Archive for જુલાઇ, 2013

બાપુ (રણછોડભાઈ પટેલ): 5

જુલાઇ 31, 2013

રણછોડભાઈ સાત ધોરણ સુધી જ ભણ્યા હતા પણ એથી એ એમનાં પુત્રો અને પુત્રીઓને ભણાવવાનું ચૂક્યા નહોતા. પોતે ન જાણતા હોય એ વિશયોનાં એ ઘણી વખત પોતાના માટે પાઠ્ય પુસ્તકો ખરીદતા, જાતે અભ્યાસ કરતા, અને પછી પુત્ર પુત્રીઓને શીખવતા.  અઠવાડિયાના સાત દિવસોનો દરેક દિવસ સાત પુત્ર પુત્રીઓ જે હાઈ સ્કૂલથી માંડીને કીન્ડર ગાર્ટનમાં હતાં એમાંથી વારા ફરતી એકને ભણાવવાનો નક્કી કર્યો હતો. સોમવાર હતો સૌથી મોટા મુકુંદ માટે, રવિવાર હતો સૌથી નાની સુધા માટે, અને વચ્ચેના દિવસોમાં પાંચ સંતાનનો એક પછી એક વારો આવતો.

 
રણછોડભાઈની પુત્રીઓઃ ભાનુબહેન, રમીલા, ભગવતી, કુસુમ, અને સુધા.
રણછોડભાઈની ૧૪ વર્ષની ઉંમરે શકરીબા સાથે સગાઈ થઈ હતી, અને ૧૮ વર્ષના હતા ત્યારે લગ્ન થયાં હતાં. લગ્ન પછી મુખ્યત્વે ખેડુત તરીકે એમણે જીવન શરૂ કર્યું હતું, બજારમાં એમની નાનકડી દુકાન પણ હતી.
 
શકરીબા ઘણી વખત કહેતાં કે એમની સાથેનું જીવન મુશ્કેલ હતું; પણ એમની એ પ્રેમપૂર્વક તથા ભાવપૂર્વક વિશિષ્ટ રીતે સંભાળ લેતા. શકરીબાનું ૨૦૧૨માં અવસાન થયું ત્યારે રણછોડભાઈ લાગણીમય થઈને બોલેલાઃ એમણે મારી ૮૦ વર્ષો સુધી સંભાળ લીધી છે.   
 
(મુકુંદ બાપુનાં લખણને આધારે ગિરીશ પરીખે આ લેખ તૈયાર કર્યો છે. ગિરીશ પરીખ મોડેસ્ટો, કેલિફોર્નિયામાં વસતા લેખક અને પત્રકાર છે. ગિરીશ અને એનાં પત્ની હસુ (જે બાવળાની હાઈસ્કૂલમાં મુકુંદ સથે એક જ વર્ગમાં હતાં) બાપુ (રણછોડભાઈ)ના આત્માની શાંતિ માટે અને એમના કુટુંબીઓ, સગાં તથા મિત્રોને આ દુખ સહન કરવાની શક્તિ આપે એ માટે પ્રાર્થના કરે છે. 
   ગિરીશ ઉમેરે છેઃ એના સ્વ. પૂજ્ય પિતાજી શ્રી હરિભાઈ જ. પરીખ, અને એના સૌથી મોટાભાઈ સ્વ, પૂજ્ય શ્રી મણીભાઈ બાપુના નિકટના મિત્રો હતા. ગિરીશ એના બાળપણથી બાપુને જાણતો હતો અને એમના માટે એને ખૂબ જ માન હતું. ગિરીશ આંખો બંધ કરે છે અને સામે બાપુ દેખાય છે. બાપુ એના હૃદયમાં સદાય રહેશે.
(આ લેખમાળા સંપૂર્ણ.) 

બાપુ (રણછોડભાઈ પટેલ): 4

જુલાઇ 30, 2013
રણછોડભાઈ ૧૯૯૫ના અરસામાં વૃધ્ધાવસ્થામાં અમેરિકા આવ્યા ત્યાં સુધી ગાંધીજીના આદર્શોનો પ્રસાર કરતા રહ્યા.  અમેરિકામાં પણ એ જીવનના અંતિમ દિવસો સુધી રેંટિયા પર કે તકલીથી કાંતતા, અને યોગાસનો જેવી કસરત કરતા.
નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન અમેરિકન એસોસીએશનના ૨૦૦૬માં કેલિફોર્નિયામાં ભરાયેલા અધિવેશનમાં રણછોડભાઈનું “… અસામાન્ય સમર્પણ અને ગાંધીજીના આદર્શોની સતત પ્રસાર-સેવા”  કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

બાપુ (રણછોડભાઈ પટેલ): 3

જુલાઇ 29, 2013
ગાંધીજીના ૧૯૪૮માં થયેલા અવસાન પછી રણછોડભાઈએ ગાંધીજીના આદર્શો મુજબ કાર્ય કરવાનું ચાલુ રાખ્યું. શકરીબાએ વધતું જતું ઘરકામ અને સાત સંતાનોને ઉછેરવાનું સંભાળ્યું તથા રણદભાઈને પણ બને તેટલો સહકાર આપ્યો.
રછોડભાઈ ઘણી વખત એમના સૌથી મોટા પુત્ર મુકુંદને એમની સાથે જોડાવા કહેતા. મુકુંદ ૧૬ વર્ષની ઉંમરે નાગપુરમાં ૧૯૫૮માં ભરાયેલા ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા ગયેલો. યુવા સ્વયંસેવક તરીકે મુકુંદને નેતાઓને ભોજન અને પાણી આપવાનાં તથા પછીથી સફસુફી કરવાનાં કામ સોંપાયાં હતાં. જવાહરલાલ નેહરુ (ભારતના એ વખતના વડા પ્રધાન), મણીબહેન પટેલ (સરદાર વલ્લભભાઈ પટેલનાં પુત્રી), ઈન્દીરા ગાંધી (નેહરુનાં પુત્ર અને ભારતનાં ભવિષ્યનાં વડા પ્રધાન (નેહરુનાં પુત્ર અને ભારતનાં ભાવિ વડા પ્રધાન), જીવરાજ મહેતા (ગુજરાતના ચીફ મીનીસ્ટર), વગેરેને ભોજન અને પાણી આપેલાં એ મુકુંદને હજુ પણ યાદ છે.
 
ગાંધીજીનો સંદેશ ગુજરાતનાં ગામડાંઓમાં પહોંચાડવા માટે મુકુંદ રણછોડભાઈ સાથે પણ ફર્યો હતો. કોલેજમાંથી ૧૯૫૯માં એક માસની છુટ્ટી લઈને  નેહરુ ફરીથી ચૂંટાય એ માટે મુકુંદે પ્રચાર કર્યો હતો. રણછોડભાઈની જેમ મુકુંદ પણ (૧૯૮૦માં એ અમ્મેરિકા પાછો આવ્યો એ પહેલાં) હમેશાં હાથવણાટની ખાદીનાં કપડાં પહેરતો હતો.   

બાપુ (રણછોડભાઈ પટેલ): 2

જુલાઇ 28, 2013
આઝાદીની લડતમાં ભાગ લેવા બદલ રણછોડભાઈ બે વખત જેલમાં ગયેલા. દિલ્હીની જે જેલમાં ગાંધીજી હતા એ જ જેલમાં રણછોડભાઈ હતા. મધ્ય ભારતમાં આવેલા ગાંધીજીના વર્ધા આશ્રમમાં એ ત્રણ માસ રહેલા અને ગાંધીજી સાથે સાંજના ફરવા જતા. ગાંધીજી એમના ખભે હાથ મૂકતા.
 
બાપુ કહેવાતા ગાંધીજીની આઝાદીની લડતમાં ભાગ લેનાર રણછોડભાઈ પણ બાવળામાં તથા ગુજરાતના એમના સહકાર્યકરોમા  “બાપુ” તરીકે ઓળખાતા હતા. એમનું માનદ ટાઈટલ “બાપુ” બાવળામાં એટલું બધું સ્થાપીત થઈ ગયું હતું કે સહુ કોઈ એમને બાપુ તરીકે જ ઓળખતા. 
 
ટ્રેઈન સ્ટેશનથી એમના ઘેર કેવી રીતે જવું એમ કોઈ પૂછે તો, બાપુના ઘેર જવું છે એમ ન કહે ત્યાં સુધી એને કોઈ રસ્તો બતાવતું નહોતું. અને એ થી જ રણછોડભાઈ પટેલનાં પુત્રો અને પુત્રીઓ પણ બાપુ તરીકે ઓળખાતાં, દાખલા તરીકે રમેશ બાપુ, કુસુમ બાપુ, વગેરે,  જાણે કે બાપુ એમનું કૌટિંબિક નામ છે. આજે પણ રમેશના બાવળાના અને અમેરિકાના મિત્રો કોઈ કોઈ વખત એને  બાપુ કહે છે.  

બાપુ (રણછોભાઈ પટેલ) નું નિધનઃ ૧

જુલાઇ 27, 2013

ગાંધીજીના અનુયાયી, ભારતની આઝાદીની લડતમાં ભાગ લેનાર, સમાજ સેવક બાપુ (રણછોડભાઈ પટેલ) નું જુલાઈ ૨૨, ૨૦૧૩ના રોજ લોસ એન્જલસ, કેલિફોર્નિયામાં અવસાન થયું છે. એમનો જન્મ ઓગસ્ટ ૧, ૧૯૧૫ના રોજ ભારતમાં થયો હતો.

રણછોડભાઈએ ૧૯૩૫ અને ૧૯૪૭ દરમિયાન (એમની ૨૦થી ૩૨ વર્ષની ઉંમરમાં) મહાત્મા ગાંધી (ગાંધીજી જેમને સહુ બાપુ પણ કહેતા)ના નેતૃત્વ નીચેની બ્રીટીશ સલ્તનત સામેની ભારતની આઝાદીની લડતમાં સક્રિય ભાગ લીધો હતો.

એમણે ગાંધીજીનો સંદેશ ગામડાંઓમાં પહોંચાડ્યો હતો, ગામડાંઓના અર્થતંત્રને સધ્ધર કરવા સહાય કરી હતી, અને હિંદુ વર્ણોમાં ઘર કરી ગયેલા અસ્પૃશતાના નિવારણ માટે પ્રયત્નો કર્યા હતા.

એ પોતાનાં કપડાં માટે રૂ કાંતતા અને ઈગ્લેન્ડથી ભારતમાં આયાત થતાં કપડાંની હોળી કરવામાં ભાગ લેતા.

એમના ઘરમાં એ વારંવાર અસ્પૃશ્ય ગણાતા (જેમને ગાંધીજીએ હરિજન નામ આપ્યું હતું) લોકોને જમવા આમંત્રણ આપતા. અમદાવાદથી દક્ષિણમાં ૨૦ માઈલ દૂર આવેલા એમના ગામ બાવળામાં થતી ટીકાઓને એ સહન કરી લેતા

(વધુ હવે પછી …).

ગઝલના શેરની મઝા માણો – વહેંચો ! (ચતુર્શબ્દ મુક્તક)

જુલાઇ 27, 2013

મઝા
શેરની
માણો
વહેંચો !

ગુજરાતી (ચતુર્શબ્દ મુક્તક)

જુલાઇ 25, 2013

ધન્ય
ધન્ય
જય
ગુજરાતી*.

*”ગુજરાતી” ભાષા તથા વિશ્વભરમાં વસતી “ગુજરાતી” પ્રજા.

માત્ર નામનાં સગાં ! (ચતુર્શબ્દ મુક્તક)

જુલાઇ 24, 2013

પ્રેમભાવવિહીન
ના
સાચાં
સગાં !

નોંધઃ ટીવી પર પૂજ્ય મોરારી બાપુની કથામાં સાંભળેલું કે પ્રેમભાવ વિનાનાં સગાં એ સાચાં સગાં નથી. એ પરથી આ મુક્તક સ્ફૂર્યું છે. પૂજ્ય મોરારી બાપુને આ મુક્તક અર્પણ કરું છું.

સાગર અને લહેરો (ચતુર્શબ્દ મુક્તક)

જુલાઇ 24, 2013

સાગરમાં
લહેરો …
લહેરોમાં
સાગર !

નોંધઃ આચાર્ય અખીલજી મહારાજે સ્થાપેલા અખીલ ભક્તિયોગ ફાઉન્ડેશનની માહિતિપત્રિકા (ફ્લાયર) માં “શ્રી ભાગવત જી કી આરતી”ની એક પંક્તિ પરથી આ મુક્તક સ્ફૂર્યું છે. આચાર્ય અખીલજી મહારાજને આ મુક્તક અર્પણ કરું છું.

એક જાતનો વા ! (ચતુર્શબ્દ મુક્તક)

જુલાઇ 22, 2013

લખવાનો
વા
કેવો
વળગ્યો !