Archive for ઓક્ટોબર, 2017

રણજીતરામ સુવર્ણચન્દ્રક વિજેતા શ્રી. ચંદુલાલ બેચરલાલ પટેલની મુલાકાત (૧૫)

ઓક્ટોબર 19, 2017
(૫) પહેલાં કંઠસ્થ શબ્દો એકત્ર કરવાનો મહારાજાનો આગ્રહ હતો, કારણ કે કાળના પ્રવાહ સાથે એ નાશ પામશે એવો ભય હતો. કંઠસ્થ શબ્દોનો સંગ્રહ પૂરો થયા પછી ગુજરાતી ભાષાના પ્રાચીન અને અર્વાચીન, પ્રસિદ્ધ તેમ જ અપ્રસિદ્ધ, સાહિત્યમાંથી સંશોધન કરીને અવતરણો સાથે શબ્દો સંગ્રહવાનો ભગીરથ પ્રયત્ન થયો. પરિણામે અપ્રસિદ્ધ ખતપત્રો, કાવ્યો અને જૈન આદિના અનેક રાસાઓમાંથી તેમ જ નરસિંહયુગથી માંડી ગાંધીયુગ સુધીના ગુજરાતી ભાષાના વિકાસના યુગોમાંથી જે તે યુગના કવિઓ અને નિષ્ણાતો, અભ્યાસકો અને પ્રશંસકો પાસે સંશોધન કરાવી નવીન શબ્દો, તેમના વિવિધ અર્થો, તેમના વિશિષ્ટ ઉપયોગો અને તેમને લગતાં બંધબેસતાં અવતરણો એકત્ર કરવામાં આવ્યાં.
(૬) બહારગામથી ઘણી વાર ફળફૂલ, ઝાડપાન, મોતીમાણેક, જરજવાહિર વગેરેનાં સૂચિપત્રો મહારાજા પાસે આવતાં. આમાંથી બહુ જ ચીવટપૂર્વક વીણી વીણીને તેઓ શબ્દો અને વિગતો કોષમાં મોકલતા.
(૭) રંગૂન, આફ્રિકા, વગેરે દૂરના પ્રદેશોમાંંથી મહારાજાશ્રીને કોઈ મળવા આવે તો એની પાસેથી પણ તે તે પ્રદેશોની વાતચીતમાં જો કોઈ ‘ચલણી’ શબ્દ ઝડપાઈ જાય તો તે સંગ્રહી લઈને તેનો ઉપયોગ કરતા.
(૮) વસ્તીગણતરી વખતે એમણે અટકોની તેમ જ ગામના માણસોનાં નામોની વ્યુત્પત્તિ તેમ જ તેમને લગતો શક્ય ઈતિહાસ મેળવીને કોષમાં યોગ્ય સ્થળે દાખલ કરવાનો પણ ખાસ પ્રબંધ કર્યો હતો.
(સંપૂર્ણ)