હું કોણ છું ?

હું કોણ છું એ હું જ જાણું છું —
અને ના જાણતો હું !
 
નામ છે મારું ‘ગિરીશ’
ઓળખે છે સહુ મને એ નામથી
ને અર્થ એનો થાય છેઃ
ગિરી કૈલાસના ઈશ —
ભગવાન શંકર.
ને અર્થ બીજો જાણવા મુજને મળ્યોઃ
ગિરી ગોવર્ધન ધારનારા
ગોવર્ધનધારી
કૃષ્ણનું એ નામ છે.
 
ને ‘પરીખ”  મારી અટક
દાદા કહેવાતા હતા ‘પારેખ’ —
સાચું શું ને ખોટું શું
એની પરખ કરનાર
એ પારેખ ?
શિક્ષક પિતાએ
પારેખ બદલીને કરી દીધું
પરીખ.
‘પારેખ ખાય ખારેક !’ એવું લોક બોલે —
એમને એ ના ગમ્યું ?
 
હું કોણ છું ?
માબાપનો હું પુત્ર છું
ભાઈ છું બહેનો અને ભાઈઓ તણો
ભરથાર છું હું ધર્મપત્નીનો
પિતા છું પુત્રીઓનો
પૌત્રો ને પૌત્રીઓનો છું હું દાદા.
ને સગો છું સૌ સગાંનો
મિત્ર છું મિત્રો તણો.
 
હું આ બધું છું —
ને વધુ છું !
ને છતાં હું પ્રશ્ન પૂછતો જાતને —
હું કોણ છું ? 
 
બી ઈ સીવીલ ડીગ્રી લઈ
મેં કામ ભારતમાં કર્યું.
આવ્યો અમેરિકા ને પછી
કોમ્પ્યુટરોના સોફ્ટવેર ક્ષેત્રે કરી અભ્યાસ
ને એ ક્ષેત્રમાં સર્વીસ કરી —
ને પછી એ વિષયમાં ગ્રથો લખ્યા
લેખો લખ્યા
લખતો રહું છું !
લખતો રહ્યો છું બાળપણથી માતૃભાષામાં —
ને લખું અંગ્રેજીમાં હું.
 
જીવ છું સાહિત્યનો —
લેખન અને વાંચન છે મારો કામધંધો !
 
ને વળી માર્કેટમાં
શેરો અને ઓપ્શન તણું
ઇનવેસ્ટમેન્ટ-ટ્રેડીંગ કરું.
 
તોય પૂછું જાતને હું —
હું કોણ છું ?
 
ઊંડો મને રસ ધર્મમાં છે.
શાસ્ત્રો કહેઃ
હું પંચતત્વોનો બનેલો દેહ છું.
નશ્વર દેહ છે —
આત્મા તણું મંદિર.
‘તત્વમસી’ ગુંજી રહ્યું છે કાનમાં
‘તે તું જ છે’
‘Thou art that’
તે કોણ છે ?
હું કોણ છું ?
હું કેવી રીતે તે બનું?
તેમાં કઈ રીતે સમાઈ જાઉં હું ?
 
હું કોણ છું ?       
 
આ ન્યાય કેવો ?
મારો જ છે આ પ્રશ્ન
ને મારે જ ઉત્તર આપવાનો !
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

 

2 Responses to “હું કોણ છું ?”

  1. Atul Jani (Agantuk) Says:

    તત – ઈશ્વર – સર્વજ્ઞ – સર્વ શક્તિમાન
    ત્વમ – જીવ – અલ્પજ્ઞ – અલ્પ શક્તિમાન

    બંને માંથી જો ઉપાધી દૂર કરવામાં આવે એટલે કે ઈશવરની ઉપાધી સર્વ અને જીવની ઉપાધી અલ્પ દૂર કરવામાં આવે તો બંનેની અંદર રહેલી શક્તિ અને જ્ઞાનમાં તત્વત: કોઈ તફાવત નથી.

    પાવર હાઉસની વીજળી અને ઘરની વીજળીમાં વીજળી તત્વમાં કોઈ ફરક નથી માત્ર શક્તિ અને જથ્થાનો તફાવત છે.

    જો જીવ પોતાની ઉપાધી અલ્પની છોડી દે એટલે કે જીવભાવ છોડી દે તો તે હંમેશા ઈશ્વરમાં જ હોય છે. ઘરની વીજળી પાવરહાઉસથી કદી અલગ નથી હોતી.

    આમ ઉપાધીનો ત્યાગ કરવાથી તત અને ત્વમની અસિ પદમાં એકતાં થાય.

    જ્યાં સુધી તત અને ત્વમ પદનું શોધન કરવામાં નથી આવતું ત્યાં સુધી આ એકત્વની અનુભુતી નથી થતી. અને તેને માટે શ્રવણ, મનન અને નિદિધ્યાસન સાધનો બતાવ્યા છે.

  2. girishparikh Says:

    આપનો આભાર અતુલભાઈ –ગિરીશ

Leave a comment