Archive for the ‘શબ્દોનાં મોતી’ Category

દેહસૌંદર્ય અને આત્મસૌંદર્ય (શબ્દોનાં મોતી)

જૂન 25, 2012

દેહસૌંદર્યનું દર્શન માનવીના દેહમાં આનંદ ભરી દે છે, ને આત્માનું દર્શન એના આત્માને ઊંચે લઈ જાય છે. એમ નથી લાગતું કે એક દર્શનમાંથી બીજા દર્શનમાં જઈ શકાય?

[મારી અપ્રગટ વાર્તા “કાર્ય અને પ્રતિકાર્ય”માંના રદ કરેલા ભાગમાંથી સાચવેલી એક વિચાર-કણિકા]

માનવી નાટક શા માટે જુએ છે ? (શબ્દોનું મોતી)

જૂન 19, 2012

મને ઘણીવાર વિચાર આવે છે કે માનવીની જિંદગી જ જ્યારે નાટક છે ત્યારે એને નાટક જોવાની ઈચ્છા શા માટે થાય છે?

આનો જવાબ જ્યારે હું અરીસામાં જોઉં છું ત્યારે મળી જાય છે. માનવી અરીસામાં જોયા વિના જીવી શકે છે પણ એને અરીસામાં જોયા વિના નથી ચાલતું — એ જ મુજબ નાટક છે જિંદગીનો અરીસો. એ જોયા વિના માનવીને ચાલે ખરું?

સ્ત્રી અને પુરુષ (શબ્દોનું મોતી)

જૂન 17, 2012

જેમ તાળા વિનાની ચાવી નકામી ને ચાવી વિનાનું તાળું નકામું એમ જ સ્રી અને પુરુષ વિશે પણ હશે કે શું?

વર્ષા અને વસંત (શબ્દોનાં મોતી)

જૂન 15, 2012
જૂન ૧૫, ૨૦૧૨ શુક્રવાર યોગીની એકાદશી શ્રી ગણેશ કરું છું આજે આ બ્લોગ (www.girishparikh.wordpress.com) પર “શબ્દોનાં મોતી” નામના નવા વિભાગના.
1958-1959 માં અમદાવાદની એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજમાં ભણતો હતો ત્યારે કોલેજના મેગેઝીનના તંત્રી તરીકે કામ કરેલું. મેગેઝીનના ગુજરાતી વિભાગમાં “મનનાં મોતી” નામથી થોડાં વિચાર-મોતીઓ રજૂ કરેલાં જે વિદ્યાર્થીપ્રિય થયેલાં. એવાં વિચાર-મોતીઓ આ બ્લોગના “શબ્દોનાં મોતી” વિભાગમાં રજૂ કરવા પ્રયત્ન કરીશ.
આ રહ્યું આ વિભાગનું પ્રથમ “શબ્દોનું મોતી”:
મેં યૌવનભરી વસંતની પ્રતીક્ષા અને તમન્ના કરી હતી. પણ વસંતને બદલે વર્ષા આવી! મેં એને કહ્યું, “મારે વર્ષા નહીં, વસંત જોઈએ.” વર્ષા રીસાઈને ચાલી ગઈ.પણ પછી વસંત કદી ન આવી. પૃથ્વી પર દુષ્કાળના ઓળાઓ ઊતર્યા. મેં વર્ષાને આવવા વિનંતી કરી. એ આવી. ધરતી હસી ઊઠી.
… ને પછી જાદુગરણી વસંત આવી ને મને કહેતી ગઈ, “દિલમાં યૌવનવસંતને ખીલવા હૃદયમાં પ્રણય વર્ષા તો થવી જ જોઈએને?”