Archive for the ‘શ્રીરામચરિતમાનસ આનંદ’ Category

રામ-નામ-ગુણ (ચતુર્શબ્દ મુક્તક)

મે 8, 2013

શ્રીરામચરિતમાનસ
રામ-
નામ-
ગુણ
ભરપુર.

મંગળવાર, મે ૭, ૨૦૧૩ના રોજ મોડેસ્ટો, કેલિફોર્નિયાના શ્રી રામ મંદિરના પંડિત પ્રાણેશજી શર્માએ રામયણ કથામાં રામ-નામ-ગુણ વિશે ભક્તિ ભરપુર રસમય વર્ણન કર્યું હતું, અને આ મુક્તક સ્ફૂર્યું. પંડિત પ્રાણેશજી શર્માને આ મુક્તક અર્પણ કરું છું.

સચિવ વૈદ ગુરુને શીખ (શ્રીરામચરિતમાનસ આનંદઃ ૧૦)

એપ્રિલ 30, 2013

સચિવ બૈદ ગુર તીનિ જૌં પ્રિય બોલહિં ભય આસ,
રાજ ધર્મ તન તીનિ કર હોઇ બેગિહીં નાસ.

‘સુંદરકાંડ’ની આ ચોપાઈ.

મંત્રી, વૈદ કે ડોક્ટર, ગુરુ — ત્રણે જો સાચું ન કહે તો પરિણામ શું આવે?

રાજ્યનો વિનાશ થાય.

દર્દીનું મૃત્યુ થાય.

શિષ્યનું કલ્યાણ ન થાય.

પણ સચિવ વૈદ ને ગુરુ પ્રિય વાણીમાં સત્ય કહી શકે. એમણે અસત્ય તો ન જ કહેવું જોઈએ.

વૈદ વિશેનું શ્રી રામકૃષ્ણ પરમહંસનું દૃષ્ટાંત યાદ આવે છેઃ

વૈદ માને કહે છે કે તારા માંદા દીકરાને બચાવીશ. પણ ભગવાન મનમાં હસે છેઃ એનું મૃત્યુ થવાનું છે, અને વૈદ કેવું વચન આપે છે. એ જાણે છે કે એની માંદગી જીવલેણ છે પણ વૈદ સાચું કહેતો નથી!

(વધુ હવે પછી …)

ભાગ્યહીન રાવણ (શ્રીરામચરિતમાનસ આનંદઃ ૯)

એપ્રિલ 28, 2013

રાવન જબહિં બિભીષન ત્યાગા,
ભયઉ બિભવ બિનુ તબહિં અભાગા.

આ ચોપાઈ પણ ‘સુંદરકાંડ’ની છે.

રામભક્ત વીભીષણનો રાવણ અપમાન કરીને ત્યાગ કરે છે. કારણઃ પોતાના ભાઈ રાવણની ભૂલ વીભીષણ, બોલવાની અનુમતિ લીધા પછી, બતાવે છે. સીતામાતા રામને સોંપી દેવાની વિભીષણ રાવણને સલાહ આપે છે.

અને ક્રોધમાં રાવણ વીભીષણને લાત મારે છે!

વીભીષણ જેવા સાચી સલાહ આપનાર રામભક્તનો રાવણે જ્યારથી ત્યાગ કર્યો ત્યારથી એ ભાગ્યહીન થયો.

(વધુ હવે પછી …)

નમ્રતાની મૂર્તિ હનુમાનજી (શ્રીરામચરિતમાનસ આનંદઃ ૮)

એપ્રિલ 27, 2013

સો સબ તવ પ્રતાપ રઘુરાઈ,
નાથ ન કછૂ મોરિ પ્રભુતાઈ.

સુંદરકાંડની આ ચોપાઈ.

હનુમાનજી સીતામાતાની શોધ કરીને રામ પાસે આવે છે. રામ હનુમાનજી પર અત્યંત પ્રસન્ન થાય છે અને એમને હૃદય સાથે ચાંપે છે.

નમ્રતાની જીવંત મૂર્તિ સમા હનુમાનજી સાચા રામભક્ત તથા સેવક છે. એમના શ્રીમુખેથી સહજ રીતે ઉદગાર નીકળે છેઃ તમારા પ્રતાપથી જ આ કાર્ય થયું છે. મારા પ્રભુ, એમાં મારી કોઈ પ્રભુતાઈ નથી.

(વધુ પછી …)

સીતામાતાના આષિશથી કૃતકૃત્ય હનુમાનજી (શ્રીરામચરિતમાનસ આનંદઃ ૭)

એપ્રિલ 26, 2013

અબ કૃતકૃત્ય ભયઉં મૈં માતા,
આસિષ તવ અમોઘ બિખ્યાતા.

આ ચોપાઈ પણ ‘સુંદરકાંડ’ની છે.

સીતામાતા હનુમાનજીને “અજર, અમર, ગુણનિધિ’ બનવાના તથા રઘુનાયક રામની બહુ સેવા કરવાના આશીર્વાદ આપે છે એ પછી હનુમાનજીનો આનંદ આ ચોપાઈમાં વ્યક્ત થાય છે. હનુમાનજી કૃતકૃત્ય થઈ ગયા છે, અને માતાના આશીર્વાદને અમોઘ કહે છે.

(વધુ હવે પછી …)

અમર હનુમાનજી (શ્રીરામચરિતમાનસઆનંદઃ ૬)

એપ્રિલ 25, 2013

એપ્રિલ ૨૫, ૨૦૧૩ ગુરુવાર હનુમાન જયંતી

અજર અમર ગુનનિધિ સુત હોહૂ,
કરહું બહુત રઘુનાયક છોહૂ.

સુંદરકાંડમાં સીતામાતાજી હનુમાનજીને આ આશીર્વાદ આપે છે.

સીતાજીની શોધમાં હનુમાનજી લંકા આવ્યા છે. અશોક વાટિકામાં એમને સીતાજીનાં દર્શન થાય છે. રામભક્ત હનુમાનજીને જોતાં તથા એમના દ્વારા રામ અને લક્ષ્મણના સમાચાર મળતાં સીતાજીને ખૂબજ બધો આનંદ થાય છે. એમના શ્રીમુખેથી સહજ રીતે એ હનુમાનજીને આશિષ આપે છે.

(વધુ હવે પછી …)

દાસ્યભાવનો મહિમા (શ્રીરામચરિતમાનસ આનંદઃ ૫)

એપ્રિલ 24, 2013

સુનહુ બિભીષન પ્રભુ કૈ રીતી
કરહિં સદા સેવક પર પ્રીતી.

સુંદરકાંડની આ ચોપાઈ દાસ્યભાવનો મહિમા ગાય છે.

દાસ્યભાવનો દાખલો આપતી વખતે હનુમાનજીનું નામ લેવાય છે. હનુમાનજીની રામભક્તિ તથા રામસેવા અનન્ય છે.

અને પ્રભુ પણ સેવક પર સદા પ્રીતિ રાખતા હોય છે.

(વધુ હવે પછી …)

સાચી સંપત્તિ મેળવવાનું રહસ્ય (શ્રીરામચરિતમાનસ આનંદઃ ૪)

એપ્રિલ 23, 2013

જહાં સુમતિ તહં સંપતિ નાના
જહાં કુમતિ તહં બિપતિ નિદાના.

‘સુંદરકાંડ’ની આ ચોપાઈ સાચી સંપત્તિ મેળવવાનું રહસ્ય સમજાવે છે. યાદ આવે છે સદબુદ્ધિ માટેનો ગાયત્રી મંત્ર.

કુમતિથી પણ ધન મેળવી શકાય પણ એ છેવટે વિપત્તિ નોંતરે છે.

(વધુ હવે પછી …)

પ્રાયશ્ચિત કરવાની ચોપાઈ (શ્રીરામચરિતમાનસ આનંદઃ ૩)

એપ્રિલ 22, 2013

અનુચિત બહુત કિયો અજ્ઞાતા
ક્ષમહું ક્ષમા સુંદર દૌ ભ્રાતા

મોડેસ્ટો, કેલિફોર્નિયાના શ્રી રામ મંદિરના પંડિત શ્રી પ્રાણેશજી શર્મા પાસેથી “શ્રીરામચરિતમાનસ”ની પ્રાયશ્ચિત કરવાની આ ચોપાઈ જાણવા મળી.

દૌ ભ્રાતા છે રામ અને લક્ષ્મણ.

અલબત્ત, અજ્ઞાનમાં થયેલાં અનુચિત કાર્યો માટે પ્રાયચિત કરવાની આ ચોપાઈ છે — દયાના સાગર સમા બે ભાઈઓ માફ પણ કરી દે, પણ ધ્યાન એ રાખવાનું છે કે ફરીથી અનુચિત કાર્યો ન થયા કરે!

પ્રશ્ન એ થાય છે કે જ્ઞાની વ્યક્તિ અનુચિત કાર્યો કરે તો એ માટે પ્રાયશ્ચિત શું?

(વધુ હવે પછી …)

સુંદરકાંડની વિવાદાસ્પદ ચોપાઈ (શ્રીરામચરિતમાનસ આનંદઃ ૨)

એપ્રિલ 21, 2013

“શ્રીરામચરિતમાનસ આનંદ”ની આ લેખમાળાને હાલ ડ્રાફ્ટ ગણશો. અલબત્ત, આ લેખમાળાના મણકા સર્જાતા જાય છે.

ઢોલ ગવાંર સૂદ્ર પસુ નારી
સકલ તાડના કે અધિકારી

સુંદરકાંડની આ ચોપાઈ વિવાદાસ્પદ છે. સીતામાતાના સ્વરૂપ સમી નારી માટે સંત તુલસીદાસે એ તાડનાની અધિકારી છે એમ શા માટે લખ્યું?

(વધુ હવે પછી …)