Archive for the ‘ટમટમતા તારલા’ Category

મંજુલ ગીતો ગાઉં…!

June 29, 2010
(૧૯૫૧-૧૯૫૩માં હું ગુજરાત કોલેજ (અમદાવાદ) માં ફર્સ્ટ ઇયર અને ઇન્ટર સાયન્સમાં ભણેલો. ગુજરાતના મહાન વિવેચક સ્વ. અનંતરાય રાવળ સંપાદીત ગુજરાત કોલેજના વાર્ષિકમાં આ ગીત પ્રગટ થયેલું.
સ્વ. અનંતરાય રાવળને આ ગીત સાદર અર્પણ કરું છું.)    
 
મંજુલ ગીતો ગાઉં, મજાનાં મંજુલ ગીતો ગાઉં,
બુલબુલ થઈને ગાઉં, મજાનાં મંજુલ ગીતો ગાઉં.
 
ઘૂંટણિયે ઘૂમનારા નાના બાળક પાસે જાઉં,
નાનકડા બાળકના કાને મંજુલ ગીતો ગાઉં — મજાનાં…
 
આમ્રઘટામાં સંતાતી કો’ કોયલ પાસે જાઉં,
એને પણ ઇર્ષ્યા ઉપજાવે એવાં ગીતો ગાઉં – - મજાનાં…
 
કલકલ કરતા મસ્ત ઝરણની પાસે દોડી જાઉં,
કલકલ ગીતમાં સંગીત રેડી મીઠાં ગીતો ગાઉં – - મજાનાં…  
 
સંસારે ભરદરિયે ઝૂઝતા નાવિક પાસે જાઉં,
દુઃખડાં એનાં હળવાં કરવા મંજુલ ગીતો ગાઉં — મજાનાં…
 
વિયોગથી ઝૂરતા કો’ દુઃખી માનવ પાસે જાઉં,
કદી ન ગાયાં એવાં મીઠાં ગીત રસાળાં ગાઉં — મજાનાં…
 
મંજુલ ગીતો ગાઉં, મજાનાં મંજુલ ગીતો ગાઉં,
બુલબુલ થઈને ગાઉં, મજાનાં મંજુલ ગીતો ગાઉં.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

ગામનો વડલો

June 24, 2010
(રક્ત ટપકતી સો સો ઝોળી … એ ઢાળ)
 
વડલાની ઘનઘોર ઘટાઓ આશ્રય શીતળ આપે,
સૂરજનાં કિરણોને રોકી છાયા એ પ્રસરાવે;
             થાક્યાં પાક્યાં અપંગને,
             આશ્રય આપી સંતોષે.
 
એની ઘોર ઘટાઓ નીચે રંક રાય સૌ સરખાં,
એની સઘળી ડાળી ઉપર પંખી વાસ કરંતાં;
             એ તો સંતોષે સહુને,
             બાળ કે યુવાન વૃધ્ધોને.
 
વર્ષોથી જનસેવા કરતો દેહ જીર્ણ કરીને,
જનસેવામાં જરી ન ડગતો ભૂલી સ્વાર્થનીતિને;
            કહેતો સર્વ જનોને એ,
            બનજો ઉપયોગી સૌએ.
 
નિત્ય સાંજનાં રમતાં બાળક એની છાયા નીચે,
વડલો એ નિર્દોષ રમતને મીટ માંડીને જુએ;
            કહેતો નિત્ય રમો આવું,
            મુજને ગમે સર્વ જોવું.
 
શરદ ઋતુની રાતલડીએ ચંદ્ર-સુધા ઝરમરતી,
વડલાના પાને પાને એ હસતી રમતી ઝમતી;
            મીઠી વાતલડી ઉર કહેતી;
            વડલાના પાને રમતી.
 
હેમંતે કોમળ થઈ જાતો સૂરજ કેરો તાપ,
ઝાડ સોંસરો વાયુ વાય કરે કાંઈ વિલાપ;
            રાત્રે હિમ પડે સઘળે,
            ઝાકળબિંદુડાં ડોલે.
 
શિશિર ઋતુમાં વસ્ત્ર વિખેરી વડલો ઊભો રહેતો,
‘નવવસ્ત્રો હું ધરીશ વસંતે’ એમ સહુને કહેતો;
            વડના થડથી રસ ઝરતો,
            તો પણ વડલો તો હસતો ! 
 
વસંતમાં નવપર્ણ ધરીને અડગ ઊભો એ રહેતો,
એની નીચે ખેડૂબાળો કેરો રાસ રમાતો;
            જોઈ હરખાતો વડલો,
            સહુના પિતા સમો ઊભો.
 
ગ્રીષ્મ ઋતુમાં સૂરજદાદા બપોરમાં બહુ ધખતા,
વડલાદાદા છાયાથી લોકોનું રક્ષણ કરતા;
            થાતી કસોટી બન્ન્નેની,
            થશે જીત રવિ કે છાયાની.
 
વર્ષામાં વાદળ ઘેરાંતાં ચપલા ચમકી જાતી,
વાયુનાં તોફાન કરીને વાદળ જાતાં વરસી;
            ખેડુની છાતી ફૂલતી,
            હર્ષથી આંખો એ હસતી.
 
લોકો સઘળાં પલળી જઈને આખર જાતાં વડલે,
આશ્રિત બનીને વડલા કેરાં જોતાં સર્વ ક્ષિતિજે;
            વડલો આનંદે હસતો,
            સૌના પિતા સમો દીસતો.
 
પર્ણ ઉપરનાં જલબિંદુઓ ટપ…ટપ… નીચે પડતાં,
માનવજનનાં દુઃખો દેખી વડનાં નયનો રડતાં;
            મળે જો આંસુ ભેગાં સહુ,
            ભરાયે સાગર મોટા બહુ !
 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

મારે થાવું છે ઇજનેર

June 21, 2010
(મારા સ્વ. મોટા ભાઈ પૂજ્ય નટવરભાઈ પરીખ જે કુશળ સીવીલ ઇજનેર હતા એમને આ કાવ્ય અર્પણ કરું છું. એમની જ પ્રેરણાથી હું સીવીલ ઇજનેર બનેલો. — ગિરીશ)
 
મારે થાવું છે ઇજનેર, હું તો ઇજનેર બસ થઈશ.
 
મોટી મોટી નદીઓ આડે મજબૂત પુલ બાંધીશ,
તળાવ મોટાં મોટાં બાંધી ભૂમિને સિંચીશ,
નદીઓ આડે વજ્રસમા હું બંધો કંઈ બાંધીશ,
નદીઓનાં રોકેલાં પાણી નહેરોથી સિંચીશ.        મારે… 
 
અઢળક સંપત્તિથી ભરપૂર ખાણો કંઈ ખોદીશ,
એ સમૃધ્ધિથી હું ભારતમાતાને સજવીશ,
માતાને હસતી દેખીને હું પણ બહુ હરખીશ,
ભારતમાના હૈયામાંથી પ્રેમ-સુધા પામીશ.       મારે…
 
ગાંડી થઈને દોડી જાતી નદીઓ હું રોકીશ,
એ જળમાંથી જળ-વિદ્યુત પેદા હું અચૂક કરીશ,
એ વીજળીને સહુ કેરા હું ઘર ઘર પહોંચાડીશ,
દીનદુખિયાંનાં અંધારાં ઘર રોશનીથી ઝગવીશ.     મારે…
 
ગરીબ વસતાં ગંદા ઝૂંપડે એવું કેમ સહીશ?
ઝૂંપડાંમાંથી મહેલાતો હું રહેવા કાજ કરીશ,
ભારતમાતા ઉજ્જ્વળ કરવા તનમન ધનથી મથીશ,
મોંઘીમૂલી આપો આશિષ ઇજનેર હું થઈશ.
 
મારે થાવું છે ઇજનેર, હું તો ઇજનેર બસ થઈશ.
NOTE: Such poems can be written for other professions also. They will inspire, and give some information to children.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

ભારતમાનો બાળક

June 20, 2010
જોર શોર કરી ઘૂઘવ સાગર તો પણ તને હરાવીશ,
ઊછળે છોને મોજાં ઊંચાં તો પણ તને મનાવીશ.
 
હું છું બાળક નાનો પણ છે હિંમત ભારે મારી,
ધરું તો હોડીમાં બેસી સ્વાર થઉં પીઠ તારી.
 
જંગી માછલીઓ ને મગરો છો વસતા ગંજાવર,
તો પણ હું તો હોડી લઈને નાચીશ તારી પીઠ પર.
 
મોતીડાં મુજને નહીં દે તો ખૂંદીશ તારાં તળિયાં,
મોંઘાંમૂલાં રત્નો શોધી સ્વાંગ સજીશ ભારતના.
 
ગર્વ કરીશ નહીં સાગર પ્યારા ! ખેલીશ તારા જળમાં,
હું છું ભારતમાનો બાળક બીક નથી મારામાં.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

ભૂમિદાન

June 20, 2010
(પૂજ્ય વિનોબા ભાવે ‘ભૂમિદાન’ યોજનાના પ્રસારનું પુણ્યકાર્ય કરી રહ્યા હતા ત્યારે લખાયેલું આ ગીત એમના ચરણ કમળમાં સાદર અર્પણ કરું છું. મહાગુજરાતની મે ૧, ૧૯૬૦ના રોજ જેમના હાથે સ્થાપના થઈ હતી એ ગુજરાત અને ભારતના મહાન સંત પૂજ્ય રવિશંકર મહારાજે પણ ભૂમિદાનના પુણ્યકાર્યમાં વિનોબાજીને સહકાર આપ્યો હતો.)
આંગણ એક ઋષિ આવ્યા છે,
                  ચાલો કરવા ભૂમિદાન.
ભૂમિદાન સ્વીકારે છે એ,
                  ચાલો કરીએ ભૂમિદાન.
રામ તણી આ ધરતી સઘળી,
                  સરખી સહુને માટે છે.
પાણી સહુનું, સૂરજ સહુનો,
                  ધરતી પણ સહુ માટે છે.
તો શાને દુખિયાં પાસે,
                  જમીનનો ટુકડોય નથી !
અન્યાયી આ વાત આપણે,
                  વિચારતા કાં કોઈ નથી ?
આ યોગીને દાન કરી દો,
                 સઘળી જમીન વધારાની.
ધન્ય બનો ભૂદાન કરીને,
                 ફરી ન તક મળશે આવી.
આંગણ એક ઋષિ આવ્યા છે,
                  ચાલો કરવા ભૂમિદાન.
ભૂમિદાન સ્વીકારે છે એ,
                  ચાલો કરીએ ભૂમિદાન.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

કોણે ઘુઘવાટ દીધો ?

June 19, 2010
કોણે ઘુઘવાટ તને દીધો, સાગર ઓ !
                 કોણે ઘુઘવાટ તને દીધો ?
ક્યાંથી ઘુઘવાટ શીખી લીધો, સાગર ઓ !
                 ક્યાંથી ઘુઘવાટ શીખી લીધો ?
 
આવડ્યાં ના ધરતીના ખોળામાં ખેલતાં
                 ઝરણાને ઘૂઘવાતાં ગાનો      સાગર ઓ …
 
સાગરે સમાવાને સરતી સરિતાએ
                 ઘુઘવાટ કો’ દી ના કીધો      સાગર ઓ …
 
ઝરમર ઝરમર કરતી વરસે છે વાદળી
                 એને ન આવડ્યો ઘુઘવાટો   સાગર ઓ …
 
એવા તે કોણે ખારા સાગરને
                   ઘુઘવાટો શીખવી દીધો ?    સાગર ઓ …
 
કોણે ઘુઘવાટ તને દીધો, સાગર ઓ !
                 કોણે ઘુઘવાટ તને દીધો ?
ક્યાંથી ઘુઘવાટ શીખી લીધો, સાગર ઓ !
                 ક્યાંથી ઘુઘવાટ શીખી લીધો ?
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

ઝાકળબિંદુને….!

June 18, 2010
રૂપેરી બિંદુડાં મોતી સમાં ઓ….
       ઓ રે ઓ   બિંદુડાં ઝાકળનાં હો !
 
સ્મિતનો શિરતાજ ધરી ઉષા શું આવતી,
કનકભર્યાં કિરણો એ હર્ષે રેલાવતી;
સરકે ગુલાલ રંગે સાળુનો છેડલો….
       ઓ રે ઓ   બિંદુડાં ઝાકળનાં હો !
 
ફૂલડે ફૂલડે વરસી આવો ઉલ્લાસમાં,
ઝરમરતાં ગાન ગાઓ ધરતીના હાસમાં;
વસતાં કમળદળ કેરી પાંખડીએ હો….
       ઓ રે ઓ   બિંદુડાં ઝાકળનાં હો !
 
વૃક્ષોનાં પર્ણોમાં બિંદુડાં વસનારાં,
અમે છીએ બાલપુષ્પો નિત હસનારાં;
ઝરમરતાં આવો ઝાકળબિંદુ પાસ હો….
     ઓ રે ઓ   બિંદુડાં ઝાકળનાં હો !
 
રૂપેરી બિંદુડાં મોતી સમાં ઓ….
       ઓ રે ઓ   બિંદુડાં ઝાકળનાં હો !
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

જોવાને

June 17, 2010
ઓ રે ઓ દોસ્તો ચાલો,
વગડે રઝળવા હાલો,
નીડર શૂરવીર થઈ મહાલો,
                 વનવગડા જોવાને.
નાની બનાવીએ હોડીઓ,
ઊંડી ઓળંગશું નદીઓ,
ડો’ળીશું નૌકા લઈ દરિયો,
                સાગર મોટા જોવાને.
ગીત ગાતા ટેકરીઓ ચઢશું,
ઊંચા પર્વત ચડવા લાગશું,
ઊંચા શિખરે પહોંચી જઈશું,
               ઊંચા પહાડો જોવાને.
વનમાં રખડશું રઝળશું,
મીઠાં મધ શાં ફળ ખાશું,
ઝાડે ચડી સૌ કૂદશું,
               મોટાં જંગલ જોવાને.
તળિયાં સાગરનાં ખૂંદીશું,
અણમૂલાં રત્નો લાવીશું,
ભારતને રત્ને સજાવશું,
               સુશોભિત ભારત જોવાને.
ચાલો રે દોસ્તો ચાલો,
ચાલો ઉપાડીએ રસાલો,
ભારતને ઉજાળવા હાલો,
              ભારતમા હસતી જોવાને.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

સૂરજદેવ

June 16, 2010
ઊગ્યા સૂરજદેવ ઊગ્યા સૂરજદેવ
          દૂર પૂરવને દ્વારે હો જી.
દુનિયાનાં લોક સહુ જાગ્યાં સૂરજદેવ
          મીઠી કિરણની ધારે હો જી.
ઝાકળ સુકાયું, તારા છૂપ્યા સૂરજદેવ
          મિજાજી આપના સ્વભાવે હો જી.
ભાગ્યું અંધારું રાત કેરું સૂરજદેવ
           આપ કેરા કપરા પ્રભાવે હો જી.
ચડવા માંડ્યા આભે ઊંચે સૂરજદેવ
           ઊના ઊના વાયરા વાયા હો જી.
ધખ ધખ ધખવા લાગ્યા સૂરજદેવ
           દુનિયાનાં લોક અકળાયાં હો જી.
પંખી માળે સંતાયાં સૂરજદેવ
           જીવજંતુ દરમાં છુપાયાં હો જી.
ત્રાસી ઊઠ્યાં પશુ પંખી સૂરજદેવ
           બળબળતા બપ્પોર જામ્યા હો જી.
ભેંસો તળાવમાં તરતી સૂરજદેવ
           ગાયોનાં ધણ વડે બેઠાં હો જી.
થાક્યાં પાક્યાં વડે ઊંઘે સૂરજદેવ
           બેસે ગોવાળિયા હેઠા હો જી.
સહુની સુણીને વિનંતી સૂરજદેવ
           લાગ્યા ઊતરવા આભેથી હો જી.
ઊતર્યા ઊતર્યા ધીરે ધીરે સૂરજદેવ
           ડૂબ્યા છેવટ પશ્ર્ચિમે હો જી.
અવની આનંદે છવાઈ સૂરજદેવ
           પશુ પંખીડાં મલકાયાં હો જી.
સાંતીડાં આવ્યાં પાછાં સૂરજદેવ
           સાંજે સહુ હરખાયાં હો જી.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

મને થાવું ગમે

June 15, 2010
લીલાં તરૂકુંજમાં માખી ફરે
         મધમાખી ફરે.
ગુંજારવ કરતી કરતી ફૂલડે ફરે
          ફૂલડે ફૂલડે ફરે.
ઉદ્યમ કરી મધુકોષો ભરે
          મધુકોષો ભરે.
મને મધમાખી એવી થાવું ગમે
          મને થાવું ગમે.
              *
ઝરમર ઝરમર ગાતી સરિતા સરે
          એક સરિતા સરે.
ભરી એ તો કેવાં નિર્મળ જળે
          ભરી નિર્મળ જળે.
ગાંડી ઘેલી બની એ તો ઝટપટ ઝરે
          એ તો ઝટપટ ઝરે.
એવી સરતી સરિતા મને થાવું ગમે
          મને થાવું ગમે.
                 *
મોટા ગ્રંથાલયોમાં બહુ પુસ્તક મળે
          બહુ પુસ્તક મળે.
એ તો જ્ઞાન સુવાસ ચોગરદમ ભરે
          ચોગરદમ ભરે.
અંધારૂં દૂર કરી દીવો કરે
          જ્ઞાન-દીવો કરે.
મને એવા પુસ્તક થાવું ખૂબ જ ગમે
          મને ખૂબ જ ગમે. 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

Follow

Get every new post delivered to your Inbox.