“અનન્ય”ની અનન્ય વાર્તાઃ (“અનંત લક્ષ્મી” નવલકથા-સર્જનની કેફિયતઃ ૧)

“શબ્દોનું સર્જન” બ્લોગ પર પોસ્ટ થયેલી “અનન્ય”ની આ અનન્ય વાર્તા અનંત લક્ષ્મી નવલક્થાના સર્જનની પ્રેરણા છેઃ

બેઠક -૨૦૧૬ વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -(5) સાચી શ્રદ્ધાંજલિ- અનન્ય

એક લઘુ કથા વાંચજો- વંચાવજો અને કોમેંટ પણ યોગ્ય લાગે તો લખજો- સ્પર્ધામાં તે મહત્વના છે,આપના મંતવ્ય જરૂર થી આપશો,રીડર્સ પોપુલર ચોઈસ પણ જરૂરી છે, આપ બેધડક અભિપ્રાય આપી શકો છો.

સાચી શ્રદ્ધાંજલિ

        શાંતિલાલ એક શિક્ષક હતાં. આદર્શ, નિતી-નિયમો ને સિદ્ધાંતોથી તેમનું જીવન તેજસ્વી સૂર્યની જેમ દીપતું હતું. એમની પત્ની જ્યોતિ પણ સુશીલ અને ખાનદાન હતી. બે પુત્ર આનંદ અને પ્રકાશ એમ ચાર જણાનું તેમનું નાનું પણ સુખી પરિવાર હતું. શાંતિલાલ શિસ્તનાં આગ્રહી હતાં. ઈમાનદારી અને સત્યપ્રિયતા એમનાં જીવનનાં અમૂલ્ય ગુણો હતાં. બંને દીકરા ભણવામાં હોંશિયાર હતાં. અમૂલ્ય સંસ્કારોની મૂડીનું એમણે બંને દીકરામાં સિંચન  કર્યું હતું. ખેર ! મોટા દીકરા આનંદની વિચારધારા કંઈક અલગ હતી. ઘણી વાર એ પિતા સાથે દલીલ કરતો, પણ દરેક વખતે શાંતિલાલ પ્રેમથી એને સમજાવી લેતાં.સમય વીતતો ગયો. ભણી ગણીને આનંદ સારી નોકરીએ લાગી ગયો. પ્રકાશ તો પિતાનાં પગલે એક આદર્શવાદી શિક્ષક જ બન્યો. બંનેના લગ્ન પણ થઈ ગયાં. જે ભાડાનાં ઘરમાં રહેતા હતાં તે હવે નાનું પડવા માંડ્યું. શાંતિલાલે જ સમજીને બીજું એક ભાડાનું ઘર લઇ લીધું અને બંને દીકરાને પ્રેમથી અલગ કરી દીધાં. જ્યોતિ અને એ બંને દીકરાને ત્યાં વારાફરતી બબ્બે મહિના રહેવા જતાં. બહુ જ સરસ રીતે તેમનો ઘર સંસાર ચાલી રહ્યો હતો.

      તે દિવસે શાંતિલાલ અચાનક જ આનંદને ત્યાં પહોંચી ગયાં. આનંદ હજુ કામ પરથી આવ્યો ન હતો. સોફામાં બેસતા જ એમની નજર ટીપોય પર પડેલાં કાગળો પર ગઈ. એ કાગળો જોતાં જ એ ચોંકી ઉઠ્યા. અરે ! મારો દીકરો શેરબજાર ની લતે કઈ  રીતે લાગ્યો ?મારે એને  વહેલામાં વહેલી તકે  આમાંથી બહાર કાઢવો પડશે. નાનો પ્રકાશ તો ઈમાનદાર અને આદર્શવાદી છે. પૈસાની માયા એને  લાગી નથી. આનંદને પૈસાની માયાજાળમાંથી બહુ જ જલ્દીથી બહાર કાઢવો પડશે નહીં તો ભવિષ્યમાં એ કોઈ મોટી મુશ્કેલીમાં આવી જશે. આનંદના ઘરમાં આવતા એમની વિચારધારા અટકી. પિતાજીને જોતાં જ આનંદ પગે લાગવા આગળ વધ્યો, પણ શાંતિલાલે પગ પાછા ખેંચી લીધા. પોતાની નારાજગી જતાવતા કંઈક ગંભીર અવાજે એમણે કહ્યું “બેટા, આ શેરબજારનો રસ્તો કોણે દેખાડ્યો ?આપણા જેવાં સામાન્ય માણસો માટે આ બજાર નથી. . વહેલામાં વહેલી તકે આ લાઈન છોડી દે.” આનંદે પિતાજીની વાત સાથે સંમત ન થતાં પ્રથમ વાર થોડાં ઊંચા સ્વરે કહ્યું ” પપ્પા, આમ માત્ર નોકરી કરીને ઘરખર્ચ કાઢતાં ને થોડું ઘણું બચાવતાં ક્યારે ય સામાન્યતામાંથી બહાર ન આવી શકીએ. જિંદગીમાં પૈસો બહુ જ મહત્વનો છે. આસાનીથી પૈસો મેળવવા માટે શેરબજાર જ શ્રેષ્ઠ માર્ગ છે. ” પુત્રની વાતથી વ્યથિત થયેલાં શાંતિલાલે ફરી સમજાવવાનો પ્રયત્ન કરતાં

કહ્યું “બેટા, જિંદગીમાં પૈસા જરૂરી છે પણ પૈસા એ જ સર્વસ્વ નથી. પરસેવાની મહેક વગરનો પૈસો ક્યારે ય ટકતો નથી. આપણી પાસે નીતિ, આદર્શ અને સિદ્ધાંતોની અમૂલ્ય મૂડી હોય તો પછી આવી જુગાર ગણાતી રમતમાંથી પૈસા મેળવવાનો શું અર્થ ?”

આ સમજાવટની પણ આનંદ પર કોઈ અસર નહીં થઈ. એણે મક્કમતાથી કહી દીધું “પપ્પા, આ પણ એક પ્રકારનો ધંધો જ છે. ધંધો કરીને કમાવવામાં મને કંઈ ખોટું લાગતું નથી. ” વધુ દલીલ ન કરતાં શાંતિલાલ ઉભા થઈને ઘરમાંથી બહાર નીકળી ગયાં. ક્યારે ય આવું વર્તન ન કરનાર પપ્પા પર આનંદને થોડો ગુસ્સો આવ્યો અને થોડું દુઃખ પણ થયું. આ બનાવ પછી પણ પપ્પાએ આવન જાવન ચાલુ તો રાખી. છતાંયે આનંદને એમ જ લાગતું કે એમનાં વર્તનમાં પહેલા કરતાં ફર્ક પડી ગયો છે. એમનાં પ્રેમ અને લાગણીમાં થોડી ઓછપ આવી ગઈ છે.

   સમય વિતતો ગયો. આનંદે નોકરીની સાથે શેરબજાર પણ ચાલુ જ રાખ્યું. છાશવારે પપ્પાની રોકટોક પણ ચાલુ જ રહી. ઘણી વાર એને થતું કે પપ્પાને કહી દઉં કે જમાનો બહુ આગળ નીકળી ગયો છે. તમારાં જૂનવાણી વિચારો હવે નહીં ચાલે. ખેર ! એ ખામોશ રહેતો. કોઈક વાર જો એ સંયમ તોડીને પપ્પાને કંઈક કહી દેતો તો રાત્રે એની પત્ની સ્નેહા રીસાઈ જતી. એ તો બસ એક જ વાત કહેતી. પપ્પાજી કંઈ કહે છે તો તે સારા માટે જ કહેતાં હશે ને. મને બીજી તો કંઈ સમજ  ન પડે પણ પપ્પાજી મારા માટે એક સંત પુરુષ છે. એમનું દિલ દુખાય તે મને ન ગમે. પત્નીની વાતને ગણકાર્યા વગર આનંદે તો શેરબજારનું રોકાણ ચાલુ જ રાખ્યું. કંઈક મિત્રોની સંગત, કંઈક આરામથી મળતો પૈસો આ બધાંને કારણે આનંદ શેરબજારથી દૂર થવાને બદલે વધુ ને વધુ અંદર ઉતરતો ગયો. નોકરીમાંથી મળતાં પૈસા જેટલાં તો ક્યારે ક એક બે સોદામાં જ મળી જતાં. ક્યારેક બે મહિનાનું કમાયેલું એક ઝાટકે નીકળી પણ જતું. અલબત, અત્યાર સુધી એકંદરે એ લાભમાં જ રહ્યો હતો.

   અશેષના જન્મ પછી તો આનંદ અને સ્નેહાની  ખુશીનો કોઈ પાર ન હતો. થોડીક આર્થિક સદ્ધરતાના કારણે અશેષનો ઉછેર સારી રીતે થઈ શકશે એ વાતનો એને ગર્વ હતો. એ દિવસે અશેષનાં પ્રથમ જન્મદિવસની પાર્ટી હતી. સગાં સંબંધી અને મિત્રોની હાજરીમાં પાર્ટી બહુ જ સરસ રીતે પૂર્ણ થઈ. તે દિવસે રાત્રે પપ્પાએ પાછી  એ જ જૂની પૂરાણી રેકર્ડ ચાલુ કરી. ” દીકરા, હવે તો તું બાપ થઈ ગયો છે. તારી જવાબદારી વધી ગઈ છે. આ શેરબજારનાં ચક્કરમાંથી હવે તો બહાર આવી જા. બેટા, પરસેવા વગરની કમાઈમાંથી જિંદગીની મહેંક નથી આવતી. આ શેરબજારનો ધંધો આપણાં માટે નથી. ” આનંદ તો રંગે ચંગે પતી ગયેલી પાર્ટી પછી આવી કચકચથી કંટાળી ગયો. એનો બધો જ મૂડ ખલાસ થઈ ગયો. મનમાં ખૂબ જ ગુસ્સો આવ્યો પણ એ આખા દિવસની મજા પર પાણી ફેરવવા માંગતો ન હતો તેથી ખામોશ રહ્યો. પોતાની પ્રગતિ પર ખુશ થવાને બદલે પપ્પાની નારાજગી જોઈ એને અફસોસ થયો. તે રાત્રે એણે મનોમન નક્કી કરી લીધું કે હવે તો શેરબજારમાંથી જ પુષ્કળ પૈસા કમાઈને પપ્પાને ખોટાં પૂરવાર કરી દઈશ. એમને ખબર પાડી દઈશ કે હું જે શેરબજારમાં રમત રમું છું તે પૂરેપૂરી ગણતરી સાથેની હોય છે. કોઈક વાર નૂકસાન ગયું છે પણ સરવાળે તો ફાયદો જ થયો છે.

     બસ પછી તો આનંદે શેરબજારનું રોકાણ થોડું થોડું વધારવા માંડ્યું. એની ગણતરીનાં આધારે એને સફળતા પણ મળવા લાગી. એ દિવસે એણે શેરબજારમાં એક આંધળું સાહસ ખેડી નાખ્યું. કોઈક અંગત દ્વારા મળેલી ખબરનાં આધારે એણે એક નવી કંપનીનાં એક લાખ શેરનો સોદો કરી નાખ્યો. દાવ બહુ જ મોટો હતો. એનાં ગજા કરતાં ઘણો વધારે હતો. જો કે એને પાક્કી બાતમી મળી હતી કે માત્ર એક જ મહિનામાં આ શેરનાં ભાવ બમણાં થઈ જશે. જો એમ થાય તો એ  માલામાલ થઈ જશે. મળનારાં પૈસાના આધારે એણે ભવિષ્યની કંઈક થોડી યોજનાઓ પણ વિચારી રાખી હતી. ભાડાના ઘરને છોડી પોતાનો એક ફ્લેટ લેવાની એની ઈચ્છા હતી. સ્કૂટરને તિલાંજલિ આપીને એણે ગાડી લઇ લેવાનું વિચારી લીધું હતું. સોનેરી ભવિષ્યની કલ્પનાથી તે ખુશખુશાલ હતો. ખેર! વિધાતાને કંઈક જૂદું જ મંજૂર હતું. ઓફિસેથી આવીને રાતે જમી લીધા પછી એ દૂરદર્શન પર સમાચાર જોઈ રહ્યો હતો. એણે જે કંપનીનાં શેર લીધા હતાં તે કંપનીની સામે કંઈક કાયદાની ગૂંચ ઉભી થઈ હતી. ગૂંચ જટિલ હતી ને જો ન ઉકેલાઈ તો કંપનીનું ભાવી ધૂંધળું હતું. જો આવું કંઈ થાય તો શેરનાં ભાવ તળિયે જતાં રહે. આ વિચારથી જ એ હચમચી ગયો. એનાં આખા શરીરે પરસેવો વળી ગયો. ભવિષ્યની સોનેરી કલ્પનાઓ જાણે હવામાં ઉડી ગઈ. અનેક ખોટાં વિચારો તેનાં મનમાં આવી ગયાં.આખરે શેરબજાર સવારે ખુલે ત્યારે જ બધાં શેર ભાવ વધુ તૂટે તે પહેલાં જ કાઢી નાખવા એવો નિશ્ચય કરીને તે સૂવા ગયો. પત્નીનો પ્રેમાળ સાથ પણ તેને ઊંઘવામાં મદદ કરી શક્યો  નહીં. કેટલી નુકસાની જશે એની જ ગણતરીમાં એની આખી રાત પસાર થઈ ગઈ. થોડી થોડી વારે મોટી નુકસાનીનાં વિચારે એ પથારીમાં બેઠો થઈ જતો. સવારનાં પ્રથમ સોદામાં જ જો બધાં શેર નીકળી જાય તો ભલેને ઓછો ભાવ આવે પણ મોટી નુકસાનીમાંથી બચી જવાય.

        સવારે ઓફિસેથી રજા લઈને પહેલાં શેરનું કામકાજ કરવાનું એણે નક્કી કર્યું. ત્યાં જ સાત વાગ્યામાં માટુંગાથી નાનાં ભાઈનો ફોન આવ્યો, ‘પપ્પાની તબિયત અચાનક બગડી ગઈ છે. તમને યાદ કરે છે. મેં ડોક્ટરને બોલાવી લીધા છે. તમે નીકળીને જલ્દીથી આવી જાઓ. ‘અશેષને પાડોશીનાં ઘરે મૂકી, એ બધું જ ભૂલીને માટુંગા જવા નીકળી પડ્યો. પણ, અફસોસ ! એ લોકો નાનાં ભાઈને ત્યાં પહોંચે એ પહેલા જ પિતાજી ચીર નિંદ્રામાં પોઢી ગયાં હતાં.પિતાજી યાદ કરતાં હતાં ને તો યે એમને મળી શકાયું નહીં એ વાતનું દુઃખ આનંદને ભીતરથી કોરી ખાતું હતું. સ્મશાનમાં ભારે હૃદયે પિતાજીનાં દેહને દાહ આપી ,એક ખૂણામાં ઉભો હતો. આંખમાંથી અશ્રુની ધારા અવિરત વહી રહી હતી. તે વિચારી રહ્યો હતો ‘કેટલો પ્રેમ પિતાજીને બંને દીકરા પર હતો. કેટલાં લાડકોડથી અમને બંનેને તેમણે મોટા કર્યા હતાં.ક્યારે ય એક નાની ટપલી પણ અમને મારી ન હતી. અમારાં ભાઈઓનાં પરસ્પરનાં સુમેળથી તેઓ પણ કેટલાં ખુશ હતાં. અમારાં બધાં જ અરમાન તેમણે પૂરાં કર્યા હતાં.જિંદગીમાં અમને પૂર્ણ સ્વતંત્રતા આપી હતી. કોને ખબર કેમ પણ મેં જ્યારથી નોકરીની સાથે શેરબજાર ચાલુ કર્યું ત્યારથી તે નારાજ થઈ ગયાં હતાં. શેરબજારની યાદ આવતા જ તેનાં દિલમાં ફડકો પેઠો. અરે ! શેરબજાર તો ખુલી ગયું હશે ને અત્યારે એ શેર કાઢી નાખવા માટે કોઈને કહે એવી કોઈ જ શક્યતા ન હતી. હવે  શું થશે એ વિચારે એ પાગલ જેવો થઈ ગયો. સાંજ સુધીમાં જો શેરનાં ભાવ વધુ ગગડી જાય તો આપઘાત સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં રહે. મનોમન એણે પિતાજી પર ગુસ્સો આવી ગયો. હંમેશા મને શેરબજારથી દૂર રહેવા ટોકતાં હતાં અને આજે માત્ર એમના કારણે જ હું જિંદગીથી દૂર થઈ જઈશ. મારાં શેર વેંચાઈ ગયાં પછી મરી ગયા હોત તો નુકસાન તો જાતે પણ સહન કરી શકાતે. આ તો એ મરતા ગયા અને મને પણ મારતાં ગયા. નાં, નાં પણ એમાં એમનો શું વાંક ?

એ તો હમેંશા મને શેરબજારથી દૂર રહેવા સમજાવતા હતાં. કંઈક કેટલી યે વાર એમણે કહ્યું હતું “બેટા, પરસેવા વિનાની કમાઈમાથી જિંદગીની સુગંધ નથી આવતી. જુગાર જેવી રમત વાળો આ શેરબજારનો ધંધો આપણા માટે નથી. પૈસો જીવનમાં જરૂરી છે પણ પૈસો જ કંઈ સર્વસ્વ નથી. “પણ મેં જ ક્યારે ય એમની વાત ધ્યાનમાં લીધી નહીં. બંગલા અને ગાડીનાં સ્વપનાઓ

સેવવામાં હું જ જિંદગીનાં સાચા મૂલ્યોને ભૂલી ગયો.  સ્નેહાએ પણ મને સંત એવા પિતાજીની વાત માનવા કહ્યું હતું પણ હમેંશા તને આ બધામાં સમાજ ન પડે એમ કહીને મેં એને ચૂપ કરી દીધી હતી.   એનાં મનમાં વિચારો શમતાં જ ન હતાં. પણ ચિતાની આગ શમી ગઈ. સ્મશાનેથી નીકળી ઘરે આવીને એ સ્નાન કરવા બાથરૂમમાં ગયો. એ જાણતો હતો કે શેર અંગેની કોઈ પણ વાત કરવા માટે આ સમય યોગ્ય ન હતો. છતાં પણ છાતી પર પત્થર મૂકી ભારે અને દબાતે અવાજે એણે મોબાઈલ પર શેરનાં ભાવ પૂછ્યાં. એનાં આશ્ચર્ય વચ્ચે સામેથી જવાબ આવ્યો “સવારે તો આ શેર ગઈકાલ કરતાં ઘણાં નીચા ભાવે ખુલ્યો હતો. પણ જે કંપનીનાં શેર હતાં તે કંપનીએ વિગતવાર મીડિયાને એમની સ્થિતિ અંગેનો ખ્યાલ આપતાં ભાવ ઊંચકાઈ ગયા. અત્યારે તો એ શેરનો ભાવ ગઈ કાલ કરતાં વીસ રૂપિયા વધારે છે. બોલો તમારે શું કરવું છે ?”એક પળનો પણ વિલંબ કર્યા વગર આનંદે કહી દીધું “ભાઈ,મારાં બધાં જ શેર કાઢી નાખ. “આનંદે વિચાર્યું કે જો સવારે શેર કાઢી નાખ્યા હોત તો નુકસાન ભોગવવું પડતે પણ આ

તો પપ્પાના મૃત્યુને લીધે જ શક્ય ન બન્યું. પપ્પા તો મરી ગયાં, પણ મને તારી ગયાં ઓછામાં ઓછા વીસ લાખ રૂપિયાનો ફાયદો થયો હતો.જો કે આ જાણીને હળવાશ અનુભવવાને બદલે એણે બાથરૂમમાં જ મોટી પોક મૂકી. એ આંસુ અંતરનાં ઊંડાણથી આવ્યા હતાં. વહેતા આંસુની સાથે એણે શેરબજારને કાયમને માટે તિલાંજલિ આપી દીધી. પિતાજીને સાચી શ્રદ્ધાંજલિ મળી ગઈ.                                                                                                  – અનન્ય-

“અનન્ય”ની વાર્તાની લીંકઃ
https://shabdonusarjan.wordpress.com/2016/02/24/%e0%aa%ac%e0%ab%87%e0%aa%a0%e0%aa%95-%e0%ab%a8%e0%ab%a6%e0%ab%a7%e0%ab%ac-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%a8%e0%ab%81-%e0%aa%ae%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9a%e0%aa%a8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%b5%e0%aa%be-4/

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: