Archive for નવેમ્બર, 2010

શિકાગોમાં ‘સાહિત્ય સત્સંગ’ ની બીજી બેઠકનો આનંદઃ ૪

નવેમ્બર 30, 2010
રસિકભાઈએ પછી એમનું એક અંજલીકાવ્ય સંભળાવ્યું:
 
નવીન નવલપંથી
 
પ્રથમ પથ તારો બહુ જ ટૂંકો બન્યો ને,
(ન કૂચ ઝડપી તારી માર્ગનો એ જ વાંક)
દ્વિતીય પથનો પંથી મિત્ર આજે બન્યો તું
સ્વજન સમૂહ છોડી, માત પિતા સગાં સૌ.
 
સકલ પ્રથમ પથની ભૂલ મા ઉર્મિઓને,
ધવલ નવલ પથની ઉર્મિઓ લઈ સ્મૃતિમાં,
અવિરત કરી યત્નો પામવા શ્રેષ્ઠ પદને
નવીન નવલપંથી! સુખથી ત્યાં વિચરજે.
 
આ લેખમાળાના ભાગ ૧માં જેનો ઉલ્લેખ કર્યો છે એ ‘ગઝલ મહેફિલ’ની ટેપમાં શોભિત દેસાઈ સ્વ. સુરેશ જોષી વિશે આ વિધાન કરે છેઃ “સુરેશ જોષી ગુજરાતીમાં હતા એ ગુજરાતી ભાષાનું સદભાગ્ય હતું, અને સુરેશ જોષી ગુજરાતીમાં હતા એ સુરેશ જોષીનું દુર્ભાગ્ય હતું!”
 
સુરેશ જોષીનું નામ સાંભળતાં શ્રી હરિવદન શાહ બોલી ઊઠ્યાઃ “સુરેશ જોષીના હાથ નીચે તો હું ભણેલો!”
 
એ કોઈ બીજા સુરેશ જોષીની વાત કરતા હશે એમ મેં પહેલાં ધારી લીધું. પણ પછીથી ખાત્રી કરવા મેં એમને પૂછ્યું: “ગુજરાતીના મહાન સાહિત્યકાર સુરેશ જોષીની તમે વાત કરતા હતા?”
 
“હા, એમના હાથ નીચે હું વડોદરાની કોલેજમાં ભણેલો,” એમણે ચોખવટ કરી. “૧૯૬૨માં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોલેજમાં, ફર્સ્ટ ઈયર આર્ટ્સમાં હું એમના હાથ નીચે ભણેલો;” પાછળથી એમને પૂછતાં વધુ માહિતિ મળી.
 
આ રીતે ‘સાહિત્ય સત્સંગ’ સૌએ માણ્યો.
 
નોંધઃ શિકાગો લેન્ડનાં મારાં સાહિત્ય સંસ્મરણો વિશે પુસ્તક લખી શકું એમ છું, પણ અત્યારે આટલું બસ.
કુલ પાંચ લેખોની આ “શિકાગોમાં ‘સાહિત્ય સત્સંગ’ ” લેખમાળા ડૉ. અશરફ ડબાવાલાને અર્પણ કરું છું. આશા રાખું છું કે એ સ્વીકારશે.
                                         (“શિકાગોમાં ‘સાહિત્ય સત્સંગ’ ” લેખમાળા સમાપ્ત.)
સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post: Copyright (c) 2010 by Girish Parikh. Blog: www.girishparikh.wordpress.com. E-mail: girish116@yahoo.com
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

શિકાગોમાં ‘સાહિત્ય સત્સંગ’ ની બીજી બેઠકનો આનંદઃ ૩

નવેમ્બર 29, 2010
બિન્દુના બીજા કાવ્ય ‘ઠરવા આવ્યો છું….’ ની ઝાંખીઃ
 
કયા ઋષિનો શ્રાપ મળ્યો કે અહીંયાં આવ્યો છું
આ પાતાળ લોકમાં ઝખ મારીને રહેવા આવ્યો છું
 
                            ***
ધોબીના કૂતરાની સાથે થઇ ગયો છે નાતો
ના પૂરવનો, ના પશ્ચિમનો, વચ્ચે ઝોલાં ખાતો 
 
કાવ્ય-પંક્તિઓને ભાવકોએ હાસ્યથી વધાવી લીધી.
 
રસિકભાઇએ એક રસિક સવાલ કર્યોઃ “ધોબી પાસે ગધેડો હોય પણ કૂતરો હોય ખરો? અને હોય તો શા માટે?”
 
“કોઇ સુકાતાં કપડાં ચોરી ન જાય એટલા માટે કોઇ ધોબી કૂતરો રાખતો હશે!” એક ભાવકે કલ્પના દોડાવી.
 
બીજા ભાવકે પ્રશ્ન કર્યોઃ “પણ ‘ધોબીનો કૂતરો, નહીં ઘરનો નહીં ઘાટનો,’ એ કહેવત કેવીરીતે પડી હશે?”
 
એ પ્રશ્ન પ્રશ્ન જ રહ્યો!
 
કોઇ વાચક પાસે આ સવાલનો જવાબ હોય તો મને girish116@yahoo.com સરનામે મોકલી આપવા વિનંતી.
 
પહેલી બેઠકમાં એક ભાવકે કોઇ સારા ગુજરાતી કહેવત સંગ્રહ વિશે માહિતિ માગેલી. આવા સંગ્રહ વિશે પણ મને માહિતિ મોકલવા વાચકોને વિનંતી. 
                                                           (વધુ હવે પછી …) 
સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post: Copyright (c) 2010 by Girish Parikh. Blog: www.girishparikh.wordpress.com. E-mail: girish116@yahoo.com
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

            

શિકાગોમાં ‘સાહિત્ય સત્સંગ’ ની બીજી બેઠકનો આનંદઃ ૨

નવેમ્બર 28, 2010
NOTE: This is 400th post on the Blog www.girishparikh.wordpress.com .
કેનેડાવાસી કવિ અને કલાકાર શ્રી બિન્દુ (કનુ) ગજ્જરે એક્સપ્રેસ મેઇલથી મોકલેલાં એમનાં કાવ્યોની થોકડીમાંથી ગિરીશે બે કાવ્યો વાંચ્યાં:
 
મહાભિનિષ્ક્રમણ
 
પત્ની અને બાળકને છોડી
મહાભિનિષ્ક્રમણ કરનાર બુધ્ધ શું
એકલા જ હતા?
અહીં
આ દેશમાં
રોજ,
ક્યાંક ને ક્યાંક
પત્ની અને બાળકોને
નોંધારાં સૂતાં મેલી
કેટલાંય જણ
મહાભિનિષ્ક્રમણ
કરે છે….
ફેર બેમાં આટલોઃ
એકની ગતિ નિશ્ચિત હતી
બીજાની ગતિ અનિશ્ચિત છે!
 
રસિકભાઈ શાહ બોલી ઊઠ્યાઃ “હું પહેલી વાર ભારતથી, પત્ની તથા કુટુંબને મૂકી, અમેરિકા આવવા નીકળેલો ત્યારે મારા એક સ્નેહી મને અમદાવાદ ગુજરાત મેઇલ પર મળવા આવેલા. એમણે મને પૂછેલું: અમેરિકા મહાભિનિષ્ક્રમણ કરો છો?” 
                                                         (વધુ હવે પછી …)
સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post: Copyright (c) 2010 by Girish Parikh. Blog: www.girishparikh.wordpress.com. E-mail: girish116@yahoo.com
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

             

શિકાગોમાં ‘સાહિત્ય સત્સંગ’ ની બીજી બેઠકનો આનંદઃ ૧

નવેમ્બર 27, 2010

વાંસળી પડઘાય આખ્ખા ગામમાં

કૃષ્ણ એવું શું છે તારા નામમાં

           ***
ભગ્ન દિલમાં એમ તારી યાદ આ
જાણે ગોરસ કોઈ કાચા ઠામમાં
 
ગઝલસિદ્ધ આદિલ મનસૂરીની પાંચ શેરની કૃષ્ણમય કૃતિના ગિરીશ પરીખે કરેલા પઠનથી ‘સાહિત્ય સત્સંગ’ની બીજી બેઠકની શરૂઆત થઈ.
 
“છેલ્લા શેરમાં ખૂબ જ ઊંડો અર્થ છુપાયેલો છે. કોઈ એ બતાવી શકશે?” ગિરીશે પૂછ્યું.
 
“કાચા ઠામ રૂપી શરીરમાં ગોરસ રૂપી આત્મા,” શ્રી રસિકભાઈ શાહે ઊંડો અર્થ બતાવ્યો.
 
જુલાઈ ૨૦, ૧૯૯૬, શનિવારની સાંજે શિકાગોમાં ગિરીશના ૧૭૮૭ વેસ્ટ તૂહી એવન્યુ પર આવેલા ટાઉન હાઉસ B માં આપેલા સમયે ૭ વાગ્યે આદિલના ઓડિયો ટેપની કેટલીક ગઝલોના શ્રવણથી બેઠકની શરૂઆત તો થઈ જ ગઈ હતી.
 
બેઠકમાં હાજર રહેલા કવિ ડૉ. અશરફ ડબાવાલાના સૌજન્યથી ‘ગુજરાતી ગઝલ મહેફિલ’ વિડિયો ટેપનો આમંત્રિત કવિઓ (આદિલ મન્સૂરી, ચિનુ મોદી, શોભિત દેસાઈ); તથા અશરફની ગઝલો, વગેરે રજૂ કરતો ભાગ સૌએ માણ્યો. (જૂન ૨૨, ૧૯૯૬ની રાતે અશરફના ઘેર જામેલી આ અનોખી મહેફિલ ભાવકોના સ્મરણોમાં વર્ષો સુધી સચવાશે.)
 
                                                                           (વધુ હવે પછી …)
સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post: Copyright (c) 2010 by Girish Parikh. Blog: www.girishparikh.wordpress.com. E-mail: girish116@yahoo.com
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

         

શિકાગોમાં ‘સાહિત્ય સત્સંગ’ ની પહેલી બેઠકનો આનંદ

નવેમ્બર 26, 2010

‘સાહિત્ય સત્સંગ’ની પ્રથમ બેઠક શિકાગોની રાજર્સ પાર્ક લાઇબ્રેરીમાં જૂન ૧, ૧૯૯૬ ને શનિવારના રોજ બપોરે ૨.૩૦થી શરૂ થયેલી અને ૪.૩૦ સુધી ચાલેલી. 

લાઇબ્રેરીમાં ‘એશિયા હેરીટેજ મન્થ’ ઉજવાતો હતો, અને મેં ચીફ લાઇબ્રેરીઅનને લાઇબ્રેરીના હોલમાં ગુજરાતી સાહિત્ય વિશેનો કાર્યક્રમ યોજવા વિશે પૂછ્યું કે એમણે તરત જ મારી ઓફર સહર્ષ સ્વીકારી લીધી. એમણે કાર્યક્ર્મનો પ્રચાર કર્યો, અને એક લાઇબ્રેરીઅનને ફોટા પાડવા માટે પણ નિયુક્ત કર્યા.
 
પ્રથમ બેઠકમાં દશ ભાવકોએ સાહિત્ય ગોષ્ઠી તથા સાહિત્ય વાંચન માણ્યાં. સભાની શરૂઆત શ્રી ગિરીશ પરીખે એમના “આવોને દોસ્તો આવો અહીં / સાથે કનૈયાને લાવો સહી…” ભજનના પઠનથી કરી. ગિરીશે પછી વિશ્વસાહિત્યમાં અમર સ્થાન પામેલ ગાંધીજીની મૂળ ગુજરાતી ‘આત્મકથા’માંથી રસમય પ્રસંગો વાંચી સંભળાવ્યા. પછી એમણે પોતાનાં કેટલાંક કાવ્યો પણ વાંચ્યાં.
 
ડૉ. અશરફ ડબાવાલાએ સ્વરચિત ગઝલો સંભળાવી. ૨૨મી જૂને એમના ઘેર યોજેલ સર્વશ્રી આદિલ મન્સૂરી, ચિનુ મોદી તથા શોભિત દેસાઈની ગઝલ મહેફિલમાં આવવા સૌને આમંત્રણ આપ્યું.
 
ગિરીશે આદિલ મન્સૂરીની એક ગઝલનું ‘ગુર્જરી ડાઇજેસ્ટ’માંથી પઠન કર્યું.
પછી એમણે ગુજરાતી સાહિત્યના અંગ્રેજીમાં અનુવાદ વિશે પોતાના વિચારો ટુંકાણમાં રજૂ કર્યા. ધૂમકેતુની અમર વાર્તા ‘પોસ્ટ ઓફિસ’ના ‘The Letter’ નામથી થયેલા અનુવાદે વિશ્વસાહિત્યમાં સ્થાન મેળવ્યું છે. મૂળ ગુજરાતી કૃતિ જેટલા જ મહાન આ અંગ્રેજી અનુવાદમાંથી ગિરીશે છેલ્લાં હૃદયદ્રાવક દૃશ્યોનું પઠન કર્યું.

એક ભાઇએ કોઇ સારા ગુજરાતી કહેવત સંગ્રહ વિશે માહિતિ માગેલી. 

ગિરીશે છેલ્લે આભારદર્શન કર્યું.
 
‘સાહિત્ય સત્સંગ’ની બીજી બેઠક જુલાઇ ૨૦, ૧૯૯૬ના રોજ ગિરીશના ઘેર યોજાયેલી. પહેલી બેઠકની જેમ ગુજરાતી સાહિત્યના (અને એમાંથી કેટલીક કૃતિઓના અંગ્રેજી અને અન્ય ભાષાઓમાં અનુવાદના) વાચન અને/અથવા લેખનમાં જેમને રસ હોય એ સૌને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
 
       (‘સાહિત્ય સત્સંગ’ની બીજી બેઠકનો અહેવાલ હવે પછી …)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

       

‘આદિલના શેરોનો આનંદ’ છપાયેલા પુસ્તકના સ્વરૂપમાં પ્રગટ કરવાનું પ્રપોઝલ

નવેમ્બર 25, 2010
હેપી થેન્ક્સ ગીવીંગ.
 
આજે, નવેમ્બર ૨૫, ૨૦૧૦, ગુરુવારે, ‘આદિલના શેરોનો આનંદ’ છપાયેલા પુસ્તકના સ્વરૂપમાં પ્રગટ કરવાનું પ્રપોઝલ પોસ્ટ કરું છું. આ પોસ્ટના કેટલાક ભાગ અગાઉ પોસ્ટ કર્યા હતા. એ બધા ઉપરાંત કેટલુંક નવું લખાણ ઉમેરીને સમગ્ર પ્રપોઝલ તૈયાર કર્યું છે. પુસ્તક લગભગ તૈયાર છે.
 
યોગ્ય પ્રકાશકની શોધ ચાલુ છે.
 
મે ૧૮, ૨૦૧૧ ના રોજ આપણા લાડીલા શાયર આદિલની ૭૫મી જન્મજયંતિ આવી રહી છે. એ દિવસે ‘આદિલના શેરોનો આનંદ’ પુસ્તકનું આદિલના ‘નદીની રેતમાં રમતું નગર’ અમદાવાદમાં વિમોચન થાય એવી ઇચ્છા છે.
 
પુસ્તક પ્રકાશન, વિમોચન, પ્રસાર અને પ્રચાર, વગેરે માટે એક કે બે અનુદાન આપનારની જરૂર પડશે એમ લાગે  છે. અનુદાન આપનારના ફોટા તથા ટૂંક પરિચય પુસ્તકમાં આવવામાં આવશે તથા પુસ્તકની થોડી નકલો પણ ભેટ આપવામાં આવશે. આપને રસ હોય કે આપ કોઇને જાણતા હો તો girish116@yahoo.com સરનામે લખવા વિનંતી.
 
પુસ્તક  www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ કર્યું છે. આપે હજુ પૂરું ન વાંચ્યું હોય તો વાંચશો અને પ્રતિભાવ આપશો. થોડા પ્રતિભાવોને પુસ્તકમાં લેવા પ્રયત્ન કરવામાં આવશે. પ્રકાશન, વિમોચન, પ્રસાર અને પ્રચાર, વગેરે વિશે પણ આપના વિચારો જણાવવા વિનંતી કરું છું.
 
– – ગિરીશ પરીખ 
 
Girish Parikh  
2813 Cancun Drive
Modesto, CA  95355-7946  USA
 
E-mail: girish116@yahoo.com
Telephone: (209) 551-1310 
 
પ્રભુકૃપા, આદિલજીની દુઆઓ, તથા ચાહકોની શુભેચ્છાઓથી નવેમ્બર ૧૦, ૨૦૦૯ના રોજ શરૂ થએલાં લખાણોનું પુસ્તક લગભગ તૈયાર થઈ ગયું છે.

જનાબ આદિલ મન્સૂરી ૭૨ વર્ષ જીવ્યા હતા. (અલબત્ત, એમનાં સર્જનો દ્વારા એ અમર છે). આદિલના શેરોનો આનંદ પુસ્તક માટે પસંદ કરેલા એમના કુલ ૭૨ શેર વિશે લખ્યું છે.

પુસ્તકની શરૂઆતમાં આદિલજીની બહુરંગી તસ્વીર મૂકવાની ઇચ્છા છે. કેટલાક બહુરંગી ફોટા પણ પુસ્તકમાં મૂકવાની ધારણા છે.
 
પાછલા કવર પર પુસ્તકનું ટૂંકાણમાં એવું વર્ણન મુકાશે જેને વાંચીને વાંચનાર પુસ્તક ખરીદવા તત્પર થઈ જાય અને ખરીદી પણ લે. વર્ણનની નીચે ટૂંકાણમાં આદિલજી વિશેનું એમના ફોટા સાથે લખાણ હશે, અને એની નીચે થોડા શબ્દોમાં ગિરીશ પરીખ વિશે ફોટા સાથેનું લખાણ. (બન્નેના બ્લેક એન્ડ વાઈટ ફોટા મુકાશે.)       
 
પુસ્તક પ્રપોઝલનો આ પહેલો ભાગ છે. આમાં પુસ્તકની અનુક્રમણિકા, અને પ્રસ્તાવના (‘આદિલની ગઝલોનો આનંદ માણીએ અને વહેંચીએ’) છે.

 
ભાગ બેમાં ૭૨ શેરોની સૂચી, નમૂનાના શેર અને એમના વિશેનાં લખાણો છે.
 
ભાગ ત્રણમાં ‘આદિલ વિશે’ છે.
 
ભાગ ચારમાં ‘ગિરીશ પરીખ વિશે’ છે.
 
ભાગ પાંચમાં ‘વિશ્વભરમાં પુસ્તક પ્રસાર, પ્રચાર, અને વિતરણ વિશે’ છે.
(પુસ્તક પ્રકાશનનો કોન્ટ્રેક્ટ થયા પછી આ ભાગ મોકલાશે).
જેમ આદિલજીએ પરંપરાગત ગુજરાતી ગઝલને મોટે ભાગે પરંપરા તોડ્યા વિના ‘વળાંક’ આપ્યો એમ આ ભાગમાં વિશ્વભરમાં પુસ્તક પ્રસાર, પ્રચાર, અને વિતરણને પરંપરા તોડ્યા વિના ‘વળાંક’ આપવા માટે innovative ideas આપવામાં આવશે.
 
પુસ્તકને વધુ સારું અને લોકપ્રિય બનાવવા માટે આપનાં સૂચનો મોકલવા વિનંતિ કરું છું.
 
લિ. ગિરીશ પરીખનાં વંદન.
 
Part 1: Book Proposal
આદિલના શેરોનો આનંદ

ઉપશીર્ષક:

આદિલના ૭૨ શેર
અને એમના વિશે
રસમય વાંચન
લેખન અને સંકલન: ગિરીશ પરીખ

અનુક્રમણિકા
 
અર્પણ
 
*આદિલના શેરોનો આનંદ માણીએ અને વહેંચીએ (પ્રસ્તાવના)
 
૭૨ શેરોનો આનંદ
 
શેરોની સૂચી
 
*આદિલ મન્સૂરી વિશે
 
*ગિરીશ પરીખ વિશે

(*આ આઇટેમ પ્રપોઝલમાં છે.)

——-
આદિલની ગઝલોનો આનંદ માણીએ અને વહેંચીએ

(પ્રસ્તાવના)

ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ
ને ગમતાંનો કરીએ ગુલાલ.
              –મકરન્દ દવે

કવિતામાં હમણાં ગઝલયુગ ચાલે છે.
– – સુરેશ દલાલ 
 
અરે, દોસ્ત આદિલ! તમે તો ગઝલને
સ્વયં જીંદગીની ખરાઈ ગણી છે.
              –નિરંજન ભગત 

હું ગઝલ લખી શકું બસ એટલું,
મર્મ તો તેઓ જ સમજાવી શકે.
              –રાજેન્દ્ર શુકલ 

આજ અહીં આવ્યા છે આદિલ
જામે-ગઝલ લાવ્યા છે આદિલ
‘મળે ન મળે’ મળે છે અહીંયાં
ગિરીશના દિલ ભાવ્યા છે આદિલ.

 
“આ કવિનો શબ્દ વિશાળ જનસમૂહ પર ભૂરકી નાંખે છે. અત્યાર સુધી કોરા રહ્યા હોય તેમના ઉપર એ કામણ કરે છે. જડભરત, મૂઢને કવિતાની મોહિની લગાડે છે. તીરે ઊભેલાને મધદરિયે લાવી ‘મહાસુખ’ પમાડે છે. આદિલ મન્સૂરીએ ગઝલસ્વરૂપની સીમાઓને વિસ્તારી છે એટલું જ નહીં પણ એમણે ગઝલના ભાવકોના વર્તુળને વિશાળ બનાવી દીધું છે.”
                                                                                 –અદીમ ટંકારવી 
 
ઘણાં બધાં વર્ષોથી મુશાયરાઓ દ્વારા (અને ક્યારેક ફોન દ્વારા) હું આદિલ સાથે સંપર્કમાં હતો. કેટલાકમાં મેં ભાગ પણ લીધેલો. કેટલાક મુશાયરાઓના અહેવાલો પણ લખીને મેં અખબારોમાં પ્રકાશિત કરાવ્યા હતા.
 
આદિલની થોડી ગઝલો મેં એમની પરવાનગી લઈને અંગ્રેજીમાં અનુવાદિત પણ કરેલી, અને એમની ‘ઓ બાબા!’ ગઝલનો અનુવાદ ‘સંધી’ મગેઝીનમાં એમની હયાતીમાં પ્રગટ થએલો.

કેટલાંક વર્ષો પૂર્વે અશરફ ડબાવાલાએ શિકાગોના ઉપનગરમાં તેમના નિવાસે મુશાયરાનું આયોજન કર્યું હતું. ઘણા બધા કવિઓમાં આદિલ સૌના અગ્રણી હતા. એ દિવસે મોડી રાતે મુશાયરો સમાપ્ત થયો. હું અને મારા મિત્ર નિરંજન ભારદ્વાજ અશરફજીના બેઝમેન્ટમાં એ રાતે સૂઈ રહેલા. રાતે સ્વપ્નમાં મને આદિલજી દેખાયા. મેં નીચા નમીને એમને વંદન કર્યાં અને તેમણે મને આશીર્વાદ આપ્યા.

બીજે જ દિવસથી મેં આદિલજીને મારા ગઝલ-ગુરુ તરીકે માનવાનું શરૂ કર્યું. ત્યારબાદ મેં ગઝલના કેટલાક શેરો પણ લખ્યા. બે શેરોની એક ગઝલમાં મેં આદિલ મારા ગઝલ-ગુરુ છે એ વાત છતી કરેલી. મેં એ ગઝલ આદિલને બતાવી ત્યારે તેમણે સ્મિત સાથે એનો સ્વીકાર કરેલો!

ગુજરાતી ને ઉર્દુ સાહિત્યમાં આદિલ મન્સૂરી (૧૯૩૬-૨૦૦૮) અમર રહેશે. 

પ્રભુકૃપા, આદિલજીની દુઆઓ, તથા ચાહકોની શુભેચ્છાઓથી આ પુસ્તકનું સર્જન થયું છે.
 
જનાબ આદિલ મન્સૂરી ૭૨ વર્ષ જીવ્યા હતા. (અલબત્ત એમનાં સર્જનો દ્વારા એ અમર છે).  આ પુસ્તકમાં આદિલજીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન આપ્યું છે.

શેરોની સૂચીમાં શેરની સાથે કૌંસમાં જે ગઝલમાંથી શેર લીધો છે એની પ્રથમ પંક્તિ પણ આપી છે. 

આભારદર્શનઃ
જેમણે આ પુસ્તકના સર્જનમાં મદદ કરી છે એ સૌનો ખૂબ ખૂબ આભાર. [અહીં નામો અપાશે].
 
રોજ એક (અને કોઈક દિવસ બે, અને એક દિવસ પાંચ) શેર વિશે લખાયું હતું. જે રોજ લખાતું ગયું એને નીચેનામાંથી એક (કોઈક વાર બે) બ્લોગ/વેબ સાઈટ પર પોસ્ટ કરતો રહ્યો. (મોટા ભાગનું લખાણ gujaratipoetrycorner યાહૂગૃપની વેબ સાઈટ પર પોસ્ટ કર્યું છે.) નીચે એ બ્લોગ/વેબ સાઈટોનાં URL આપ્યાં છે. એ સૌનો આભાર માનું છું.   

http://groups.yahoo.com/group/gujaratipoetrycorner/
http://layastaro.com/
http://tahuko.com/
http://urmisaagar.com/
 
પ્રકાશકનો પણ ખૂબ ખૂબ આભાર. છાપેલા પુસ્તક ઉપરાંત પ્રકાશક એનું ઈ-બૂક તરીકે ઓછી કિંમતે વિતરણ કરી શકે. અને  છાપેલા પુસ્તક અને ઈ-બૂક દ્વારા આદિલના શેરોનો આનંદ વિશ્વભરમાં વસતા ગુજરાતીઓના ઘેરે ઘેર પહોંચાડે એવી પ્રભુને અને પ્રકાશકને નમ્ર પ્રાર્થના કરું છું.
 
ગિરીશ પરીખ   
મોડેસ્ટો  કેલિફોર્નિયા

તા.ક. ‘આદિલના શેરોનો આનંદ’ પુસ્તક હાલ www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ
કર્યું છે.
 
Part 2: Book Proposal:
આદિલના શેરોનો આનંદ
(નમૂનાના શેર અને એમના વિશેનાં લખાણો)
 
ગિરીશ પરીખ
  
જે કાંઈ દેખાઈ રહ્યું તે માયા છે; કેવળ માયા
આવું કહેવું પણ માયા છે; માયાને ઓળંગી જા
 
સ્વામી વિવેકાનંદે માયા વિષે  અદભુત વ્યાખ્યાનો આપેલાં છે. સ્વામીજીનાં એ વ્યાખ્યાનોમાં (એમની અન્ય કૃતિઓની જેમ) ઉચ્ચ આધ્યાત્મિકતાની સાથે સાથે કાવ્ય-તત્વ પણ છે. મોટેથી વાંચશો તો ગદ્ય-લય તમને ભાવવીભોર કરી દેશે.
 
નારદજીએ માયા શું છે એ કૃષ્ણ ભગવાનને પ્રશ્ન પૂછ્યો ત્યારે ભગવાને ભણાવેલા પાઠની રોમાંચક કથા પણ સ્વામીજીએ એમની રસમય શૈલીમાં કહેલી.
 
(સ્વામીજીનાં આ વ્યાખ્યાનો, વગેરે ઈન્ટરનેટ પર અંગ્રેજીમાં ઓન લાઈન વાંચી શકાય છે. માહિતી મેળવવા મને લખો. એમનાં ગુજરાતીમાં ભાષાંતર પણ થયાં છે.)   

 

પણ આ શેરની બીજી પંક્તિનું પઠન કરતાં મને  યાદ આવ્યો સ્વામી વિવેકાનંદના જીવનનો એક માયાને લગતો પ્રસંગ:
 
અમેરીકાની પ્રખ્યાત હાર્વડ યુનીવર્સીટીમાં વેદાંત વિષે સ્વામી વિવેકાનંદે વ્યાખ્યાન આપ્યા પછી પ્રશ્નોત્તરી થઈ. માયાનું અસ્તિત્વ શા માટે છે એવો પ્રશ્ન સ્વામીજીને પૂછવામાં આવ્યો. એમના ઉત્તરનો અંશઃ આવો પ્રશ્ન માયામાં રહીને પૂછી શકાય. માયા  [કારણ અને પરિણામ]  ની સરહદની   પેલે પાર ગયા પછી એ ન પૂછી શકાય.
 
મારી દૃષ્ટિએ માયાની પેલે પાર ગયા પછી માયાનું અસ્તિત્વ શા માટે છે એવો પ્રશ્ન રહે ખરો?
 

આદિલ પ્રથમ પંક્તિમાં કહે છે કે આપણે જે કાંઈ જોઈએ છીએ એ માયા જ છે. અને બીજી પંક્તિમાં આવું કહેવું એ પણ માયા જ એમ કહીને માયાને ઓળંગી જવાનું — માયાના અસ્તિત્વની પાર જવાનું — કહે છે. આદિલે  સ્વામીજી સાથે હાર્વડ યુનીવર્સીટીમાં થએલી પ્રશ્નોત્તરી વાંચેલી કે નહીં એની મને ખબર નથી, પણ શેરની બીજી પંક્તિમાં મને સ્વામીજીના ઉત્તરના અંશનો ભાસ થાય છે.

 

અલબત્ત આદિલની ઘણી ગઝલો આધ્યાત્મિકતાનાં અજવાળાં પણ પાથરે છે.   

 
કોણે કહ્યું લયને કોઈ આકાર નથી?
એ અંગ મરોડે અને વળ ખાય ગઝલ
 
વાહ! આદિલે લયને પણ આકાર કેવી નજાકતથી આપ્યો  છે!
 
અંગ મરોડનાર “એ” કોણ છે?  આ પ્રશ્નનો જવાબ તો આદિલ કે એમની સાથે ઐક્ય સાધનાર જ આપી શકે. વિચાર આવે છે કે ગઝલ જ ડબલ રોલ કરીને “એ” બની ગઈ હશે?  (કોણ જાણે કેમ પણ ફિલ્મ ‘નવરંગ’ યાદ આવે છે!)
 
એ ગમે તે હોય પણ આપણને એક ખૂબસુરત મુક્તકમાં આ મઝાનો શેર મળ્યો છે.
 
આદિલની સરળ ભાષામાં મનહર શબ્દચિત્રો દોરવાની કળા દાદ માગી લે છે. પણ એ માત્ર વાણીવિલાસ નથી — એમના શબ્દો સીધા જ હ્રદયમાંથી આવે છે ને એટલે આપણા હ્રદયને પણ સ્પર્શે છે. 
 
આદિલ લયના શાયર છે. એમની ગઝલોના લયને ‘આદિલય’ કહી શકાય.
 
કેટલાંક વર્ષો પહેલાં મેં એમને એમની પસંદ કરેલી ગઝલોનો અંગ્રેજીમાં અનુવાદ કરવાની વાત કરી ત્યારે એ તરત જ બોલ્યાઃ “પણ લય ચાલ્યો જશે!” પછી એમણે મન મનાવીને મને અનુવાદ કરવાની રજા આપી અને મેં એમની થોડીક ગઝલોના અનુવાદ કર્યા. 
 
આ શેર વિષે લખતાં પહેલાં નીચેની પંક્તિઓ મનમાં આવી:
 
કોણે કહ્યું ભગવાનને આકાર નથી?
અશ્રુઓ થીજે ને એ આકાર લે.
 
હા હવે બ્રહ્માંડ છૂટું છો પડે
નામ સાથે શ્વાસને જોડી દીધો
 
આ શેરમાં પણ શાયર નામનો મહિમા ગાય છે. કયું નામ છે એ જેની સાથે શ્વાસ, જે જીવનનો આધાર છે, એને જોડી દીધો છે. આ પ્રશ્ન તમારે તમારી જાતને જ પૂછવાનો છે.
 
તમને કયું નામ સૌથી વધુ વહાલું છે? કયું નામ તમારા જીવથી કે એથી યે વધુ વહાલું છે? જે નામ સાથે શ્વાસને જોડ્યા પછી સમસ્ત બ્રહ્માંડ છૂટું પડી જાય તો પણ તમને જરા પણ રંજ નથી.
 
મારી દૃષ્ટીએ તો પ્રભુ, જેમની પરમ કૃપાથી શ્વાસ ચાલી રહ્યા છે, એમનું નામ જ હોઈ શકે.પ્રભુના કોઈ પણ નામ — દાખલા તરીકે અલ્લાહ, ઈશુ, રામકૃષ્ણ — સાથે શ્વાસને, એટલે કે જીવનને જોડી શકાય.
 
અજબ શક્તિ અને અનંત આનંદ છે પ્રભુના નામમાં. અને નામમાં જ પ્રભુ છે. સાચા દિલથી અને આચરણ સાથે પ્રભુ નામ સાથે જોડાવાથી ભગવાનનાં દર્શન થઈ શકે.
 
અને આપણામાં જેમ છે તેમ બ્રહ્માંડમાં પણ પ્રભુનો જ વાસ છે. આદિલજી ભલે બ્રહ્માંડ છૂટું પડવાની વાત કરે પણ શ્વાસને પ્રભુ સાથે જોડ્યા પછી એ સાથે જ હોવાનું!
 
પણ પહેલાં બ્રહ્માંડનો વિચાર કર્યા વિના આપણા શ્વાસને જ પ્રભુ સાથે જોડી દઈએ.

 

અમારું કામ તો લહિયાગીરીનું છે આદિલ
ને હાથ પકડીને કોઈ ગઝલ લખાવે છે.
 
આદિલમાં કર્તાપણું નથી.
 
The Gospel of Sri Ramakrishna (શ્રી શ્રી રામકૃષણ કથામૃત) માં વાંચેલા શ્રી રામકૃષ્ણ પરમહંસના નીચેના શબ્દો યાદ આવે છે. ((આખું પુસ્તક વાંચવા લીંકઃ http://www.ramakrishnavivekananda.info/  એ લીંક પર એક ભાગ હિન્દીમાં પણ છે.)  આ પુસ્તકનો ગુજરાતીમાં પણ અનુવાદ થયો છે.
 
I am a machine and You are the operator (હું યંત્ર છું અને તમે [પ્રભુ] યંત્ર ચલાવનાર છો.)  

 

આદિલ પોતાની જાતને ગઝલના લહિયા ગણે છે. લહિયા બનવા માટે પણ લાયક બનવું પડે.
 
યાદ આવે છે મહાભારતના લહિયા શ્રી ગણેશજી. એ લહિયાઓના લહિયા – – સૌથી મોટા લહિયા છે. વ્યાસજીના શ્રીમુખેથી વહેતા મહાકાવ્યને શ્રી ગણેશજીએ શાશ્વત રૂપ આપ્યું.
 
આદિલને હાથ પકડીને ગઝલ લખાવનાર ‘કોઈ’ કોણ છે એ તો એ જ કહી શકે. પણ જરૂર એ કોઈ દૈવી શક્તિ છે.
 
આદિલ ‘કોઇ’નો હાથ પોતે પકડતા નથી, ‘કોઈ’ એમનો હાથ પકડીને ગઝલ લખાવે છે. પોતે હાથ પકડે તો કદાચ પકડ છૂટી જાય, પણ દૈવી શક્તિ હાથ પકડે તો એ પકડ કદી ન છૂટે. (શ્રી રામકૃષ્ણનો આ મતલબનો  પણ ઉપદેશ છે.)  
 
અલબત્ત, મહાન ગઝલો (કે અન્ય કાવ્યો અને સાહિત્ય અને કલાની રચનાઓ) કોઈ અલૌકિક પ્રેરણાથી સર્જાતી હોય છે. સર્જકને પૂછવામાં આવે તો એ પોતે પણ કદાચ એ સર્જનની પ્રક્રિયાને સમજાવી નહીં શકે.
 
સર્જકમાં સર્જનની જે સૂઝ છે એ અલબત્ત કુદરતની બક્ષિસ છે. પણ એ બક્ષિસને વિકસાવવાની સર્જકમાં લગન હોવી જોઈએ. જરૂરી છે એ માટે સાધનાની. પર્લ બકે કહ્યું છે કે પ્રભુએ તમને લેખનની બક્ષિસ આપી હોય અને તમે એ ન વિકસાવો તો એ પાપ જ છે!
  
આદિલે કરેલી વર્ષોની સાધનાના અણસાર એમના કોઈ કોઈ શેરમાંથી મળે છે.
 
સતત થતી સાધના સર્જકને સાવધાન રાખે છે — જેથી દૈવી પ્રેરણાનો ઝબકાર થતાં જ એ સર્જન કરી શકે.
 
પ્રેરણા ન મળે તો પણ નિયમિત લેખનની શિસ્ત સર્જક માટે જરૂરી છે. એમ કરતાં જ પ્રેરણાની દેવી પ્રસન્ન થાય.
 
ગઝલના આયનાઘરમાં પાના બાવન પરની ગઝલનો છેલ્લો શેર પણ જુઓઃ
 
આયાસથી તો મળતી નથી કોઈને અહીં
આદિલ ગઝલકલા તો ખુદાદાદ હોય છે.

 

શું બધાનો થયો પશુપલ્ટો?
માણસોનો કોઈ સમાજ નથી!
  
હૃદયપલ્ટો શબ્દ તો સાંભળ્યો છે, પણ ‘પશુપલ્ટો’? અને તે પણ માણસનો? કવિના ભેજાની તો આ પેદાશ નથી ને?
 
મને સ્વામી વિવેકાનંદનું વાક્ય યાદ આવ્યું, ધર્મ વિના માણસ પશુ બની જશે.
 
અને ભતૃહરિએ સાહિત્ય સંગીત કલા વિનાના મણસને પૂંછડા વિનાના પશુ જેવો ગણ્યો છે.
 
સાહિત્યની વાત કરું છું તો મારા જીવનનો એક પ્રસંગ યાદ આવે છે.
 
એ દિવસોમાં હું અશરફ ડબાવાલા શિકાગોના સબર્બ શામબર્ગમાં એમના ઘેર યોજતા હતા એ કવિ સંમેલનોનો પ્રચાર કરતો હતો. (આદિલજી મોટા ભાગનાં સંમેલનોમાં હાજર રહેતા). એક કાર્યક્રમની પત્રિકાઓ લઈને હું શિકાગોના હરે કૃષ્ણ મંદિરમાં ગયો. પત્રિકાઓ મંદિરમાં મૂકવાની રજા લેવા હું મંદિરના પ્રમુખ વાણીનાથ (હા, વાણી નાથ) વસુ દાસ  પાસે ગયો, અને કાર્યક્રમ વિશે સમજાવ્યું. એમણે ખુશીથી તરત જ રજા આપતાં કહ્યું: “દેવ બનાવતાં પહેલાં બધાને માણસ બનાવવાના છે. તમે બધાને માણસ બનાવવાનું કાર્ય કરી રહ્યા છો.”
 
અલબત્ત, ઉમદા સાહિત્ય, સંગીત અને કલા ‘માણસ’ બનાવી શકે. અને પછી ધર્મ માણસને દેવ બનાવી શકે. સાહિત્ય, સંગીત અને કલાના વિશ્વમાં પણ અનેક રસથી છલકાતી રચનાઓ આધ્યાત્મિકતાનાં અજવાળાં પાથરે છે. આદિલજીની ઘણી ગઝલો પણ આપણને અંધારામાંથી આધ્યાત્મિકનાં અજવાળાં તરફ લઈ જાય છે.       
  
અટકીશ ક્યાં જઈને હવે કંઈ ખબર નથી
કોઈ અકળ પ્રવાહમાં ખેંચાતો જાઉં છું
  
આદિલનો ગઝલપ્રવાહમાં ખેંચાવાનો ઉપક્રમ આપણા માટે તો આનંદદાયક છે પણ એ કેવા કેવા સંઘર્ષો અને સાધનાઓમાંથી પસાર થયા હશે એનો આછો અણસાર એમના કોઈ કોઈ શેરમાંથી મળી રહે છે.
 
પોતાની જાતને એમણે કોઈ દૈવી શક્તિના હાથમાં સોંપી દીધી લાગે છે. કોઈ અકળ પ્રવાહમાં એ ખેંચાતા (તણાતા કે તરતા નહીં) જાય છે.
 
અલબત્ત, અકળ પ્રવાહ અનંત કાળથી વહી રહ્યો છે. જે એમાં ખેંચાતા હોય એ જ એનો અવર્ણનિય આનંદ માણી શકે. એમાં ખેંચાવાનો સંતોષ મન અને હૃદયને ભર્યું ભર્યું કરી દે છે. એમાં ખેંચાનારને લાગે છે કે કોઈ દૈવી હાથ એની પાસે કોઈ અજબ કામ કરાવી રહ્યો છે. કાર્ય થયા પછી નિમિત્ત બનનારને લાગે છે કે એ કામ એની શક્તિ બહારનું હતું. કાર્ય થયું એ એક ચમત્કાર જેવું લાગે છે!
 
મને તો આદિલના ઘણા શેરોમાં ચમત્કારના ચમકારા લાગે છે. એમની વિશ્વવિખ્યાત ગઝલ “નદીની રેતમાં રમતું નગર” અને એ કેવી રીતે લખાઈ એની કથા મોટો ચમત્કાર જ છે. (એ ગઝલનું તથા એમની બીજી પસંદ કરેલી ગઝલોનું અંગ્રેજીથી માંડીને ભારતની તથા વિશ્વના અન્ય દેશોની મુખ્ય ભાષાઓમાં રૂપાંતર થવું જોઈએ.)  
 
નમ્રતાપૂર્વક લખું છુ કે એ અકળ પ્રવાહમાં ખેંચાવાનો અનુભવ આ લખનારને પણ છે.

  

કેવી શું શાં સાંકળે છે આજ પાંચે ખંડને
એક ગુજરાતી ગઝલ સેતુ બનાવી જાય છે
  
આ ‘શું શાં’ શું છે? અને એ કેવી રીતે પાંચે ખંડને સાંકળે છે?
 
આપણા ઓન લાઈન મહાશબ્દકોશ ભગવદ્ગોમંડલ (http://www.bhagavadgomandal.com/) માં શું શાં’ મને ન મળ્યું. પછી વિચાર આવ્યો કે ‘શું શાં’ બે શબ્દો છે, અને મેં ‘શુંશાં’ એન્ટર કર્યું, અને અર્થ મળ્યોઃ “ગુજરાતી ભાષા. કેમકે તેમાં શુંશાં વગેરે વપરાય છે.” (પણ ‘શાં’ નો શો અર્થ? મેં એ એન્ટર કર્યું પણ એનો અર્થ ન મળ્યો!)
 
ગુજરાતી ભાષાની કિંમત કોઈએ આ રીતે કરીઃ ‘શું શાં પૈસા ચાર!’ (કોણે કિંમત કરી એ મને ન પૂછશો), અને ગુજરાતી ભાષા માટે ‘શું શાં’ શબ્દજોડકું(!) કોઈએ આપણને પધરાવ્યું!
 
પણ હીરાની કિંમત તો આદિલ જેવા કોઈક ઝવેરી જ કરી શકે.
 
આદિલ અને બીજા સર્જકોના પ્રયાસોથી આજે ગુજરાતી ભાષા પાંચે ખંડને સાંકળી રહી છે. અને ગઝલ સેતુ બની છે. અને જો એક જ ગુજરાતી ગઝલની વાત હોય તો એ કઈ હોઈ શકે? મારા નમ્ર મત મુજબ એ ‘નદીની રેત’ વાળી ગઝલ જ હોય.
 
આજે (જાન્યુઆરી ૧, ૨૦૧૦) સવારે ઊઠતી વખતે આ શેર વિશે શું (હા, શું) લખીશ એના વિચાર આવતા હતા. એક વિચાર આવ્યો ‘શેર-કડી’નો.
 
અંત કડી રમીએ છીએ એમ ‘શેર કડી’ રમીએ. રમનાર બેમાંથી એક પાર્ટીવાળો કોઈ એક શેર બોલીને (કે સારો કંઠ હોય તો ગાઈને) રમતની શરૂઆત કરે. કોઈ સામેની પાર્ટીવાળો એ શેરના છેલ્લા અક્ષરથી શરૂ થતો શેર લલકારે કે બોલે. પછી પહેલાંની પાર્ટીવાળો છેલ્લે બોલાએલા શેરના છેલ્લા અક્ષરથી શરૂ થતો શેર બોલે. એમ રમત ચાલે. જે પાર્ટીમાંથી કોઈ શેર ન બોલી શકે એ પાર્ટી હારી ગણાય.
 
દરેક શેર કોનો છે એ પણ શેર બોલનાર (કે એની પાર્ટીનું કોઈ) કહે તો એની પાર્ટીને એક પોઈન્ટ મળે. જો એ પાર્ટીનું કોઈ ન કહી શકે અને સામેની પાર્ટીનું કોઈ કહે તો સામે વાળાની પાર્ટીને એક પોઈન્ટ મળે. રમત પૂરી થતાં કઈ પાર્ટીને વધુ પોઈન્ટ મળ્યાં એ જાણવા મળે. (કયા ગઝલકારનો શેર છે એની ખાત્રી કરવા તટસ્થ અમ્પાયર નીમવો જોઈએ જે ગઝલોનાં પુસ્તકો લઈને બેસે. બે પાર્ટીમાંથી કોઈ ગઝલકારનું નામ ન આપી શકે તો અમ્પાયર નામ કહે. અમ્પાયર જો શેરનો સર્જક કોણ છે એનો તરત નિર્ણય ન લઈ શકે તો પછીથી શોધીને જણાવી શકે.) 
 
શેર કડીની રમત દ્વારા શેરોની (નાનકડી) મીની-સાંકળ રચાય.
 
શેર કડીની હરીફાઈ એક પછી એક તમારા ગામ કે શહેરમાં, પછી રાજ્યમાં, પછી દેશમાં, અને પછી દુનિયામાં થઈ શકે. ફાઈનલ હરીફાઈ પછી વિશ્વવિજેતા ટીમ જાહેર થાય. (આ હરીફાઈ દર વર્ષે પણ કરી શકાય.)
 
શેર-સાંકળ પાંચે ખંડને જરૂર જોડી શકે! (તમે એને શેર સેતુ પણ કહી શકો છો.)
 
તમે શેર કડી રમો તો મને તમારો અનુભવ girish116@yahoo.com સરનામે ઈ-મેઈલ કરીને જરૂર જણાવશો. સબ્જેક્ટ લાઈનમાં લખજોઃ શેર કડી (કે અંગ્રેજીમાં Sher Chain).

 

પ્રભુને, આદિલને, આ પુસ્તકના પ્રકાશકને, અને આદિલના ચાહકોને નમ્ર પ્રાર્થના કરું છું કે આ પુસ્તકને પણ પાંચ ખંડોને જોડતો સેતુ બનાવે.
 
નોંધઃ શેર કડી વિશે ઉપરનું લખાણ લખ્યા પછી મારા જાણવામાં આવ્યું કે જનાબ સુમન અજમેરી,  
  
વગેરેએ શેરાક્ષરીની રમતની શરૂઆત કરી દીધી છે.

 

વિસ્તરે તો વ્યોમ પણ ટૂંકું પડે
એક બિન્દુમાં સમેટાતી ગઝલ
  
આદિલ આ શેરમાં ઉચ્ચ કોટિની ગઝલનાં લક્ષણ બતાવે છે.
 
ગઝલરત્ન એટલે બિન્દુમાં અનંત સાગર. અને એ સાગર છે સત ચીત આનંદનો. અલબત્ત, સત એટલે સત્ય (Truth). ચીત એટલે ચૈતન્ય (Consciousness). અને આનંદ છે પરમ આનંદ (Bliss).
 
આદિલ જેવા મોટા ગજાના શાયર ગઝલ સર્જન કરતાં પયગંબરીનો અનભવ કરી શકે. અને સાચા ભાવકને એમની ગઝલો દ્વારા સત ચીત આનંદનો અનુભવ કરાવી શકે. એ માટે ભાવકે ગઝલમય થવું પડે.
 
ઉચ્ચ કોટિની ગઝલના એકે એક શેર પર પુસ્તક લખી શકાય. આ પુસ્તકમાં એવા કેટલાય શેર છે જે વિસ્તરે તો વ્યોમ પણ ટૂકું પડે! અને થોડા જ સરળ શબ્દોમાં સર્જાએલા એ શેરોનું લાઘવ દાદ માગી લે છે.
 
એક સાધારણ માનવી જેવો દેખાતો કવિ આવી મહાન રચનાઓ કેવી રીતે કરી શકે? અલબત્ત, કવિની વર્ષોની સાધના તો હોય છે જ, પણ સર્જન દરમિયાન એ કોઈ દૈવી શક્તિ સાથે જોડાએલો હોય છે. સર્જનમાં એ એટલો તલ્લીન થઈ જાય છે કે એને પોતાની જાતનું પણ ભાન હોતું નથી. ઘણી વખત તો કવિ પોતે પણ માની શક્તો નથી કે એનાથી એ સર્જન થયું છે!
 
સર્જક, સર્જન, અને સર્જન ક્રિયા ઐક્ય સાધે છે અને એ ત્રણેને એક કરનાર છે કોઈ અગમ્ય પ્રેરણા.
 
ખરેખર બિન્દુમાં સિંધુ છે દૈવી પ્રેરણાથી લખાએલી ગઝલ – – અને એ વિસ્તરે તો સમગ્ર વિશ્વમાં પણ ન સમાય.
 
જ્યારે કવિતા લખવાનું ઈશ્વરને મન થયું
ત્યારે હું એના કાવ્યના અક્ષર બની ગયો.
  
ક્ષર એટલે નાશવંત અને અક્ષર એટલે જેનો નાશ નથી તે, અમર.
 
અલબત્ત, આદિલ એમના અક્ષરદેહે અમર છે.
 
ઈશ્વરની કવિતાના અક્ષર બની ગયા છે આદિલ.
 
આપણે જોયું કે આદિલના અનેક શેરો આધ્યાત્મિકતાનાં અજવાળાં પાથરે છે. એમની ગઝલો લખાઈ છે દૈવી પ્રેરણાથી. અને એટલે જ જ્યાં સુધી ગુજરાતી ભાષા જીવશે ત્યાં સુધી આદિલના શેરોનો આનંદ જ્યાં જ્યાં એક ગુજરાતી પણ વસતો હશે ત્યાં ત્યાં પ્રસરશે.
 
કવિ બની ગએલા ઈશ્વર અને એમના કાવ્યના અક્ષર  થનાર આદિલને આ લખનાર નમ્ર પ્રાર્થના કરે છે કે આ પુસ્તક વિશ્વભરમાં વસતા ગુજરાતીઓને આદિલની ગઝલોના ભાવક બનાવવામાં નિમિત્ત બને.
 
પ્રભુ કૃપા, આદિલની દુઆઓ, અને ચાહકોની શુભેચ્છાઓથી તો આદિલના શેરોનો આનંદ પુસ્તકનું સર્જન થયું છે. 

 

વરમાળા લઈને ઊભી છે ઇચ્છાઓ
આદિલ કોઈ ઇચ્છાને ના વરજે તું
  
ઇચ્છા …  ઇચ્છા …  ઇચ્છા …
 
ઇચ્છાઓની વણથંભી વણઝાર ચાલ્યા કરે છે. એક ઇચ્છા પૂરી થઈ કે ન થઈ ત્યાં બીજી ઇચ્છાઓ મન પર સવાર થઈ જાય છે. જીવનની સફર આ રીતે ચાલતી હોય છે.
 
આકર્ષક ઇચ્છાઓ વરમાળા લઈને ઊભેલી સુંદરીઓ જેવી છે. જો કે એ વરમાળા ગમે તેના ગળામાં નથી પહેરાવી દેતી, છતાંય આદિલ પોતાની જાતને સાવધાન રહેવાનું કહે છે.
 
ઇચ્છાઓ જ કારણ છે જન્મ મરણના ફેરાઓનું. મનમાં નાનામાં નાની ઇચ્છા રહી ગઈ હોય તો પણ નવો જન્મ લેવો પડતો હોય છે.
 
દેખીતું છે કે બધી ઇચ્છાઓને સંતોષી શકાતી નથી. શ્રી કૃષ્ણે ફળની આશા રાખ્યા વિના કર્મ કરવાનો ઉપદેશ આપ્યો છે એનું આચરણ એ જ ઉત્તમ માર્ગ લાગે છે.
 
જીવનમાં મનનું વશીકરણ કરે એવી અનેક ઇચ્છાઓ જાગે, પણ એ પ્રલોભનોથી ચલીત ન થવું જોઈએ. ઇચ્છા જો યોગ્ય હોય તો એ સંતોષવા પ્રયત્ન કરવા જોઈએ, પણ નિર્લેપભાવે.
 
કવિ કહે છે એમ કોઈ ઇચ્છાની વરમાળા ન પહેરી લેવાય એ જ પસંદ કરવા જેવું છે. પણ કોઈ ઇચ્છાને ન વરવાની પણ ઇચ્છા જ થઈ ને!
 
૭૨ શેરની યાદી
 
નોંધઃ ૭૨ શેરો અને એમના વિશેનાં લખાણોને યોગ્ય ક્રમમાં ગોઠવવામાં આવશે.
  

1.  એ મુજનો રડતો જોઈને ખુદ પણ રડી પડ્યાં

મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો.
 
2.  બીજા બધાને ઉપરવાળો સાચવી લેશે,
બની શકે તો તમે એક જણને સાચવજો.
 
3.   વતનની ધૂળના એક્કેક કણને સાચવજો,
ને આરપાર આ વિસ્તરતા રણને સાચવજો.
 
4.  આ ગઝલના આયનાઘરમાં કદમ મૂકો અને
ગૂર્જરી સોળે સજી શણગાર વચ્ચે આવશે
 
5.  આ ગઝલ આદિલ હૃદય સોંસરવી ઊતરી જાય પણ
પંડિતોને પાઘડીનો ભાર વચ્ચે આવશે
 
6.  જે કાંઈ દેખાઈ રહ્યું તે માયા છે; કેવળ માયા
આવું કહેવું પણ માયા છે; માયાને ઓળંગી જા  
 
7.  વતનની ધૂળથી માથુ ભરી લઉં આદિલ,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
 
8.  આદિલ’ના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું:
ગઇ કાલનો આ છોકરો શાયર બની ગયો.
 
9.  દિનરાત વધતો જાય છે વિસ્તાર શબ્દનો
ફાવી ગયો બધાયને વ્યાપાર શબ્દનો
 
10. કોણે કહ્યું લયને કોઈ આકાર નથી?
એ અંગ મરોડે અને વળ ખાય ગઝલ
 
11. મ્રુત્યુની આદિલ કરો તૈયારીઓ
જીવવાનું પણ મનોબળ આવશે
 
12. જી, હા, આદિલ તો તખલ્લુસ માત્ર છે,
નામ, ધંધો, ધર્મ ને જાતિ ગઝલ.
 
13. વાંસળી પડઘાય આખ્ખા ગામમાં
ક્રુષ્ણ એવું શું છે તારા નામમાં
 
14. વીજળી ઝબકી ને વાદળમાં શમી
જાણે રાધા ઓગળી ગઈ શ્યામમાં
 
15. આંખ મીંચું તોય તું દેખાય છે
જીવ ક્યાંથી લાગે કોઈ કામમાં
 
16. રોમરોમે મોરપીંછું ફરફરે
કેવો જાદુ છે આ તારા નામમાં 
 
17. ભગ્ન દિલમાં એમ તારી યાદ આ
જાણે ગોરસ કોઈ કાચા ઠામમાં
 
18. આંખ મીંચીં દો સૌ પ્રથમ આદિલ
ને જે દેખાય તે જુઓ બાબા
 
20. મંજિલો જેની ચરણરજમાં હતી
એને અધવચ્ચે તમે છોડી દીધો
 
21. હા હવે બ્રહ્માંડ છૂટું છો પડે
નામ સાથે શ્વાસને જોડી દીધો
 
22. ઘૂંઘટ ખૂલ્યો હશે અને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.
 
23. ગર્ભમાં જે હતું; કબરમાં તે
અંતે આવી મળે છે અંધારું
 
24. છે પરાજય કે દિગ્વિજય આદિલ
સૌને પૂછ્યા કરે છે અંધારું
 
25. તારલા ટમટમે છે તે વચ્ચે
જોઈ લો ટમટમે છે અંધારું
 
26. સાત સાગર ઘડીમાં પાર કરું
કિંતુ વચ્ચે નડે છે અંધારું
 
27. ક્ષણ પહેલાં અહીં પ્રકાશ હતો
ને આ બીજી ક્ષણે છે અંધારું
 
28. ચોતરફ વિસ્તરે પ્રલય આદિલ
પૂર થઈ ધસમસે છે અંધારું
 
29. છંદ તૂટે ન કોઈ લય આદિલ
કે ગઝલને ગ્રહે છે અંધારું
 
30. હમણાં હમણાંનો થોથવાઉં છું
પ્રાસ કહેવું છે ને કહું છું પ્રાશ
 
31. લાભશંકર ચિકિત્સકેય ખરા
એ કહેશે કે ખાવ ચ્યવનપ્રાશ
 
32. ચેવડો તિખ્ખો છે બરોડાનો
ને આ સૂરતની મીઠ્ઠી ઘારી લે
 
33. હા વતનની ધૂળ ખાવા જાઉં પાછો દોસ્તો
પ્લેનની જ્યારે ટિકિટ સસ્તી મળે ઈ-મેઈલમાં
 
34. ભાષાના અધિકારની વાત જ ક્યાં છે ?
ને શબ્દના વ્હેવારની વાત જ ક્યાં છે ?
 
35. છે ચિત્રના જેવો જ અનુભવ આદિલ
આ અર્થના વેપારની વાત જ ક્યાં છે ?
 
36. અમારું કામ તો લહિયાગીરીનું છે આદિલ
ને હાથ પકડીને કોઈ ગઝલ લખાવે છે.
 
37. ઓછો છે સમય આંખને વાચા આપી
‘આદિલ’ આ મિલન કેફમાં ડોલી લઈએ.
 
38. નિરાંત એવી અનુભવું છું ગઝલના ઘરમાં
કે શ્વાસ મુક્તિના લઈ શકું છું ગઝલનાં ઘરમાં
 
39. વાત વિસ્તરતી ગઈ કારણની સીમાઓની બ્હાર,
બુદ્ધિ તો અટકી ગઈ પ્હોંચીને બસ કારણ સુધી.
 
40. બાળકને પૂછવાથી ઘણું જાણવા મળે
પૂછે તો વડીલોની વડીલાઈ જાય છે
 
41. મેં બેશુમાર ગુનાહો કર્યા કબૂલ મને
પરંતુ એની દયા પણ શું બેશુમાર નથી.
 
42. જીવન મૃત્યુ જગત બ્રમ્હાંડની ચિંતા ન કર આદિલ
પ્રથમ ખુદને પીછાણી લે ફરી આ ક્ષણ નહીં આવે
 
43. શું બધાનો થયો પશુપલ્ટો?
માણસોનો કોઈ સમાજ નથી!
 
44. વહેતી ગંગા છે આ ગઝલ આદિલ
ખોબેખોબા ભરી ગઝલ માંડો.
 
45. એક એવી પણ ગઝલ આદિલ લખી નાખો હવે
પંડિતોયે સ્નાનઘરમાં જેને લલકારી શકે
 
46. અટકીશ ક્યાં જઈને હવે કંઈ ખબર નથી
કોઈ અકળ પ્રવાહમાં ખેંચાતો જાઉં છું
 
47. ગઝલનો ‘ગ’ ફકત ઘૂંટ્યો છે ‘આદિલ’,
હજુ બાકી કવન-બારાખડી છે.
 
48. જે કહે છે ‘છું’ એ દેખાતો નથી
વિશ્વ માયા છે છતાં દેખાય છે
 
49. કેવી શું શાં સાંકળે છે આજ પાંચે ખંડને
એક ગુજરાતી ગઝલ સેતુ બનાવી જાય છે
 
50. મને ન શોધજો કોઈ હવે હું ક્યાંય નથી,
અને જુઓ તો તમારી જ આસપાસમાં છું.
 
51. તખ્ત કે તાજ પર નજર ન કરે
જો કલંદરની કજકુલાહી જો
 
52. જિંદગીભર મળી છે નિષ્ફળતા
અંતવેળા હવે ફળે છે બધું
 
53. ન ઊતરે કેફ આદિલ અંતવેળા
કોઈનું નામ શ્વાસોમાં લસોટું
 
54. થાકીને બેસી પડે જો માર્ગમાં દરવેશ તો
મંઝિલો આવીને એના પગ દબાવી જાય છે.
  
55. આ નવી હિજરતથી ગભરાઓ નહીં
જ્યાં જશો સાથે જ અંજળ આવશે
 
56. મણકા તસ્બીહના ગયા અટકી
આ ગઝલને જપી શકે તો જપ
 
57. એક આ તાઝા ગઝલની અંજલિ
કોઈને બીજું તો શું આપી શકું
 
58. આ સઘન અંધકારની વચ્ચેકોડિયું થૈ અને બળી જઈએ
 
59. વિસ્તરે તો વ્યોમ પણ ટૂંકું પડે
એક બિન્દુમાં સમેટાતી ગઝલ
 
60. એ જ્યાં બી હોય ત્યાં આંતરડી ઠારજો એની
નથી ભુલાતી મને મારી માડી જી સાહેબ
 
61. જ્યારે કવિતા લખવાનું ઈશ્વરને મન થયું
ત્યારે હું એના કાવ્યના અક્ષર બની ગયો.
 
62.  ઊતરી આવે છે સીધી આભથી
આ ગઝલગંગા તો બારે માસ છે
 
63. ડાળ આદિલ એની સ્પર્ષે આભને
બીજ ઐસે બોઈએ વરસાદમાં
 
64. વરમાળા લઈને ઊભી છે ઇચ્છાઓ
આદિલ કોઈ ઇચ્છાને ના વરજે તું
 
65. અંતિમ શ્વાસ સુધી હું આદિલ
ગરવી ગુજરાતીનો ઋણી
 
66. બંસરી બાજે
ધણની વચ્ચે
 
67. યુગનો પગરવ
ક્ષણની વચ્ચે
 
68. ઘંટનાદો શમી ગયા અંતે
ખાલી વાતાવરણમાં ગુંજે ઓમ
 
69. જ્યારે આદિલ શ્વાસ પણ ડૂબી જતો
ત્યારે રોમે રોમ સંભળાતી ગઝલ
 
70. સફરને અંત જેવું ક્યાં રહ્યું કે,
યુગોનો થાક ઊતરે છે ચરણમાં.

 

 
71.  જિંદગાનીના તમાશા જોઈને,
હસતા હસતા થઈ જવાયું લોટપોટ. 
 
72. આદિલ હરદમ
લખતા રહેવું
 
Part 3: Book Proposal: આદિલના શેરોનો આનંદ
આદિલ વિશે
 
૧૮  મે, ૧૯૩૬ના રોજ અમદાવાદમાં જન્મેલા આદિલનું મૂળ નામ ફકીરમહંમદ ગુલામનબી મન્સૂરી હતું. પોતાનો પરિચય આપતાં આદિલ કહે છેઃ
 
જી હા આદિલ તો તખલ્લુસ માત્ર છે
નામ ધંધો ધર્મ ને જાતિ ગઝલ.              (૧૪૯, મળે ન મળે)
 
આદિલનું જીવન ચાર તબક્કામાં વહેંચાયેલું છેઃ (૧) ૧ થી ૧૨ વર્ષની વય અમદાવાદમાં વીતી. (૨) ૧૩ થી ૨૦ વર્ષની વય કરાંચી, પાકિસ્તાનમાં વીતી. (૩) ૨૧ થી ૪૯ વર્ષની વય ફરી અમદાવાદમાં વીતી. (૪) ૪૯ થી ૭૨ વર્ષની વય ન્યૂ જર્સી (USA) માં વીતી. ૬ નવેમ્બર, ૨૦૦૮ના રોજ હ્રદયરોગના હુમલાથી એમનું અવસાન થયું.
 
જીવનનો ત્રીજો અને ચોથો તબક્કો આદિલણિ રચના-પ્રવૃત્તિનો સુવર્ણ કાળ છે. એમની કાવ્ય યાત્રાનો ચરમ વિકાસ આ ગાળામાં થયો. જો કે આદિલની પ્રથમ કવિતા કરાંચીમાં ૧૯૫૦માં ગુજરાતી ભષામાં પ્રકટ થઈ. પણ તેમણે ગઝલો લખવાનો આરંભ ઉર્દૂથી કર્યો. ઉર્દૂ-ગુજરાતી બન્ને ભાષાઓમાં તેમણે સમાન અધિકારપૂર્વક રચનાકર્મ કર્યું છે.
 
પાકિસ્તાનથી ભારત પાછા ફર્યા પછી ૧૯૬૩માં તેમણે ‘રે મઠ’ની સ્થાપના સર્જકમિત્રો સાથે મળી કરી.  
અને આ મઠની પ્રવૃત્તિઓ દ્વારા બગાવતનું રણ શિંગુ ફૂંકી સ્થાપિતોની ઊંઘ હરામ કરી દીધી. આ ગાળામાં તેમના વળાંક (૧૯૬૩), પગરવ (૧૯૬૬), સતત (૧૯૭૦), ન્યૂયૉર્ક નામે ગામ (૧૯૯૬) આદિ રચનાઓ પ્રકટ થઈ. તેમનો વળાંક સંગ્રહ ગુજરાતી ગઝલને નવો વળાંક આપનાર યુગ-પ્રવર્તક પુરવાર થયો. ઉપરના પૈકી અંતિમ ત્રણ સંગ્રહોનાં કાવ્યોનું પુનર્મુદ્રણ મળે ન મળે ના ટાઈટલથી સમગ્ર કવિતા ગ્રંથના સ્વરૂપમાં ૧૯૯૬માં થયું. રે મઠે આદિલના સહકારથી ‘રે’, ‘ઉન્મૂલન’, અને ‘ક્રુતિ’ સામયિકો શરૂ કર્યાં. એ ઉપરાંત મિત્રો સાથે મળી ડાબા હાથનો ખેલ (હાયકુ), મૅક બિલીવ (એકાંકી સંગ્રહ), ગઝલ ઉસને છેડી (ઉર્દૂ ગઝલ સંગ્રહ), ગમી તે ગઝલ  (ગુજરાતી ગઝલ સંગ્રહ) વગેરે પ્રકટ કર્યાં. હશ્ર કી સુબહ (ઉર્દૂ કાવ્ય સંગ્રહ) એક ઉર્દૂ અને બીજો હિન્દી લીપીમાં એમ બે પુસ્તકોમાં પ્રકટ કર્યો. ૨૦૦૩માં ગઝલના આયનાઘરમાં સંગ્રહ પ્રકટ કર્યો. 
હાથપગ બંધાયેલા છે, અને પેન્સિલની કબર એ બે સંગ્રહો દ્વારા આદિલે  ડઝનથી વધુ એબ્સર્ડ નાટકો આપ્યાં છે.
 
આદિલે આ શૈલીઓમાં સર્જન કર્મ કર્યું છેઃ ગઝલ, ગીત, અછાંદસ કાવ્ય, એબ્સર્ડ નાટકો, હાયકુ, કેલિઓગ્રાફી, ચિત્રકળા, તૈલચિત્ર, મોડર્ન આર્ટ, ડિજિટલ આર્ટ, વિગ્નાપન જાર્ગન્સ, વેબ સાઈટ સંચાલન, આદિ.
 
અલબત્ત, આદિલનો પ્રથમ પ્રેમ ગઝલ છે. અને એટલે જ આદિલ પોતાની ઓળખાણ આપતા એમના અગાઉ આપેલા શેરમાં કહે છે કે એમનું “નામ, ધર્મ અને જાતિ ગઝલ છે.” ગઝલોનું તેમણે વિપુલ સર્જન કર્યું છે.
 
આદિલના કેટલાક ગઝલ-સર્જનમાં મર્યાદાઓ હોવા છતાં તેમના અનન્ય ઉત્કૃષ્ટ શેરો દ્વારા વર્ષો સુધી તેઓ જીવન્ત રહેશે.
 
આદિલના જીવનમાં અનેક રંગ જોવા મળે છે. ભાઈ ગિરીશ પરીખની આ આસ્વાદમૂલક કૃતિમાં આદિલના ઘણા રંગો દેખા દેશે. આદિલના ૭૨ શેરો, અને એમનો આસ્વાદ કરાવતા આ પુસ્તકના પ્રણયન માટે ભાઈ ગિરીશના આ પ્રયાસને આવકારું છું અને એમની આ સ્તુત્ય પ્રવૃત્તિની સફળતા ઈચ્છું છું.
 
                                                                 – – પ્રોફેસર સુમન અજમેરી
 
Part 4: Book Proposal: આદિલના શેરોનો આનંદ
ગિરીશ પરીખ વિશે
  
ગિરીશ પરીખ ગુજરાતી અને અંગ્રેજીમાં લખતા સ્વતંત્ર લેખક અને પત્રકાર છે. એ મોડેસ્ટો, કેલિફોર્નિયામાં રહે છે.
 
ભારતમાં હતા ત્યારે એમની અનેક વાર્તાઓ, કાવ્યો, નાટિકાઓ, લેખો, નિબંધો, વગેરે “નવચેતન”, “ચાંદની”, “પ્રતીમા”, “ચેતના”, “વિશ્વ વિજ્ઞાન”, “ધરતી”, “બાલમિત્ર”, “બાળક”, “ગાંડીવ”, “કનૈયો”, “રમકડું”, વગેરે સામયિકોમાં પ્રગટ થયાં હતાં. 

તેમનું ગુજરાતીમાં પ્રગટ થએલું પ્રથમ પુસ્તક હતું બિન્દુ (કનુ) ગજ્જર સાથેનો બાલગીતોનો સંગ્રહ ફેરફુદરડી.  એ પછી પ્રગટ થએલા બાલકાવ્યોના સંગ્રહ ટમટમતા તારલા માટે એમને સરકારી ઈનામ મળ્યું હતું. 

એમણે એન્જિનિયરીંગ કૉલેજના બહુભાષી વાર્ષિકના મુખ્ય તંત્રી તરીકે કામ કર્યું હતું.
 
એ ૧૯૬૭માં અમેરિકા આવ્યા.
 
તેમની ગુજરાતી કૃતિઓ અમેરિકામાંથી પ્રગટ થતાં “સંદેશ”, “ગુજરાત ટાઈમ્સ”, “ગુજરાત સમાચાર”, “ગુજરાત દર્પણ”, “ગુર્જરી ડાઈજેસ્ટ”, “ગુંજન”, “અમેરિકન ગુજરાત”, વગેરે સમયિકોમાં પ્રગટ થઈ છે. 

સ્વામી વિવેકાનંદે “અમેરિકાનાં બહેનો અને ભાઈઓ” સંબોધનથી શરૂ થતા શિકાગોમાં ૧૮૯૩માં યોજાએલી વિશ્વ ધર્મ પરિષદમાં આપેલા પ્રવચન સંબંધી SEPTEMBER 11: THE DATE OF GLOOM AND GLORY! (ભાવાનુવાદઃ સપ્ટેમ્બર ૧૧: આતંકના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જતો દિવસ) નામનું પુસ્તક લખ્યું છે. 

લૉર્ડ રીચર્ડ એટનબરોની ફિલ્મ “ગાંધી” માંથી પ્રેરણા લઈ ગિરીશે ફીચર ફિલ્મ “વિવેકાનંદ” માટે ૨૦૦ પાનાંની અંગ્રેજીમાં પટકથા લખી છે. એ ફિલ્મનું અંગ્રેજી અને હિંદીમાં સર્જન કરવા માટે એ ફિલ્મ બનાવનારની શોધમાં છે.

શિકાગોના વસવાટ દરમિયાન ઓગસ્ટ ૧૨, ૨૦૦૫ થી જુન ૨૦,૨૦૦૮ સુધી ઈસ્કોન (ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રીષ્ણા કોન્સિયસનેસ – – આંતરરાષ્ટિય કૃષ્ણ ભાવનામૃત સંઘ) શિકાગોના હરે કૃષ્ણ મંદિરના સામયિક “શ્રી શ્રી કિશોર કિશોરી બુલેટિન” ના ગિરીશ તંત્રી હતા. (ઈસ્કોન શિકાગોના હરે કૃષ્ણ મંદિરની શ્રી કૃષ્ણ અને શ્રી રાધાની મૂર્તિઓ અનુક્રમે શ્રી કિશોર અને શ્રી કિશોરી કહેવાય છે.)

ગિરીશે લેખો,અહેવાલો,પત્રો વગેરે “પ્રબુદ્ધ ભારત”,”વેદાંત કેસરી”,”ઈન્ડિયા ટ્રીબ્યુન”,”ઈન્ડિયન રીપોર્ટર એન્ડ વર્લ્ડ ન્યૂઝ”,”ઈન્ડિયા પોસ્ટ”,”શિકાગો ટ્રીબ્યુન”,”મોડેસ્ટો બી” વગેરે અંગ્રેજી સામયિકોમાં પ્રગટ કર્યાં છે.

ગિરીશનાં અંગ્રેજીમાં પ્રગટ થએલાં પુસ્તકોમાં સાત કોમ્પ્યુટર સોફ્ટવેર વિષયનાં છે.એમનું ટેકનિક્સ ઑફ પ્રોગ્રામ એન્ડ સીસ્ટીમ મેઈન્ટેનન્સ આ વિષય પરનું અમેરિકાનું પ્રથમ પુસ્તક હતું; અને એમના હેન્ડબૂક ઑફ સોફ્ટવેર મેઈન્ટેનન્સ પુસ્તકનું જાપાનીઝ ભાષામાં ભાષાંતર થયું હતું. એમણે અંગ્રેજીમાં ૨૦૦થી વધુ કોમ્પ્યુટર સોફ્ટવેર,અને અન્ય વિષયો પરના લેખો,વગેરે વિવિધ સામયિકો અને
વેબ સાઈટો પર પ્રગટ કર્યાં છે.

 
ગિરીશ “WIDER HORIZONS Weekly” (વિસ્તરતી જતી ક્ષિતિજો) નામનું આધ્યાત્મિકતા અને ધર્મના વિષય પર રસમય વાંચન પીરસતું સાપ્તાહિક કોલમ લખે છે. એ WHSW નામની યાહૂગૃપની વેબ સાઈટ પર પોસ્ટ થાય છે, અને સભ્યો, વગરેને ઈ-મેઈલથી મોકલાય છે. આ કોલમ મેળવવા ગિરીશનો સંપર્ક કરો.
  

શ્રી રામકૃષ્ણ પરમહંસની કૃપાથી અને સ્વ. નાનક ગુરનાનીની પ્રેરણાથી ગિરીશે જુલાઈ ૨, ૨૦૦૪, ગુરુપૂર્ણિમાના દિવસે શિકાગોમાં “શ્રી રામકૃષ્ણ પરિવાર” (SRKP) ના શ્રી ગણેશ કર્યા હતા. હાલ SRKP મોડેસ્ટો, કેલિફોર્નિયામાં સાપ્તાહિક સત્સંગ યોજે છે. (સત્સંગનાં સ્થળ, દિવસ, અને સમય જાણવા ગિરીશનો સંપર્ક કરો.)

 
ગિરીશ SDSMEM (સોફ્ટવેર ડેવલપમેન્ટ, સપોર્ટ, મેઈન્ટેનન્સ (અથવા મોડીફીકેશન), ઈવોલ્યુશન, અને મેનેજમેન્ટ) નામના યાહૂગૃપના તંત્રી છે.
 
 
સંપર્ક
 
GIRISH PARIKH
AUTHOR & JOURNALIST
2813 CANCUN DRIVE
MODESTO, CALIFORNIA  95355-7946
Phone: 209-551-1310
 
Part 5 of 5: Book Proposal:
આદિલના શેરોનો આનંદ
In this Part some innovative ideas for world wide distribution of the book will be given to the publisher after contracting with the author.
 
(પુસ્તક પ્રકાશનનો કોન્ટ્રેક્ટ થયા પછી આ ભાગ મોકલાશે).
જેમ આદિલજીએ પરંપરાગત ગુજરાતી ગઝલને મોટે ભાગે પરંપરા તોડ્યા વિના ‘વળાંક’ આપ્યો એમ આ ભાગમાં વિશ્વભરમાં પુસ્તક પ્રસાર, પ્રચાર, અને વિતરણને પરંપરા તોડ્યા વિના ‘વળાંક’ આપવા માટે innovative ideas આપવામાં આવશે.
 
The author sees great potential for the book. With the grace of God it will be a best seller benefiting everyone.
સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post: Copyright (c) 2010 by Girish Parikh. Blog: www.girishparikh.wordpress.com. E-mail: girish116@yahoo.com
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

શિકાગોમાં ‘સાહિત્ય સત્સંગ’

નવેમ્બર 24, 2010
આ લખનારે ૧૯૯૬માં શિકાગોમાં ‘સાહિત્ય સત્સંગ’ નામનો કાર્યક્રમ શરૂ કર્યો હતો, અને એની બે બેઠકો મળી હતી. બન્ને બેઠકોને સારો આવકાર મળ્યો હતો. તાજેતરમાં શિકાગો લેન્ડમાં જેમની પ્રેરણા અને પ્રયત્નોથી ‘સર્જકો સાથેની સાંજ’ કાર્યક્ર્મના શ્રી ગણેશ થયા છે એ ડૉ. અશરફ ડબાવાલા ‘સાહિત્ય સત્સંગ’ની બન્ને બેઠકોમાં હાજર રહ્યા હતા.
 
‘સાહિત્ય સત્સંગ’ની પ્રથમ બેઠકનું એનાઉન્સમેન્ટ (પ્રેસ રીલીઝ) India Tribune માં પ્રગટ થયું હતું. ગિરીશે ગુજરાતીમાં પણ એનાઉન્સમેન્ટ કરેલું:
 
” ‘સાહિત્ય સત્સંગ’નો હેતુ ગુજરાતી સાહિત્યરસિકોનું મિલન કરવાનો છે. ગાંધીગીરા ગુજરાતી ભારતની અગ્રગણ્ય ભાષાઓમાંની એક છે. ભારતીય-અમેરિકનોની બહુમતી આ ભાષા બોલે છે.
 
ગુજરાતી સાહિત્યનાં (અને એમાંથી કેટલીક કૃતિઓનાં અંગ્રેજી તથા અન્ય ભાષાઓમાં અનુવાદનાં) વચ અને/અથવા લેખનમાં જેમને રસ હોય એ સૌને આમંત્રણ છે.
 
આ સત્સંગ ગુજરાતીમાં થશે, પણ શ્રોતાઓને રસ હશે તો, કેટલીક ચર્ચાઓ અંગ્રેજીમાં કરવામાં આવશે. દાખલા તરીકે ‘અંગ્રેજીમાં મહાન ગુજરાતી કૃતિઓ’ (‘Great Gujarati works in English) ટોપીક અંગ્રેજીમાં પણ ચર્ચાશે. આવાં સર્જનોમાંનું એક વિખ્યાત ઉદાહરણ છેઃ મૂળ ગુજરાતીમાં લખાયેલ ગાંધિજીની આત્મકથા – – જેના અંગ્રેજી અનુવાદે વિશ્વસાહિત્યમાં સ્થાન મેળવી લીધું છે.
 
આ મીટીંગના કેન્દ્રસ્થાને અલબત્ત ગુજરાતી સાહિત્ય હશે, પણ અન્ય ભાષાઓની, ને ખાસ કરીને અંગ્રેજી સાહિત્યની રચનાઓની ચર્ચા ગુજરાતી કૃતિઓના સંદર્ભમાં કરી શકાશે.
 
આ સત્સંગ ઓપેન-એન્ડેડ (oprn-ended) છે. ગુજરાતી સાહિત્ય વિશે અને એના સંબંધી કોઇ પણ ટોપીક ચર્ચી શકાશે. સત્સંગીઓ એમની (કે અન્યની) રચેલી ટૂંકી કૃતિઓનું પઠન કરી શકશે અને એમના વિશે ચર્ચા પણ કરી શકાશે.”
 
                           (‘સાહિત્ય સત્સંગ’ની બેઠકોના અહેવાલ, વગેરે હવે પછી …)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

 

‘લયસ્તરો’ના આસ્વાદ અને પ્રતિભાવોના સ્વાદ !

નવેમ્બર 23, 2010
‘લયસ્તરો’ પર પોસ્ટ થતાં કાવ્યો, એમના આસ્વાદ, અને પ્રતિભાવોનો આસ્વાદ માણ્યા જ કરી એમ થાય છે. તમે માનશો? ઘણી વખત હું કાવ્ય વાંચુ એ પહેલાં આસ્વાદ અને કેટલાક પ્રતિભાવો વાંચી લઉં છું!
‘સૂરસંગમ’ ફિલ્મમાં મહાન શાસ્ત્રીય સંગીતના ગાયક પંડીત શિવશંકર શાસ્ત્રીને એમનો તેજસ્વી શિષ્ય પૂછે છે કે રસ શું છે? શાસ્ત્રીજી જવાબ આપે છે કે રસ અનુભવી શકાય, એનું વર્ણન ન થઈ શકે!
અલબત્ત, સાહિત્ય-સંગીત-કલા માણવાનો રસ અંદરથી જાગવો જોઈએ, પણ ‘લયસ્તરો’માં અપાતા આસ્વાદ અને મોટા ભાગના પ્રતિભાવો માનવીની રસવૃત્તિ જગાડવાની અજબ પ્રેરણા આપે છે. અને કાવ્યને વધુ માણવા માટે સંક્ષિપ્ત માર્ગદર્શન પણ આપે છે.
 
અલબત્ત, તમે પણ પ્રતિભાવો પોસ્ટ કરી શકો છો. ‘લયસ્તરો’ વેબ સાઇટની એક વિશેષતા એ પણ છે કે પ્રતિભાવો મોડરેટ થતા નથી.
‘લયસ્તરો’નાં કાવ્યો, એના આસ્વાદ, અને પ્રતિભાવોનો ત્રિવેણી સંગમ જ્યાં જ્યાં ગુજરાતી વસતા હોય ત્યાં ત્યાં પ્રસરે એવી મા સરસ્વતીને પ્રાર્થના કરું છું.
 
વિવેકે ‘લયસ્તરો’ પર પોસ્ટ કરેલ કનક રાવળનું મુક્તકાવ્ય (અછાંદસ નહીં કહું!) ‘શ્વેત પરછાંઇ’ (લીંકઃ http://layastaro.com/?cat=654 ) વાંચીને મોટા ભાગનું ઉપરનું લખાણ લખાયું હતું.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

કનક કામિનીથી નથી કોણ મોહ્યા ?

નવેમ્બર 22, 2010
ગઈ કાલે ગુજરાતી ભાષાના એક દિગ્ગજ શ્રી વિપુલભાઈ કલ્યાણી તરફથી ‘ઓપિનિયન’ મેગઝીનનો નવેમ્બર ૨૬, ૨૦૧૦ નો ઇ-અંક ઇ-મેઇલથી મળ્યો. સાથે આ પણ મળ્યું:  
With the good offices of Samirabahen Sheikh and the GujaratStudies group, enjoy this to your core :
  
Here is a lovely recitation in Gujarati from 1919, recorded for the Linguistic Survey of India, recently placed online. These recordings were at the British Library. There are some more in Gujarati, and many more in different languages on the Digital South Asia Library site. Enjoy,
 and Season’s Greetings !Warm regards
Vipool Kalyani   
(‘કનક કામિનીથી નથી કોણ મોહ્યા’ ગીત સાંભળવા ક્લીક કરોઃ) http://dsal.uchicago.edu/lsi/5697AK
Kanak kamini-thi nathi kon mohya
 Narrator:  Chandulal Chunilal Trivedi
  Narrator District:  Ahmadabad
  Narrator Province:  Bombay Presidency
  Year:  1919

 

 
 

ગીતના શબ્દો ‘ઓપિનિયન’ના આવતા અંકમાં આપવા વિપુલભાઇને વિનંતી કરું છું. 

 

કનક કામિનીથી નથી કોણ મોહ્યા ?
શ્રી રામકૃષ્ણ પરમહંસે પણ આધ્યાત્મિક પ્રગતિમાં મુશ્કેલીઓ કામિની-કાંચનના લીધે આવે છે એવો ઉપદેશ આપ્યો છે. સ્વામી નિખીલાનંદજીના કહેવા મુજબ કામીની શબ્દ Lust માટે અને કાંચન શબ્દ Greed માટે સમજવાના છે.
  
The Gospel of Sri Ramakrishna ઓન લાઇન વાંચોઃ   www.ramakrishnavivekananda.info .
  
રાજકોટના શ્રી રામકૃષ્ણ આશ્રમે The Gospel of Sri Ramakrishnaનો ગુજરાતી અનુવાદ પ્રગટ કર્યો છેઃ જુઓ ‘શ્રી રામકૃષ્ણ કથામૃત’ પુસ્તક વિશે આ લીંક પરઃ http://www.rkmrajkot.org/publication.php .          
  
નોંધઃ વિપુલભાઇનું ‘ઓપિનિયન’ મેગઝીન વાંચવું એ જિંદગીનો એક લહાવો છે. નવેમ્બર ૨૬, ૨૦૧૦ અને પાછલા ચાર અંકો ઓન લાઇન વાંચવા ક્લીક કરોઃ 
 
સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post: Copyright (c) 2010 by Girish Parikh. Blog: www.girishparikh.wordpress.com. E-mail: girish116@yahoo.com
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 
 

 


શિકાગો લેન્ડમાં ‘સર્જકો સાથે સાંજ’

નવેમ્બર 21, 2010
“શિકાગો આર્ટ સર્કલ આયોજીત સર્જકો સાથે સાંજ ની બીજી બેઠક તારીખ ૧૪ નવેમ્બર,૨૦૧૦ ના રોજ રાખવામાં આવેલી.” સપના વિજાપુરાના આ, અને સપ્ટેમ્બર ૪, ૨૦૧૦ના રોજ યોજાએલી પહેલી બેઠકના અહેવાલો વાંચો www.kavyadhara.com વેબ સાઇટ પર.
 
૧૪ નવેમ્બર મારી જન્મ તારીખ હતી. શિકાગોમાં હું હોત તો જરૂર એ દિવસની સાંજનો આનંદ સર્જકો સાથે માણત.
 
સર્જકો સાથે સાંજ’ ની પ્રથમ બેઠકનો અહેવાલ વિશે મારો પ્રતિભાવઃ
 
 
“અશરફભાઈ અને મધુબહેનને આ કાર્યક્રમ શરૂ કરવા માટે શબ્દપૂર્વક અને હ્રદયપૂર્વક અભિનંદન, અને કાય્રક્રમમાં ભાગ લેનાર સૌને શુભેચ્છાઓ પાઠવું છું.
અશરફભાઈ અને મધુબહેનનું ઘર અને ખાસ કરીને બેઇઝમેન્ટ સાહિત્ય મંદિર જ છે — ત્યાં સાહિત્યના ઘણા ઉત્તમ કાર્યક્રમો થયા છે. અંગદ વાત લખું તો મોડી રાત સુધી ત્યાં ચાલેલા એક મુશાયરા પછી આ લખનાર અશરફ અને મધુબહેનના ઘરના બેઇઝમેન્ટમાં સુઇ ગયલો ત્યારે એણે સ્વપ્નમાં આદિલના દર્શન કર્યાં હતાં અને એમના એને આશીર્વાદ મળ્યા હતા.”
 
નમ્રતાપૂર્વક એક વાત છતી કરું છું:
 
વર્ષો પહેલાં મેં ‘સાહિત્ય સત્સંગ’ એ નામથી શિકાગોમાં સર્જકો અને ભાવકો સાથેના કાર્યક્રમના શ્રી ગણેશ કર્યા હતા. મારી યાદ મુજબ અશરફભાઇ પણ એક બે બેઠકોમાં આવેલા. એમને ‘સાહિત્ય સત્સંગ’ નામ જરા ઓછું ગમેલું એમ એમણે મને જણાવેલું.
 
‘સર્જકો સાથે સાંજ’ સરસ નામ છે, અને એની બેઠકોને સફળતા મળે અને નવોદિત સર્જકોને પ્રેરણા અને માર્ગદર્શન મળે એવી પ્રભુને અને મા સરસ્વતીને પ્રાર્થના કરું છું. માનું છું કે સર્જકો ઉપરાંત ભાવકો પણ બેઠકોમાં આવતા હશે. 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.