જન્મી જવાની જ્યારે કરે પેરવી ગઝલ,
રણ જેવા રણમાં વહેતી કરી દે નદી ગઝલ.
વિવેકની ગઝલોમાં આ શબ્દો વારંવાર આવે છેઃ ‘શબ્દ’, ‘શબ્દો’, ‘શબ્દોના શ્વાસ’, અને ખુદ ‘ગઝલ’ શબ્દ!
“પેરવી” શબ્દનો અહીં અર્થ લેવાનો છે “તૈયારી”.
રણમાં રણદ્વીપ (Oasis) હોય છે એ તો સાંભળ્યું છે પણ રણમાં નદી?
કવિઓ ગજબના હોય છે! (આ લખનાર પણ એમાં આવી જાય છે એ કેમ ભુલાય!? )
“જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” કહેવત પરથી નવી કહેવત સ્ફૂરે છેઃ
“જ્યાં હોય જીવન-રણ ત્યાં ય પહોંચે ગઝલ-નદી!”
અને જીવન રણ જેવું ઘણી વખત બની જતું હોય છે! ગઝલ-નદીનાં નીર જીવતદાન પણ આપી શકે! અને જીવન લીલુંછમ હોય તો પણ ગઝલ-નદી આપને આનંદનાં નીર પીવડાવશે.
આદિલ તો ગઝલને ગઝલગંગા કહે છેઃ
ઊતરી આવે છે સીધી આભથી
આ ગઝલગંગા તો બારે માસ છે
અલબત્ત, ગઝલ વિવેકનો પ્રિય કાવ્યપ્રકાર છે.
નરસિંહરાવ દીવેટિયાની ક્ષમાયાચના સાથે લખું છું:
આ વાદ્યને ગઝલ-ગાન વિશેષ ભાવે !
ગઝલ મારો પણ પ્રિય કાવ્યપ્રકાર છે. ગઝલ મેં ભાગ્યે જ લખી છે, પણ ગઝલનો હું આશક છું, અને આપને પણ ગઝલ-સ્વાદ ચખાડવા માટે તો મેં આદિલના શેરોનો આનંદ પુસ્તક લખ્યું છે, અને હવે આ વિવેકના શેરોનો આનંદ પુસ્તક લખી રહ્યો છું. અને આપને જો ગઝલ ગમતી હશે તો મારાં પુસ્તકો આપના એ રસને ઓર વધારશે.
આ શેર વિવેકની જે ગઝલમાંથી લીધો છે એના બાકીના પણ બધા જ શેરો ખૂબ જ ગમ્યા. એમને અહીં આપ્યા વિના રહી શકતો નથી.
ઝાકળ પડ્યું છે શબ્દનું જીવતરના ફૂલ પર,
ભીની થયેલી ખુશ્બૂને સૌએ કહી ગઝલ.
જીવી શક્યો અઢેલીને જીવનના દર્દને,
ઓકાત શી છે પીઠની? તકિયો બની ગઝલ.
દિવાલ સાવ કોરી તો ચાલે ના એટલે
મનગમતી ચીજ યાદ કરી ભેરવી ગઝલ.
ધરબી હતી મેં જાત પ્રતીક્ષાની ભોંયમાં,
અણસાર થઈ કૂંપળ જે ફૂટી તે હતી ગઝલ.
મેં શ્વાસ તારા નામનો ઊંડો લીધો જરા,
લોહીના પાને-પાને ત્યાં તો ઊભરી ગઝલ.
(સર્જાતા જતા પુસ્તક વિવેકના શેરોનો આનંદઃ ડો. વિવેક મનહર ટેલરના ૫૦ શેરો વિશે રસમય વાંચન માંથી.)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post:
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.