિશે રસમય વાંચન” પુસ્તક માટે વિવેકના નગર સુરતના જ પ્રકાશક મળે.
બાકીનાં કેટલાંક કામઃ
–ભાવકોના પ્રતિભાવોનું સંપાદન. પુસ્તકના શેરોના સંદર્ભમાં જે પ્રતિભાવો હશે એમાંથી મોટે ભાગે પસંદ કરવામાં આવશે.
–પચાસ શેરો અને એમના વિશેનાં લખાણોની એમના વિષય મુજબ યોગ્ય વિભાગોમાં ગોઠવણ, આવકાર (બે), પ્રસ્તાવના (આભારદર્શન આમાં હશે), પ્રકાશકનું નિવેદન, શેરસૂચી, વિવેક વિશે, ગિરીશ વિશે, બન્નેનાં પુસ્તકો વગેરેની માહિતિ, વગેરે, મેળવવાનાં /તૈયાર કરવાનાં, રહેશે.
–અગાઉ જાણાવ્યા મુજબ પુસ્તકનો આ પ્રથમ ડ્રાફ્ટ થશે. એ પછી રીવ્યૂ, રીવીઝન, જોડણી તથા ભાષા સુધારણા, વગેરે કામો કરવાનાં છે. –પુસ્તક આ બ્લોગ (www.girishparikh.wordpress.com) પર આકાર લઈ રહ્યું છે. Yahoomail માં પણ બધાં લખાણો છે. આ બધાં લખાણો સીધાં જ ટાઈપસેટ થઈ શકે તો મહેનત અને સમય બચે, અને જોડણી વગેરેની ભૂલો પણ ન થાય. (જો કે કોમ્પ્યુટરમાં લખાણો છે એમની જોડણી, વ્યાકરણ, વગેરે સુધારવાનાં છે.)
–પુસ્તક માટે તસ્વીરોની પસંદગી. વિવેક સારા ફોટોગ્રાફર પણ છે. એમના સંગ્રહોમાંથી પસંદ કરેલી યાદગાર તસ્વીરો પુસ્તકમાં મૂકવાની ઇચ્છા છે. કેટલીક તસ્વીરો બહુરંગી પણ હશે.
–અને સૌથી અગત્યનું કામઃ યોગ્ય પ્રકાશકની શોધ. યોગ્ય પ્રકાશક મળી જ રહેશે એવી શ્રધ્ધા છે.
–વિવેક સુરતના છે — સુરતના જ પ્રકાશક “સાહિત્ય સંગમ” મને યોગ્ય પ્રકાશક લાગે છે. અલબત્ત, એમને હું પ્રથમ પસંદગી આપું છું.
–ગિરીશ પરીખ E-mail: girish116@yahoo.com

“ડાયાસપરા” માટે નવા શબ્દો !

નવેમ્બર 23, 2011
પરદેશોમાં વસતા મૂળ ભારતના નાગરિકો માટે સામાન્ય રીતે વપરાતો શબ્દ “ડાયાસપરા” મને ગમતો નથી. એ નકારાત્મક છે!
“Diaspora” શબ્દનો www.dictionary.com વેબ સાઈટ પર અર્થ આ છેઃ “any group that has been dispersed outside its traditional homeland, especially involuntarily, as Africans during the trans-Atlantic slave trade.” (ભાવનુવાદઃ પોતાના મૂળ દેશની બહાર, ખાસ કરીને અનીચ્છાએ, વિખરાયેલા લોકો; દાખલા તરીકે ટ્રાન્સ-આટલાંટિક ટ્રેડ દરમિયાન ગુલામ તરીકે અમેરિકા આવેલા આફ્રિકનો).
“ડાયાસપરા” શબ્દને બદલે “એબ્રોડર” (“Abroader”) શબ્દ સૂચવું છું. અલબત્ત, આ નવો શબ્દ છે. આપણે જાણીએ છીએ કે “એબ્રોડ” એટલે પરદેશ, અને એ શબ્દ પરથી મને સ્ફૂરણા થઈ છે “એબ્રોડર” શબ્દની.
પરદેશોમાં રહેનારાઓ માટે ગુજરાતીમાં “વિદેશવાસી” શબ્દ વાપરવાનું સૂચવું છું. (ભારતમાં જ પણ પરપ્રાંત કે પરરાજ્યમાં રહેનારાઓ માટે “પરપ્રાંતવાસી”, “પરરાજ્યવાસી” શબ્દો વાપરી શકાય.)

દિલને થાય હાશ એવું ઘર મળે… ! (‘વિવેકના શેરોનો આનંદ’: 50 of 50)

નવેમ્બર 23, 2011
જ્યાં દિલ ને થાય હાશ, એવું કાશ! ઘર મળે,
 શું થાય જો આ શોધ નો છેડો કબર મળે ?!
ઘર… ધરતીનો છેડો…
ઘરનું વાતાવરણ જો શાંતિમય હોય તો ઘરમાં પગ મૂકતાં જ મન “હાશ” બોલી ઊઠે.
કાશ, શાંતિભર્યું પોતાનું ઘર કોને ન ગમે? આ લખનારને શાંતિભર્યા પોતાના શિકાગોના ઘરમાં ૩૧ વર્ષોથી રહેવાનો અનુભવ છે જે કદી નહીં ભુલાય. એ ઘરના વાતાવરણને પવિત્ર અને શાંતિમય રાખવાનો જશ મારાં ધર્મપત્ની હસુને મળે છે.
શિકાગોના અમારા ઘરમાં આવનાર સૌ કોઈને શાંતિનો અનુભવ થતો અને ઘણા એ કહેતા પણ ખરા.
૨૦૦૮માં હસુ અને હું શિકાગોનું અમારું ટાઉનહાઉ વેચીને અમારી નાની દીકરી શેતલ ભગત,  સુરતના અમારા જમાઈ ડો. વિપુલ ભગત, પૌત્રી માયા (જન્મતારીખઃ ઓગસ્ટ ૧૨, ૨૦૦૭) સાથે રહેવા મોડેસ્ટો, કેલિફોર્નિયામાં આવ્યાં. સપ્ટેમ્બર ૩૦, ૨૦૦૯ના રોજ અમારા પૌત્ર જયનો જ્ન્મ થયો.
મોડેસ્ટોના આ ઘરને પણ હું “ભગવાનનું ઘર” (God’s home) કહું છું.
માનવી હંમેશાં સુખ શાંતિની શોધમાં હોય છે. ઘર પણ એ એવા જ પ્રકારનું શોધે છે જ્યાં એને સુખ શાંતિ મળે.
“હાશ” થાય એવું ઘર ન મળે તો? એ તલાશની મંજીલ છે કબર!
અને “હાશ” થાય એવું ઘર મળે તો પણ અંતિમ મંજીલ તો કબર જ છે ને!
માનશો? ઘરમાં પણ ઘર હોઈ શકે. આદિલનો આ શેર યાદ આવે છે જેના વિશે “આદિલના શેરોનો આનંદ” પુસ્તકમાં લખ્યું છે.
નિરાંત એવી અનુભવું છું ગઝલના ઘરમાં કે શ્વાસ મુક્તિના લઈ શકું છું ગઝલનાં ઘરમાં.
ગઝલના ઘર માટે આ લખનારે શબ્દ પ્રયોજ્યો છેઃ “ગઝલાલય”. એમાં આદિલને પ્યારો “લય” પણ આવી જાય છે. અલબત્ત, આલય એટલે નિવાસસ્થાન.
અને “ભગવ્દ્ગોમંડલ” (www.bhagavadgomandal.com) “આલય” શબ્દના આ અર્થો પણ આપે છેઃ “મોત સુધી; મરણ લગી”.
આદિલના નીચેના શેર વિશે પણ “આદિલના શેરોનો આનંદ” પુસ્તકમાં લખ્યું છેઃ
મૃત્યુની આદિલ કરો તૈયારીઓ
જીવવાનું પણ મનોબળ આવશે.
જિંદગીનો છેડો કબર?!
વિવેકના આ શેરો પણ ખૂબ જ ગમ્યાઃ
વિકસી ને દુનિયા કેટલી આગળ વધી, જુઓ!
માણસ મળે તો આંખ માં જીવન વગર મળે.
તારી ખુદાઈ તો જ હું માનીશ, ઓ ખુદા!
જે પણ મળે મને એ બરાબર અગર મળે.
સર્જાતા જતા પુસ્તક “વિવેકના શેરોનો આનંદઃ ડો. વિવેક મનહર ટેલરના ૫૦ શેરો વિશે રસમય વાંચન” માંથી.)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો. (આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.) The original words of Girish Parikh in this post: Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.

સચ્ચાઈ ના ચલણ વડે વીતે શું જીંદગી? (‘વિવેકના શેરોનો આનંદ’: 49)

નવેમ્બર 22, 2011
 સચ્ચાઈ ના ચલણ વડે વીતે શું જીંદગી?
 જૂઠ્ઠાં ને આજે જે મળે, સઘળું પ્રવર મળે.
“પ્રવર” શબ્દના અર્થ છે “ઉત્તમ; શ્રેષ્ઠ” (www.bhagavadgomandal.com).
વર્ષો પહેલાં અદાવાદની ગુજરાત કોલેજમાં ભણતો હતો ત્યારે કોલેજમાં ભજવાયેલું યશોધર મહેતાનું લખેલું “મંબોજંબો” નાટક જોયેલું. એમાં એક પાત્રે બોલેલું એક વાક્ય હજુ પણ યાદ છેઃ આ દુનિયા તો લુચ્ચાઓની છે, ભોળા માણસો એમને ભાડુ આપીને રહે છે!
અને એ લુચ્ચા માણસો પોતાની જાતને “હોંશિયાર”ગણે છે! ભોળા માણસોને છેતરવાનું એ ગૌરવ લે છે! અને પૈસાને લીધે એ લુચ્ચાઓનાં ગુણગાન પણ ગવાય છે!
દુનિયાના બધા દેશોની સરકારોમાં ભ્રષ્ટાચારીઓનો પણ તોટો નથી.
અરે, ધર્મના નામે મંદિરો, અને અન્ય ધાર્મિક સ્થળોમાં પણ મોટે ભાગે સચ્ચાઈનો અભાવ વર્તાય છે. અને “સત્ય” જ પરમેશ્વર છે.
અને દોષ દેવાય છે કળિયુગને!
શ્રી રામકૃષ્ણ પરમહંસને પ્રશ્ન પૂછવામાં આવેલો કે લુચ્ચાઓ લહેર કરે છે જ્યારે સીધા લોકો દુઃખી શાથી થાય છે? શ્રી રામકૃષ્ણદેવે જણાવ્યું કે પૂર્વજન્મનાં સારાં કર્મોને લીધે દુષ્ટ લોકો સુખી લાગે છે પણ એમનાં સારાં કર્મોની અસર પૂરી થયા પછી એ દુઃખી થવાના.
નોંધઃ The Gospel of Sri Ramakrishna ઓન લાઇન વાંચોઃ   www.ramakrishnavivekananda.info . રાજકોટના શ્રી રામકૃષ્ણ આશ્રમે The Gospel of Sri Ramakrishnaનો ગુજરાતી અનુવાદ પ્રગટ કર્યો છેઃ જુઓ ‘શ્રી રામકૃષ્ણ કથામૃત’ પુસ્તક વિશે આ લીંક પરઃ http://www.rkmrajkot.org/publication.php .
આ શેર પણ ખૂબ જ ગમ્યોઃ
છે શ્વાસ આખરી છતાં પૂરો નથી થતો,
છે આશ કૈંક ક્યાંક થી તારી ખબર મળે.
ઉપરના શેરનું પઠન કરતાં શરદબાબુની નવલકથા “દેવદાસ” અને એ પરથી બનેલી ફિલ્મો, તથા રાજ કપૂરની ફિલ્મ “આહ”નાં આખરી દૃશ્યો યાદ આવ્યાં.
સર્જાતા જતા પુસ્તક “વિવેકના શેરોનો આનંદઃ ડો. વિવેક મનર ટેલરના ૫૦ શેરો વિશે રસમય વાંચન” માંથી.)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો. (આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.) The original words of Girish Parikh in this post: Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.