“સવારે પાંચ વાગ્યે શિયાળાની ગુલાબી ઠંડીમાં એક નાનો છોકરો કામળી ઓઢી બા સાથે રાધાવલ્લભ મંદિર તરફ જઈ રહ્યો છે. મંદિરમાં મંગળાદર્શન થાય છે. મુખિયાજી વારે વારે પડદો પાડે છે, અને જ્યારે જ્યારે ઉઘાડે છે ત્યારે કૃષ્ણને નવા વાઘા પહેરાવ્યા હોય છે. અને બા ભક્તો સાથે ભક્તિમય થઈ ભજનો ગાય છે.
“આ લખનાર છે એ છોકરો. સ્વ. કંકુબા પાસેથી એને ભક્તિના સંસ્કાર મળ્યા છે.
“અમદાવાદથી વીસ માઈલ દૂર મારા ગામ બાવળામાં અમારા ઘર સામે બાએ લીમડો ઉગાડ્યો હતો. એના નીચે ખાટલામાં જેવી મીઠ્ઠી ઊંઘ આવતી એવી ઊંઘ મને હજુ સુધી આવી નથી!” (“ગુજરાત ટાઈમ્સ” (જાન્યુઆરી ૩, ૨૦૧૪, ‘સપ્તક’)માં પ્રગટ થયેલ “મારું ગામ બાવળા”માંથી.)
ભક્તિમય હતાં બા. બાવળામાં ભજનો ગાતાં ગાતાં ભક્ત સ્ત્રીઓ સાથે ગામમાં ફરતાં ફરતાં એવાં તન્મય થઈ જતાં કે ઘેર પાછા આવવાનો રસ્તો પણ ભૂલી જતાં. કોઈ ભક્ત સ્ત્રીઓ માંહોમાંહે કહેતીઃ કંકુબાને ઘેર દોરી જવાં પડશે!
મારું મોટા ભાગનું બચપણ અને કિશોરાવસ્થા મારા ગામ બાવળામાં પસાર થયાં છે. મારા સ્વ.પૂજ્ય પિતાજી શ્રી હરિભાઈ જ. પરીખ બાવળામાં વર્ષો સુધી શિક્ષક હતા.
મારો જન્મ અમદાવાદથી વીરમગામ જતાં વચ્ચે આવતા વીરોચન નગરમાં નવેમ્બર ૧૪, ૧૯૩૪ના દિવસે. પિતાજી એ વખતે ત્યાં શિક્ષક હતા.
બાવળાથી ચાર માઈલ દૂર આવેલું કેરાળા પણ મારું જ ગામ છે. મારા પૂર્વજો મૂળ અમદાવાદના. મોસાળ કેરાળામાં આવીને પછી એ વસેલા.
મારા દાદા સ્વ. પૂજ્ય શ્રી જગજીવનદાસ કેરાળા અને આસપાસનાં ગામોમાં જગાભા તરીકે ઓળખાતા. “જગાભાનું કેરાળા” એમ કહેવાતું. જગાભાને જમીન હતી ને આવક સારી હતી પણ એ એટલા બધા ઉદાર હતા કે એમના મૃત્યુ વખતે દેવું થઈ ગયેલું.
પિતાજી કહેતા કે મારે શૂન્યમાંથી નહીં પણ ઓછામાંથી સર્જન કરવાનું હતું. શિક્ષકના ટૂંકા પગારમાં ખૂબ કરકસરથી જીવીને એ કુટુંબને ઊંચે લાવ્યા. અમને ત્રણ ભાઈઓ અને એક સ્વ. બહેનને સંસ્કાર આપ્યા અને મારા મોટા ભાઈ સ્વ. પૂજ્ય શ્રી નટવરભાઈને એન્જિનિયર બનાવ્યા અને વધુ અભ્યાસ માટે ઇગ્લેન્ડ પણ મોકલ્યા. મારા સૌથી મોટા ભાઈ સ્વ. પૂજ્ય શ્રી મણિભાઈ પોસ્ટલ ઓફિસરના હોદ્દા સુધી પહોંચ્યા. મારાં બાએ પિતાજીને આ ભગીરથ કાર્યોમાં સપૂર્ણ સહકાર આપ્યો હતો.
(વધુ હવે પછી …)
(All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail: gparikh05@gmail.com.)
Advertisements
પ્રતિસાદ આપો