Archive for એપ્રિલ, 2010

કાનો કુંભાર

એપ્રિલ 30, 2010
જુઓ પેલા કાના કુંભારે,
             માટલાં ઘડવા માંડ્યાં રે લોલ.
 
ગામથી દૂર એ વગડા મહીં રોજ,
             ગધેડું લઈને જાતો રે લોલ.
 
માટીની ખાણમાંથી ઢેંફાં ભરીને,
            ગધેડા પર હાંકી લાવે રે લોલ.
 
ઢેંફાં ભાંગીને ભૂકો કરીને,
           પાણી એમાં ઉમેરે રે લોલ.
 
ગૂંદીને માટી લીસી બનાવી,
          ચાકડો લઈને બેસી જાતો રે લોલ.
 
ચાકડાને ફેરવી, લુંદો માટીનો લઈ,
          ચડાવે ચાકડા ઉપર રે લોલ.
 
ચક્કર ચક્કર ચાક ફરવા લાગે ને,
          આંગળીઓ ઘાટ કંઈ ઘડતી રે લોલ.
 
થોડીક વારમાં સુંદર ઘડૂલો,
           તૈયાર ઝટપટ થાતો રે લોલ.
 
કાચા ઘડૂલાને રામી કુંભારણ,
            સૂકવવા મૂકવા જાતી રે લોલ.
 
બધા ઘડૂલા જ્યારે સુકાઈ જાય ત્યારે,
            કાનો નિભાડો ચેતાવે રે લોલ.
 
બળતણ ને માટલાં સરખાં મૂકીને,
            નિભાડો એ સળગાવે રે લોલ.
 
એકાદ રાતમાં કાચાં સહુ માટલાં,
            રાતાં પાકાં થઈ જાતાં રે લોલ.
 
પાકાં એ માટલાં કાનો પછીથી,
           રમચીના રંગથી રંગે રે લોલ.
 
સુંદર ભાતવાળાં મનહર સૌ માટલાં,
          સહુનેય બહુ લલચાવે રે લોલ.
 
ટકોરા મારતાં ટન ટન અવાજ થાય,
         પાણી ઠંડું હિમ થાતું રે લોલ.
 
ધખતા ઉનાળામાં મીઠાં મધુર નીર,
         કાનાનાં માટલાં આપે રે લોલ.
 
ગરવી પનિહારીઓ કૂવાના કાંઠડે,
         ઘડૂલાની સાથ કેવી દીપે રે લોલ.

ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.

(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

Advertisements

ભાગ ૩: ગિરીશ પરીખનાં ૧૦૮ શ્રેષ્ઠ બાળ ગીતો

એપ્રિલ 29, 2010
મારો જન્મ અમદાવાદથી વીરમગામ જતાં આવતા વીરોચન નગર (મેં એને ટૂંકું નામ વીરનગર આપ્યું છે) માં નવેમ્બર ૧૪, ૧૯૩૪ ના રોજ થયો હતો. મારા પિતાજી એ વખતે એ ગામમાં શિક્ષક હતા. જવાહરલાલ નેહરુનો જન્મદિન છે નવેમ્બર ૧૪, ૧૮૮૯. નવેમ્બર ૧૪ બાળ દિન તરીકે ઊજવાય છે.
 
બાળગીતો રચવાની શરૂઆત કિશોર વયથી થયેલી. એ વખતે હું બાવળાની હાઈસ્કૂલ આ. કે. વિદ્યામંદિરમાં ભણતો હતો. ‘બાલમિત્ર’, ‘બાળક’, ‘ગાંડીવ’, ‘રમકડું’, વગેરે સામયિકોમાં પ્રગટ થતાં ગીતો, વાર્તાઓ, વગેરે ખૂબ રસપૂર્વક વાંચતો. (એ સામયિકો સ્કૂલની લાઈબ્રેરીમાં આવતાં.) એમાંનાં એક સામયિકમાં પ્રગટ થયેલી મારી યાદ મુજબ સ્નેહરશ્મિના એક ગીત પરથી પ્રેરણા મળી અને મારા પ્રથમ વ્યવસ્થિત બાળ ગીતનું સર્જન થયું, અને એને ‘બાલમિત્ર’ પર મોકલ્યું. (એ પહેલાં, અગાઉ લખ્યા મુજબ ચાર પાંચ વર્ષની ઉંમરે ગીત જેવું કાંઈક ગણગણેલો. ઉપરાંત મારા મોટાભાઈ સ્વ. નટવરભાઈ પરીખે મારા પિતાજી સ્વ.પૂજ્ય શ્રી હરિભાઈ જ. પરીખ, સ્વ. માતુશ્રી કંકુબહેન, અને મને કરાવેલા પુનાના પ્રવાસ વિશે જોડકણું લખેલું જે પ્રવાસ વર્ણનની હસ્તલિખીત નોંધપોથીમાં લખેલું).
  
અને ‘બાલમિત્ર’ માસિકનો નવો અંક આવવાની હું આતુરતાથી રાહ જોવા માંડ્યો.

                                                            (વધુ હવે પછી …)    

ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.

(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

લાલો લુહાર

એપ્રિલ 29, 2010
લાલો લુહાર હું છું લાલો લુહાર,
લોઢું તપાવીને ઘડું ઓજાર.
 
પહેરી કાળું ધોતિયું ને ટૂંકું પહેરણ,
ટીપું લોખંડ મૂકી એને એરણ.
 
ભઠ્ઠીમાં ગોઠવું લોઢાને ઝટ,
ગોઠવી દઉં કોલસા ઉપર ઝટપટ.
 
રામો નોકર પછી ખેંચે સાંકળ,
પવન ફૂંકાય ભઠ્ઠી સળગે ભડભડ.
 
ભઠ્ઠીમાં લાલચોળ લોઢું જ્યાં થાય,
કાઢું બહાર લઈ સાણસીની સહાય.
 
રામો પછી ઝટ કરમાં લે ઘણ,
બધું બળ વાપરીને ટીપે લોખંડ.
 
રામો બળ વાપરે ને વાપરું હું કળ,
લઈને હથોડો ઘાટ ઘડું સુંદર.
 
પાવડા, કોદાળી ને કોશો ઘડું,
સૂડી ગજવેલની, ને ચપ્પાં ઘડું.
 
સાણસી, સાંકળ ને તાળાં ઘડું,
દાતરડાં તાવેથા સઘળું ઘડું.
 
ગાડાનાં પૈડાંને સાંધો કરું,
છાણાં મૂકી વાટ ખૂબ જ તપવું.
 
પૈડાં પર લાલચોળ ચડાવું વાટ,
ચોટી જાય વાટ, પૈડાં દોડેુ પૂરપાટ.
 
આખો દી કોઢમાં કરું હું કામ,
સાંજે મંદિર જઈ ભજું હું રામ.
 
‘કાયનો મોહ નથી, મિથ્યા માયા’–
એવાં ભજન મેં બહુયે ગાયાં.
 
‘લાલો ભગત’ મને લોકો કહે,
પ્રભુમાં છે ધ્યાન મને ભક્તિ ગમે.
 
લાલો લુહાર છું હું લાલો લુહાર,
લોઢું તપાવીને ઘડું ઓજાર.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

ભીમો ભરવાડ

એપ્રિલ 28, 2010
ભીમો ભરવાડ હું છું ભીમો ભરવાડ,
મારાથી વાઘ વરુ પાડે છે રાડ!
 
ખભે રાખું છું હું કડિયાળી ડાંગ,
સવારે દૂધ દેવા પાડું છું બાંગ.
 
ગાય ભેંસ ચારવા વગડે હું જાઉં,
બંસી બજાવીને રાજી રાજી થાઉં.
 
રખડું રઝળું હું વગડા મહીં,
ઘરમાં ઘડીકે બેસું નહીં.
 
પહેરું છું પાઘડી રાતી માથે,
કંદોરો કેડમાં ને કડું હાથે.
 
કોશોવાળું મારું પહેરણ સોહાય,
જાડું જાડું ધોતિયું ને લહેરાય.
 
પ્રસંગ આવતાં પહેરું સુરવાળ,
ફેંટો માથે દઉં બંધાવી લાલ.
 
ભીમો ભરવાડ હું છું ભીમો ભરવાડ,
મારાથી વાઘ વરુ પાડે છે રાડ!
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

The Story of Ramalala

એપ્રિલ 27, 2010
Let me tell the story of child Rama called Ramalala. It is a true story.

There once lived a great saint in a temple in Dakshineswar near Kolkata. His name: Sri RamaKrishna Paramahamsa. I will tell you one of the exciting incidents from his life. 
 
During several years of spiritual sadhanas of Sri RamaKrishna in Dakshineswar (near Kolkata) there once came a sadhu named Jatadhari. He was a great devotee of Sri Rama.  His chosen ideal — Ishtadeva — was child Rama. He worshiped Him in a metal murti of child Rama which he called Ramalala. He was so much absorbed in the devotion to Sri Rama that he actually saw Him in the image. 
He used to feed Ramalala, played with him, and put him to sleep at night. Jatadhari had not talked with anyone about his continuing divine darshan of child Rama.
 
But Sri RamaKrishna found out that Jatadhari was not an ordinary sadhu. He was actually seeing Sri Rama in the murti of Ramalala. Sri RamaKrishna requested Jatadhari to live in Dakshineswar for some days. And Sri RamaKrishna started watching for hours Jatadhari’s worship, that is puja, of Ramalala. He started calling Jatadhari, “Babaji.”
 
Jatadhari, a life long devotee of Rama, used to get food by begging and offered it to Ramalala. He saw with his own eyes that Ramalala was eating prasad. Like a spoiled child Ramalala some times demanded certain thing.
 
After living several days in Dakshineswar, Jatadhari came to Sri RamaKrishna and said: Ramalala has told me that He is pleased with my service, and He wants to live here in Dakshineswar. Jatadhari then gave the murti of Ramalala to Sri RamaKrishna and went away. 

How would you like if Ramalala came to you and played with you? Being a child he may be naughty some times but I am sure you will love the company of Ramalala.
 
Days passed and Sri RamaKrishna also felt wonderful attraction for Ramalala.He also started seeing with his own eyes the childhood form of Rama. Ramalala was happy while Sri RamaKrishna was with him, but as soon as he went out, Ramalala followed him. At first Sri RamaKrishna thought that it must be his imagination, but it happened again and again. He started seeing Ramalala playing and jumping. When Ramalala ran in the sun, he shouted, “Don’t go out; you will get pimples on your feet.” If Ramalala stayed long time in the Ganges, Sri RamaKrishna warned, “Don’t stay in the water too long, you will catch cold.” But naughty Ramalala wouldn’t stop. He made faces! Sri RamaKrishna some times used to lose temper and shout, “I will spank you!” Then he used to pull out Ramalala from the water, and softly slap on His cheek. But when Sri RamaKrishna used to see the red cheek of Ramalala, and His face almost crying, Sri RamaKrishna also suffered pain.
 
Jatadhari inspired Sri RamaKrishna to enjoy the bliss of vatsyalya bhava — the love of God as a father or mother. Thus Sri RamaKrishna did sadhana through vatsalya bhava and realized the God in the form of Child Rama.   
 
Later on when Sri RamaKrishna described his intense experince with Ramalala to his disciples and devotees, tears rolled from his eyes.
 
Well, Sri RamaKrishna was the guru of Swami Vivekananda. Sri RamaKrishna; Holy Mother Sri Sarada Devi, His divine companion; and Swami Vivekananda are known as the Holy Trio.
 
(Posted on the Web site of the Yahoogroup WHSW (WIDER HORIZONS Weekly). WHSW explores the exciting worlds of spirituality, faith, and religion. Please join WHSW. Membership is FREE. Please write to Girish at girish116@yahoo.com).

ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

રામલાલા જય રામલાલા (બાળ રામનું ગીત)

એપ્રિલ 27, 2010
 
રામલાલા જય રામલાલા
રામલાલા જય રામલાલા
 
જટાધારીના રામલાલા
રામકૃષ્ણના રામલાલા*   રામલાલા …
 
કૌશલ્યાનંદન રામલાલા
દશરથનંદન રામલાલા   રામલાલા …
 
સુમિત્રાના પ્યારા રામલાલા
કૈકઈના પ્યારા રામલાલા   રામલાલા …
 
લક્ષ્મણના ભૈયા રામલાલા
ભરતના ભૈયા રામલાલા      રામલાલા …
 
શતૃઘ્નના ભૈયા રામલાલા
પ્યારા સૌ ભૈયાના રામલાલા  રામલાલા …   
 
ઠુમક ઠુમક ચાલે રામલાલા
પૈંજનિયાં બાજે રામલાલા    રામલાલા …
 
ગગનમાં ચાંદ દેખે રામલાલા
“ચાંદો લાવી દો” કહે રામલાલા  રામલાલા …
 
થાળીના પાણીમાં રામલાલા 
ચાંદામામા જુએ રામલાલા     રામલાલા
 
ભક્તોને પ્યારા રામલાલા    
સૌને વહાલા રામલાલા   રામલાલા …
————————————————-
*રામલાલાની કૃપાથી આ ગીત બાળ ગીતોના સંગ્રહ ‘ટમટમતા તારલા’ માં પ્રગટ થશે. (આ ગીતની પંક્તિઓનું ચાન્ટીંગ પણ કરી શકાય.) બ્લોગ પર અન્યત્ર પોસ્ટ કરેલી The Story of Ramalala નું ગુજરાતીમાં  સરળ રૂપાંતર પણ ‘ટમટમતા તારલા’ માં  આપવા પ્રયત્ન કરીશ.
 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
આ બ્લોગ પર ગિરીશ પરીખનાં ચાર પુસ્તકો આકાર લઈ રહ્યાં છે.  April 27, 2010 સુધીમાં દરેકમાં નીચે મુજબ કૃતિઓ પોસ્ટ થઈ છેઃ
ફેરફૂદરડીઃ  4
ટમટમતા તારલાઃ 4 + 1
વાર્તા રે વાર્તાઃ 16
આદિલના શેરોનો આનંદઃ 51 + 1
ઉપરનાં ચારે પુસ્તકો યોગ્ય પ્રકાશકની શોધમાં છે. લેખકનો સંપર્કઃ
આ ઉપરાંત ‘ગિરીશ પરીખનાં ૧૦૮ શ્રેષ્ઠ બાળ ગીતો’ શ્રેણીના 2 ભાગ પોસ્ટ કર્યા છે.
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

ચપલા

એપ્રિલ 26, 2010
ચપલા* આકાશે ચમકે  !
કાળાં વાદળ વચ્ચે ઊજળી
               ચપલારાણી ઝબ ઝબકે !
               ચપલા આકાશે ચમકે !
 
વાદળ જ્યારે લડી પડે ત્યાં ચપલારાણી ચમકંતી;
તેજ ભરી સાડી સંકોરી ઝટ્ટ દઈને ઝબકંતી;
     મસ્ત બનેલી ચપલા સામે,
                આંખો કોની ટકી શકે ?
                ચપલા આકાશે ચમકે !
 
ચપલારાણી વાદળ વચ્ચે મસ્ત બનીને નૃત્ય કરે;
તેજ-મઢેલી સાડીમાંથી કેવી કિરણધાર સરે;
     દિવ્ય નૃત્ય ચપલારાણીનું
                 ચાલે છે મીઠી હલકે !
                 ચપલા આકાશે ચમકે !
 
રાણી તારું ભવ્ય નૃત્ય તો આંજી દે આંખો મારી;
કહેશો મુજને ક્યાંથી લાવ્યાં તેજ ભરી સાડી આવી ?
      જવાબ દેને રાણી મુજને
                  શાને તું મનમાં મલકે ?
                  ચપલા આકાશે ચમકે !
 
*ચપલા = વીજળી
 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

છીએ તે જ ઠીક

એપ્રિલ 25, 2010
એક સમે ઘોડાને થઈ ગઈ ઊંટભાઈને દોસ્તી,
નવરાશે બન્ને ભેગા થઈ કરતા સુખદુઃખની ગોષ્ઠિ;
એક દિવસ ઘોડાને એના માલિકે છોડ્યો ચરવા,
તરત જ ઘોડો ઊંટભાઈ પાસે આવ્યો વાતો કરવા.
 
અનેક વાતો કર્યા પછી ઘોડાએ દુઃખની વાત કરી,
“ઊંટવૈદ તમે કહેવાઓ દવા કરો આ રોગ તણી;
કઠણ જમીન ઉપર હું દોડું વાયુ જેવી ઝડપે જી,
પણ રેતાળ જમીન જ્યાં આવે પગ મારા ત્યાં અટકે જી.”
 
ઊંટભાઈ હળવેથી બોલ્યા “મુજને પણ છે એવો રોગ,
વહાણ સમો દોડું રેતીમાં (પણ) સડક આવતાં લાગે ભોગ;
ચલો આપણ બન્ને જઈએ વનમાં વસતા યોગી પાસ,
યોગ થકી એ સર્વ આપણા રોગ મટાડી દેશે ખાસ.”
 
આમ વિચારી ઊંટ અને ઘોડો પહોંચી ‘ગ્યા વનમાં જી,
વાત કરી યોગીને સઘળી, હસ્યા યોગી તો મનમાં જી;
ખરી તમારી કઠણ ને જોડાયેલી છે ઘોડાભાઈ,
એથી દોડી શકો સડક પર પણ ના ફાવે રેતી માંહી.
 
“ઊંટભાઈ, તકિયાના જેવી પોછી ખરી તમારે છે,
કઠણ ભૂમિ ઉપર એથી તકલીફ તમને ભારે છે;
રોગ નથી બેમાંથી કોઈને ફક્ત ફેર ખરીમાં છે,
માટે ચિતા કશી ન કરતા ઈશ્વરની આ લીલા છે.”
 
ગુસપુસ વાત કરીને ઘોડાભાઈ બોલ્યા જી,
“ખરી તણી અદલાબદલી અમને ઝટપટ કરી આપો જી;”
બહુ સમજાવ્યા યોગીજીએ પણ ના માન્યા બેઉ જરી,
ધ્યાન ધરીને યોગીજીએ કરી આપી અદલાબદલી.
 
મલકાતો મલકાતો ઘોડો માલિક પાસે આવ્યો જી,
ઘોડાના પગ દેખી માલિક નવાઈ ખૂબ જ પામ્યો જી;
માલિકે ઘોડાગાડીએ ઘોડાને જોડી દીધો,
સડક ઉપર બહુ દોડાવીને ઘોડાને હેરાન કીધો.
 
ઊંટને પણ એના માલિકે રેતીમાં દોડાવ્યું જી,
કઠણ ખરીઓ હતી ઊંટની રેતીમાં ના ફાવ્યું જી;
કંટાળીને છેવટ બેઉ પહોંચ્યા યોગી પાસ ફરી,
“ફરી કરી દો ખરીઓ કેરી અમને ઝટ અદલાબદલી.
 
ધ્યાન ધરીને યોગી બોલ્યાઃ “બન્ને જાઓ ઝરણા પાસ,
બોળો પગને જળની અંદર હતી એમ ખરીઓ થઈ જાય;
હવે પછી ઇચ્છાઓ આવી કરતા ના બેમાંથી કોઈ,
છીએ તે  જ ઠીક એમ માનજો હવે પછી પ્રાણી સહુ કોઈ.”
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

ઊંટવૈદ

એપ્રિલ 24, 2010
ઊંટભાઈને વૈદ થવાનો એક દિવસ થઈ ગયો વિચાર,
વૈદક શીખી કરું કમાણી એમ વદે એ વારંવાર;
વૈદ હતો વનમાં એ વખતે અનુભવી ઘરડો હાથી,
કામ ઘણું પહોંચે નિત એને પાસ ન નોકર કે સાથી.
 
વૈદક શીખવા ઊંટભાઈ તો પહોંચ્યા હાથી-વૈદ કને,
તરત જ રાખી લીધું ઊંટને હાથીએ નોકર તરીકે;
વૈદક શીખવા લાગ્યો એ દિનથી ઊંટ હાથી-વૈદ કને,
નાડ તપાસી દવા આપતાં શીખવ્યું હાથીએ ઊંટને.
 
ધીરે ધીરે ઊંટ ભાઈનું વધવા લાગ્યું વૈદક જ્ઞાન,
વૈદરાજની સાથે સાથે મળવા લાગ્યું ઊંટને માન;
‘વૈદકની જાણી જડીબુટ્ટી હું પણ મોટો વૈદ બનું’,
એમ વિચારી ઊંટ મેળવે વૈદ પાસથી જ્ઞાન ઘણું.
 
એક દિવસ હાથીની પાસે જિરાફ-દરદી આવ્યું જી,
દયામણે ચહેરે જિરાફે દુખતું ગળું બતાવ્યું જી;
ઊંટભાઈ તો ગભરાયા બહુ દેખીને આ દર્દ નવું,
એવો તે આ કયો રોગ છે ગળું બન્યું કોળા જેવું.
 
હાથીએ તો સૂંઢ થકી બે ઝાપટ મારી ગરદન પર,
ગળામહીં અટવાયેલું ફળ પહોંચી ‘ગ્યું તરત જ અંદર;
આવા મોટા રોગ ઉપર આ કેવો છે સહેલો ઉપાય,
મોંથી મારો લાત ગળા પર રોગ તરત જડમૂળથી જાય !
 
ગોખી મારી ઊંટે તરત જ જડીબુટ્ટી આ વૈદકની,
છોડી દીધી તરત નોકરી ઊંટે હાથી-વૈદ તણી;
નવું ઔષધાલય ખોલ્યું ઊંટભાઈએ વનની વચમાં જી,
ઊંટવૈદની જાણ થઈ ગઈ સર્વ પ્રાણીને વનમાં જી.
 
સૌથી પહેલું ઊંટભાઈનું દર્દી બનિયું એક શિયાળ,
જડીબુટ્ટી ઊંટે અજમાવી ઠોકી મુખ પર મોંની લાત;
લાત વાગતાં શિયાળભાઈ તરત જે થઈ ‘ગ્યા રામશરણ,
રાજા પાસે પહોંચ્યાં તરત જ શિયાળનાં સ્વજનો બે ત્રણ.
 
શિયાળની ફરિયાદ સુણીને વનરાજાએ આપ્યો ન્યાય,
“અક્કલહીન છે ઊંટવૈદ તું કરીશ દવા ના વનમાં ક્યાંય”;
વનમાંથી મળતાં જાકારો ઊંટભાઈ જગમાં આવ્યા,
ડફોળ વૈદો એ દિવસથી ‘ઊંટવૈદ’ સહુ કહેવયા !
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

ભાગ ૨: ગિરીશ પરીખનાં ૧૦૮ શ્રેષ્ઠ બાળ ગીતો

એપ્રિલ 23, 2010
પ્રભુકૃપાથી આ ચાલુ લેખમાળામાં મારા હ્રદયમાંથી આવતી વાતો આત્મા રેડીને લખીશ.
 
બાળગીતોના ત્રણ સંગ્રહોને આકાર આપી રહ્યો છું ત્યારે મારી જાતને પૂછી રહ્યો છું: શા માટે હું આ કાર્ય કરી રહ્યો છું?
 
– – હું લગભગ પાંચ વર્ષનો હતો ત્યારે કવિતા જેવું કાંઈક ગણગણ્યો હતો એમ મારા સ્વ.પૂજ્ય પિતાજી શ્રી હરિભાઈ જ. પરીખે મને કહેલું. વર્ષોથી એ રોજનીશી લખતા અને એમણે એના કોઈ પાના ઉપર મારો ગણગણાટ કદાચ નોંધ્યો પણ હશે.
 
– – અમદાવાદથી ૨૦ માઈલ દૂર આવેલા બાવળા ગામમાં પાંચ વર્ષની ઉંમરે મને પ્રાથમિક શાળામાં મૂકેલો. મારા પિતાજી એ લોકલ બૉર્ડ શાળા (મારી યાદ મુજબ એ સાત ધોરણ સુધી હતી) ના હેડ માસ્તર હતા. મને ગણિત કરતાં ગુજરાતી ભણવું વધુ ગમતું. અને ગુજરાતી પાઠ્યપુસ્તકોમાં કવિતાઓ વિશેષ ગમતી.    