Archive for સપ્ટેમ્બર, 2017

રણજીતરામ સુવર્ણચન્દ્રક વિજેતા શ્રી. ચંદુલાલ બેચરલાલ પટેલની મુલાકાત (૧૪)

સપ્ટેમ્બર 9, 2017
પ્રશ્નઃ મહારાજાશ્રીએ કઈ પદ્ધતિઓથી શબ્દો એકત્ર કરેલા?
ઉત્તરઃ શબ્દો એકત્ર કરવાની એમની રીતો આવી હતીઃ
(૧) કોઈની સાથે વાતચીત કરતાં કે કોઈનો અરજ-અહેવાલ સાંભળતાં એવો કોઈ તળપદો શબ્દ જણાય તો તેની નોંધ તેઓ તરત જ કરી લેતા. સાધન સામગ્રીને અભાવે કોઈ વાર પોતાના સુરવાળ પર પણ પેન્સિલથી નોંધ લખી લેતા.
(૨) ખેતરોમાં કે વાડીઓમાં ખેડૂતો સાથે વાતચીત કરતાં ભાંગ્યાતૂટ્યા સંભળાયેલા શબ્દો અચૂક એમના અંગરખાંની ચાળ ઉપર લખાઈ જતા.
(૩) પોતાના પુસ્તકાલયમાં મળવા આવનાર મહેમાનની વાતમાં એમને કોઈ નવીન શબ્દો લાધતા તો એ જ મહેમાનની મુલાકાત માટેની કાપલી પાછળ લખી લેતા. આથી એ શબ્દ માટે ભવિષ્યમાં કશીક વિશેષ માહિતી મેળવવી હોય તો જેની તેની પાસેથી તરત જ મેળવી શકાતી.
(૪) કાઠિયાવાડનાં ગામેગામનાં ઝૂંપડે ઝૂંપડામાંથી તેમ જ શહેરે શહેરના સાહિત્યપ્રેમી સજ્જનો પાસેથી શબ્દો મેળવવા હજારોની સંખ્યામાં પત્રિકાઓ વહેંચાતી.
(વધુ હવે પછી …)  .

રણજીતરામ સુવર્ણચન્દ્રક વિજેતા શ્રી. ચંદુલાલ બેચરલાલ પટેલની મુલાકાત (૧૩)

સપ્ટેમ્બર 8, 2017
કોષની રચના આરંભાઈ એ પહેલાં જ મહારાજાશ્રીએ જાતમહેનતે અપ્રસિદ્ધ અને નગદ નાણાં સમા વીસ હજાર અણમૂલા શબ્દો એકઠા કર્યા હતા!
અંતમાં એ ભૂલવું ન જોઇએ કે આ મહાકોષની પ્રેરણાનું બીજ અંગ્રેજી સાહિત્યે પૂરૂં પાડ્યું હતું અને એની યોજનામાં એ ભાષાના અનેક કોષોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
(વધુ હવે પછી …)

રણજીતરામ સુવર્ણચન્દ્રક વિજેતા શ્રી. ચંદુલાલ બેચરલાલ પટેલની મુલાકાત (૧૨)

સપ્ટેમ્બર 7, 2017

મહાકોષનાં સૂચવાયેલાં અનેક નામોમાંથી કવિશ્રી વિહારી સૂચિત “ભગવદગોમંડલ” એના અનેકાર્થોને લીધે પસંદ થયું. આ અનેકાર્થો આ રહ્યાઃ (૧) ભગવત્ + ગોમંડલ (૨) ભગવતસિંહજી શબ્દસંગ્રહ (૩) બૃહત શબ્દકોષ (૪) સમૃદ્ધિવાન જ્ઞાનકોષ (૫) જ્ઞાનભર્યો સરસ્વતીભંડાર (૬) પ્રભુપ્રેરિત વ્યાપકવાણી.

(વધુ હવે પછી …)

રણજીતરામ સુવર્ણચન્દ્રક વિજેતા શ્રી. ચંદુલાલ બેચરલાલ પટેલની મુલાકાત (૧૧)

સપ્ટેમ્બર 5, 2017
આ બધા કોષોનો અભ્યાસ કરતાં એક સંપૂર્ણ અને આદર્શ ગુજરાતી બૃહત કોષની જરૂરિયાત વધારે ને વધારે જણાતી ગઈ અને ૨૪-૧૦-૧૯૨૮ને રોજ મહાકોષની રચનાનું મુહૂર્ત થયું.
(વધુ હવે પછી …)

ઉષાબહેન ઉપાધ્યાયને લખેલો પત્ર (સપ્ટેમ્બર ૫, ૨૦૧૭)

સપ્ટેમ્બર 5, 2017
ઉષાબહેનઃ
નમસ્કાર.
‘ગુજરાત દર્પણ’ના મે ૨૦૧૭ના અંકના ‘સાહિત્ય દર્પણ’ વિભાગમાં આપના આ શબ્દો વાંચતાં રોમાંચ અનુભવ્યોઃ “૨૧મી સદી દુનિયાભરમાં જ્ન્મેલા શ્રેષ્ઠ સાહિત્યના અનુવાદની સદી બની રહેવાની છે.”
યુનિવર્સલ અપીલ ધરાવતાં ગુજરાતી પુસ્તકોના અંગ્રેજીમાં અવતારો પણ થશે. અંગ્રેજીમાં થયેલા અવતારોમાં ગાંધીજીની વિશ્વવિખ્યાત ‘આત્મકથા’ શિરમોર છે. હું દૃઢપણે માનું છું કે ગાંધીજીને બે નોબેલ પ્રાઈઝ મળવાં જોઈતાં હતાંઃ શાંતિનું તથા સાહિત્યનું.
ખેર, હવે ગુજરાતીમાં સર્જન કરતા જીવંત સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ જરૂર મળશે. અલબત્ત, એ તો જ શક્ય બને જો પુસ્તકોના અંગ્રેજીમાં ઉત્કૃષ્ટ અવતારો થાય.
www.GirishParikh.wordpress.com બ્લોગ પર આ વિશે આપ ઘણા પોસ્ટ જોશો.
લિ. ગિરીશ પરીખનાં પ્રણામ.

રણજીતરામ સુવર્ણચન્દ્રક વિજેતા શ્રી. ચંદુલાલ બેચરલાલ પટેલની મુલાકાત (૧૦)

સપ્ટેમ્બર 4, 2017
આ ઉપરાંત આ ઉપલબ્ધ કોષોએ પણ પૂર્વભૂમિકા પૂરી પાડી છેઃ ૧. નર્મકોષ ૪ ભાગ (સન ૧૮૬૧, ૬૨, ૬૪, ૬૭) ૨. લલ્લુભાઈ ગોકળદાસ પટેલ કૃત કોષ (૧૯૦૮) ૩. ગુજરાત વિદ્યાસભાકૃત કોષ ૮ ભાગ (૧૯૧૨, ૧૫, ૧૬, ૧૯, ૨૧, ૨૨, ૨૩) ૪. શ્રી. ભાનુસુખરામ તથા ભરતરામ મહેતાકૃત કોષ (૧૯૨૫) ૫. બલસારેનો કોષ (૧૮૯૫) ૬. ગુજરાત વિદ્યાપીઠનો કોષ.
(વધુ હવે પછી …)

રણજીતરામ સુવર્ણચન્દ્રક વિજેતા શ્રી. ચંદુલાલ બેચરલાલ પટેલની મુલાકાત (૯)

સપ્ટેમ્બર 2, 2017
પોતાને પ્રિય એવા અનેક વિષયોની અવિરત વિચારણાને પરિણામે ચિત્રવિચિત્ર શબ્દો, ઉચ્ચારભેદો, વિવિધ વ્યુત્પત્તિઓ, મૌલિક વ્યાખ્યાઓ, પર્યાયો, અનેક અર્થો, કહેવતો, રૂઢિપ્રયોગો અને એવી બીજી અનેકવિધ ચમત્કૃતિઓ એમને લાધી હશે. અને એમ કરતાં કરતાં “શ્રવણ, મનન, નિદિધ્યાસન, અને છેવટે સાક્ષાત્કાર” એ ન્યાયે શબ્દબ્રહ્મની અર્ધી સદીની અખંડ ઉપાસનાના ફળ રૂપે “ભગવદગોમંડલ”નું સર્જન થયું.
(વધુ હવે પછી …)

રણજીતરામ સુવર્ણચન્દ્રક વિજેતા શ્રી. ચંદુલાલ બેચરલાલ પટેલની મુલાકાત (૮)

સપ્ટેમ્બર 1, 2017
ઉપરાંત મહારાજાની લાયબ્રેરી અંગ્રેજી, હિંદી, અરબી, ફારસી, ગુજરાતી, સંસ્કૃત, બંગાળી, મરાઠી વગેરે ભાષાઓના અનેક પ્રાચીન અને અર્વાચીન અપ્રાપ્ય ગ્રંથોથી સમૃદ્ધ અને પ્રમાણભૂત છે. તેઓ આ પુસ્તકાલયને આદર્શ અભ્યાસગૃહ માનીને તેમાં સ્વાધ્યાય કરવામાં ઘણો સમય ગાળતા.
(વધુ હવે પછી …)