ઘૂંઘટકા પટ ખોલ રે (૬)

ડિસેમ્બર 8, 2017
આરતી અઢારમા વર્ષમાં આવી. અસ્મિતા સોળ જ વર્ષની હતી. બાળપણમાં બે બહેનોની ઉંમરમાં જે ફરક ન વર્તાતો તે હવે વરતાવા લાગ્યો. આરતી ઝડપથી મોટી થતી હોય એમ લાગવા માંડ્યું. આરતીને પણ યૌવનના આછા આછેરા અનુભવો થવા લાગ્યા. આરતીના સગપણની વાતો એનાં માબાપ ક્યારનાંય કરવા માંડ્યાં હતાં એ અસ્મિતાના ધ્યાનમાં ઝટ આવી ગયું. આરતીને એનો આછો ખ્યાલ આવેલો પણ એની કંઈ અસ્પષ્ટ વાત સાંભળતાંય એના ગાલે શરમના શેરડા પડતા, અને મુખ પર લજ્જાથી સાડી જરા સરકી નાનકડો ઘૂંઘટ બનાવતી!
Advertisements

ઘૂંઘટકા પટ ખોલ રે (૫)

ડિસેમ્બર 7, 2017
[૨]
આરતી અને અસ્મિતા બે બહેનો. બન્નેનાં મન એટલાં મળી ગયેલાં કે જાણે એક છોડની એક જ ડાંખળીએ ઊગેલાં બે પુષ્પો. આવા હતા બન્નેના સ્વભાવઃ આરતી નમ્ર, શાંત, આદર્શવાદી જ્યારે અસ્મિતા સ્વમાની, સ્વાભિમાનથી છલકાતી અને આછેરા સ્મિતે મઢેલી ગૌરવશીલ છોકરી. બન્ને જુદા વર્ગોમાં હોવા છતાં અભ્યાસ સાથે જ કરતાં. બાગમાં ચંપાના ઝાડ નીચે બેસીને વાંચતાં જોઈ એમની મા પણ સંતોષથી છલકાતી અને અંદરના ખંડમાંથી આ બહેનોની જોડીને જોવા બાપુને બોલાવતી. આવું નાનકડું હર્યુંભર્યું કુટુંબ હતું આ… અને હર્યુંભર્યું બનાવનાર આ બહેનોની જોડી જ હતી.

ઘૂંઘટકા પટ ખોલ રે (૪)

ડિસેમ્બર 6, 2017
કારણ એક જ હતું. આરતી વિધવા હતી. એણે જે દેવની અંતરની સાચી પ્રીતિથી આરતી ઉતારી હતી એ દેવ એના દિલના અજવાળાને ત્યાગી કોઈ અંધકારની યાત્રાએ ચાલ્યા ગયા હતા. એના અંતરનું અજવાળું એના માટે આગ બન્યું હતું. એને એ બધું બરાબર યાદ આવવા લાગ્યું. એની ણાઋઆ આગળ ભૂતકાળનાં થોડાંક દૃષ્યો સરી ગયાં.

ઘૂંઘટકા પટ ખોલ રે (૩)

ડિસેમ્બર 5, 2017
આજે એના બંગલાના આગળના ભાગમાં વાગતી શરણાઈના સૂરો એને આગની જલતી ચિનગારી જેવા લાગતા હતા. એની નાની બહેન અસ્મિતા પરણતી હતી. સવારથી આજે એના નાનકડા બંગલામાં મોટી ધમાલ મચી રહી હતી પણ એમાં એણે ઝાઝો રસ દર્શાવ્યો નહોતો. એને રસ પણ કદાચ નહીં હોય! એનાં માબાપ એને ચાહતાં હશે ખરાં, પણ એમની દીકરી આ બાબતમાં રસ લે કે ના લે એની એમને બહુ પરવા હોય એમ લાગતું નહોતું.

ઘૂંઘટકા પટ ખોલ રે (૨)

ડિસેમ્બર 4, 2017
ઘૂંઘટકા પટ ખોલ રે (૨)
(આરતી અને અસ્મિતા)
વહેલી સવારથી આજ આરતી એમના નાનકડા બંગલાના પાછલા ખંડમાં બારીએ અઢેલીને બેઠી હતી. ઘણા મહિનાથી આ જ એનું એક આસન હતું. નાનકડા બંગલાની ફરતે નાનકડો બાગ હતો. બચપણથી જ આરતી અને એની નાની બહેન અસ્મિતાને આ બાગ પર અપાર પ્રેમ હતો. એનાં એકે એક ઝાડ અને ફૂલના છોડ એમણે કેવા પ્રેમથી ઉછેર્યાં હતાં. કેવા હેતથી પાણી પાયાં હતાં. ઝાડના છાંયડે બે બહેનો કેવી રમતો રમ્યાં હતાં… છેલ્લા ઘણા માસથી તો આ બાગ, એનાં ફળફૂલ, એમાં કલ્લોલ કરતાં પંખીઓ જ આરતીનાં જીવન બની ગયાં હતાં! એણે જીવનનું સર્વસ્વ ગુમાવ્યું હતું છતાંયે આ બાગને લીધે એને જીવન ભર્યું ભર્યું લાગતું હતું….

ઘૂંઘટકા પટ ખોલ રે (૧)

ડિસેમ્બર 3, 2017
(આરતી અને અસ્મિતા)
નોંધઃ પ્રકાશન માટે સોનલ અને બીજી વાર્તાઓ નામનો વાર્તાસંગ્રહ તૈયાર કરવાનો નિર્ણય કરેલો અને કામ શરૂ પણ કરેલું પણ પછી પણ અન્ય અગત્યનાં કામો કરવાનાં હોવાથી સંગ્રહનું કામ મુલતવી રાખેલું. આજે રવિવાર, ડિસેમ્બર ૩, ૨૦૧૭ના રોજ મોડેસ્ટો, કેલિફોર્નિયાના હિંદુ મંદિરમાં એક ભક્તે “ઘૂંઘટકા પટ ખોલ રે” ભજન ગાયું અને વાર્તાસંગ્રહની એ નામની વાર્તાને અનૂકુળતા મુજબ ક્રમશઃ કોમ્પ્યુટરમાં એન્ટર કરવાનો તથા www.GirishParikh.wordpress.com બ્લોગ પર આજથી જ પોસ્ટ કરવા માંડવાનો નિર્ણય કર્યો.
વર્ષો પહેલાં “ગુજરાત સમાચાર”માં (બે હપ્તામાં) પ્રગટ થયેલી વાર્તા વાંચો અને આપના પ્રતિભાવો અવશ્ય આપો.
પ્રથમ હપ્તો શરૂ થતાં પહેલાં બોક્સમાં મૂકેલો પેરેગ્રાફઃ
“બહેન આરતી, તારા નસીબમાં કોણ જાણે કોનીય આરતી ઉતારવાની હશે. ઘૂંઘટપટમાં મુખડું છુપાવે છે એમ તારાં દુ:ખડાંય નહીં છુપાવતી. આરતી, તારી નાની બહેન છું તોય આજની જેમ તારો ઘૂઘટ ખોલી બધુંયે જાણી લઈશ. હજુ તું આ અસ્મિતાને ઓળખતી નથી.”
“ઓળખું છું બહેની, મારી બહેની… તારી હિંમત અને મારા માટેનો પ્રેમ જાણી તારી બહેન બનવા બદલ ગૌરવ લઉં છું…” અને એની આંખમાં ફરી બે બિંદુ દેખાયાં.

રણજીતરામ સુવર્ણચન્દ્રક વિજેતા શ્રી. ચંદુલાલ બેચરલાલ પટેલની મુલાકાત (૧૫)

ઓક્ટોબર 19, 2017
(૫) પહેલાં કંઠસ્થ શબ્દો એકત્ર કરવાનો મહારાજાનો આગ્રહ હતો, કારણ કે કાળના પ્રવાહ સાથે એ નાશ પામશે એવો ભય હતો. કંઠસ્થ શબ્દોનો સંગ્રહ પૂરો થયા પછી ગુજરાતી ભાષાના પ્રાચીન અને અર્વાચીન, પ્રસિદ્ધ તેમ જ અપ્રસિદ્ધ, સાહિત્યમાંથી સંશોધન કરીને અવતરણો સાથે શબ્દો સંગ્રહવાનો ભગીરથ પ્રયત્ન થયો. પરિણામે અપ્રસિદ્ધ ખતપત્રો, કાવ્યો અને જૈન આદિના અનેક રાસાઓમાંથી તેમ જ નરસિંહયુગથી માંડી ગાંધીયુગ સુધીના ગુજરાતી ભાષાના વિકાસના યુગોમાંથી જે તે યુગના કવિઓ અને નિષ્ણાતો, અભ્યાસકો અને પ્રશંસકો પાસે સંશોધન કરાવી નવીન શબ્દો, તેમના વિવિધ અર્થો, તેમના વિશિષ્ટ ઉપયોગો અને તેમને લગતાં બંધબેસતાં અવતરણો એકત્ર કરવામાં આવ્યાં.
(૬) બહારગામથી ઘણી વાર ફળફૂલ, ઝાડપાન, મોતીમાણેક, જરજવાહિર વગેરેનાં સૂચિપત્રો મહારાજા પાસે આવતાં. આમાંથી બહુ જ ચીવટપૂર્વક વીણી વીણીને તેઓ શબ્દો અને વિગતો કોષમાં મોકલતા.
(૭) રંગૂન, આફ્રિકા, વગેરે દૂરના પ્રદેશોમાંંથી મહારાજાશ્રીને કોઈ મળવા આવે તો એની પાસેથી પણ તે તે પ્રદેશોની વાતચીતમાં જો કોઈ ‘ચલણી’ શબ્દ ઝડપાઈ જાય તો તે સંગ્રહી લઈને તેનો ઉપયોગ કરતા.
(૮) વસ્તીગણતરી વખતે એમણે અટકોની તેમ જ ગામના માણસોનાં નામોની વ્યુત્પત્તિ તેમ જ તેમને લગતો શક્ય ઈતિહાસ મેળવીને કોષમાં યોગ્ય સ્થળે દાખલ કરવાનો પણ ખાસ પ્રબંધ કર્યો હતો.
(સંપૂર્ણ)

રણજીતરામ સુવર્ણચન્દ્રક વિજેતા શ્રી. ચંદુલાલ બેચરલાલ પટેલની મુલાકાત (૧૪)

સપ્ટેમ્બર 9, 2017
પ્રશ્નઃ મહારાજાશ્રીએ કઈ પદ્ધતિઓથી શબ્દો એકત્ર કરેલા?
ઉત્તરઃ શબ્દો એકત્ર કરવાની એમની રીતો આવી હતીઃ
(૧) કોઈની સાથે વાતચીત કરતાં કે કોઈનો અરજ-અહેવાલ સાંભળતાં એવો કોઈ તળપદો શબ્દ જણાય તો તેની નોંધ તેઓ તરત જ કરી લેતા. સાધન સામગ્રીને અભાવે કોઈ વાર પોતાના સુરવાળ પર પણ પેન્સિલથી નોંધ લખી લેતા.
(૨) ખેતરોમાં કે વાડીઓમાં ખેડૂતો સાથે વાતચીત કરતાં ભાંગ્યાતૂટ્યા સંભળાયેલા શબ્દો અચૂક એમના અંગરખાંની ચાળ ઉપર લખાઈ જતા.
(૩) પોતાના પુસ્તકાલયમાં મળવા આવનાર મહેમાનની વાતમાં એમને કોઈ નવીન શબ્દો લાધતા તો એ જ મહેમાનની મુલાકાત માટેની કાપલી પાછળ લખી લેતા. આથી એ શબ્દ માટે ભવિષ્યમાં કશીક વિશેષ માહિતી મેળવવી હોય તો જેની તેની પાસેથી તરત જ મેળવી શકાતી.
(૪) કાઠિયાવાડનાં ગામેગામનાં ઝૂંપડે ઝૂંપડામાંથી તેમ જ શહેરે શહેરના સાહિત્યપ્રેમી સજ્જનો પાસેથી શબ્દો મેળવવા હજારોની સંખ્યામાં પત્રિકાઓ વહેંચાતી.
(વધુ હવે પછી …)  .

રણજીતરામ સુવર્ણચન્દ્રક વિજેતા શ્રી. ચંદુલાલ બેચરલાલ પટેલની મુલાકાત (૧૩)

સપ્ટેમ્બર 8, 2017
કોષની રચના આરંભાઈ એ પહેલાં જ મહારાજાશ્રીએ જાતમહેનતે અપ્રસિદ્ધ અને નગદ નાણાં સમા વીસ હજાર અણમૂલા શબ્દો એકઠા કર્યા હતા!
અંતમાં એ ભૂલવું ન જોઇએ કે આ મહાકોષની પ્રેરણાનું બીજ અંગ્રેજી સાહિત્યે પૂરૂં પાડ્યું હતું અને એની યોજનામાં એ ભાષાના અનેક કોષોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
(વધુ હવે પછી …)

રણજીતરામ સુવર્ણચન્દ્રક વિજેતા શ્રી. ચંદુલાલ બેચરલાલ પટેલની મુલાકાત (૧૨)

સપ્ટેમ્બર 7, 2017

મહાકોષનાં સૂચવાયેલાં અનેક નામોમાંથી કવિશ્રી વિહારી સૂચિત “ભગવદગોમંડલ” એના અનેકાર્થોને લીધે પસંદ થયું. આ અનેકાર્થો આ રહ્યાઃ (૧) ભગવત્ + ગોમંડલ (૨) ભગવતસિંહજી શબ્દસંગ્રહ (૩) બૃહત શબ્દકોષ (૪) સમૃદ્ધિવાન જ્ઞાનકોષ (૫) જ્ઞાનભર્યો સરસ્વતીભંડાર (૬) પ્રભુપ્રેરિત વ્યાપકવાણી.

(વધુ હવે પછી …)