અન્નદેવનું અપમાન ન કરો !

‘ધી મોડેસ્ટો બી’ મોડેસ્ટો, કેલિફોર્નિયામાં પ્રગટ થતું અમેરિકન અંગ્રેજી વર્તમાનપત્ર છે. એમાં મારો પત્ર પ્રગટ થયેલો. એ પરથી નીચેનું લખાણ આપું છું:

અમેરિકામાં દરરોજ કેટલું બધું અન્ન વેડફાય છે?
 
“લગભગ ૧૮% અમેરિકનો ભૂખ્યા હોય છે” એ નામનું લીઓનાર્ડ પીટ્ટ્સનું કોલમ ‘મોડેસ્ટો બી’માં વાંચ્યું.
 
ભૂખનું દુઃખ મેં અનુભવ્યું છે. ૧૯૬૮ની શરૂઆતમાં હું શિકાગોમાં રહેતો હતો ત્યારે મારી પાસે થોડા ડોલર હતા તે વપરાઈ ગયા હતા, અને મને નોકરી પણ મળી નહોતી. થોડી બટાટાની કાત્રી (પોટેટો ચીપ્સ) ખાઈને ચલાવવું પડ્યું હતું! અમેરિકના વિખ્યાત સંગીતકાર (ઓર્ગન પ્લેયર) સ્વ. કેનેથ ગુડમેન મને લંચ માટે લઈ ગયેલા એ મને જીવનભર યાદ રહેશે. (પછી મેં ઉછીના પૈસા માટે અમેરિકાના એક બીજા શહેરમાં રહેતા અમારા ગામ બાવળાના શ્રી મુકુંદભાઈ રણછોડભાઈ પટેલને કલેક્ટ કોલ કર્યો અને એમણે તરત જ વેસ્ટર્ન યુનિયન દ્વારા ડોલર મોકલી આપ્યા જે જોબ મળતાં મેં પરત કર્યા.)
 
ઉપરના અનુભવ પરથી હું અન્ન કદી ન વેડફવાનું પણ શીખ્યો. પ્રભુને હું પ્રાર્થના કરું છું કે એ શીખવા માટે કોઇને મને થયો એવો અનુભવ ન કરવો પડે.

એટલા બધા લોકોને અન્ન ફેંકી દેતા હું જોતો હતો કે હું હતાશ થઈ જતો હતો અને હજુ પણ હતાશ થઈ જાઉં છું. અન્ય વસ્તુઓનો પણ એટલો બધો બગાડ થતો હું જોતો હતો કે ‘Stop that waste, America!’ (‘અમેરિકા, અટકાવ એ બગાડ!’) નામનો મેં લેખ લખેલો.
 
આપણા ધર્મ કહે છે કે અન્ન એ પણ ભગવાનનું એક સ્વરૂપ છે જે ‘અન્નદેવ’ કેહેવાય છે. એ આપણાં શરીર અને મનને પોષણ આપે છે. અન્નને ફેંકી દેવું એ ભગવાનનું અપમાન છે. દેખીતું છે કે અન્ન વિના કોઈ જીવી ન શકે. 
 
અને જ્યારે આટલા બધા લોકો ભૂખ્યા સૂતા હોય ત્યારે કોઈ અન્ન કેમ કરીને વેડફી શકે? છતાં અન્નના પર્વત જેવા ઢગલાઓનો અમેરિકામાં (અને કેટલાક અન્ય દેશોમાં) દરરોજ બગાડ થતો લાગે છે! જો રોજ કેટલું અન્ન વેડફાય છે એનું સંશોધન કરવામાં આવે તો આંકડા જોઈ ધૃજી જવાય!
 
મને સમજાતું નથી કે પીટ્ટ્સે એમની કોલમમાં અમેરિકામાં દરરોજ થતા અન્નના બેહદ બગાડ વિશે કેમ કોઈ ઉલ્લેખ કર્યો નથી.
 
અમેરિકા અને અન્ય દેશોમાં ભૂખ્યાઓને અન્ન પહોંચાડનાર સૌ કોઈને હું હૃદયપૂર્વક વંદન કરું છું.

(લગ્ન અને અન્ય પ્રસંગોએ કચરામાં નાખેલી પેપર પ્લેટો કે પતરાળાં જોશો તો અન્નના બગાડનો ખ્યાલ આવશે. મંદિરોમાં પ્રસાદનો પણ બગાડ થતો હોય છે. અન્નનો આવો બગાડ અટકાવવા સૌ કોઇને વિનંતી કરું છું. નાછૂટકે કોઈ વાર બગાડ થાય એ સ્મજી શકાય એમ છે.)

(આજે જાન્યુઆરી ૧, ૨૦૧૧ ને શનિવારના રોજ www.girishparikh.wordpress.com પર આ પોસ્ટ કરું છુ. મારા વહાલા વાંચકોને નવું વર્ષ મુબારક. અને અન્ન બને ત્યાં સુધી ન વેડફવાનો આજથી નિયમ લેવા  વિનંતી કરું છુ.)

સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

Leave a comment