Archive for the ‘વિવેકના શેરોનો આનંદ’ Category

વિરાટની યાત્રાએ વિવેકના શબ્દોના શ્વાસ !

જાન્યુઆરી 3, 2012
(“વિવેકના શેરોનો આનંદ” પુસ્તકની પ્રસ્તાવનાનો ડ્રાફ્ટ).
શબ્દો છે શ્વાસ મારા અને કાવ્ય પ્રાણ છે,
ચારેતરફ આ લોહીમાં અક્ષરની આણ છે.
            –વિવેક મનહર ટેલર
ડો. વિવેક મનહર ટેલર પોતાની ઓળખાણ ઉપરના શેરથી આપે છે.
વિવેકના અન્ય શેરોમાં પણ “શબ્દોના શ્વાસ”ની અને એમની શબ્દપ્રીતિની વાત આવે છે. ગુજરાતી ભાષામાં સ્વરચિત કાવ્યોની સૌ પ્રથમ વેબસાઈટ કઈ? એ છે વિવેકની વેબસાઈટ “શબ્દો છે શ્વાસ મારા” (www.vmtailor.com). વિવેકે પોતાના પ્રથમ ગઝલ સંગ્રહનું નામ પણ “શબ્દો છે શ્વાસ મારા” જ આપ્યું છે.
આ લખનાર વિવેકાનંદનો ભક્ત છે, અને વિવેકનો ચાહક છે.
પ્રભુકૃપા, વિવેક-વૈશાલીના સહકાર, તથા ચાહકોની શુભેચ્છાઓથી આ પુસ્તકનું સર્જન થયું છે.
મારો આશય હતો, છે, અને રહેશે વિવેક જેવા સર્જકોના ઉત્તમ સાહિત્યને લોકપ્રિય બનાવવાનો.
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ
ને ગમતાંનો કરીએ ગુલાલ.
              –મકરન્દ દવે
‘”વિવેકના શેરોનો આનંદ” માણીએ અને વહેંચીએ.
આભારદર્શનઃ જેમણે આ પુસ્તકના સર્જનમાં મદદ કરી છે એ સૌનો ખૂબ ખૂબ આભાર. [અહીં નામો અપાશે].
પ્રકાશકનો પણ ખૂબ ખૂબ આભાર. છાપેલા પુસ્તક ઉપરાંત પ્રકાશક એનું ઈ-બૂક તરીકે ઓછી કિંમતે વિતરણ કરી શકે. અને  છાપેલા પુસ્તક અને ઈ-બૂક દ્વારા વિવેકના શેરોનો આનંદ વિશ્વભરમાં વસતા ગુજરાતીઓના ઘેરે ઘેર પહોંચાડે એવી પ્રભુને અને પ્રકાશકને નમ્ર પ્રાર્થના કરું છું.
ગિરીશ પરીખ
મોડેસ્ટો  કેલિફોર્નિયા
Blog: www.girishparikh.wordpress.com
E-mail: girish116@yahoo.com
તા.ક. “વિવેકના શેરોનો આનંદ” પુસ્તક હાલ www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ કર્યું છું.

વિવેકની વાણી — (જોડકણું/મુક્તક)

ડિસેમ્બર 6, 2011

વિવેકની વાણી

કેવી છે શાણી

 મન ભરી માણી

સહુએ વખાણી !

“વિવેકના શેરોનો આનંદ” પુસ્તક વિશેઃ 4

નવેમ્બર 24, 2011
મોડેસ્ટો કેલિફોર્નિયા  નવેમ્બર ૨૪, ૨૦૧૧ ગુરુવાર  Thanksgiving Day.
Happy Thanksgiving.
“વિવેકના શેરોનો આનંદઃ ડો. વિવેક મનહર ટેલરના ૫૦ શેરો અને એમના વિશે રસમય વાંચન” ના બધા શેરો અને એમના વિશેનાં લખાણો હવે આ બ્લોગ (www.girishparikh.wordpress.com) પર પોસ્ટ થઈ ગયાં છે. અલબત્ત, આ પ્રથમ ડ્રાફ્ટ છે.
બાકીનાં કામો વિશે મેં આ લેખમાળાના અગાઉના ભાગમાં લખ્યું છે. (આ પોસ્ટમાં એ વિશે ફરીથી લખ્યું છે).
હવે કરવાની છે યોગ્ય પ્રકાશકની શોધ. વિવેક સુરતના છે અને સુરતના જ પ્રકાશક મળે તો એનાથી વળી રૂડું શું? આ માટે પ્રયત્નો કરવા માંડ્યા છે.
પ્રકાશકે, આ લખનાર તથા હીતેચ્છુઓના સહકારથી, પુસ્તકનો વિશ્વભરમાં (ગુજરાતીઓ સર્વત્ર વસે છે) પ્રચાર અને પ્રસાર પણ કરવો જોઈશે. આ માટે બે આવૃત્તિઓમાં પ્રગટ કરવું જોઈએઃ છપાયેલું તથા ઈ-બૂક.
અલબત્ત, પુસ્તક પ્રકાશન એ વ્યવસાય છે. મહાલક્ષ્મી માતાજીને હું પ્રાર્થના કરું છું કે “વિવેકના શેરોનો આનંદઃ ડો. વિવેક મનહર ટેલરના ૫૦ શેરો અને એમના વિશે રસમય વાંચન” પુસ્તક માટે વિવેકના નગર સુરતના જ પ્રકાશક મળે.
બાકીનાં કેટલાંક કામઃ
–ભાવકોના પ્રતિભાવોનું સંપાદન. પુસ્તકના શેરોના સંદર્ભમાં જે પ્રતિભાવો હશે એમાંથી મોટે ભાગે પસંદ કરવામાં આવશે.
–પચાસ શેરો અને એમના વિશેનાં લખાણોની એમના વિષય મુજબ યોગ્ય વિભાગોમાં ગોઠવણ, આવકાર (બે), પ્રસ્તાવના (આભારદર્શન આમાં હશે), પ્રકાશકનું નિવેદન, શેરસૂચી, વિવેક વિશે, ગિરીશ વિશે, બન્નેનાં પુસ્તકો વગેરેની માહિતિ, વગેરે, મેળવવાનાં /તૈયાર કરવાનાં, રહેશે.
–અગાઉ જાણાવ્યા મુજબ પુસ્તકનો આ પ્રથમ ડ્રાફ્ટ થશે. એ પછી રીવ્યૂ, રીવીઝન, જોડણી તથા ભાષા સુધારણા, વગેરે કામો કરવાનાં છે. –પુસ્તક આ બ્લોગ (www.girishparikh.wordpress.com) પર આકાર લઈ રહ્યું છે. Yahoomail માં પણ બધાં લખાણો છે. આ બધાં લખાણો સીધાં જ ટાઈપસેટ થઈ શકે તો મહેનત અને સમય બચે, અને જોડણી વગેરેની ભૂલો પણ ન થાય. (જો કે કોમ્પ્યુટરમાં લખાણો છે એમની જોડણી, વ્યાકરણ, વગેરે સુધારવાનાં છે.)
–પુસ્તક માટે તસ્વીરોની પસંદગી. વિવેક સારા ફોટોગ્રાફર પણ છે. એમના સંગ્રહોમાંથી પસંદ કરેલી યાદગાર તસ્વીરો પુસ્તકમાં મૂકવાની ઇચ્છા છે. કેટલીક તસ્વીરો બહુરંગી પણ હશે.
–અને સૌથી અગત્યનું કામઃ યોગ્ય પ્રકાશકની શોધ. યોગ્ય પ્રકાશક મળી જ રહેશે એવી શ્રધ્ધા છે.
–વિવેક સુરતના છે — સુરતના જ પ્રકાશક “સાહિત્ય સંગમ” મને યોગ્ય પ્રકાશક લાગે છે. અલબત્ત, એમને હું પ્રથમ પસંદગી આપું છું.
–ગિરીશ પરીખ E-mail: girish116@yahoo.com

દિલને થાય હાશ એવું ઘર મળે… ! (‘વિવેકના શેરોનો આનંદ’: 50 of 50)

નવેમ્બર 23, 2011
જ્યાં દિલ ને થાય હાશ, એવું કાશ! ઘર મળે,
 શું થાય જો આ શોધ નો છેડો કબર મળે ?!
ઘર… ધરતીનો છેડો…
ઘરનું વાતાવરણ જો શાંતિમય હોય તો ઘરમાં પગ મૂકતાં જ મન “હાશ” બોલી ઊઠે.
કાશ, શાંતિભર્યું પોતાનું ઘર કોને ન ગમે? આ લખનારને શાંતિભર્યા પોતાના શિકાગોના ઘરમાં ૩૧ વર્ષોથી રહેવાનો અનુભવ છે જે કદી નહીં ભુલાય. એ ઘરના વાતાવરણને પવિત્ર અને શાંતિમય રાખવાનો જશ મારાં ધર્મપત્ની હસુને મળે છે.
શિકાગોના અમારા ઘરમાં આવનાર સૌ કોઈને શાંતિનો અનુભવ થતો અને ઘણા એ કહેતા પણ ખરા.
૨૦૦૮માં હસુ અને હું શિકાગોનું અમારું ટાઉનહાઉ વેચીને અમારી નાની દીકરી શેતલ ભગત,  સુરતના અમારા જમાઈ ડો. વિપુલ ભગત, પૌત્રી માયા (જન્મતારીખઃ ઓગસ્ટ ૧૨, ૨૦૦૭) સાથે રહેવા મોડેસ્ટો, કેલિફોર્નિયામાં આવ્યાં. સપ્ટેમ્બર ૩૦, ૨૦૦૯ના રોજ અમારા પૌત્ર જયનો જ્ન્મ થયો.
મોડેસ્ટોના આ ઘરને પણ હું “ભગવાનનું ઘર” (God’s home) કહું છું.
માનવી હંમેશાં સુખ શાંતિની શોધમાં હોય છે. ઘર પણ એ એવા જ પ્રકારનું શોધે છે જ્યાં એને સુખ શાંતિ મળે.
“હાશ” થાય એવું ઘર ન મળે તો? એ તલાશની મંજીલ છે કબર!
અને “હાશ” થાય એવું ઘર મળે તો પણ અંતિમ મંજીલ તો કબર જ છે ને!
માનશો? ઘરમાં પણ ઘર હોઈ શકે. આદિલનો આ શેર યાદ આવે છે જેના વિશે “આદિલના શેરોનો આનંદ” પુસ્તકમાં લખ્યું છે.
નિરાંત એવી અનુભવું છું ગઝલના ઘરમાં કે શ્વાસ મુક્તિના લઈ શકું છું ગઝલનાં ઘરમાં.
ગઝલના ઘર માટે આ લખનારે શબ્દ પ્રયોજ્યો છેઃ “ગઝલાલય”. એમાં આદિલને પ્યારો “લય” પણ આવી જાય છે. અલબત્ત, આલય એટલે નિવાસસ્થાન.
અને “ભગવ્દ્ગોમંડલ” (www.bhagavadgomandal.com) “આલય” શબ્દના આ અર્થો પણ આપે છેઃ “મોત સુધી; મરણ લગી”.
આદિલના નીચેના શેર વિશે પણ “આદિલના શેરોનો આનંદ” પુસ્તકમાં લખ્યું છેઃ
મૃત્યુની આદિલ કરો તૈયારીઓ
જીવવાનું પણ મનોબળ આવશે.
જિંદગીનો છેડો કબર?!
વિવેકના આ શેરો પણ ખૂબ જ ગમ્યાઃ
વિકસી ને દુનિયા કેટલી આગળ વધી, જુઓ!
માણસ મળે તો આંખ માં જીવન વગર મળે.
તારી ખુદાઈ તો જ હું માનીશ, ઓ ખુદા!
જે પણ મળે મને એ બરાબર અગર મળે.
સર્જાતા જતા પુસ્તક “વિવેકના શેરોનો આનંદઃ ડો. વિવેક મનહર ટેલરના ૫૦ શેરો વિશે રસમય વાંચન” માંથી.)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો. (આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.) The original words of Girish Parikh in this post: Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.

સચ્ચાઈ ના ચલણ વડે વીતે શું જીંદગી? (‘વિવેકના શેરોનો આનંદ’: 49)

નવેમ્બર 22, 2011
 સચ્ચાઈ ના ચલણ વડે વીતે શું જીંદગી?
 જૂઠ્ઠાં ને આજે જે મળે, સઘળું પ્રવર મળે.
“પ્રવર” શબ્દના અર્થ છે “ઉત્તમ; શ્રેષ્ઠ” (www.bhagavadgomandal.com).
વર્ષો પહેલાં અદાવાદની ગુજરાત કોલેજમાં ભણતો હતો ત્યારે કોલેજમાં ભજવાયેલું યશોધર મહેતાનું લખેલું “મંબોજંબો” નાટક જોયેલું. એમાં એક પાત્રે બોલેલું એક વાક્ય હજુ પણ યાદ છેઃ આ દુનિયા તો લુચ્ચાઓની છે, ભોળા માણસો એમને ભાડુ આપીને રહે છે!
અને એ લુચ્ચા માણસો પોતાની જાતને “હોંશિયાર”ગણે છે! ભોળા માણસોને છેતરવાનું એ ગૌરવ લે છે! અને પૈસાને લીધે એ લુચ્ચાઓનાં ગુણગાન પણ ગવાય છે!
દુનિયાના બધા દેશોની સરકારોમાં ભ્રષ્ટાચારીઓનો પણ તોટો નથી.
અરે, ધર્મના નામે મંદિરો, અને અન્ય ધાર્મિક સ્થળોમાં પણ મોટે ભાગે સચ્ચાઈનો અભાવ વર્તાય છે. અને “સત્ય” જ પરમેશ્વર છે.
અને દોષ દેવાય છે કળિયુગને!
શ્રી રામકૃષ્ણ પરમહંસને પ્રશ્ન પૂછવામાં આવેલો કે લુચ્ચાઓ લહેર કરે છે જ્યારે સીધા લોકો દુઃખી શાથી થાય છે? શ્રી રામકૃષ્ણદેવે જણાવ્યું કે પૂર્વજન્મનાં સારાં કર્મોને લીધે દુષ્ટ લોકો સુખી લાગે છે પણ એમનાં સારાં કર્મોની અસર પૂરી થયા પછી એ દુઃખી થવાના.
નોંધઃ The Gospel of Sri Ramakrishna ઓન લાઇન વાંચોઃ   www.ramakrishnavivekananda.info . રાજકોટના શ્રી રામકૃષ્ણ આશ્રમે The Gospel of Sri Ramakrishnaનો ગુજરાતી અનુવાદ પ્રગટ કર્યો છેઃ જુઓ ‘શ્રી રામકૃષ્ણ કથામૃત’ પુસ્તક વિશે આ લીંક પરઃ http://www.rkmrajkot.org/publication.php .
આ શેર પણ ખૂબ જ ગમ્યોઃ
છે શ્વાસ આખરી છતાં પૂરો નથી થતો,
છે આશ કૈંક ક્યાંક થી તારી ખબર મળે.
ઉપરના શેરનું પઠન કરતાં શરદબાબુની નવલકથા “દેવદાસ” અને એ પરથી બનેલી ફિલ્મો, તથા રાજ કપૂરની ફિલ્મ “આહ”નાં આખરી દૃશ્યો યાદ આવ્યાં.
સર્જાતા જતા પુસ્તક “વિવેકના શેરોનો આનંદઃ ડો. વિવેક મનર ટેલરના ૫૦ શેરો વિશે રસમય વાંચન” માંથી.)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો. (આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.) The original words of Girish Parikh in this post: Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.

ક્ષ્રર કાગજ પે અક્ષર પામું… ! (‘વિવેકના શેરોનો આનંદ’: 48)

નવેમ્બર 21, 2011
ન થઈ જે વાત એના ડંખે સર્જી છે ગઝલ મારી
કે ક્ષ્રર કાગજ પે અક્ષર પામું એવી લાગણી કોઈ.
ગઝલ સર્જનની વાત ફરી આવે છે આ શેરમાં.
કોઈ વાતનો ડંખ કે કોઈ અનુભવનું દર્દ ઘણી વખત માનવીને સર્જન કરવાની પ્રેરણા આપતું હોય છે. અને આ રચનાત્મક માર્ગ છે એ દુખદ સમયમાં માનસિક સ્થિરતા જાળવવાનો.
વાત જે ન થઈ શકે એના ડંખ કે દર્દથી થયું ગઝલનું સર્જન.
પણ શું ક્ષર કાગળ (કે કોમ્પ્યુટરના સ્ક્રીન)  પર “અક્ષર” સર્જન થઈ શકે? પણ દરેક સર્જકની એ લાગણી હોય છે કે આવું સૌભાગ્ય એને સાંપડે. આ કવિ (અને આ લખનાર) પણ અપવાદ નથી.
આપણો મહાકોશ ભગવદ્ગોમંડલ (www.bhagavadgomandal.com) “ક્ષર” શબ્દના અર્થ આપે છે “શરીર; દેહ; નશ્વર”; અને “અક્ષર” શબ્દના અર્થ છે “નાશ ન પામે તેવું લખાણ; અવિનાશી; નિત્ય; અમર.”
આ શેર પણ ખૂબ જ ગમ્યોઃ
હવાના ઘર થયાં છે કેદ સૌ પાણીના પરપોટે,
સપાટી પર લઈને જાય ઘનતાની કમી કોઈ.
સર્જાતા જતા પુસ્તક “વિવેકના શેરોનો આનંદઃ ડો. વિવેક મનર ટેલરના ૫૦ શેરો વિશે રસમય વાંચન” માંથી.)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો. (આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.) The original words of Girish Parikh in this post: Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.

ઈચ્છું છું હર જનમ માં મને આ સફર મળે…. ! (‘વિવેકના શેરોનો આનંદ’: 47)

નવેમ્બર 20, 2011
શબ્દો ના રસ્તે ચાલી ને મળતો રહું તને,
ઈચ્છું છું હર જનમ માં મને આ સફર મળે.
વિવેકના શબ્દોના શ્વાસ આ શેરમાં પણ ધબકે છે.
કવિ શબ્દોના રસ્તે ચાલીને કોને મળવાની વાત કરે છે? અને શબ્દોના રસ્તે હર જનમમાં કઈ સફર મેળવવાની ઈચ્છા કરે છે? દેખીતું છે કે આ પ્રશ્નોનો જવાબ તો કવિ જ આપી શકે.
પણ વિવેકને પ્રિય કોણ અને શું છે એ જાણીએ તો જવાબનો અંદાજ આવી શકે. અલબત્ત, એ અન્ય શેરોમાં કહે છે કે શબ્દો એમના શ્વાસ છે. શ્વાસ એટલે જીવન — શબ્દમય જીવન વિવેકને અતિ પ્રિય છે. અને આ શેરમાં કહે છે કે શબ્દોના રસ્તે એ ચાલવા માગે છે.
અને આ જ્ન્મની જીવન સફરમાં એમને પ્રિય વ્યક્તિઓમાંથી ત્રણનાં નામ છે આ પુસ્તકના ‘અર્પણ’માં. જીવન સંગીની ને પ્રેરણાદેવી છે વૈશાલી, સ્વયમ છે વૈશાલી અને વિવેકનો વહાલસોયો સુપુત્ર, અને રઈશ મનીઆર છે વિવેક્ના ગઝલ-ગુરુ. આપણે એ પણ જાણીએ છીએ કે ગઝલ વિવેકનો પ્રિય કાવ્યપ્રકાર છે.
દરેક ભાવક પોતાની રીતે અન્ય શેરોની જેમ આ શેરનું પણ પોતાના માટે અર્થ-ઘટન કરી શકે. આપને પ્રિય કોણ અને શું છે? આવતા જન્મની સફરમાં આપ શું ઈચ્છો છો? અને આપના ઉત્તર આપે શબ્દો દ્વારા — શબ્દના રસ્તે જ —  આપને જ આપવાના છે. હા, કોઈ સહ્રદયી વ્યક્તિ આગળ આપ દિલ ખોલી શકો છે.
કવિને કાવ્ય માટે પેશન છે. અને પેશન દર્દ વિનાની ભાગ્યે જ હોય છે! વિવેકના આ શેરમાં વ્યથા છેઃ આગલા ભવની વ્યથા શું વેઠવી બાકી હતી કોઈ ? નકર કારણ વગર બનતું નથી આજે કવિ કોઈ.
સર્જાતા જતા પુસ્તક “વિવેકના શેરોનો આનંદઃ ડો. વિવેક મનર ટેલરના ૫૦ શેરો વિશે રસમય વાંચન” માંથી.)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો. (આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.) The original words of Girish Parikh in this post: Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.

પ્રેમ છે સાચો… ! (‘વિવેકના શેરોનો આનંદ’: 46)

નવેમ્બર 19, 2011
તમે ચાહો છો જેને, ચાહતો હોય એ બીજાને પણ
તમે એનેય જો ચાહી શકો તો પ્રેમ છે સાચો.
કબીરના જીવનનો એક પ્રસંગ યાદ આવ્યોઃ
કબીર એક અપરિણિત બ્રાહ્મણ સ્ત્રીનો પુત્ર હતો. જ્ન્મ આપ્યા પછી એ સ્ત્રીએ કબીરને વારાણસી પાસેની ગંગાનદીમાં મૂકી દીધો. એક મુસ્લીમ દંપતીએ કબીરને નદીમાં જોયો, એ બાળકને ઘેર લાવ્યાં અને એને ઉછેર્યો.
કબીર ઉછેરનાર માતાના આગ્રહથી લોઈ નામની કન્યાને પરણ્યો. લોઈ પસેથી કબીરને જાણવા મળ્યું કે એ એક સ્થાનિક વહેપારીના પુત્રના પ્રેમમાં હતી, અને લોઈનાં માતાપિતાએ એને પૂછ્યા વિના જ કબીર સાથે લગ્ન ગોઠવી દીધાં હતાં.
કબીર લોઈનો હાથ પકડીને એને વહેપારીના પુત્ર પાસે લઈ જવા માંડ્યો. વરસાદ શરુ થયો અને લોઈ લપસવા માંડી ત્યારે કબીરે એને ખભા ઉપર ઉચકી લીધી.
“જો તારા (શરીરના) કોઈ ભાગને ઈજા થશે તો એ વહેપારીનો દીકરો કદાચ તને નહીં સ્વીકારે!”   કબીરે મજાક કરી — ખરેખર એને લોઈ માટે લાગણી હતી.
રસ્તામાં લોઇને સમજાયું કે કબીર કેટલો મહાન છે અને એણે કબીરને એના મકાનમાં પાછા લઈ જવાની વિનંતી કરી. અને પછી કબીરનું એ મકાન બન્નેનું ઘર બની ગયું.
                                                                    (શેખર સેનના ‘કબીર’ નાટકને આધારે).
સાંભળ્યું છે કે સૂરતના સાહિત્યકાર ચંદ્રવદન મહેતાના જીવનમાં પણ આવો પ્રસંગ બનેલો. એમનાં પત્ની કોઈ બીજાને ચાહતાં હતાં એની જાણ થતાં ચંદ્રવદન એને એના પ્રેમી પાસે લઈ ગયા હતા.
સર્જાતા જતા પુસ્તક વિવેકના શેરોનો આનંદઃ ડો. વિવેક મનર ટેલરના ૫૦ શેરો વિશે રસમય વાંચન માંથી.)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો. (આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.) The original words of Girish Parikh in this post: Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.

ગઝલના ફેફસાંમાં શું છે ? (‘વિવેકના શેરોનો આનંદ’: 45)

નવેમ્બર 18, 2011
હવાની આવ-જા હો એમ પાનાં ઊંચા-નીચા થાય,
ગઝલના ફેફસાંમાં શું છે, મારા શબ્દો કે શ્વાસો ?
વાહ! કેટલું સુરેખ શબ્દચિત્ર આ શેરમાં જીવંત થયું છે!
હવામાં ગઝલના પુસ્તકનાં કે ગઝલ સામયિકનાં (હા, ગઝલને સમર્પીત સામયિકો પણ છે) કે અન્ય સામયિક જેમાં ગઝલ પ્રગટ થઈ છે એ પાનાં ઊંચા-નીચાં થાય છે.
આ દૃશ્ય જોઈને કવિ બારી બંધ કરી દેતા નથી કે જેથી પવન ન આવે. એમની કલ્પનામાં એક અદભુત દૃશ્ય ઊભરે છે અને એ સાકાર થાય છે આ શેરમાં.
પાના પરની ગઝલ કવિને જીવંત લાગે છે. અને કવિ પ્રશ્ન પૂછે છેઃ એમાં “મારા શબ્દો કે શ્વાસો છે ?”
અહેસાસ ફરીથી આ શેરમાં થાય છે કે ગઝલ કવિનો સૌથી પ્રિય કાવ્યપ્રકાર છે — શબ્દોના એ આશક છે અને શબ્દો જ એમના શ્વાસ છે.
(સર્જાતા જતા પુસ્તક “વિવેકના શેરોનો આનંદઃ ડો. વિવેક મનહર ટેલરના ૫૦ શેરો વિશે રસમય વાંચન “માંથી.)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો. (આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.) The original words of Girish Parikh in this post: Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.

ચોરસ ઓરડામાં બંધ… ! (‘વિવેકના શેરોનો આનંદ’: 44)

નવેમ્બર 17, 2011

હું ચોરસ ઓરડામાં બંધ રહીને જોઉં છું દુનિયા,
ફૂલો ચોરસ છે, ચોરસ ખૂશ્બુ ને ચોરસ છે આ આભો.

વિવેકના આ શેરનું વાંચન-પઠન-ચિંતન કરતાં વિવેકાનંદે શિકાગોમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં કહેલી ‘કુવાના દેડકાની કથા’ યાદ આવી. સ્વામીજીએ સ્વમુખેથી અંગ્રેજીમાં બોલેલા શબ્દોને સ્વભાષામાં ઉતારવા પ્રયત્ન કરું છું:

એક દેડકો કુવામાં રહેતો હતો. ત્યાં એ ઘણા વખતથી રહેતો હતો. ત્યાં જ એ જન્મ્યો હતો અને ત્યાંજ એનો ઉછેર થયો હતો, અને છતાં એ નાનકડો દેડકો હતો.

દેડકાએ આંખો ગુમાવી હતી કે નહીં એ આપણને કહેવા માટે એ વખતે, અલબત્ત, ઈવોલ્યુશન-પંડિતો ત્યાં નહોતા. પણ આપણી વાર્તાને ખાતર આપણે એ માનવું જ રહ્યું કે એને આંખો હતી, અને એ દરરોજ કુવામાંના પાણીમાંથી જંતુઓ અને બસીલાઈ (bacilli) એવા જુસ્સાથી દૂર કરતો હતો કે આપણા હાલના બેક્ટેરીઓઓજીસ્ટોને પણ એ માટે ગર્વ થાય. આ રીતે થતું રહ્યું અને એ નાનકડો દેડકો જાડો થતો ગયો.

પછી એક દિવસ દરિયામાં રહેતો બીજો દેડકો ત્યાં આવ્યો અને કુવામાં પડી ગયો.

“તું ક્યાંથી આવ્યો છે?” કુવાના દેડકાએ પૂછ્યું.

“હું દરિયામાંથી આવ્યો છું.” દરિયાના દેડકાએ કહ્યું.

“દરિયો! કેટલો મોટો છે? મારા કુવા જેટલો મોટો છે?” અને એણે કુવામાં કુદકો માર્યો.

“મારા દોસ્ત,” દરિયાનો દેડકો બોલ્યો, “દરિયાને તું તારા નાનકડા કુવા સાથે કેવી રીતે સરખાવી શકે?”

કુવાના દેડકાએ મોટો કુદકો માર્યો અને પૂછ્યું, “તારો દરિયો આવડો છે?”

“કેવી અક્કલ વિનાની વાત કરે છે! દરિયાની સરખામણી કંઇ કુવા સાથે થઈ શકે?”

“ઠીક ત્યારે,” કુવાનો દેડકો બોલ્યો, “મારા કુવાથી કશું મોટું હોઈ ન શકે; આનાથી કશું જ મોટું ન હોઈ શકે; આ દેડકો જુઠ્ઠો છે, માટે એને અહીંથી બહાર કાઢો.”

આ જ તકલીફ છે. … હું મારા નાનકડા કુવામાં બેઠો છું અને વિચારું છું કે મારો નાનકડો કુવો આખું જગત છે.

ચાલો, આપણા નાનકડા રહેઠાણની દીવાલો ઓળંગીએ.

નોંધઃ ‘કુવાના દેડકાની કથા’ (“Why We Disagree”) The Complete Works of Swami Vivekananda ના Volume 1 માં ઓન લાઇન વાંચોઃ http://www.ramakrishnavivekananda.info .
રાજકોટના શ્રી રામકૃષ્ણ આશ્રમે The Ceomplete Works of Swami Vivekannda ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’ નામે (દસ ભાગમાં) પ્રગટ કર્યા છે. આ લીંક પરથી માહિતિ મેળવોઃ http://www.rkmrajkot.org/publication.php .

(સર્જાતા જતા પુસ્તક “વિવેકના શેરોનો આનંદઃ ડો. વિવેક મનહર ટેલરના ૫૦ શેરો વિશે રસમય વાંચન” માંથી.)

ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post:
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.