પ્રકાશના પંથ પર …

વિવેકે મનોજ ખંડેરિયાની અદભુત ગઝલ પોસ્ટ કરી છે.
આખી ગઝલ ખૂબ જ ગમી — આ ત્રણ શેર વધુ ગમ્યાઃ
તેજના રસ્તા ઉપર દોર્યો મને,
શગની માફક આપે સંકોર્યો મને.
આ બધા શબ્દોનું ચિતરામણ કરી
મેં જ આ કાગળ ઉપર દોર્યો મને.
ઠોઠને ઠપકો નજાકતથી દીધો,
તેં ગઝલ આપીને ઠમઠોર્યો મને.
મનોજ ગજબ ગઝલ-શિલ્પી છે — ઉત્કૃષ્ટ ગઝલકાર છે. પ્રાણ વાયુ છે એનો ગઝલ!
મનોજની ગઝલોને અંગ્રેજીમાં અવતાર મળ્યા છે કે નહીં એની તો ખબર નથી પણ જો થયા હોત અને મનોજ એ વખતે જીવંત હોત તો એને નોબેલ પ્રાઈઝ મળ્યું હોત! નોબેલ પ્રાઈઝની કક્ષાની છે એની ગઝલો.
ઉમેરું છું કે મનોજની ગઝલોનું અંગ્રેજીમાં ઉત્તમ અવતાર આપવાનું કામ સરળ નથી — પણ મનોજમય થઈને એ કાર્ય કરવામાં આવે તો વિશ્વસાહિત્યમાં મનોજની ગઝલો સહેલાઈથી સ્થાન મેળવે.
આજે પ્રથમ શેર વિશે લખું છુંઃ
મહાકવિ નાનાલાલની પંક્તિ યાદ આવીઃ
ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા.
મનોજ કહે છે કે તેજના રસ્તા ઉપર માત્ર દોરવાથી કામ સરતું નથી — દીવાની દીવેટને જેમ સંકોરવી પડે છે જેથી દીપક ઝાંખો ન પડે એમ આપે મને સંકોર્યો છે.
થોડા જ શબ્દોમાં કવિ કેવું અદભુત ચિત્ર આલેખે છે. આપણા માનસપટ પર એ અંકિત થાય છે અને આપણને પ્રકાશના પંથ પર પ્રવાસ કરવાની હામ આપે છે. શગની સંકોરાય એમ એ પ્રેરણા આપણને હુંફની ઉષ્મા આપે છે.
મનોજ ખંડેરિયાની ગઝલની લીંકઃ
http://layastaro.com/?p=13207

Leave a comment